Sun-Temple-Baanner

બાહુબલી: હોલિવૂડના ‘300’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’નો ભારતીય જવાબ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બાહુબલી: હોલિવૂડના ‘300’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’નો ભારતીય જવાબ!


જો હોલિવૂડનો કોઈ દર્શક કાલે આપણી સામે આવીને આપણને ફિલ્મ ‘દિવાર’ના અમિતાભ બચ્ચનની અદામાં સવાલ કરે કે, ‘હમારે પાસ ‘300’ હૈ, ‘બ્રેવહાર્ટ’ હૈ…, ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ હૈ… તુમ્હારે પાસ ક્યા હૈ.. હાંય? તો આજ પછી આપણે પણ શશિ કપુરની અદામાં છાતી ઠોકીને કહી શકીશું કે, હમારે પાસ ‘બાહુબલી’ હૈ…

જેની સાથે 25 નેશનલ એવોર્ડ વિનર આર્ટીસ્ટ્સ જોડાયેલા છે તેવી લગભગ 250 કરોડના ખર્ચે બનેલી ભારતની આ સૌથી મોંઘી ફિલ્મ જોતાં જોતાં ઓહ… વાહ… અદભુત… સુપર્બ… અમેઝીંગ… વાઉ… સહિત તમે વાપરતા હોય એ તમામ ઉદગારો ખૂટી પડવાના. તમારા શ્વાચ્છોશ્વાસ ફાસ્ટ થઈ જશે. આંખની પાપણો ક્ષણભર પટપટવાનું ભુલી જશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી તમને એક અલગ જ દુનિયામાં ખેંચી જશે. એકશન સિકવન્સ તમને ખુરશીની ધાર પર જકડી રાખશે. ફિલ્મમાંથી છૂટીને પણ વીર ‘બાહુબલી’ તમારા દિમાગ પર નશાની જેમ છવાયેલો રહેશે. શુક્રવારે અમદાવાદના એક મલ્ટિપ્લેક્સમાં ‘બાહુબલી’નો છેલ્લો શો પૂરો થયો ત્યારે મધરાતે કેટલાક યુવાનો ફિલ્મમાં જે રીતે થાય છે એ જ રીતે ‘બાહુબલી…બાહુબલી…’ બુમો પાડીને જય જયકાર કરતા હતા. તો યંગસ્ટર્સનું એક ગૃપ ફિલ્મની વાર્તા અને પાત્રોની મોટા અવાજે ચર્ચા કરી રહ્યું હતું. દરેકના ચહેરા પર એક અદ્દભુત ફિલ્મ જોયાનો સંતોષ વર્તાતો હતો.

‘મગધિરા’, ‘મખ્ખી’ અને ‘રાઉડી રાઠોડ’ જેવી ફિલ્મોના સર્જક રાજા મૌલીની ‘બાહુબલી’ની વાર્તા વિશે તમે ઘણુ સાંભળી-વાંચી ચૂક્યા હશો. માહિષમતિ સામ્રાજ્યના વીર યોદ્ધા ‘બાહુબલી’ની આ મહાગાથામાં પ્રણય, વીરતા, ક્રૂરતા, સત્તાની સાઠમારી, રાજકારણ, દગો, યુદ્ધો, પરાક્રમો સહિત એ તમામ તત્વો મોજૂદ છે જે એક મહાગાથામાં હોવા જોઈએ. બાહુબલીના પુત્રના નામ ‘શિવા’ અને માત્ર મહાશિવ જ જળપવર્ત ચડી શકે તેવી દંતકથા તથા યુદ્ધમાં નગરનું રક્ષણ કરવાની વ્યુહરચના ક્યાંક ક્યાંક અમિષની નોવેલ ‘મેલુહા’ની યાદ અપાવે છે તો રાજગાદી ન મળવાના વસવસામાં જીવતો અને પુત્રપ્રેમમાં અંધ થયેલો બજ્જલા દેવ(નાસિર) મહાભારતના ધૃતરાષ્ટ્રની યાદ અપાવે છે. પાણી વચ્ચેથી શિવાને લઈ જતી શિવગામી દેવીને જોઈ કૃષ્ણને ટોપલામાં લઈને નદી પાર કરતા વાસુદેવ યાદ આવી જાય. આવા અનેક પૌરાણિક રેફરન્સ ફિલ્મની વાર્તામાં મળી આવે છે. પણ ફિલ્મનું સૌથી સબળ પાસુ છે, સિનેમેટોગ્રાફી. ફિલ્મની સિનેમેટોગ્રાફી બેસ્ટ સિનેમેટોગ્રાફી માટેના અનેક એવોર્ડ મેળવી ચુકેલા ‘મગધિરા’ અને ‘ઈગા'(મક્ખી) ફેમ કે.કે. સેંથિલ કુમારે કરી છે. મોટા પડદે એક પછી એક ઝડપભેર સર્જાતા ભવ્યાતિભવ્ય દ્રશ્યો અને વેગીલી એકશન સિકવન્સ વાર્તાની સમીક્ષા કરવાની તક જ નથી આપતી.

જેને પકડીને તસુભાર ચસકાવવાની પણ કલ્પના ન કરી શકાય તેવું તોતિંગ શિવલિંગ આસાનીથી ખભે નાખીને ચાલી નીકળતો શિવા (પ્રભાસ). શિવલિંગ ઉપાડતી વેળા તેના માતેલા સાંઢ જેવા કદાવર અને કસાયેલા શરીર પર ઉપસતા મજબૂત ચોસલા અને દેહ પર ફાટફાટ થતી નસો. બેકગ્રાઉન્ડમાં કૈલાસ ખેરના કસુંબલ કંઠે લલકારાતું શિવતાંડવ. આપણી કલ્પનાઓ પણ ટૂંકી પડે તેવડો પ્રચંડ ધોધ અને મનમોહક જળપ્રવાહ. વાદળો પણ નીચે રહી જાય તેટલી ઉંચાઈ ધરાવતો જળપર્વત. અને એ જળપર્વતની કરાડો પર શ્વાસ થંભી જાય તે રીતે ટારઝનબ્રાન્ડ કૂદાકૂદ કરતો શિવા. વાદળોમાં વિહરતી આસમાની પરી જેવી તમન્ના ભાટીયા. જોતા વેંત જ થથરી જવાય તેવા માતેલા હિમાલયન યાક સાથે બથંબથ્થી કરી એક જ પ્રહારમાં ધૂળ ચાટતો કરી દેતો પહાડ જેવો પડછંદ દેહ ધરાવતો ભલ્લાલ દેવ(રાણ દગ્ગુબાટી). પાપણ પણ ફરકે તે પહેલા વિંઝાઈ જતી તલવારોના કરતબ બતાવતા યૌદ્ધાઓ. હથોડો ફટકારી હાથીને ભોંયભેગો કરી દેતા ખૂંખાર પાત્રો. એક નજરમાં ન સમાય એવડા વિશાળ જંગમેદાનો. 1 લાખના સૈન્ય સામે ટક્કર આપતી માહિષપતિ સામ્રાજ્યની 25 હજારની સેના. રોમાંચક યુદ્ધકળા અને વ્યુહરચનાઓ. તીર ચલાવતું મશીન અને વાયુવેગે તલવાર ચલાવતો રથ. ખચાખચ ભોંકાતા ભાલા અને ટપોટપ મરતાં માણસો. સેકન્ડોમાં કપાતાં માથાંઓ અને સમરાંગણમાં વછૂટતી રક્તધારાઓ. આસમાનમાંથી થતી તીર અને અગ્નિવર્ષા વચ્ચે સર્જાતુ મહાભારત.

ફિલ્મમાં એક ગીતની કોરિયોગ્રાફી તો એવી છે કે, જેનું શબ્દોમાં વર્ણન જ શક્ય નથી. એને મોટા પડદે જોઈને માત્ર અનુભવી જ શકાય. હિરોઈન તમન્ના સતત હિરો પર જીવલેણ પ્રહારો કરે છે અને હિરો પ્રભાસ તેના દરેક વારને નિષ્ફળ બનાવી વળતા પ્રહારોમાં તેની કમનીય કાયા પરથી એક પછી એક તેનું વસ્ત્ર દૂર કરી તેનો શણગાર કરતો રહે છે. ગીતના અંતે તમન્ના કઈ રીતે વીરાંગનામાંથી વિશ્વસુંદરીમાં પરિવર્તિત થઈ જાય છે તે જોવા લાયક છે. નૃત્ય કરતાં કરતાં ગાંધર્વ વિવાહ કર્યા હોય એ રીતે સંભોગ કરતા બાહુબલી અને અવંતિકા. ટોપલેસ થયેલી તમન્નાના વક્ષસ્થળ આડે વનસ્પતિ આવે એ રીતે કચકડે મઢાયેલું દ્રશ્ય. ઈરોટિક દ્રશ્યના અંતે સફેદ મુર્તીના હાથમાં પડતા લાલ ફૂલો. આવા અદભૂત શૃંગાર રસમાં અવર્ણનીય રીતે ઘોળાતો શૌર્યરસ.

બાહુબલી બનેલા પ્રભાસનું પર્ફોમન્સ સ્પીચલેસ કરી મુકે છે. ભલ્લાલ દેવના પાત્રમાં રાણા દગ્ગુબાટી પ્રભાસને બરાબરની ટક્કર આપે છે. અવંતિકાના પાત્રમાં તમન્નાનું દેહલાલિત્ય સોળેય કળાએ ખીલ્યુ છે તો વીરરમણીના રૂપમાં પણ તે જામે છે. દેવસેનાના પાત્રમાં અનુષ્કા શેટ્ટી કમાલ કરે છે. ભલ્લાલ દેવની મુર્તીની સ્થાપના વેળાએ બાહુબલીનો જય જયકાર થવાની ઘટનાથી પોરસાયેલી દેવસેનાએ વિજયસૂચક(ને ભલ્લાલદેવના પતનસૂચક) હાવભાવ સાથે ભલ્લાલની સામે કરેલી તપેલા ત્રાંબા જેવી લાલ આંખમાંથી વરસતા અંગારાનો તાપ પડદાની બહાર પણ વર્તાય છે. શિવગામી દેવી બનતી રામ્યા ક્રિષ્ણન જ્યારે જ્યારે પડદા પર આવે છે ત્યારે ત્યારે છવાઈ જાય છે. રાજવી ઠાઠ અને ઠસ્સા શબ્દનો પર્યાય લાગે શિવગામી દેવી. ‘હમારા વચનની હમારા શાસન હૈ’ બોલતી શિવગામી દેવીનો તાપ ભલભલા વિરોધીઓ ઝીરવી શકતા નથી. ડાબા હાથે દુશ્મનની કતલ કરી જમણા હાથે રડતાં બાળકને રમાડી દમામભેર સિંહાસન પર બિરાજમાન થતી શિવગામી દેવી આફરિન પોકારાવી જાય છે. કાલાકૈયાના યુનિક કેરેકટરમાં પ્રભાકર લોકોના મનમાં રીતસરનો ખૌફ અને સુગ જન્માવે છે. ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં દિપીકા પાદુકોણના પિતા બનતા સત્યરાજ અહીં માહિષપતિ ગાદીના વફાદાર રક્ષક કટપ્પાની ભૂમિકામાં છે. એક આખી સેનાને એકલો ભારે પડે તેટલી તાકાત અને કૌવત ધરાવતો કટપ્પા છેકથી છેક સુધી પ્રભાવિત કરતો રહે છે. ‘બાહુબલી’નો બીજો ભાગ જેના પર આધારિત હોવાનો તે પ્રથમ ભાગના અંતે ખુલતુ રહસ્ય પણ કટપ્પા સાથે જ જોડાયેલુ છે.

ફિલ્મના જે પ્રચંડ ધોધના આપણે પ્રેમમાં પડી જઈએ છીએ તે ધોધ બતાવવામાં આર્ટ ડિરેક્ટર સબુ સિરિલને પરસેવાનો ધોધ વહાવવો પડ્યો છે. ધોધના કેટલાક દ્રશ્યો નાયગ્રા ફોલ્સ ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા કેરળના અથિરાપીલ્લી ફોલ્સ પર શૂટ કરાયા છે. જે એકશન દ્રશ્યો રિયલ લોકેશન પર ફિલ્માવવા શક્ય અને સલામત ન હતા એ દ્રશ્યો માટે સિરિલે સાઉથના ફિલ્મ સિટીમાં ખાસ મહાકાય ધોધ ઉભો કર્યો. આ ફેબ્રીકેટેડ ધોધ રિયલ અને લાઈવ લાગે એ માટે પાણીનો મોટો જથ્થો નીચે ફેંકવામાં આવતો હતો. વોર સિકવન્સમાં હાથી અને ઘોડા જેવા પ્રાણીઓને પડતાં, ઈજાગ્રસ્ત થતાં બતાવવાના હોવાથી હાથી, ઘોડા, જંગલી સુવર, મગર અને નાગની મિકેનિકલ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હતી. ફાઈટ સિકવન્સમાં કલાકારોને સરળતા રહે એ માટે હથિયારો ખાસ કાર્બનમાંથી બનાવવામાં આવ્યા છે. ફિલ્મમાં ભલ્લાલ દેવનું જે 100 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ બતાવાય છે તે બનાવતા પહેલા આર્ટિસ્ટ્સની ટીમે થ્રીડી મોડ્યુલમાં તેનું એક નાનું વર્ઝન બનાવ્યુ. અને ફાઈનલ ટચઅપ આપ્યા બાદ તેને 100 ફૂટનું બનાવાયુ. ફાઈબરમાંથી તૈયાર કરાયેલા આ સ્ટ્રકચર માટે 200થી વધુ શ્રમિકોએ એક મહિના સુધી પરસેવો રેડ્યો અને તેને શૂટિંગના સ્થળે સ્થાપિત કરવા માટે પણ 3 ઈન્ડસ્ટ્રિયલ ક્રેનની જરૂર પડી હતી.

કેટલાક કહે છે, આ ફિલ્મનો ફર્સ્ટ હાફ ખેંચાયો છે અને પ્રભાસ-તમન્નાનો આટલો રોમાન્સ બતાવવાની પણ જરૂર નહોતી. પણ મને એવું નથી લાગતુ. આપણને કંઈ જરૂરી લાગતું હોય કે ન લાગતું હોય પણ ડાયરેક્ટરની પણ પોતાની કંઈક કલ્પનાઓ હોય કે નહીં? આટલો અદ્દભૂત ધોધ બતાવ્યો હોય તો કયા સ્વપ્નશીલ સર્જકને તેની આસપાસ ગીતો કે શૃંગારદ્રશ્યો કંડારવાનું મન ન થાય? મને તો આ ફિલ્મના પ્રણયદ્રશ્યો પડદા પરની કોઈ બેનમૂન કવિતા જેવા લાગ્યાં. હા, ફિલ્મનું સંગીત ઘણુ નબળુ લાગ્યું. નેશનલ-ફિલ્મફેર એવોર્ડ વિજેતા એમ.એમ. કરીમે સંગીત આપ્યુ હોવા છતાં ફિલ્મનું એક પણ ગીત છાપ છોડી જતુ નથી. મને લાગે છે કદાચ ડબિંગના કારણે એવું બનતું હશે. મુળ તમિલમાં બનેલી વિક્રમ સ્ટારર અફલાતૂન ફિલ્મ ‘આઈ’નું સંગીત સાંભળીને પણ તમે માની જ ન શકો કે એ રહેમાનનું હશે. કદાચ ડબિંગ વખતે મૂળ તમિલ-તેલુગુ કે અન્ય કોઈ ભાષામાં તૈયાર થયેલા ગીતનું ટ્રાન્સલેશન હિન્દીમાં ધૂન મુજબ ઢાળવાના કારણે શબ્દો નિષ્પ્રાણ થઈ જતા હશે. અને સંગીત બેઅસર લાગતું હશે. ફિલ્મમાં આવતું એકમાત્ર આઈટમ સોંગ એક પિરીયડ ફિલ્મમાં સેટ થતું નથી લાગતું કે નથી એ એટલુ ધમાકેદાર કે એને ફરજિયાત સમાવવું જ પડે. એ ન હોત તો ચાલેત. એના કારણે સડસડાટ ચાલતી ફિલ્મના થ્રીલમાં બમ્પ આવે છે. શિવાના પાલક માતા-પિતાના સમાજના લોકો ભોજપુરી બોલે છે એ જરા કઠે છે. ફિલ્મના વાતવરણમાં ભોજપુરી સેટ નથી થતી. એ ઉપરાંત ડબિંગમાં ક્યાંક ક્યાંક લિપસિંકના મિસમેચ પણ વર્તાઈ આવે છે. પણ જો બકા…ડબિંગ ફિલ્મોમાં આવી સાધારણ તકલીફ તો રેવાની જ.

આ ઉપરાંત ઝીણી આંખે ક્યાંક ફેબ્રીકેટેડ લાગતા સિન્સ જેવી કેટલીક ખામીઓ પર ફિલ્મની ખુબીઓ સમંદરમાંથી આવતી સુનામીની જેમ હાવી થઈ જાય છે. શરૂઆતમાં થોડી ધીમી લાગતી ફિલ્મ અંત સુધીમાં તો એટલી ઝડપ પકડે છે કે ઈન્ટરવલ બાદ તો ફિલ્મ ક્યારે પુરી થાય છે એ જ ખબર નથી પડતી. ક્લાયમેક્સમાં ડાયરેક્ટરે જે રીતે બીજા ભાગનો એક છેડો ખુલ્લો મુકી જે રીતે ફિલ્મનો અંત કંડાર્યો છે એ રીતસરનો ચોંકાવી દે છે.

ફ્રી હિટ:

જો રાઈટર-ડાયરેક્ટર મિલાપ ઝવેરીનું ટ્વિટ સાચુ માનીએ તો દક્ષિણમાં ‘બાહુબલી’ની ટિકિટોના બ્લેકમાં દસ દસ હજાર(હા, 10,000. સાચુ વાંચ્યુ તમે.) રુપિયા બોલાઈ રહ્યા છે!

~ તુષાર દવે

( આર્ટીકલ લખાયા તારીખ ૧૪-૦૭-૨૦૧૫ )
વેબસાઈટ (davetushar.com)

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.