બાબા હરભજન સિંહ: મૃત્યુ પછી જેની આત્માએ ચાલીસ વરસ સુધી સરહદ પર ફરજ નિભાવીને ચીનની ઘૂસણખોરીને પડકાર આપ્યો હોય એવા એક વીર જવાનની કહાની…
4 ઓક્ટોબર, 1968નો એ ગોઝારો દિવસ હતો. સિક્કિમ પાસે નાથુલા પાસ બોર્ડર પર ચીનની ઘૂસણખોરી રોકવા માટે પંજાબ રેજીમેન્ટની એક ટુકડી સરહદ પર ડેપ્યુટ થઈ હતી. એમાંથી એક બાવીસ વર્ષનો દુધમલ જવાન નામે હરભજન સિંહ બર્ફીલા પહાડોમાં તોફાનની વચ્ચે ખચ્ચર લઈને પોતાના બંકર તરફ જવા રવાના થયો, અને અચાનક પગ લપસતા સંતુલન ખોઈને લગભગ ચૌદ હજાર ફિટ ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયો.
આ ભયાનક દુર્ઘટના વખતે હરભજન સિંહ સાથે કોઈ જ સાથી સૈનિક ના હોવાથી એને લાપતા સમજીને એની ખોજ શરૂ થઈ. બે ત્રણ દિવસ સુધી જીવિત કે મૃત હરભજન સિંહની ભાળ ના મળતા સેનાએ શરૂઆતમાં એને ભાગેડુ જાહેર કર્યો. ત્રીજા કે ચોથા દિવસે એક સાથી સૈનિકને મૃત હરભજન સિંહે સપનામાં આવીને પોતાના જ મૃતદેહ વિશે માહિતી આપી. કુતૂહલવશ સેનાએ એ સ્થળે તપાસ કરતા ઠીક ત્યાંથી જ હરભજન સિંહનો મૃતદેહ બરફની ચાદરમાં ઢંકાયેલો મળ્યો. અને આમ હરભજન સિંહમાંથી બાબા હરભજન સિંહ તરીકે એમને આસ્થાનું પ્રતીક માનવાની શરૂઆત થઈ.
નિયમિત સમયાંતરે બાબા હરભજન સિંહ દ્વારા સાથી સૈનિકો અને ઉચ્ચ અધિકારીઓના સપનામાં આવીને ચીનની હિલચાલ વિશે અને આવનારા ખતરાઓ વિશે માહિતગાર કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો. શરૂઆતમાં અમુક સૈનિકો હસી કાઢતા, લોકલ નાગરિકો અંધશ્રદ્ધા સમજીને મશ્કરી કરતા. પણ સતત આવતા સપનાઓમાં કહેવાયેલી માહિતીઓ સાચી નીકળતા લગભગ તમામ જવાનો મક્કમતાથી માનતા થયા કે બાબા હરભજન સિંહની આત્મા ક્યાંક આસપાસ જ છે. અને આમ બાબાના મંદિર નિર્માણના પાયા નંખાયા.
ભારતીય સૈનિકોમાં તો બાબાની આત્મા પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બન્યો જ. કારણ કે ઘણીવાર ફરજ પર ઝોકું ખાઈ લેતા સૈનિકોને બાબાના હાથની થપ્પડ પડતી. ઉપરાંત, ચીન તરફથી વારંવાર ફરિયાદો આવવા માંડી કે તમારો કોઈ માણસ અમારી સીમામાં ઘોડા પર આવ્યા કરે છે. લશ્કરના ઉચ્ચ અધિકારીઓ શરૂઆતમાં આ ફરિયાદને ચીનની ચાલબાજી સમજતા, પણ ચીનની સતત ફરિયાદો અને રાતે સપનામાં ભારતીય સૈનિકોને મળતી માહિતી પરથી બધા માનવા માંડયા કે બાબા હરભજન સિંહ રાતે સફેદ કપડામાં ઘોડા પર સવાર થઈને પહેરેદારી કરતા રહે છે.
આ કહેવાતી માન્યતા હકીકતરૂપે સાબિત થયા પછી બાબાના જે બંકરને મંદિરનું સ્વરૂપ અપાયું ત્યાં રોજ ભોજનની થાળીઓ પહોંચાડવામાં આવતી, એમની પથારી, રાઇફલ, જુતાઓ, યુનિફોર્મ બધું પૂર્વરત ગોઠવવામાં આવ્યું. સવારે ઘણીવાર સૈનિકો જોતા કે પથારી પર કરચલીઓ પડી જતી જાણે કે કોઈ માણસ ત્યાં રાતભર સૂતો હોય, અને જુતાઓ પર માટી અને બરફ લાગેલો જોવા મળતો. ભારત-ચીનની ફ્લેગ મિટિંગમાં હરભજન સિંહની એક ખુરશી ખાલી રાખવામાં આવતી અને પછી તો ચીનનું લશ્કર પણ બાબાની આત્માનો સ્વીકાર ઈચ્છા કે અનિચ્છાએ કરવા લાગ્યું. પછી તો સમગ્ર સિક્કિમમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ. ઘણા આસ્થાવાનો બાબાના દર્શને આવતા થયા તો સામાપક્ષે અમુકે આખી કહાનીને અંધશ્રદ્ધા સમજીને વિરોધ કર્યો. પણ ભારતીય સૈનિકોએ પોતાની શ્રદ્ધાને વિશ્વાસનું રૂપ આપવામાં ક્યારેય પીછેહઠ ના જ કરી.
બાબાનો પગાર, પ્રમોશન અને હકક રજાઓ ભારતીય સેનાના નિયમો મુજબ ચાલુ જ રહેતું. રજાઓ વખતે ટ્રેઇનમાં બાબાના નામનું રિઝર્વેશન થતું અને એમની તસ્વીરને બર્થ પર સુવડાવીને ગામ મોકલવામાં આવતી. અને આશ્ચર્યજનક રીતે આ સમયગાળામાં સીમા પર વધુ સૈન્ય તૈનાત કરીને સુરક્ષા વધારી દેવી પડતી એ હદ સુધી બાબા હરભજન સિંહની આત્મા પ્રત્યે સેનાનો વિશ્વાસ દ્રઢ બની ગયો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ બાબા 2005માં રીટાયર થયા ત્યાં સુધી યથાવત રહ્યો હતો. સિપાહી તરીકે લશ્કરમાં જોડાનાર હરભજન સિંહ 2005માં કેપ્ટન પદેથી રીટાયર થયા. એમના માતા જીવિત હતા ત્યાં સુધી નિયમિત પેન્શન પણ મોકલવામાં આવતું. સૈન્યની બાબામાં શ્રદ્ધા એ હદે હતી કે ઘણા નવા સિપાહી પોતાની ફરજ પર આવીને પહેલા દર્શન માટે બાબાના મંદિરે જતા.
આજે તો નાથુલા પાસ નજીક, ગંગટોકથી 52 કિમી અંતરે આવેલું આ મંદિર સિક્કિમ ટુરિઝમનો એક મહત્વનો હિસ્સો બની ચૂક્યું છે. એવી માન્યતા છે કે મંદિરમાં પાણીની બોટલ ત્રણ દિવસ રાખીને એકવીસ દિવસ સુધી પીવાથી તમામ રોગો દૂર થઈ જાય છે.( આવી ઘણી માન્યતાઓને લશ્કરના જવાનો સ્વીકારતા નથી, પણ લોકોની આસ્થાનો અનાદર પણ નથી કરતા.)
આપણે આ ચમત્કારો નજીકથી જોયા કે અનુભવ્યા નથી. એટલે તમને, મને અને ઘણાને આ બધી વાતો અંધશ્રદ્ધા લાગી શકે. બાબા હરભજન સિંહની આત્માની વાતો કાલ્પનિક છે કે હકીકત એ પણ આપણે જાણતા નથી. છતાંય આ ચમત્કારોને લશ્કરની દ્રષ્ટિએ જોવામાં આવે તો સમજાય કે આર્મીના જવાનો-ઓફિસરો મૃત્યુ સાથે રમતા ટેવાયેલા છે. લોહીના ખાબોચિયાઓ અને લાશોના ઢગલા સાથે એમનો કાયમી પનારો છે. એટલે સામાન્ય ડર કે ફાલતું માન્યતાઓ સાથે બંધાયેલા રહેવું એ એમની તાસીરને માફક આવે એવું નથી. વળી, બાબા હરભજન સિંહ સાથે ડ્યુટી કરી ચુક્યા હોય એવા સાથી સૈનિકોના ઘણા ઇન્ટરવ્યુ લેવાયા છે. એ તમામે બાબાની આત્માનો પરચો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવ્યો હોવાની કબૂલાત કરી છે.
માનવું કે ના માનવું એ તો પોતપોતાના સ્વભાવ અને શ્રદ્ધાને આધીન હોય, પણ એકવાર અવશ્ય લ્હાવો લેવા જેવું સ્થળ એટલે બાબા હરભજન સિંહનું મંદિર…
~ ભગીરથ જોગિયા
Leave a Reply