એક ટિપિકલ સલમાન મુવીમાં શું હોય? તો કે સલ્લુના પ્રહારોથી ન્યુટનના નિયમની ઐસી કી તૈસી કરીને હવામાં ઉડતા ગુંડાઓ. તૂટતા હાડકાઓની કડેડાટી ને ફાઈટ સિન્સમાં ફૂટતા માલ-સામાનની કિચુડાટી. ‘કન્ફ્યુઝ હો જાઓગે કી ખાએ કહાં સે ઓર પાદે કહાં સે’ ટાઈપના ચીપ અને તાલીમાર-સીટીમાર વનલાઈનર ડાઈલોગ્સની ભરમાર. સલમાનના દબંગબ્રાન્ડ સિનસપાટા અને મેનરિઝમ. માઈન્ડલેસ કોમેડી અને સેન્સલેસ સિકવન્સિસ. ‘મુન્ની બદનામ’ ટાઈપના ઢીંચાક આઇટમ સોંગ્સના ધૂમધડાકા. ટૂંકમાં એક સારી વાર્તા સિવાયના એ તમામ મરી-મસાલા જે સલમાનના ફેન્સ એક્સપેક્ટ કરતા હોય. સલ્લુ મિયાંની આ પ્રકારની ફિલ્મો વિવેચકોના ચશ્મા ઉપરતળે થઈ જાય એ હદે સફળતા મેળવતી રહે ને દુનિયા જલે તો જલે. એટલે જ જાણીતા ફિલ્મ ક્રિટિક મયંક શેખરે એક વાર એક મસ્ત વાત લખેલી કે, ‘સલમાનની ફિલ્મનો રિવ્યુ કરવો એ અંડરવિયરની ઈસ્ત્રી કરવા જેવું છે, કરો કે ન કરો કોઈ અર્થ નથી.’
લેકિન, કિન્તુ, પરંતુ, બંધુ ‘બજરંગી ભાઈજાન’માં એવા એકપણ એલિમેન્ટ્સ નથી જે એક ટિપિકલ સલમાન મુવીમાં હોય છે. આખી ફિલ્મમાં સલમાનની ફાઈટ વધીને બેથી ત્રણ મિનિટ જેટલી જ છે. કદાચ ફિલ્મમાં બજરંગી ભાઈજાને મારવા કરતા માર વધુ ખાધો હશે. ફિલ્મમાં ક્યાંય સલમાનના ઓવર એક્ટિંગ કહી શકાય તેવા ખીખીયાટા કે નોનએક્ટિંગ સિન્સ નથી. એટલુ જ નહીં પણ આખી ફિલ્મમાં સલમાને એક પણ વાર બિનજરૂરી રીતે શર્ટ પણ ઉતાર્યુ નથી. આમ છતાં સલમાન ખાન ફિલ્મ્સની આ પ્રથમ મુવી બેહદ ખુબસુરત અને સંવેદનશીલ ફિલ્મ છે. ‘બજરંગી ભાઈજાન’ સલમાનની 10 શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સ્થાન પામી શકે તેવી ફિલ્મ છે. (સલમાનની ફિલ્મની યાદી પર જરા નજર મારીને તમારી રીતે ટોપ ટેન બનાવી જોજો.)
ફિલ્મની સ્ટોરીલાઈન સિમ્પલ છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં વસતા મુસ્લિમ પરિવારની આશરે છ-સાત વર્ષની બોલી ન શકતી બાળકી શાહિદા(હર્ષાલી મલ્હોત્રા) બોલતી થાય એ માટે તેની માતા તેને દિલ્હીની એક દરગાહના દર્શને લઈ જાય છે. ભારતથી પરત ફરતી વખતે રાતના સમયે ટ્રેનમાં માતાને ઉંઘ આવી જાય છે. કોઈ કારણસર ટ્રેન થોભે છે અને નીચે ખાડામાં ફસાયેલા ઘેંટાના બચ્ચાની મદદ કરવા નીચે ઉતરેલી શાહિદા ભારતમાં રહી જાય છે. શાહિદાનો ભેટો બજરંગી તરીકે જાણીતા પ્રખર હનુમાન ભક્ત પવનકુમાર ચતુર્વેદી(સલમાન) સાથે થાય છે. જે શાહિદાને મુન્ની કહીને બોલાવે છે. દિલ્હીના રૂઢીચુસ્ત બ્રાહ્મણ પરિવારની ટીચર પુત્રી રસિકા(કરીના) સાથે લગ્ન કરવાની વેતરણમાં રહેલો પવન એક તબક્કે મુન્નીની સુરક્ષા અને તેના પ્રત્યેના વ્હાલના કારણે જાતે જ તેને સલામત ઘરે પહોંચાડવાનો નિર્ધાર કરી પાકિસ્તાન ઉપડે છે. જ્યાં તેનો ભેટો પત્રકાર ચાંદ નવાબ(નવાઝુદ્દિન સિદ્દીકી) સાથે થાય છે.
અમદાવાદના પીવીઆર થિયેટરમાં ‘બજરંગી ભાઈજાન’ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં સલમાનની એન્ટ્રી સાથે જ ચીચીયારીઓ પડે છે અને આખુ થિયેટર સીટીઓથી ગાજી ઉઠે છે. બજરંગીનું ભોળુભટાક પાત્ર દર્શકોનું દિલ જીતી લે છે. યુપીના પ્રતાપગઢના બ્રાહ્મણ પોસ્ટ માસ્તરનો દિકરો પવન ચતુર્વેદી ભણવામાં ઠોઠ છે અને દસ દસ વાર નાપાસ થઈને પિતાના હાથના ફડાકા ખાતો ફરે છે. એ પાસ થાય એવી આશા તો પિતાએ પણ મુકી દીધી હોય છે અને એટલે જ તો અગિયારમી વાર એ જ્યારે પાસ થાય છે ત્યારે આઘાતના માર્યા પિતા ઉકલી જાય છે. કુસ્તી કરવામાં બજરંગીને ગલગલિયા થાય છે. પરાણે કુસ્તી કરાવો તો એ હસી પડે છે. એ હનુમાનજીનો પાક્કો ભક્ત છે. તે વાંદરા કે બહુરુપીઓને પણ ‘જય બજરંગબલી’ કહીને પગે લાગતો ફરે છે. કોઠામાં અભદ્ર ઈશારા કરીને બોલાવતી વેશ્યાને પણ તે હાથ જોડી ‘જય શ્રીરામ’ કહે છે. ‘હમ બજરંગબલી કે ભક્ત હે ઓર કભી જુઠ નહીં બોલતે’ એ બજરંગીનો તકિયાકલામ છે. કાયદેસર વિઝા ન મળતા ગેરકાયદેસર બોર્ડર પાર કરતી વેળા પણ એ પાકિસ્તાની આર્મીની પરમિશન લેવાનો આગ્રહ રાખે છે. પાકિસ્તાનમાં પણ કોઈની સામે એ પોતાની ઓળખ છુપાવતો નથી. આ બધા અંગે નિરાંતે વિચારો તો થોડું ઓવર થતું લાગે પણ ફિલ્મમાં એ તદ્દન સ્વાભાવિક લાગે છે. ઈટ ઈઝ પાર્ટ ઓફ હિઝ કેરેક્ટરાઈઝેશન.
સાચુ હોય કે સલમાનની પી.આર. એજન્સીઓનું તૂત પણ કહે છે કે, આ ફિલ્મના ઈમોશનલ દ્રશ્યોમાં આંસુ વહાવવા માટે સલમાને ગ્લિસરિનનો સહારો નહોતો લીધો. ફિલ્મમાં સલમાનની એક્ટિંગ ઈમ્પ્રેસ કરી જાય છે. એની છેલ્લી કેટલીક ફિલ્મોની જેમ તે લાઉડ નથી લાગતો. ધ મેન વિથ ગોલ્ડન હાર્ટ બજરંગીને સીધો સાદો લાગવામાં મોટો ફાળો નોંધાવતા એશલે રિબેલોએ ડિઝાઈન કરેલા તેના કેટલાક વસ્ત્રો માટે ખરીદી આપણા અમદાવાદમાંથી થયેલી છે. તેના ખાદીના લાગતા કુર્તા વાસ્તવમાં કોટનમાંથી બનાવાયા છે. સલમાનના બ્લુ બ્રેસલેટ બાદ તેણે પહેરેલી ગદાના પેન્ડેટની પણ ફેશન નીકળવાની. સલમાનને ચાંદી સિવાયની ધાતુઓની એલર્જી હોવાથી ડિઝાઈનર રિબેલોએ તેના સ્થાનિક સોની પાસે તે તૈયાર કરાવેલી.
શાહિદા ઉર્ફે મુન્ની બનતી હર્ષાલી પરાણે વ્હાલી લાગે એટલી ક્યુટ છે. જો તમે સલમાનના ફેન ન હોય તો પણ માત્ર હર્ષાલીના પર્ફોમન્સ માટે આ ફિલ્મ વિથ ફેમીલી જોઈ શકાય. ફિલ્મની હિરોઈન ભલે કરીના હોય પણ હર્ષાલીનું પાત્ર વધુ વજનદાર છે. આખી ફિલ્મ જ મુન્ની પર આધારિત છે. એક દ્રશ્યમાં સુતી વખતે બંધ આંખે આંસુઓ ખાળતી વેળા તેના નીચેના હોઠ અને હડપચી(દાઢી) પર દેખાતી થરથરાટી(ગુજરાતીમાં એને સિંયાવિંયા થવું કહેવાય) માટે એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. આખી ફિલ્મમાં તેનો કોઈ જ સંવાદ ન હોવા છતાં એની સતત બોલતી રહેતી આંખો ઈશ્વરીય મીઠાસ વેરતી રહે છે. ‘કુબુલ હૈ’ અને ‘લૌટ આઓ ત્રીશા’ સિરિયલ્સ અને કેટલીક જાહેરખબરોમાં ચમકી ચુકેલી હર્ષાલી મલ્હોત્રા ગોડ ગિફ્ટેડ ક્યુટનેસ અને આલા દરજ્જાની એક્ટિંગનું રેર કોમ્બિનેશન છે. બાકી રહેતું હોય તો હવે તે સલમાન સાથે પણ ફિલ્મ કરી ચુકી હોવાથી તેની પ્રસિદ્ધીમાં પણ ચાર ચાંદ લાગી ગયા છે. માટે આ ફૂટડી છોકરીનું ફ્યુચર બહુ બ્રાઈટ છે.
કરીના કપુર કરતા તો નવાઝુદ્દિન સિદ્દીકીનો રોલ લાંબો છે. કરીનાના ભાગે ખાસ કશું કરવાનું નથી આવ્યુ. પણ જ્યાં જેટલુ આવ્યું છે એમાં તે પરફેક્ટ સાબિત થઈ છે. પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબ(નવાઝુદ્દિન સિદ્દીકી)ની એન્ટ્રી ઈન્ટરવલ પછી થાય છે. નવાઝનો રિપોર્ટર ચાંદ નવાબ તરીકેનો ઈન્ટ્રોડક્શન સિન પાકિસ્તાનની જ એક ન્યુઝ ચેનલ ઈન્ડસ ન્યુઝના ચાંદ નવાબ નામના જ રિપોર્ટરના 2008માં વાઈરલ થયેલા વીડિયો પરથી બેઠ્ઠો ઉઠાવાયો છે. જેમાં તે એક સ્ટોરીની પીટુસી(પીસ ટુ કેમેરા) મારતો હોય છે ત્યારે ત્યાંથી પસાર થતા લોકોની કેમેરા આડે અવર જવરના કારણે તે એકની એક લાઈન્સ(‘કરાંચી સે ઈદ મનાને લોગ અપનો મેં’..’,કરાંચીસે લોગ અપનો મેં ઈદ મનાને..’, ‘કરાંચી મેં, કરાંચી સે..’) વારંવાર દોહરાવતો રહે છે. આવું પાકિસ્તાનના રિપોર્ટર ચાંદ નવાબ સાથે સાચેસાચ બનેલું. તેના મિત્રોએ તેની પીટુસીનો અનકટ વીડિયો ઈન્ટરનેટ પર નાખી દીધો અને જોતજોતામાં એ વાઈરલ થઈ ગયો. એવો ચાલ્યો કે પછી તો ચાંદ નવાબની પેરોડી કરતા બીજા પણ અનેક વીડિયોઝ આવ્યા. ખેર, ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં પાકીટમારની નાનકડી ભૂમિકા ભજવનારો નવાઝ આજે બોલિવૂડના મોસ્ટ પાવરફૂલ એક્ટર્સ પૈકીનો એક ગણાય છે. ફિલ્મમાં ‘તું ફિર બોલી બેગમ?’ જેવા સંવાદોમાં તે સલમાન પર ભારે પડે છે. ‘બજરંગી ભાઈજાન’નો વીડિયો રિલિઝ કર્યા બાદ તેને બચાવી લેવાની હદયદ્રાવક અપીલ કરવાના દ્રશ્યમાં તે લોકોની તાળીઓ ઉઘરાવી જાય છે. સામાન્ય છાપ કરતા જૂદી પ્રકૃત્તિના પાકિસ્તાની મૌલાનાના પાત્રના કિરદારમાં ઓમ પુરી તેમની ઈમેજને છાજે તેવી એક્ટિંગ કરી જાય છે.
‘કાબુલ એક્સપ્રેસ’ અને ‘ન્યુયોર્ક’ બાદ ‘એક થા ટાઈગર’માં એક સુપર્બ કોન્સેપ્ટની પાળ પીટીને હથોડો ઝીંકનારા ડાયરેક્ટર કબીર ખાને ‘બજરંગી ભાઈજાન’ નામે એક સાફ-સુથરી ફેમીલી એન્ટરનેઈનર લાવ્યા છે. જો તમને એમ હોય કે મુંગી બાળકીને તેના ઘરે મુકવા પાકિસ્તાન જતો સલમાન ‘ગદ્દર’ના સન્ની દેઓલની જેમ ત્યાં જઈને બઘડાટી બોલાવી દેશે. પાકિસ્તાનીઓને પકડી પકડીને અને પટકી પટકીને મારશે. ત્યાં જય બજરંગબલીના નામની બૂમાબૂમ કરી મુકશે તો તમે નિરાશ થશો. કબીર ખાને ‘બજરંગી ભાઈજાન’માં કોમર્શિયલ મસાલા નાખવાની ચીપ બોલિવૂડિયન ટ્રીક્સ ન અજમાવીને ફિલ્મની થિમની સુંદરતા બરકરાર રાખી છે. આમ છતાં લગભગ પોણા ત્રણ કલાક લાંબી આ ફિલ્મ ક્યાંય ખેંચાતી હોય એવું નથી લાગતું.
મસ્જિદમાં અચાનક જ આવીને બજરંગીને ભેટી પડતી મુન્ની, નોનવેજ રેસ્ટોરાંમાં બાજુના ટેબલ પર પુત્રને જમાડતી માતાને જોઈને નિરાશ થયેલી મુન્નીને જમાડવા પહોંચી જતી રસિકા, મુન્નીને કોઠા પર વેચવા પહોંચેલા એજન્ટને જોઈને બજરંગીની તેગ જેવી તગતગતી આંખોમાં તરી આવતુ લોહી, મુન્નીના ગામનું નામ જાણીને ખુશીથી પાગલ થઈ જતા બજરંગી અને ચાંદ…. જેવા ઈમોશનલ દ્રશ્યો પરથી ડાયરેક્ટરની મહારથનો અંદાજ આવે છે. અંતના કેટલાક દ્રશ્યો અતાર્કિક જરૂર લાગે પણ અદનાન સામીના ગેસ્ટ એપિરન્સ સાથેની કવ્વાલી બાદ ક્લાઈમેક્સ ડ્રામાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચીને દર્શકોના દિલને ટચ કરી જાય છે. ઘર માટે દોઢ લાખ રૂપિયા ભેગા કરતો બજરંગી શું કામ કરતો હતો એ દર્શકોને જણાવવાની ડાયરેક્ટરને જરુર નથી લાગી. તો હરીયાણાના કુરુક્ષેત્ર થાણાનો પોલીસ અધિકારી હરીયાણવીના બદલે હિન્દી બોલે છે એવી કેટલીક ખામીઓને દરગુજર કરીએ તો ડાયરેક્શન દાદ માંગી લે છે. 24 વર્ષની ઉંમરે ડિસ્કવરી ચેનલના સિનેમેટોગ્રાફર તરીકે કરિયર માંડનારા અને સુભાષચંદ્ર બોઝ પર ‘ધ ફરગોટન આર્મી’ જેવી ડોક્યુમેન્ટ્રી બનાવનારા કબીર ખાનની કોઈ ફિલ્મની વાર્તા એક દેશમાં પૂરી થતી જ નથી. એમનો હિરો બે ત્રણ દેશોની સફર તો અચુક ખેડે જ. હવે ‘ફેન્ટમ’માં તેઓ સૈફ-કેટરીનાને કેટલા દેશોનું ભ્રમણ કરાવે છે એ જોવું રહ્યું.
કાશ્મીરની સુંદરતા આપણે અનેક ફિલ્મોમાં જોઈ જ ચુક્યા છીએ પણ અહીં સિનેમેટોગ્રાફર અસિમ મિશ્રા હર્ષાલીના ચહેરા પર પણ કાશ્મીર જેટલી જ નજાકતથી કેમેરો ફેરવે છે. અસિમે હર્ષાલી અને કાશ્મીરની સુંદરતાનું કરેલુ કોકટેઈલ એક નશીલી કશિશ પેદા કરે છે. ફિલ્મનો ડાયરેક્ટર મૂળ એક સિનેમેટોગ્રાફર હોવાથી પડદા પર કેટલો ફર્ક પડે તે ‘બજરંગી ભાઈજાન’માં જોઈ શકાય છે. લોકપ્રિય થયેલા ‘સેલ્ફિ લે લે રે…’ અને ‘ભર દો ઝોલી મેરી’ કવ્વાલી સિવાય એકાદાને બાદ કરતા તમામ ગીતો વાર્તા સાથે ગુંથાઈ જાય છે અને પડદા પર જોવા-સાંભળવા ગમે છે. અમિતાભ ભટ્ટાચાર્યએ લખેલા અને આતિફ અસલમે ગાયેલા ‘તું ચાહીયે’ ગીતની ‘સીને મેં અગર તું દર્દ હૈ, ના કોઈ દવા ચાહીયે. તું લહુ કી તરાહ, રગો મેં રવાં ચાહીયે’ પંક્તિઓ હદયના તાર ઝણઝણાવી જાય છે. ‘સિંઘ ઈઝ કિંગ’ના ‘તેરી ઓર’ અને ગણેશોત્સવનું થિમ સોંગ બની ગયેલું ‘એબીસીડી’નું ‘શંભુ સૂતાય….’ લખનારા મયુર પુરીએ લખેલા ચિકનસોંગની ‘ભુખ લગી, ભુખ લગી, જોરો કી ભુખ લગી, મુર્ગે કી બાંગ હમે કોયલ કી કુક કુક લગી. પેટ મેં ઠેસ લગી, ચુહો કી રેસ લગી, ગલા સુખે કુંવે કા પંપ હુવા’ જેવી પંક્તિઓ ચટ્ટાકેદાર છે તો ‘મંગાલો રામ કસમ આજ કષ્ટ હો જાએ, લે આઓ આજ ધરમ ભ્રષ્ટ હો જાએ, સારે ઉપવાસ ભલે નષ્ટ હો જાએ’ જેવી પંક્તિઓથી પાણીમાંથી પોરા કાઢતા રૂઢીચુસ્તોના પેટમાં તેલ પણ રેડાઈ શકે. (LOL)
ફિલ્મના ડાયલોગ્સ કબીર ખાન અને કૌશર મુનીરે લખ્યા છે. એક વ્યક્તિને સેલ્ફિનો મતલબ સમજાવતા બજરંગી કહે છે, -‘જબ હમ અપની લેતે હૈ ના….તસવીર ઉસે સેલ્ફિ કહેતે હે.’ અહીં ‘લેતે હે ના…’ અને ‘તસવીર’ વચ્ચે આવતો ગેપ લોકોને ખડખડાટ હસાવી જાય છે. પાકિસ્તાનમાં ઘુસી આવેલો બજરંગી કોઈ જાસુસ નહીં પણ એક બાળકીને તેના ઘરે મુકવા આવેલો ભોળોભટાક ભારતીય હોવાની સ્ટોરી કોઈ ચેનલ ચલાવવા તૈયાર ન થતા રિપોર્ટર ચાંદ નવાબના મુખે આવતો ડાયલોગ, ‘નફરત બીકતી હૈ, મોહબ્બત નહીં’ વેધક કટાક્ષ કરી જાય છે. અને પાકિસ્તાની મૌલાના બનેલા ઓમ પુરીના મુખે બોલાયેલો સંવાદ ‘થોડા સા કાશ્મીર હમારે પાસ ભી હૈ’ ફિલ્મના યાદગાર ડાયલોગ્સ પૈકીનો એક છે. પાકિસ્તાની સેન્સર બોર્ડે આ ડાયલોગ હટાવવાની શરતે જ પાકિસ્તાનમાં ‘બજરંગી ભાઈજાન’ બતાવવાની મંજૂરી આપી છે. સાલુ, જે વાતે(કાશ્મીર પાકિસ્તાના કબ્જામાં હોવાની વાતે) આપણને ભારતીયોને વાંધો હોવો જોઈએ એ વાતે પાકિસ્તાનીઓ વાંધો ઉઠાવે છે બોલો!
ઓવરઓલ ‘બજરંગી ભાઈજાન’ એક ટિપિકલ સલમાન ફિલ્મ નહીં બલકે ભારત-પાકિસ્તાન વચ્ચે ‘બિઈંગ હ્યુમન’નો સંદેશ પ્રસરાવતી એક સુંદર ફિલ્મ છે! જેને માણવા સલમાન ખાને નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી બંન્નેને અપીલ કરી છે.
ફ્રી હિટ:
બાય ધ વે ફિલ્મમાં કરીના અને સલમાન બંન્ને બ્રાહ્મણ છે અને તેમના લગ્ન આડે કોઈ મોટો અવરોધ પણ નથી હોતો. ‘બજરંગી ભાઈજાન’ લવજેહાદને પ્રોત્સાહન આપતી ફિલ્મ હોવાના મેસેજીસ વોટ્સએપ ફરતા કરનારાઓના મોં પર આ ફિલ્મ સણસણતો તમાચો છે.
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૨૧-૦૭-૨૦૧૫ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply