પાછો તે કંઈક કોથડો ભરીને લઈ આવ્યો. મસમોટો. એપાર્ટમેન્ટની આજુબાજુમાં રહેતા રહીશોએ તેને જોઈ મોં પર હાથ રાખી દીધો. કેટલાક લોકો બોલતા હતા, ‘નહાતો જ નથી.’
કેટલાક કહેતા, ‘સાવ ભીખારી જેવો લાગે છે, આવડા મોટા એપાર્ટમેન્ટમાં રહે છે, પણ કંઈ સુજબુજ જેવું નથી.’ તો કોઈ વળી નાલાયકનું સંબોધન તેના મોં સામે જ ફેંકતા. તેને કોઈ પરવા નહતી. કોઈ ચિંતા નહતી. તે તો રોજ એક નવો થેલો લઈ આવતો અને પોતાના રૂમમાં ચાલ્યો જતો.
એપાર્ટમેન્ટના કેટલાક લોકોએ નોંધ્યું કે, આ ગમાર જે પણ થેલો લઈ અંદર જાય છે, તે કોઈ દિવસ બહાર નથી આવતો. શું કરતો હશે ? ધીમે ધીમે રૂમમાંથી વાસ આવવા લાગી. દુર્ગંધના કારણે આજુબાજુના લોકોને નાકની પીડા સતાવી રહી હતી. નાકમાં રૂમાલ રાખી બહાર નીકળવું પડતું. સોસાયટીના લોકોને લાગતું કે, એ કોઈ કિલર છે !!
રૂમમાં આટલી તીવ્ર દુર્ગંધ આવતી હોય, તો નક્કી કોઈને મારી નાખ્યો હશે. વચ્ચે બ્રામ્હણ સમાજના એક આગેવાન બોલી બેઠા, ‘જ્ઞાતિએ મુસ્લિમ તો નથીને ? બાકી મટન રાંધી એમનેમ મુકી દેતો હોય, તો પણ બને. મેં સાંભળ્યું છે મચ્છીની વાસ ચાર ચાર દિવસ નથી નીકળતી. નાકનો વારો લઈ જાય બાપલિયા.’ પણ ચોપડામાં જોયું તો મુસ્લિમ પણ નહતો અને વણકર પણ નહતો. માંસ ખાનારની જાતિઓ થોડી હોય ! ?
લોકોના નાકની અગ્નિપરિક્ષા પૂરી થઈ. મ્યુનિસિપાલિટીને ફોન કરવામાં આવ્યો, ‘સરસ્વતી એપાર્ટમેન્ટના રૂમ નંબર 25માં એક ભાઈ રહે છે. તેના ઘરમાંથી વાંસ આવે છે. છ મહિનાથી આ તકલીફ છે.’ મ્યુનિસિપાલિટી ગાડી લઈને આવી. હજુ નીચે ઉભા હતા, ત્યાં દુર્ગંધે તેમની સંવેદનાને મચકોળી નાખી. એક મહિલાએ કહ્યું, ‘નમાલો ઉપર જ છે, જલ્દી જાઓ, બાકી અમારો આત્મો મરી જાશે.’
મ્યુનિસિપાલિટીવાળા ઉપર ગયા. પેલાને ખ્યાલ આવી ગયો એટલે રૂમમાં તાડુ મારી બહાર ઉભો રહી ગયો, ‘હું નહીં જવા દઉં.’ આજીજી કરી પણ કંઈ હાથમાં ન આવતા, પેલાને ખસેડી મ્યુનિસિપાલિટીવાળા અંદર ઘુસી ગયા. અંદર કચરાનો ઢગ હતો. કોથળી, ફ્રુટના ગંદા છીલકા, પાણીની બોટલ, પાઉચ અને ભારતભરમાં મળતો કચરો તેણે મ્યુઝિયમની જેમ સંગ્રહી રાખેલો. પોલીસને હવાલે કરવામાં આવ્યો, પણ કાયદામાં કચરો ભેગો કરવાની સજા નથી. મ્યુનિસિપાલિટીવાળાએ રૂમમાંથી કચરો સાફ કર્યો. અને પોલીસે પેલાને પૂછ્યું, ‘આ કચરો ભેગા કરવાનો નવાબી શોખ તને કેમ થયો, હા, નવાબને કૂતરાનો શોખ હતો તને કચરાનો એ માટે ?’ પોલીસવાળો નાભીમાંથી હસ્યો. જે તેની ફાંદ જોઈ અહેસાસ થઈ આવતો.
પેલો બોલ્યો, ‘સર, હું નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલો છું.’
લઘુકથા
#કાંકરીચાળો
મયુર ચૌહાણ
Leave a Reply