બરેલીમાં મોડર્ન વિચારોના કારણે જેના લગ્ન નથી થતા હોતા તેવી બિટ્ટી(કૃતિ સેનન) ઘર છોડીને ભાગે છે. રેલવે સ્ટેશન પરથી ‘બરેલી કી બરફી’ નામની એક કિતાબ ખરીદે છે, એ કિતાબમાં ડિટ્ટો તેના જેવી જ છોકરીની વાર્તા હોય છે. એનાથી તે ઘરે પાછી ફરે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. એ લેખક પ્રિતમ વિદ્રોહી(રાજકુમાર રાવ)ની શોધમાં નીકળે છે. જેમાં તેનો ભેટો પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા ચિરાગ દુબે(આયુષમાન ખુરાના) સાથે થાય છે. ચિરાગ બિટ્ટીના પ્રેમમાં પડી જાય છે. બિટ્ટી પેલા લેખકના પ્રેમમાં છે. ચિરાગ ઈચ્છે છે કે પ્રિતમ વિદ્રોહી ગુંડાના સ્વરૂપમાં તેની સામે આવે અને તેનું દિલ તોડી નાખે. પણ થાય છે તેનાથી બિલકુલ ઉલટુ અને આરંભાય છે સિચ્યુએશનલ કોમેડી સાથેનો એક ઈમોશનલ ડ્રામા. બે મિત્રો ચિરાગ અને વિદ્રોહી બોલિવૂડની ક્લાસિક ફિલ્મ ‘સાજન’-‘સાજન’ રમવાનુ શરૂ કરી દે છે. પરિણામ એ જ આવે છે, જે આપણે કલ્પી શકીએ છીએ.
ફિલ્મનું ડિરેક્શન કર્યુ છે ‘નીલ બટ્ટે સન્નાટા’ ફેમ અશ્વિની ઐયર તિવારીએ. ફિલ્મ લખી છે શ્રેયશ જૈન અને રજત નોનિયા સાથે મળીને ‘દંગલ’ના ડિરેક્ટર નિતેશ તિવારીએ. જે ડિરેક્ટર અશ્વિનીના પતિ છે. સ્મોલ ટાઉન કેરેક્ટર્સના ઉઘાડ અને નાના શહેરોની વાર્તા કહેવામાં પોતાની હથોટી હોવાનુ અશ્વિનિ ઐયરે ‘નીલ બટ્ટે સન્નાટા’માં જ સાબિત કરી દીધેલુ. આ ફિલ્મમાં પણ નાના શહેરની પણ મોટા સપના ધરાવતી બિટ્ટી, તેના ખુલ્લુ દિમાગ ધરાવતા અને આખો દિવસ મમ્મીનું સાંભળતા અને રાત્રે પંખાને સંભળાવતા પિતા(પંકજ ત્રિપાઠી), અને ટિપિકલ માતા(સીમા પહવા), પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો ચિરાગ દુબે અને પોતાના નાના સપનાઓની સિમિત દુનિયામાં ખુશ પ્રિતમ વિદ્રોહી સહિતના પાત્રોનો ઉઘાડ ખુબ જ સરસ છે. પાત્રો ઉપસાવવામાં ડિરેક્ટરે ખાસ્સો એવો સમય લીધો છે. યુપીના સ્મોલ ટાઉનનો લોકાલ પણ સારી રીતે ઝીલાયો છે. ભાષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. ‘યે તો આસ્તિન કા એનાકોન્ડા નીકલા’ ટાઈપના વનલાઈનર્સ ધરાવતુ રાઈટિંગ સ્માર્ટ છે.
માઈનસ પોઈન્ટ્સની વાત કરીએ તો શરૂઆતના કેટલાક દ્રશ્યોમાં છોકરા છોકરી વચ્ચેના ભેદભાવો અંગેનુ નોલેજ પીરસવા ખાતર જ પીરસાયુ હોય એટલુ ફ્લેટ જાય છે. એ સંવાદોને એડિટ કરી શકાયા હોત અથવા થોડી મહેનત કરીને વધુ મજબૂત બનાવ્યા હોત તો ભાષણના બદલે મનોરંજન બની શકેત. એ જ રીતે ફિલ્મમાં ડિરેક્ટર ક્યાંય ઉતાવળમાં જણાતા જ નથી. ઈન્ટરવલ પહેલાનો ખાસ્સો એવો ભાગ પાત્રોના ઉઘાડમાં જાય છે અને વાર્તા શરૂ થયા બાદ એમાં ગીતોના બમ્પ આવ્યે રાખે છે. એટલે ઈન્ટરવલ બાદ ફિલ્મ ધીમી લાગવા માંડે છે. બીજી ખામી એ છે કે ફિલ્મ અપેક્ષા મુજબ ક્લાઈમેક્સમાં આઉટ એન્ડ આઉટ સિચ્યુએશનલ કોમેડી બનવાના બદલે ઈમોશનલ બની જાય છે. વાર્તા પ્રેડિક્ટેબલ હોવાથી તમે એ ઈમોશન્સ સાથે જોડાઈ નથી શકતા કારણ કે તમને એ ખબર હોય છે કે અંતે શું થવાનુ છે.
એક્ટિંગમાં ફિલ્મનો મેન ઓફ ધ મેચ છે રાજકુમાર રાવ. ખાસ કરીને એનો ભલા-ભોળા યુવાનમાંથી ગુંડામાં ટ્રાન્સફોર્મેશનનો સિન જોવા જેવો છે. આયુષમાન ખુરાના પણ પોતાના પાત્રમાં સહજ લાગે છે. કૃતિએ એના પાત્રને બરાબર ન્યાય આપ્યો છે. કૃતિના પિતા બનતા પંકજ ત્રિપાઠી ઈંચ ટુ ઈંચ પરફેક્ટ લાગે છે અને સીમા પહવાએ પણ રંગ રાખ્યો છે. ફિલ્મનું સંગીત ફિલ્મ પૂરતુ બરાબર છે પણ ગીતો લાંબા સમય સુધી યાદ રહી જાય તેવા નથી. ટાઈમપાસ ખાતર એક વાર જોઈ શકાય.
ફ્રિ હિટ :
સમય પાકી ગયો છે કે #Kashmir ના પથ્થરબાજો સામેથી સેના ખસેડીને ખાડીયાવાળાઓને છુટ્ટા મૂકીને એમના કાનમાં ‘કરફ્યુ’ કહી દેવામાં આવે…!!!
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૨૨-૦૮-૨૦૧૭ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply