કદાચ એમના માટે મુનશી લેખક નથી, ભદ્રંભદ્ર પાત્ર નથી, અમે બધા નવલકથા નથી, સરસ્વતીચંદ્ર ક્લાસિક નથી
કેટલું બધુ બદલી ગયુ છે. પરિવર્તન એ નિયમ છે. સંસારનો નિયમ છે, પણ કેટલીક વખત કોઇ વસ્તુ એ જ જગ્યાએ જડ બની જતી હોત તો સારૂ લાગેત. તેના બદલાવની આવશ્યકતા નહોતી. તેની સ્થિતિ મને સારી લાગતી હતી, મારા મિત્રો અને મારી સાથે ભણનારને સારી લાગતી હતી. રસ ધરાવનારી હતી. રૂચિકર હતી. મઝા આવે તેવી હતી. યાદ રહી જતી હતી. વારંવાર સ્મરણ કર્યાનું મન થતું હતું.
જે દિવસથી ભણવાનું છોડ્યું છે ત્યારથી કેટલા અભ્યાસક્રમ બદલી ગયા અને કેટલા ખોવાઇ ગયા તે જાણવાની તસ્દી નથી લીધી. મારા ખ્યાલથી મને ભૂતકાળમાં જીવવું હતું. એટલે હું એ જગ્યાએ સ્થિર થવામાં માનતો હતો.
આકરો ઉનાળો અને ભીડભાડની વચ્ચે વારંવાર લાલ દરવાજાના જૈન મંદિર તરફ જવુ ગમે છે. એ દરવાજે પહોંચતા ભીડ ઓછી થઇ જાય છે. પુસ્તકો ખરીદનારાઓ પરાણે આમંત્રણ આપતા હોય છે. ત્રણ-ચાર પ્રકાશન સંસ્થાઓ આવેલી છે.
થોડા સમય પહેલા ત્યાં એક પૂરી-શાક વેચનારો હતો. લાંબા સમયે મુલાકાતે જવાનું થયુ ત્યારે તે ત્યાં નહોતો. ત્યાં જવાનું થતું ત્યારે અચૂક તેની મુલાકાત લેવાની થતી. બાજુમાં એક કાકા ઠંડી મસાલા છાશ વેચતા. તેમને સંભળાતું નહીં એટલે માત્ર પતિકાત્મક ઇશારાથી વાત થતી. રૂપિયાની લેવડ દેવડ અને આવજો…
બધા દુકાનદારો આટલા શાંત કેમ નથી હોતા ? તે કાકા પાસે પહોંચતો ત્યારે આવો પ્રશ્ન જાગતો.
દોઢ મહિને ત્યાં મુલાકાત લેવાનું થયું. પણ એટલા માટે નહીં કે કોઇ પુસ્તકો ખરીદવાના હતા. ખરીદવાના હતા, પણ તે અત્યારે આપણા કામના નહોતા. જૂના પુસ્તકો વેચનારા પાસે સ્પર્ધાત્મક પરીક્ષા સિવાયનું કોઇ સાહિત્ય નહોતું. તો પણ તે વેચવા માટે દલીલ કરી રહ્યા હતા. તેમને અવગણી આગળ નીકળ્યો.
તેના આગલા દિવસે જ પાલડી પાસે આવેલા એક બુકસ્ટોરમાં મુલાકાત લેવાનું થયેલું ત્યારે ફરી આ ચોપડીઓ માગેલી પણ મળી નહીં. તેણે ના કહી દીધેલી.
વિચાર આવેલો કે અમદાવાદમાં ઝેરોક્ષ અને પુસ્તકવિક્રેતાઓની દુકાનો ઓછી છે ! કાં તો મેં જોઇ નથી !
પણ અતુલ પ્રકાશનમાંથી મને મળી ગઇ. ગુજરાતીની ધોરણ 10,11,12ની ચોપડી માગી. મારી સામે લાંબી સાઇઝના ત્રણ પુસ્તકો આવ્યા એટલે મેં નાક મચકોડ્યું. આ શું છે ? આવુ પુસ્તક હોય? અમારા જમાનામાં તો નાનું હતું. સરસ્વતીચંદ્રની લંબાઈ જેટલુ… !
મારા માનસપટ પર મારી બોર્ડની પરીક્ષા યાદ આવી ગઇ. ત્યારે કેવું આવતું હતું. પન્નાલાલ પટેલની લાડુનું જમણ, ધૂમકેતુની જુમ્મો ભીસ્તી, નરસિંહ મહેતાને તો પ્રથમ સ્થાન આપી જ દેવામાં આવેલું હોય, તે આને જ લાયક હતા. એ પછી મીંરાએ કૃષ્ણને યાદ કર્યા હોય. પછી શામળ, પ્રેમાનંદ, નર્મદ, જેવા ઉચ્ચકોટીના સાહિત્યકારો. રમેશ પારેખ આવે, વિનોદ જોશીનું ગીત તો ફરજીયાત પાક્કુ કરવાનું રહેતું. બાકી સોટી પડતી. માય ડિયર જયુની ગીલાનો છકડો.
મેઘાણીનું સ્થાન પદ્યમાં નહીં તો ગદ્યમાં નક્કી માનવામાં આવતું. જ્યોતિન્દ્રની સોયને દોરો કે પછી ભદ્રંભદ્રની આગગાડીના અનુભવો જે રમણભાઇ નીલકંઠે લખેલા છે, તે તો બાદમાં ખબર પડી. એ પહેલા ભદ્રંભદ્ર માનસપટ પર છવાઇ ગયો.
અગિયારમાં ધોરણમાં પણ આવું બીબાઠાળ નીકળ્યું પણ નવા લેખકો મળ્યા. અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ સાથે ભેટો થયો. વિનોદ ભટ્ટે લખેલું ચરિત્ર ચંદ્રવદન ચી મહેતા જેની પેલી લીટીમાં આવે કે,‘ચંદ્રવદન વિશે દર બીજા વ્યક્તિને કશું કહેવાનું હોય છે.’
બારમાં ધોરણમાં સરસ્વતીચંદ્રના બીજા ભાગનું એક પ્રકરણ ગુણસુંદરની કુટુંબવ્યવસ્થા જેના પાત્રો ચંચળ,દુખબા,મુર્ખદત્ત આ બધાએ મહાનવલ વાંચવા પ્રેરિત કરેલા. વિનીપાતનો સંવાદ,‘પડે છે ત્યારે સઘળુ પડે છે.’
જોસેફ મેકવાનની ભવાન ભગત, કિશોરલાલ મશરૂવાળાની સમૂળીક્રાંતિ… આમ જુઓ તો બધુ કંઠસ્થ છે. ગદ્ય અલગ અને પદ્ય પણ અલગ. એટલે છોકરાઓને ગદ્ય પદ્યના તફાવતની જાણકારી મળી રહે.
ત્રણ બુક સામે આવી ગઇ અને દુખ થયું કે હવે અભ્યાસક્રમ બદલી ગયો છે. જાણવાની આતુરતા સાથે લેખકોની બદલી ગયેલી ફોજ કરતા તેની કઇ કૃતિઓ હશે તે જોવાની લાલસા રોકી નહોતી શકાતી. તો પણ ઉનાળાએ ઘેર જઇ જોવા માટે મજબૂર કર્યા. મારે તો જૂની ટેક્સબુક જોઇતી હતી, જેમાં આપણા સાહિત્યકારો હતા, આપણી શ્રેષ્ઠ કૃતિઓ ભરાયેલી પડી હતી. આ પણ ચાલશે તેમ મનને મનાવ્યુ.
ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં પદ્ય ગદ્ય ભેગા કરી દીધા છે. ખીચડો જેવું લાગતું હતું. કવરપેજના પાછળના ભાગે ટ્રાફિકના નિયમો લખેલા હતા. હવે દસમા ધોરણનો છોકરો પણ ગાડી ચલાવતો થઇ ગયો છે, તેની ગુજરાત સરકારને પણ ખબર છે, આ જાણી હાશકારો થયો. નિયમ પ્રમાણે પાછળના ભાગે રાષ્ટ્રીય જન ચેતનાનું ગુજરાતની ગાથા વર્ણવતું ગીત હતું. તેના આગળના ભાગમાં પણ ઝીબ્રા ક્રોસિંગની માહિતી હતી. વધતા અકસ્માતથી સરકાર ચિંતિત હોવાનો વધુ એક પૂરાવો આપણા હાથે લાગ્યો.
નિયમ પ્રમાણે વૈષ્ણવજન કૃતિ હતી. તેનું સ્થાન કોણ લઇ શકે ? તેવું તો હજુ કોઇ પાક્યુ નથી. બીજા નંબરે પાઠ હતો. વર્ષા અડલજાનો રેસનો ઘોડો, આ વખતે ગંગાસતીનું ભજન પણ છે. એકાંકી ક્ષેત્રમાં રઘુવીરે આપણા સમયે ડિમ લાઇટ જેવી શ્રેષ્ઠ કૃતિથી પરિચય કરાવેલો. અહીં પણ રઘુવીરની એકાંકી-ભૂલી ગયા પછી છે…. અશોક ચાવડાની ગઝલ છે. ગુણવંત શાહનો વાયરલ ઇન્ફેક્શન નિબંધ છે. વિનોદ જોશીનું હું એવો ગુજરાતી ગીત છે. આપણો પ્રિય વિષય હાસ્ય લઇ આ વખતે રતિલાલ બોરિસાગર આવ્યા છે. જેનો છત્રી હાસ્યનિબંધ ખડખડાટ હસાવે છે.
ઉર્મીગીત…. આવું પણ ગીત આવતું તે ચોપડી ખોલી ત્યારે ખબર પડી. હરિન્દ્ર દવે તેના રચયિતા છે. ‘માઘવ દીઠો છે ક્યાંય.’
પોલિટેકનિક વાર્તાસંગ્રહ આપનારા મહેન્દ્રસિંહ પરમારનો નિબંધ ડાંગવનો અને…. કલાપીનું ઉર્મીકાવ્ય શિકારીને….આત્મકથાખંડ ચંદ્રકાંત પંડ્યાએ લખ્યો છે, જેનું નામ છે, ચોપડાની ઇન્દ્રજાળ.
જયંત પાઠકનું સોનેટ વતનની વિદાય, સુરેશ જોશીની નવલિકા જન્મોત્સવ, પન્નાલાલ પટેલની ભૂખથી ભૂંડી ભૂખ જે માનવીની ભવાઇમાંથી લીધેલી છે. હમણાં જે વિવાદ ટોચ પર પહોંચ્યો છે તે ગુજરાતી પાઠ્યપુસ્તકનું કે સાહિત્યનું ?! લોકગીત ચાંદલીયો. પછી દુહા,મુક્તક, હાઇકુ અને પ્રવાસવર્ણનમાંથી કાકાસાહેબ કાલેલકરની બાદબાકી છે.
ધોરણ અગિયારમાં નરસિંહ મહેતાનું સ્થાન ભાલણે છીનવ્યું છે. તેનું નાવિક ભજન ઉંમેરાયુ છે. પણ અગિયારમાં ધોરણમાં નરસિંહ મહેતા ક્યાંય નથી. સુખદ સમાચાર એ કે ધૂમકેતુની પોસ્ટઓફિસ વાર્તા અગિયારમાં ધોરણમાં પ્રવેશ કરી ચૂકી છે. ચરિત્ર નિબંધમાં કિશનસિંહ ચાવડા રચિત અમૃતાએ સ્થાન ગ્રહણ કર્યું છે. જે તેમની લાડકી બહેનનું ચરિત્ર છે.
અખાના છપ્પા અડીખમ છે. જયશંકર સુંદરીની આત્મકથાનો કટકો મુક્યો છે. નવી એન્ટ્રી થઇ છે મહેશ યાજ્ઞિકની. જેની વાત એક શાપની વાર્તાનો અહીં સમાવેશ થયો છે. પછી ભજન, લોકગીત, દુહા છંદ સાથે અગિયારમાં ધોરણનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે.
બારમાં ધોરણમાં થોડુ સુધર્યું છે. નરસિંહ મહેતાનું પદ્ય અખિલ બ્રહ્માંડમાં. ચુનીલાલ મડિયાની નવલિકા ખીજડિયે ટેકરે. આખ્યાનખંડ અને આત્મકથાખંડ છે. નટવરલાલ બુચનો માંડ માંડ હાસ્ય ઉપજાવતો હાસ્યનિબંધ ઉછીનું માગનારાઓ. દયારામની ગરબી. આ સિવાય ધીરૂબહેન પટેલ, આનંદશંકર ધ્રૂવ અને એન્ટો ચેખોવની નવલિકા શરતની બાદબાકી કરો તો બધુ બાદબાકી કર્યા જેવુ જ છે. શરત તો બીએ આર્ટસ કોલેજના કમ્પલસરી ઇંગ્લીશના બીજા સેમેસ્ટરમાં પણ આવે છે. કેટલું રિપીટ, કેટલી ઉઠાંતરી.
ગુજરાતી ભાષાની ચોપડીઓમાં નવું આવ્યું છે. નવા લેખકોને સ્થાન જોઇએ જ. કારણ કે હવે તે નવા લેખકો આપણી ભાષાના મર્ધુન્ય સાહિત્યકારો થઇ ગયા છે. પણ નવા લેખકો સાથે મોટાભાગના જૂના લેખકોને આવજો કરી દીધુ છે.
રામનારાયણ વિશ્વનાથ પાઠકની વાર્તા કે બક્ષી સાથે તો મુગ્ધાઅવસ્થા ધરાવતા વિદ્યાર્થીની મુલાકાત જ નથી કરાવી. મેઘાણીનું સાહિત્ય છે, પણ ભણવામાં બદમાશ જેવી કૃતિ હોવી જરૂરી છે. વિનોદ જોશી છે, પણ તેમની… કુંચી આપો બાઇજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી… નથી.. એ ગાવાની મઝા હતી. તે નવા ગીતોમાં નથી. હાસ્યમાં જ્યોતિન્દ્ર અને વિનોદ તો દેખાતા જ નથી.
નવલકથાખંડનું એક પ્રકરણ લેવું હતું તો અમે બધા ક્યાં નહોતી ? ભદ્રંભદ્રનું પણ કોઇ પ્રકરણ લઇ શકાયુ હોત. ધ્રૂવભટ્ટની સમુદ્રાન્તિકેનું પ્રકરણ નથી. હવે તો તત્વમસિનું ઉમેરવું જોઇતું હતું કે અકૂપાર. કાદાચ તેમના માટે આ સાહિત્યકૃતિ નથી. મુનશી લેખક છે તેવુ આ લોકો નથી માનતા લાગતા. કાકાસાહેબ નહીં તો રસિક ઝવેરીની અલગારી રખડ્ડપટ્ટી પણ ક્લાસિક રહી છે, રહેશે. વિનેશ અંતાણી કે ભગવતી કુમાર શર્માની ધાપુ નવલિકા રાખી હોત તો !
પાઠ્યપુસ્તક તૈયાર કરવાના નિયમો કેવા હશે તે મને ખબર નથી, પણ ગુજરાતીનું પાઠ્યપુસ્તક તૈયાર કરનારા કદાચ ગુજરાતીમાં ફેલ થતી ભાવી પેઢીને હાશકારો આપવા આ સાહિત્યનું સંપાદન કર્યું હોવુ જોઇએ. આ વર્ષે જ દોઢ લાખે ગુજરાતીમાં દાંડી મારી છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply