એ માત્ર જોગાનુજોગ જ છે કે દેશમાં ભાજપની સરકાર છે અને બહુ જ થોડા સમયમાં ઈમરજન્સીનુ બેકગ્રાઉન્ડ ધરાવતી બે ફિલ્મો આવી. એટલુ જ નહીં પણ બંન્નેમાં સંજય ગાંધીને શબ્દશ: વિલન ચિતરાયા. આ ફિલ્મમાં તો સંજીવ નામનું ‘ઈમરજન્સી મેં સબસે પહેલે પાવર હી કટતા હૈ’ જેવા સંવાદો બોલનારું અને અખબારમાં કઈ હેડલાઈન છપાશે તે નક્કી કરનારુ કેરેક્ટર તો પહેલા મહારાણી પર અને પછી તેના ખજાના પર નજર પણ બગાડે છે.
ખેર, ફિલ્મની શરૂઆત થાય છે જયપુરની મહારાણી ગીતાંજલિ(ઈલિયાના ડિક્રુઝ)થી. વિક્ટિમ કાર્ડ અને ઈમોશનલ કાર્ડ્સ ફેંકીને ગમે ત્યારે પુરૂષને વશ કરીને પોતાના કામ કઢાવવાની કળામાં મહારથ ધરાવનારી ત્રિયા ચરિત્ર મહારાણીને દેશ પર શાસન કરતા ખાનદાનના સૌથી પાવરફૂલ વ્યક્તિ સાથે દુશ્મની બંધાય છે. એ પોલિટીશિયન ઈમરજન્સીનો ફાયદો ઉઠાવી મહેલ પર દરોડા પડાવી તેના ખજાના પર કબજો જમાવે છે. એ ખજાનો સલામત દિલ્હી પહોંચાડવાની જવાબદારી એક ઝાંબાઝ આર્મી ઓફિસર (વિદ્યુત જામવાલ)ને સોંપાય છે. બીજી તરફ મહારાણી ખજાનો રસ્તામાં જ લૂંટી લેવાનુ કામ પોતાની સેક્રેટરી સંજના(એશા ગુપ્તા) અને રક્ષક ભવાનીસિંહ(અજય દેવગણ)ને સોંપે છે. ભવાની મહારાણીના ખાનદાન પ્રત્યે કટપ્પા જેટલો વફાદાર છે. અહીં ફરક એટલો છે કે આ કટપ્પો પોતાના માલિકથી એટલો નજીક છે કે એની સાથે રોમાન્સ કરતા ગીતો પણ ગાઈ શકે છે. ભવાની આ મિશનમાં પોતાની દલિયા(ઈમરાન હાશમી) અને તકલા(સંજય મિશ્રા)ને પણ જોડે છે. એ સાથે ખજાનો મેળવવા માટે પહેલા દોડ-પક્કડ પછી થપ્પો-દાવ અને છેલ્લે કબડ્ડી જેવી ચેઝ શરૂ થાય છે. એમાં પ્રેમ અને વફાદારીથી માંડી દગો, વિશ્વાસઘાત અને રાજકારણ જેવા તત્વો ઉમેરાય છે અને એક પછી એક ટર્ન એન્ડ ટ્વિસ્ટ આવે છે. મહારાણીને ખજાનો પાછો મળે છે ને એ ખાઈ-પીને રાજ કરે છે કે નહીં એ જાણવા તમારે ફિલ્મ જ જોવી રહી.
ડિરેક્શન ‘વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ’ અને ‘ધ ડર્ટી પિકચર’ જેવી ફિલ્મો આપનારા મિલન લુથરિયાએ કર્યુ છે. તેમની કેટલીક ફિલ્મોના છેડા ક્યાંકને ક્યાંક રિયલ ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે. આ ફિલ્મનો પ્લોટ પણ ઈમરજન્સીના સમયગાળામાં જયપુરની મહારાણી ગાયત્રી દેવીના મહેલ પર પડેલા રહસ્યમય દરોડાની આસ-પાસ ગુંથાયેલો છે. લોકેશન્સ સારા છે. સૌથી સબળ પાસુ છે રાઈટિંગ. રજત અરોરાના ડાયલોગ્સ દમદાર છે. જે લાંબી ખેંચાતી જતી ફિલ્મમાં હળવાશ આપે છે.
રજત અરોરાના સંવાદોમાં ‘ચોરો કે ઉસુલ હોતે હૈ પોલિટિશિયન્સ કે નહીં’, ‘ઓરતો કી વજહ સે ઈતને ઘર નહીં બસતે જીતને દંગે હોતે હૈ’, ‘ઈમરજન્સી સે બડા કોઈ વોરંટ નહીં હૈ’, ‘દુનિયા મેં દો તરાહ કે લોગ હોતે હૈ, એક હમ જીનકે સાથ પીતે હૈ ઓર દુસરે વો જીનકી વજહ સે હમ પીતે હૈ’, ‘યે જો સમય હૈના વો સબકી લેતા હૈ, સમય સમય પર સહી તરાહ સે લેતા હૈ’ જેવી પંચલાઈન્સ અજય અને ઈમરાન હાશમીની અદાકારીમાં મજા કરાવતી જાય છે.
એક સારો સબજેક્ટ ઉપાડ્યો હોવા છતાં ઈન્ટરવલ બાદ ફિલ્મ ઝોલ ખાઈ જાય છે. મોનોટોનસ, લાંબી અને કંટાળાજનક બનતી જાય છે. વાર્તામાં પણ અનેક જગ્યાએ છીંડા છે. સ્ટોરીને થોડી વધુ સારી રીતે ગુંથીને થોડી એડિટ કરી હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત.
અજય દેવગણ અને ઈમરાન હાશમીને આપણે આવા કેરેક્ટર્સમાં અનેકવાર જોઈ ચુક્યા છીએ. એમના ભાગે કશું નવું કરવાનુ આવ્યુ નથી આમ છતાં તેમને જોવા ગમે છે. એશા ગુપ્તા અને ઈલિયાનાની એક્ટિંગ સાવ જ કંગાળ છે. ઈલિયાનામાં એક મહારાણીનો ઠાઠ અને ઠસ્સો દેખાતો જ નથી. વિદ્યુત આર્મી ઓફિસરના રોલમાં જામે છે. સંજય મિશ્રાની એક્ટિંગ સૌથી દમદાર છે. ખાસ કરીને તિજોરી અનલોક કરવાવાળો સિન.
સંગીત અંકિત તિવારી અને તનિષ્ક બાગચીએ આપ્યુ છે. નવી બોટલમાં જૂની વાઈન જેવું ‘મેરે રશ્ક-એ-કમર’ જામે છે. ઓવરઓલ સંગીત સારું છે. એક આઈટમ સોંગના પિક્ચરાઈઝેશનમાં બોલિવૂડના ચુંબનેશ્વર ઈમરાન હાશમી અને રાત:સ્મરણીય સન્ની લિયોનીને ભેગા કરીને હોટનેસ લાવવાનો પ્રયાસ કરાયો છે પણ જામતુ નથી. હોલિવૂડની તુલનાએ આપણે ત્યાં ઈન્ટિમેટ સિન્સ બાળબોધ વાર્તાઓ જેવા લાગે. આ સોંગના એન્ડમાં એ લોકો રોમાન્સ કરે છે કે કબડ્ડી કે કુસ્તી રમવા ઉતર્યા છે એ જ સમજાતુ નથી. ટાઈમપાસ ખાતર એકવાર જોઈ શકાય.
ફ્રિ હિટ :
કહે છે કે, આ પાનવાળુ પતે પછી કાઠિયાવાડ બાજુ તો ફાકી સાથે પણ આધાર લિંક કરાવવું પડશે…!
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૦૨-૦૯-૨૦૧૭ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply