પાકિસ્તાન એ મુર્ખાઓની સાથે સાથે મહત્વકાંક્ષીઓનો દેશ છે. ત્યાં હોશિયાર લોકો કલાના ક્ષેત્રની પસંદગી કરે છે અને મુર્ખાઓ રાજકારણી બની જાય છે. અત્યાર સુધીના ઈતિહાસને તપાસતા રાજકારણી બનવા કરતાં આર્મીના વડાના પદ પર બેસવું હિતાવહ માનવામાં આવે છે. પ્રધાનમંત્રીને આર્મીનો વડો કંઈ ગણતો જ નથી. છાશવારે આ સમાચારો ત્યાંના સૌથી મોટા અખબાર ડોને છાપવા પડે છે. આ અખબારને ઈન્ટરનેટ પર વાંચતા ય લોકો ડરે છે, કારણ કે તેનું નામ ‘ડોન’ છે. આજે અખબારનો માલિક પણ આ નામ કયા ચોઘડીયામાં રાખ્યું તે યાદ કરી માથુ કૂટતો હોવો જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે એ સમાચાર તેની અંગ્રેજી ભાષા માટે ખ્યાતનામ છે. જે વાત ત્યાંના સ્થાનિક લોકો પણ માનવા તૈયાર નથી.
પાકિસ્તાનમાં ખૂબ ઓછા લોકોને અંગ્રેજી આવડે છે જે તેનો ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હક પણ સ્વીકારી ચૂક્યો છે. એ જ્યારે પણ પોતાની ટીમની ખામીઓ કાઢવા માટે મેચની પૂર્ણાહુતિ બાદ આવે એટલે પાકિસ્તાની કોમેન્ટેટરને કહે, ‘અંગ્રેજી કો મારો ગોલી હિન્દી મેં બાત કરો.’
ભારતના ક્રિકેટરો પણ મેદાનમાં આ માટે જ હિન્દીની જગ્યાએ અંગ્રેજી બોલવું ઉચિત માને છે. પાકિસ્તાનની આર્મી પર એવો આરોપ પણ લાગેલો કે વિદેશનીતિને મજબૂત બનાવવા માટે તેમણે ઈમરાનને વડાપ્રધાન પદ માટે પસંદ કર્યો, કારણ કે તેને અંગ્રેજી સારું આવડે છે.
આ દેશના લોકો મુર્ખ છે તેટલા જ અભિનયમાં માહેર છે. પોતાની ભોળી અને લોભામણી વાતોથી તેઓ પૈસા પડાવવામાં ઉસ્તાદ છે. અહીંના નેતાને અભિનય અને સ્પોર્ટ્સ ખૂબ પ્રિય છે. દેશમાંથી રમત જગતના સારા દિવસો અને સારા ખેલાડીઓ વિદાય લઈ ચૂક્યા છે. રહી વાત અભિનયની તો એ રાજકારણીઓને ખૂબ સારી રીતે આવડે છે. પ્રથમ બદલો, અભિનય અને રમતની વાતનો દાખલો લઈએ.
1987માં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પાકિસ્તાનનો વોર્મઅપ મેચ હતો. કેપ્ટન ઈમરાન ખાન વિરૂદ્ધ સર વિવિયન રિચર્ડસ. ડ્રેસિંગ રૂમમાં ઈમરાનને ખબર પડી તો તેની દાંડી ઉડી ગઈ કે આજે કેપ્ટન તરીકે અને ઓપનિંગ બેટ્સમેન તરીકે આ માણસ ઉતરશે. તેણે તેનો ચહેરો જોયો તો હક્કો બક્કો રહી ગયો. ઈમરાનને આ મેચમાં રમવાનું ન હતું. ટોસ માટે જ્યારે પેલો યુવાન મેદાન પર આવ્યો તો રિચર્ડ્સ પણ ચકિત્ત થઈ ગયો. આ માણસને તો તેણે કોઈ દિવસ દીઠો નહોતો. પાકિસ્તાને ટોસ જીત્યો અને ઓપનિંગમાં ભલામણવાળો ખેલાડી ક્રિઝ પર ઉતર્યો. વિન્ડીઝના ઘાતક બોલર સામે તેની દાળ થોડી ગળવાની હતી. બીજા જ બોલે તેના ચકલા હવામાં ઉડી ગયા. આ બેટ્સમેનનું નામ હતું નવાઝ શરીફ. જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો એ સમયે મુખ્યમંત્રી હતો.
ઈમરાને ભવિષ્યમાં આ ઈનિંગનું વટક પણ વાળી લીધું. નવાઝ શરીફ ગધેડાની જગ્યાએ ઉભો રાખો તો ત્યાં પણ ન ચાલે એવો વ્યક્તિ હતો. તેના બાપુજી મીયાં મહોમ્મદ શરીફે જોયું કે તે અભ્યાસમાં નબળો છે, તો એક્ટિંગમાં મૂક્યો. અભિનયમાં પણ ન ચાલતા ક્રિકેટમાં મૂક્યો, ક્રિકેટમાં પણ ન ચાલતા દાદાગીરીથી તેને પોલીસમાં ભરતી કરાવી દીધો. તેની ઊંચાઈ અને શરીર માફકસર ન હતું. થોડા સમયમાં જ ત્યાં પણ ન ચાલ્યો એટલે રાજકારણમાં કૂદકો માર્યો. બાપના પીઠબળથી મુખ્યમંત્રી બન્યો. અને ભવિષ્યમાં વડાપ્રધાન પણ બની ગયો. આ થયું ગધેડો રાજા બન્યો તેનું ઉદાહરણ.
કુદરત બધાને તેના ત્રાજવામાંથી બરાબર માપતોલ કરીને આપે છે. ભાગલા બાદ પાકિસ્તાનને જે મળ્યું તેની વિશ્વના કોઈ પણ દેશને તમન્ના હોય. આટલી હરિયાળી, ઝાડ, ખળખળ વહેતા ઝરણા. બીજી વસ્તુ પાકિસ્તાનને મળી ત્યાંના ઘાતક બોલરો. જે ભૂતકાળમાં ગમે ત્યારે રમત બદલવા સક્ષમ હતા. અને હવે કાળક્રમે નામશેષ થવા લાગ્યા છે. ત્રીજા નંબરે તેના ઉત્કૃષ્ટ ગાયકો. નુસરત ફતેહ અલી ખાન, જેમનું ખાનદાન હાલના પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં 600 વર્ષથી કવ્વાલી થકી જનતાનું મનોરંજન કરતું હતું. ગુલામ અલી ચૂપકે ચૂપકે રાત દિન જેવી ગઝલ ગાઈ બંન્ને દેશોમાં રાતોરાત લોકપ્રિય થયેલા. ફૈઝ અહેમદ ફૈઝને પણ અવગણી ન શકાય. જેમના વિદ્યાર્થી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દ્રકુમાર ગુઝરાલ હતા.
અટલ બિહારી વાજપેયીએ તો આ રાષ્ટ્ર માટે સંબોધનમાં એમ કહેલું કે, ‘આપણે મિત્રો બદલી શકીએ છીએ પાડોશી નહીં.’ રાજનાથ સિંહે પણ પોતાના રક્ષામંત્રાલયના કાર્યકાળમાં પાકિસ્તાન અંગે કહેલું, ‘ઈશ્વર આવો પાડોશી કોઈને ન દે.’
પાકિસ્તાનને વિજ્ઞાન સાથે બાપે માર્યા વેર છે. 1979માં ડો. અબડસ સલામને ભૌતિકશાશ્ત્ર માટે નોબલ પ્રાઈઝ મળેલું ત્યારે તેમણે ભારત સામે ગળગળા થઈ કહેલું કે મને એક વખત મારા ગુરૂ અનિલેન્દ્ર ગાંગુલી સાથે મુલાકાત કરવા દો. જેણે મને ગણિત શીખવાડ્યું. પ્રોફેસર ગાંગુલી ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી ભારતમાં સ્થાયી થયા હતા.બે વર્ષ પછી 19 જાન્યુઆરી 1981ના રોજ ડો. સલામ પોતાના ગુરૂ ગાંગુલીને સાઉથ કલકત્તામાં મળી શક્યા હતા.
રમતમાં તો ક્રિકેટ સિવાય આ દેશનું કોઈ મોટું યોગદાન નથી. છતાં એકમાત્ર સિઆલકોટમાં જ 40 ટકા ફૂટબોલનું ઉત્પાદન આ દેશ કરે છે. જે પણ પાકિસ્તાનીઓ માટે કૌતુકસભર વાત છે, કારણ કે જે દેશમાં ક્રિકેટ જ પ્રથમ પ્રેમ હોય અને ફૂટબોલને કોઈ ગણકારતું સુદ્ધા ન હોય ત્યાં આટલા બધા ફૂટબોલના દડા કેમ બને છે ? પાકિસ્તાન જેની સૌથી વધારે નિકાસ કરે છે તેમાં ફૂટબોલનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાન એવું રાષ્ટ્ર છે કે અહીંના લોકોને ન કરવાનું વધારે ગમે છે. બાસિત ફારુક અલવી અને અમઝદ ફારુક અલવી નામના બે ભાઈઓને એક રાતનાં ગમ્મત કરવાનું મન થયું. ગમ્મત એટલી મોટી થઈ ગઈ કે IBM પર્સનલ કોમ્પયુટરમાં તેમણે વિશ્વનો પ્રથમ PC વાઈરસ પેદા કરી ઘુસાડી દીધો. આ દુર્ઘટના 1986ની સાલમાં ઘટી હતી. આ દેશ નવું સર્જન નથી કરતો, પણ જે દેશ કંઈ નવું સર્જન કરે તેમાં સમસ્યા શોધી આપવાની જવાબદારી હોશે હોશે ઉઠાવી લે છે.
એવું પણ નથી કે આ રાષ્ટ્રના લોકો શોધ કે નિર્માણ નથી કરતા. તેઓ શોધ એવી કરે છે કે ત્યાં ચકાસણી કરવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાઓને ફરજીયાત જવું પડે છે અને થોડા દિવસ સુધી મુલાકાતીએ તેલથી પગની માલિશ કરવી પડે છે. દરિયાથી 15,397 ફૂટ ઉપર એટીએમની સ્થાપના કરી પાકિસ્તાને સાબિત કર્યું છે કે વિદેશથી ઉધાર લીધેલા પૈસા અહીં સુરક્ષિત છે. જોકે મોટી વાત એ છે કે અહીં લોકો ફરવા આવે છે. પૈસા ઉપાડે છે. પૈસા ઉપાડે છે આ માટે નેશનલ બેંક ઓફ પાકિસ્તાને પણ ત્યાં પૈસા નાખવા જવું પડે છે. ખૂદ બેંકને હવે એટીએમનો ખર્ચો માથે પડવા લાગ્યો છે. મોટાભાગના પ્રવાસીઓ પર્વતની સુંદરતાને નહીં પણ અહીં આવેલા એટીએમને જોવા આવે છે. જેમાં ચીન અને અમેરિકા સહિતના દેશના ઉધાર નાણા ફસાયેલા પડ્યા છે !!
દેશમાં નામ અને અટકની ખૂબ તંગી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. એક સોસાયટીમાં પાંચ ઈમરાન, હનીફ અને મોહમ્મદ રહે છે. પાકિસ્તાન વિશ્વની સારી સારી વસ્તુઓનાં નામ ખૂબ કોપી કરે છે. હમણાં માણાવદર અને જૂનાગઢને પોતાના નક્શામાં બતાવનારા પાકિસ્તાનને એ વાતથી સંતોષ નથી કે તેની પાસે ઓલરેડી એક જૂનાગઢ છે. જેનું નામ છે જૂનાગઢ હાઉસ ઓફ કરાંચી. જ્યાં નવાબ જૂનાગઢથી ભાગ્યા બાદ રહેતો હતો. એક જૂનાગઢનો કિલ્લો તો રાજસ્થાનના બિકાનેરમાં પણ આવેલ છે. ખૂદ દાઉદે પણ પોતાના બંગલાનું નામ વ્હાઈટ હાઉસ રાખ્યું છે. જે અમેરિકામાં છે જ.
ભારતે વિશ્વને તેના ગ્રેટ બ્રેઈન આપ્યા. જેઓ વિજ્ઞાન, કોમ્પયુટર સાયન્સ અને બિઝનેસમાં કામ કરે છે. તો પાકિસ્તાને વિશ્વને કેટલાક આતંકીઓ આપ્યા છે. જે તેમની સરકારને પણ ખબર નથી કે અમારા છે. ઝીરો ડાર્ક થર્ટીનું શૂટિંગ પાકિસ્તાનની જગ્યાએ ભારતના ચંદીગઢમાં થયું હતું. આ વાતથી કેટલાક લોકો રોષે પણ ભરાયા હતા.
છેલ્લે તો એટલું જ કહેવાનું કે, પાકિસ્તાનની આવી હરકતોથી વિશ્વ એવું તંગ આવી ચૂક્યું છે કે ત્યાંની સુંદર મહિલા રાજકારણીઓ અને ક્રિકેટની લેડી ફેનને મળ્યા વિના જ ચલાવી લેવાનું પસંદ કરે છે. કદાચ આ કારણે જ UNમાં બધા ભેગા થઈને કહેતા હોય છે કે હવે તો બધુ બંધ કરો, બાકી બ્લેક લિસ્ટમાં નાખી દઈશું. પણ ચીન તેને બચાવી લે છે. આ બંન્નેની દોસ્તી એવી અતૂટ છે કે બ્રામાંથી બનેલા માસ્ક પણ ચીન પાકિસ્તાનને આપે તો પાક ચલાવી લે છે. આનાકાની કરતું નથી.
બેનઝીર ભુટ્ટોએ તેની આત્મકથા ડોટર ઓફ ધ ઈસ્ટમાં એક ફકરો લખ્યો છે, ‘પાકિસ્તાન એ કોઈ સામાન્ય રાષ્ટ્ર નથી. મારું જીવન પણ સીધું સપાટ નથી. મારા પિતા અને મારા બે ભાઈઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. મારા પતિ અને મને કારાવાસ થયો. મને દેશ નિકાલ કરવામાં આવી. આવું અહીં જ શક્ય બને.’
~ મયૂર ખાવડુ
Leave a Reply