2008થી માર્વેલનો જે ક્રમિક વિકાસ થયો તેમાં આર્યન મેનથી શરૂ કરીને છેલ્લે આવેલી થોર રેગ્નારોકે થીએટરોમાં દર્શકોને ભારે મનોરંજન પ્રદાન કર્યું, પણ બ્લેક પેન્થરના ટ્રેલરને જોતા ફિલ્મ અગાઉના તમામ પાર્ટના રેકોર્ડ બ્રેક કરી નાખશે તેવુ લાગતું હતું. જો કે ડુંગરા દુરથી રણીયામણા લાગે એવી પરિસ્થિતિ અહીં થઈ. લાયન કિંગ જેવો સબ્જેક્ટ જેને તમે થોડો એવો બાહુબલી અને મહાભારત સાથે સાંકળી શકો. બે કાકા મોટાબાપાના ભાઈઓની કહાની જે રાજગદ્દી મેળવવાની જીજીવિષા રાખે છે. પણ ફિલ્મ ગોથલીયુ ઘણી જગ્યાએ ખાઈ ગઈ. જેમ કે…
…આ સ્ટોરીપ્લોટ લોકોને બોલિવુડ ફિલ્મો જેવો લાગ્યો. ફિલ્મમાં જે હિન્દી ડાયલોગ લખવામાં આવેલા તેમા કંઈ નવું ન હતું. મનોરંજનનું પૂછળુ ચોંટાળી દીધુ હતું. ઉ-મ્બાકુ જ્યારે ધ્વનિ ઉદઘોષક દ્વારા બોલવામાં આવે ત્યારે તંમ્બાકુ જ લાગે. હિન્દીમાં ડબ થયેલા ડાઈલોગમાં કંઈ લેવલ ન હતું. એટલે નિષ્ફળ ગઈ. બીજુ કે માર્વેલના સુપરહિરોમાં શું હોય છે ? ખાસ પાવર અને સ્ટંટ. જે બ્લેક પેન્થરમાં ક્યાંય જોવા ન મળ્યા. અલબત તેના સ્યુટને નવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું, પણ ટી-ચાલા બનતા ચેડવીક બોસમેનની એક્ટિંગ સામે કિલમોંન્જાર બનતો માઈકલ. બી. જોર્ડન જે માર્વેલની જ અગાઉની ફિલ્મ ફેન્ટાસ્ટિક ફોરના રિબુટ વર્ઝનમાં હ્યુમન ટોર્ચ તરીકે સફળ એક્ટિંગ કરી ઉભરી આવ્યો હતો, તે બધુ ફુટેજ ચાવ કરી ગયો. આમ તો વિલનના કારણે જ ફિલ્મ ચાલી. બાકી તેમની પરંપરા, વાઈબ્રેનિયમ નામનું કાલ્પનિક ધાતુ અને વકાંડા નામના ફિક્શનલ દેશ કરતા તો આર્યન મેનની બિલ્ડીંગ વધારે જોવા લાયક છે.
મૂળ તો એ કે ડો. સ્ટ્રેન્જ જ્યારે બનાવવામાં આવી ત્યારે એ સુપરહિરો કોમિકમાં એટલો પોપ્યુલર નહોતો, પણ તેના વિના માર્વેલના ખમતીધર હિરો શ્રીમાન થેનસને ધરતી પર આવવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત ન થાય ! એટલે તે હિરોને લાવવો ફરજીયાત હતો. જેનું પરિણામ એટલું ગંભીર આવ્યું કે, ડો. સ્ટ્રેન્જ બનતો બેન્ડિટ કેમ્બરબીચ અગાઊ શેરલોક હોમ્સ જેવી ટીવી સિરીયલોમાં નામના મેળવી ચૂક્યો હતો અને બાદમાં ઈમિટેશન ગેમમાં તેની એક્ટિંગની સરાહના થઈ. ઉપરથી ડો. સ્ટ્રેન્જ તેની કહાની અને સ્પેશિયલ ઈફેક્ટના કારણે એટલી સુપરહિટ સાબિત થઈ કે, આજે પણ મુવીસ કાઉન્ટર અને એચડી પોપકોર્ન જેવી ફિલ્મો ડાઊનલોડ કરવાની વેબસાઈટોમાં તે સૌથી વધારે ડાઊનલોડ થયેલી ફિલ્મમાંની એક ગણવામાં આવે છે.
ડો. સ્ટ્રેન્જ… નબળો સુપરહિરો રિયલમાં સુપરહિરો બની ગયો. અને વર્ષોથી બ્લેક પેન્થર કોમિક, જે બચ્ચા લોગનને પસંદ આવી રહી હતી, તે ફિલ્મોમાં નિષ્ફળ પૂરવાર થઈ ગયો. ફિલ્મનું કોઈ એક હિટ પાસુ ગણવું હોય તો તમે મ્યુઝિકને ગણી શકો. આફ્રિકામાં વાગતા ઢોલ નગારાથી લઈને બ્લેક પેન્થરને ઈન્ટ્રોડ્યુસ કરવા માટે જે લયબદ્ધ તાલબદ્ધ સંગીત અપનાવવામાં આવ્યું, તેવું અત્યારસુધી માર્વેલની કોઈ ફિલ્મમાં જોવા નથી મળ્યું. આર્યન મેનનું બ્લેક સબાન્થા પણ એટલું હિટ નહોતું ગયું જેટલું બ્લેક પેન્થરનું આ ગીત ગયું છે. તો વિલન કિલમોંન્જારની એન્ટ્રી સાથે ફિલ્મમાં વિલેનીયસ સંગીત વાગે છે, તેવુ વિદ્યુત જામવાલ માટે તમિલ ફિલ્મોમાં વાગતું હતું. લુડવિન ગ્રોન્સાનને આ ફિલ્મના મ્યુઝિક માટે હાયર કરવામાં આવ્યો હતો. જે અગાઉ ક્રિડથી લઈને દસેક ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યો છે. એટલે મ્યુઝિક માટે બ્લેક પેન્થરની પીઠ થાબળવી પડે.
ફિલ્મમાં ગણીને બે ફાઈટ સારી લઈ શકો. બાકી એકબીજા સામે યુદ્ધ કૌશલ્ય જ દર્શાવવામાં આવ્યા છે. પેલો સીન યાદ કરો, ‘અબ મહારાજા સે બ્લેક પેન્થર કી સારી શક્તિયા વાપસ લી જાતી હૈ’ અને આ ફાઈટ પણ બે વાર આવે છે. સિવીલ વોર ફિલ્મમાં પિતાનું મૃત્યુ ન થયું હોત, તો બ્લેક પેન્થર તરીકે હજુ પણ ટી-ચાલાના પિતા જ આધેડ વયની ઉંમરના દેખાતા હોત. પણ કોમિક્સના નજરીયાથી જોવામાં આવે, એટલે પિતાજી કા મરના જરૂરી થા ! કારના ફાઈટ સીનની તમે ફિલ્મમાં રાહ જુઓ, પણ આ ફાઈટ સીનનો 54 સેકન્ડનો ટુકડો માર્વેલ સ્ટુડિયોએ અગાઊથી જ યુટ્યુબ પર મુકી દીધેલો. માર્કેટિંગ સ્ટ્રેટજી માટે ઉપયોગ કર્યો તો બરાબર હતું, પણ ફિલ્મ જોયા બાદ ખબર પડી કે, આટલી ઓછી ફાઈટ સિક્વન્સમાં આ ફાઈટનો અંશ યુટ્યુબના વમળ વર્તુળોમાં વહેતો મુકવો એ નરી મુર્ખામી હતી. તો છેલ્લે આવતી ફાઈટ જેમાં ગેંડા યુદ્ધ પણ સામિલ હતું અને કિલમોંન્જાર ગોલ્ડન જગુઆર પણ બનતો હતો એટલે આ ફાઈટ આપણા માટે મહત્વની હતી. પણ વકાંડાનો સુર્યાસ્ત થતો નથી, તો પણ ફાઈટને વકાંડાના અંધારા વાઈબ્રેનિયમ રેલ્વે સ્ટેશનમાં લડાવી વિલનને માઈનર સાબિત કરી દીધો. રિયલમાં એક સસ્પેન્સ છતુ કરૂ તો, કિલમોંન્જાર કોમિકમાં હજુ જીવતો છે ! ફિલ્મમાં મારવાનું એકમાત્ર કારણ, વિલન બનતા માઈકલ. બી. જોર્ડનને હજુ ફેન્ટાસ્ટિક ફોરમાં હ્યુમન ટોર્ચનો કિરદાર પ્લે કરવાનો છે.
હજુ આ માથાકુટ પૂરી નથી થઈ. કારણ કે વકાંડાના દરેક શિસ્તબદ્ધ, મહિલા સશક્તિકરણ ધરાવતા કમાન્ડા ટાલિયા સભ્યો મે મહિનામાં એન્ટ્રી મારનારી, યસ રિલીઝ ડેટ બદલી ચુકી છે. મે મહિનામાં એન્ટ્રી મારનારી ફિલ્મ અવેન્જર્સ ઈન્ફિનીટી વોરમાં પણ દેખાશે. જ્યાં કેપ્ટન અમેરિકા આધુનિક પોશાકમાં, પોતાના શરીરમાં કોસ્ચ્યુમ રૂપી થયેલો વિકાસ દર્શાવશે. પણ બ્લેક પેન્થર ફ્લોપ હોવા છતા કરોડોની કમાણી કરી ગઈ, તેની પાછળનું કારણ માર્વેલનું નામ છે. બાકી ફિલ્મમાં કંઈ ન હતું. થીએટરમાં મેં રિલીઝના બીજા દિવસે જોઈ ત્યારે એક ભાઈ બોલેલા પણ ખરા કે, ‘આના કરતા શાહરૂખે રા-વન સારી બનાવી હતી.’
પણ સિવિલ વોરના થોડા સીન્સમાં આવેલો ટી-ચાલા ઉર્ફે બ્લેક પેન્થર પોપ્યુલર થયો એટલે માર્વેલે ફિલ્મ બનાવી નાખી. એવું પણ કહેવામાં આવે છે કે, ઈન્ફિનીટી સ્ટોનનો એક ભાગ તેની પાસે પણ છે એટલે ફિલ્મ બનાવવી જરૂરી હતી. જો કે ફિલ્મની ક્રેડિટલાઈનમાં એ દર્શાવવામાં ન આવ્યું. જે હોય તે તમને તો શું મને પણ એટલી ગમી નહીં. વિચારો હજુ તો DC કોમિક્સ એક્વામેન અને સાયબોર્ગ જેવા નબળા સુપરહિરો પર પણ ફિલ્મ બનાવી રહી છે. ત્યારે શું કરીશું ?
~ મયુર ખાવડુ
Leave a Reply