‘હજૂ 5 વર્ષ જીવ્યો તો દેશ માટે નોબેલ લઈ આવીશ’ : આધુનિક પતંજલીનો ઈન્ટરવ્યૂ
– ગરીબ દર્દીઓને માટે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 1 લાખ સુધી નીચો કરવાની મહેચ્છા : ડો.એચ.એલ. ત્રિવેદી
– આધુનિક પતંજલીના ટ્રાન્સપ્લાન્ટેશન અંગેના રિસર્ચને વર્લ્ડ મેડિકલ કોન્ફરન્સમાં સ્ટેન્ડિંગ ઓવિયેશન મળેલુ
સુરતમાં કાર્યક્રમ હતો. મોરારિબાપુના હસ્તે મને ‘સંતોક બા’ એવોર્ડ મળ્યો. એ કાર્યક્રમમાં હું એવું બોલ્યો કે, ‘જો હજૂ પાંચ વર્ષ જીવ્યો તો આ દેશ માટે નોબેલ લઈ આવીશ.’ કાર્યક્રમ બાદ બાપુએ મને કહ્યું કે, ‘ડોક્ટર સાહેબ તમને નોબેલનું રાજકારણ નથી ખબર લાગતી. એવોર્ડ જેટલો મોટો રાજકારણ એટલુ વધારે. તમે ક્યાં એ રાજકારણમાં પડશો? નોબેલ પ્રાઈઝમાં જેટલા મળે એટલુ ફંડ હું તમને કરી આપુ તો? એ તમે કિડની ઈન્સ્ટીટ્યુટને આપી દેજો. તમારે તો આમ પણ એ પૈસા કિડનીની સંસ્થામાં જ આપી દેવા છે ને…’ અમદાવાદમાં મોરારિબાપુની કથાનું બીજ આ રીતે સુરતમાં રોપાયેલુ. નોબેલ પ્રાઈઝ અંદાજે 100 કરોડ રૂપિયાનું હોય અને મોરારિ બાપુની 50 કરોડ જેટલુ ફંડ ગરીબ દર્દીઓના લાભાર્થે ભેગુ થઈ ચૂક્યુ છે.” આ શબ્દો છે કિડનીના માત્ર ભારતના નહીં પણ વિશ્વના શ્રેષ્ઠત્તમ સર્જન કહી શકાય તેવા ગુજરાતના રત્ન સમાન ડો. એચ.એલ. ત્રિવેદીના. જેમને તાજેતરમાં જ પદ્મશ્રી એનાયત કરાયો.
પતંજલી, ચરક કે અશ્વિનિ કુમારોના આધુનિક અવતાર એવા ડો. ત્રિવેદી આઠ દાયકાથી વધુની ઉંમરે પણ આંખોમાં યુવાનોને શરમાવે તેવી આત્મવિશ્વાસ સભર ચમક સાથે અમને કહે છે કે, ‘જો હજૂ પાંચ વર્ષ જીવ્યો તો ચોક્કસ આ દેશ માટે નોબેલ લઈ આવવાનો.”
કોઈને પણ સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ડો. ત્રિવેદીએ એવું તે કયુ સંશોધન કર્યુ છે, કે તેઓ નોબેલ પ્રાઈઝ માટે આટલા હક્કથી દાવો કરે છે? એ સંશોધન એટલે કિડની પ્રત્યારોપણ વેળા સાથે રેગ્યુલેટરી ટી સેલનું પણ આરોપણ કરવાની પ્રક્રિયા. મેડિકલ સાયન્સની આ વાત સમજવામાં થોડી સરળ પડે એ માટે પહેલા એ સંશોધને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની દુનિયામાં આણેલા ક્રાંતિકારી પરિવર્તન અને દર્દીઓને થયેલા ફાયદાની વાત કરીએ. એક સમયે વિશ્વમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીના સર્વાઈવલનો(એટલે એમ સમજોને કે નવી કિડની આરોપીત કરાયા બાદ એક વર્ષથી વધુ જીવવવાનો) રેશિયો લગભગ 34 ટકા જેટલો હતો. મતલબ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ માત્ર 34 ટકા દર્દીઓની કિડની વ્યવસ્થિત કામ આપતી. બાકીનાઓનું અંબે માત કી જય… થઈ જતું. નવી કિડનીની સામે રિજેક્શન આવતું અને કેસો ફેઈલ થઈ જતા. રિજેક્શન એટલે કે દર્દીના શરીરમાં આરોપીત કરાયેલી નવી કિડની તેનું શરીર સ્વીકારવાનો ઈનકાર કરી દેતુ. આ રિજેક્શનનો ડો. ત્રિવેદીએ હલ શોધ્યો છે, જેણે વિશ્વભરના ડોક્ટર્સને અચંબામાં મુકી દીધા છે.
મેડિકલ સાયન્સનું જટીલ રિસર્ચ અમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ કહે છે, ‘મને વિચાર આવ્યો કે કિડની સામે આવતું રિજેક્શન આપણા શરીર પર થતા ગુમડાં જેવું હોઈ શકે. ધારો કે આપણા હાથ પર ગુમડું થાય તો એ થોડે સુધી ફેલાય છે પછી ત્યાંથી આગળ નથી વધી શકતું. કિડનીની બાબતમાં પણ એવું જ બનતુ હોવું જોઈએ. ગુમડાં સામે જેમ એક ચોક્કસ પરિઘ બાદ રિજેક્શન આવે છે તે જ રીતે એક જગ્યાએ કિડનીનું પણ રિજેક્શન આવતુ હોવું જોઈએ. માનવ શરીરના રેગ્યુલેટરી ટી સેલ નવી કિડની નહીં સ્વીકારતા હોય.’
આ સમસ્યાના હલ માટે આધુનિક પતંજલીએ એક ક્રાંતિકારી પ્રયોગ કર્યો. ડોનરની કિડનીની સાથે એના શરીરના રેગ્યુલેટરી ટી સેલ પણ ઉપાડીને દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા. પરિણામ ધારણા મુજબનું રહ્યું. દર્દીના શરીરમાં ડોનરના રેગ્યુલેટરી ટી સેલ પણ આરોપીત કરવાથી રિજેક્શનમાં તોતિંગ ઘટાડો અને દર્દીના લાંબુ જીવવાના પ્રમાણમાં ધરખમ વધારો નોંધાયો. ડો. ત્રિવેદીએ દર્દીના સર્વાઈવલનો રેશિયો 34 ટકાથી 83 ટકાએ પહોંચાડી દીધો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના જીવન પણ ખુબ લંબાયા છે. તેમણે કિડની આરોપીત કર્યા બાદ એક પેશન્ટ 20 વર્ષ જીવ્યો. એ પણ એક રેકોર્ડ છે. ડો. ત્રિવેદીએ પોતાના સંશોધનની વાત કરતુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ મેડિકલ કોન્ફરન્સમાં રજૂ કર્યુ ત્યારે હોલમાં બધાએ ઉભા થઈને આ સંશોધનને સ્ટેન્ડિંગ ઓવિયેશન આપ્યુ. તેઓ કહે છે, ‘એ કોન્ફરન્સ બાદ એક ઈન્ડિયન ગદગદ થઈને મારી પાસે આવ્યો અને કહ્યું કે ડો.ત્રિવેદી આપને તો સારી દુનિયા કો હિલા કે રખ દિયા.’
રિસર્ચ સમજવા જે સાયન્ટીસ્ટ્સને સજેસ્ટ કર્યા એ પોતે જ નોબેલની રેસમાં હતા
નોબેલના રાજકારણ મુદ્દે મોરારિબાપુની વાત સોએ સો ટકા સાચી છે. જો રાજકારણ ન નડ્યું હોત તો ડો. ત્રિવેદીને અત્યાર સુધી નોબેલ મળી જ ચુક્યો હોત. નોબેલ મળવાની સંભાવના સર્જાઈ તે પ્રસંગ અંગે તેઓ કહે છે, ‘નોબેલ માટે નોમિનેશનની લાસ્ટ ડેટ 31 જાન્યુઆરી હોય છે. તે પૂર્વે મારા પર કાલ ગ્રોથનો કોલ આવ્યો. સ્વિડનના કાલ ગ્રોથ નોબેલ કમિટીના ચેરમેન છે. તેમણે મને કહ્યું કે, ‘ડો. ત્રિવેદી અમે નોબેલ પ્રાઈઝ માટે તમારા નોમિનેશન અંગે વિચારી રહ્યા છીએ. પણ શું કોઈ સાયન્ટીસ્ટ તમારી વાત સમજે છે? તમારા સંશોધનને સમજી શકે તેવા સાયન્ટીસ્ટ સજેસ્ટ કરો.’ મેં મારું સંશોધન જે સમજી શકે તેવા વિશ્વના ચારથી પાંચ નામાંકિત સાયન્ટીસ્ટના નામ આપ્યા. પણ પ્રોબ્લેમ એ થઈ ગયો કે મેં જેમના નામ આપ્યા એ તમામ સાયન્ટીસ્ટ પોતે જ નોબેલ પ્રાઈઝની રેસ હતા. એટલે બધાએ ‘ખબર નથી’ અને ‘અમે સમજતા નથી’ જેવા જવાબો આપ્યા અને મને નોબેલ ન મળી શક્યો. પણ આગામી પાંચેક વર્ષમાં વિશ્વ આ વાત ચોક્કસ સમજશે.”
“ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટને જોઈને હું તેની કુંડળી કહી આપુ કે એને આટલા દિવસે આ થશે”
ડો. ત્રિવેદી કિડની ટ્રાન્સપ્લાન્ટેશનને પોતાનું પેશન ગણાવે છે. તેઓ કહે છે, ‘જેમ અમુક લોકોને ડાન્સમાં મજા આવતી હોય એમ અમારા ગૃપને આમા મજા આવે છે. એટલે જ તો અમે પાંચેક ડોક્ટર્સ ભેગા મળીને અહીં અમદાવાદમાં વિશ્વની શ્રેષ્ઠત્તમ કિડની ઈન્સ્ટીટ્યુટ ઉભી કરી શક્યા છીએ. ટ્રાન્સપ્લાન્ટેશન મારું પેશન છે. ટ્રાન્સપ્લાન્ટેશનના પેશન્ટને જોઈને હું તેની કુંડળી કહી આપુ કે, આને એકવીસમાં દિવસે આ થશે અને છત્રીસમાં દિવસે આ થશે.’
અમદાવાદમાં દુનિયાની પહેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી શરૂ થશે
જેના લાભાર્થે રિવરફ્રન્ટ પર રામકથા ચાલી રહી છે તે ડો.એચ.એલ ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીઝ અંગે તેઓ કહે છે કે, ‘અહીં વિશ્વની પહેલી આ પ્રકારની યુનિવર્સિટી શરૂ થશે. આ યુનિવર્સિટીમાં પછી ધીમે ધીમે લિવર, હાર્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન પણ દાખલ કરવામાં આવશે. વિશ્વનું શ્રેષ્ઠ મેડિકલ સાયન્સ અમે એક છત નીચે આપવા માંગીએ છીએ.’
તેઓ ઉમેરે છે કે, ‘આ કાર્યમાં સરકારને સાથે રાખી છે. જેથી હું ન હોઉં ત્યારે પણ આ કાર્ય ચાલતુ રહે.’
રામકથાના ફંડથી ગરીબોની કિડની માત્ર 1 લાખમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની મહેચ્છા
ડો.ત્રિવેદી કહે છે, ‘મારે મોડર્ન મેડિસિનને કોમનમેન પાસે લઈ જવી છે. મોડર્ન મેડિસિન એટલે એવી મેડિસિન કે જે અનેક રિસર્ચ બાદ બનેલી છે પણ એક્સપેન્સિવ છે.’ હાલ ખાનગી હોસ્પિટલોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચ 8થી 10 લાખ જેટલો આવે છે. આ સર્જરી સિવિલની કિડની ઈન્સ્ટીટ્યુટમાં 3.5 લાખ જેટલા ખર્ચે થઈ જાય છે. રામકથાથી આવનારા ફંડનો ઉપયોગ કરી ગરીબ દર્દીઓને માત્ર 1 લાખ રૂપિયામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આપવાની મહેચ્છા ડો. ત્રિવેદી રાખે છે.
વિધાનસભામાં ડો.ત્રિવેદીનું નામ પડતા જ કાયદો પસાર થઈ ગયો
કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા સરળ બનાવતા કેન્દ્રના હ્યુમન ઓર્ગન્સ એન્ટ ટીસ્યુ રૂલના ફેરફારોને ગુજરાતની OTAC (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓથોરાઈઝેશન કમિટી)એ હજૂ લાગુ નથી કર્યા એ સંદર્ભમાં સવાલ પૂછાતા ડો. ત્રિવેદી એક રસપ્રદ વાત માંડે છે. તેઓ કહે છે, ‘ટ્રાન્સપ્લાન્ટેશન એ ન્યુ સાયન્સ છે. મેડિકલ સાયન્સમાં જેમ નવા સંશોધનો થતા જાય એમ નવા કાયદાઓની જરૂર પડે છે. હું ઈન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો પ્રમુખ હતો, ત્યારે હ્યુમન ઓર્ગન્સ અંગેનો કાયદો અમે જ પાર્લામેન્ટમાંથી પસાર કરાવ્યો. પસાર કરાવ્યા બાદ અમને સમજાયુ કે સંસદે પાસ કરેલો કાયદો સ્ટેટ માટે વિધાનસભામાંથી પણ પસાર કરાવવો પડે. મેં ગુજરાત વિધાનસભામાં એપ્રોચ કર્યો. કોઈએ રસ ન દાખવ્યો. કદાચ કોઈને એ સમયે આની જરૂરિયાત કે ગંભીરતા નહીં સમજાયા હોય. ત્રણ વર્ષ સુધી કાયદો એમ જ પડ્યો રહ્યો.
પછી એક વાર શક્તિસિંહ ગોહિલ એમના કોઈ સગાને બતાવવા આવ્યા. એમણે કહ્યું કે ત્રિવેદી સાહેબ કંઈ કામ હોય તો કહેજો. મેં કીધુ કામ છે જ. એમને મેં ટ્રાન્સપ્લાન્ટ એક્ટ અંગે વાત કરી. એમણે કહ્યું કે સરકાર તો અમારી નથી અમારા બીજા બાપુ (શંકરસિંહ વાઘેલા)ની છે. પણ હું એમને વાત કરી શકીશ. એ ફાઈલ મને આપી દો. તેઓ ફાઈલ લઈને ગયા. એ દિવસે સાંજે મેં વિધાનસભામાં ફોન કરીને પૂછ્યું તો જવાબ મળ્યો કે એ કાયદો તો પસાર થઈ ગયો.”
“આ અંગે શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરતા તેમણે કહ્યું, મેં વિધાનસભામાં જઈને કીધુ કે આ પેલા ડો.એચ.એલ. ત્રિવેદીનું કંઈક છે, તો બધાએ એકી અવાજે કહ્યું હા… હા… આપી દો આપી દો… અને કાયદો પસાર થઈ ગયો.”
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કાયદામાં સુધારા અંગે તેઓ કહે છે કે, રૂલમાં મૃત્યુ માટેની બ્રેઈન ડેડની ડેફિનેશન જ બદલવાની જરૂર છે. એક્સિડેન્ટના દરેક કેસને ડિકલેરેબલ કરવા જોઈએ. એક્સિડેન્ટનો ભોગ બનેલા જે દર્દીઓનું બ્રેઈન ડેડ થાય તેમના કામ કરતા અવયવો તેમના પરિવારજનોની મંજૂરી સાથે કાઢવામાં આવે તો સેંકડો ઓર્ગન્સ મળી આવે. આ પ્રક્રિયા સરકારી રાહે નિયમ હેઠળ થાય તો વધુ અસરકારક પરિણામો મળી શકે.
આઈ વોઝ ટ્રેપ્ડ, મારે લાદેનના ડોક્ટર તરીકે નહોતુ ઓળખાવું!
સાહેબ, તમે લાદેનની સર્જરી કરવા અફઘાન જવાના હતા? શું હતો એ પ્રસંગ? એવો સવાલ સાંભળતા જ ડો. ત્રિવેદી ખડખડાટ હસી પડે છે અને કહે છે, ‘આઈ વોઝ ટ્રેપ્ડ. મારે લાદેનના ડોક્ટર તરીકે નહોતુ ઓળખાવું!’ એ આખો પ્રસંગ વર્ણવતા તેઓ કહે છે, ‘બન્યુ એવું કે લાદેનની કિડની ફેઈલ થયેલી. એ અમે બધા જાણતા હતા. એની દવાઓ પણ દિલ્હીથી જ જતી હતી. અહીંના એક રિપોર્ટર મારી પાસે આવ્યા તેમણે મને નામ જણાવવાની ના પાડી છે. તેઓ મારી પાસે લાદેનની સર્જરી કરવાની વાત લઈને આવેલા. મેં એમને કીધુ કે એ જો અહીં આવે તો સારવાર કરી આપુ. એ પણ સરકારને જાણ કરીને. થોડા દિવસમાં RAWના બે એજન્ટ આવીને મારી ઓફિસમાં બેસી ગયા. એમના નામ મને યાદ નથી આવતા. એમણે કહ્યું કે તમારા માટે અમેરિકાની CIAનો મેસેજ છે, કે જો તમે લાદેનની સારવાર માટે જશો તો વી વિલ કિલ યુ. પછી એ પ્રસંગ બહુ ચગ્યો. હું ગયો નહીં કારણ કે, મારે મરવું નહોતુ. ને મારી પત્ની પણ મને ન જવા દે.”
પેશન્ટે કહ્યું, ‘આવતા જન્મે તમારા દિકરા તરીકે જન્મ લેવો છે’
પોતાની મેડિકલ કેરિયરના યાદગાર પ્રસંગો યાદ કરતા તેઓ કહે છે કે, મને અમેરિકાનો મારો એક પેશન્ટ યાદ આવે છે. તેણે મને કહેલું, ‘સાહેબ, મને ખબર છે કે હું મરી જવાનો પણ આવતા જન્મે તમારા દિકરા તરીકે જન્મ લેવો છે. ‘ એ પ્રસંગ હું કદી ભુલી શક્યો નથી. મેં સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ની પણ સર્જરી કરેલી. પણ આચાર્ય ક્રિપલાણીની સર્જરી હું કદી નહીં ભુલી શકુ. તેમને સર્જરી માટે દિલ્હી લઈ જવાના હતા. વડાપ્રધાન મોરારજી દેસાઈએ તેમના માટે દિલ્હીથી પ્લેન મોકલેલુ. પરંતુ મોરારજીભાઈ દ્વારા ખાસ પ્લેન મોકલાવા સામે નારાજગી દર્શાવી ક્રિપલાણીજી પ્લેનમાં બેસવા તૈયાર થતા નહોતા. મેં એમને સમજાવ્યા કે જનરલ પ્લેનમાં તમે જશો તો અન્ય મુસાફરોને તકલીફ થશે ત્યારે તેઓ માંડ માન્યા.
હું ખાસ પ્લેનમાં તેમને લઈને દિલ્હી જવા રવાના થયો અને રસ્તામાં ઉપાધિ સર્જાઈ. ક્રિપલાણીજીએ કહ્યું કે, ‘યે સબ ખોલ દો મુજે સાંસ લેને મેં તકલીફ હો રહી હે.’ હું ગભરાયો. આવડા મોટા નેતાને પ્લેનમાં લઈને એક ડોક્ટર લઈને જઈ રહ્યો હતો. ન કરે નારાયણને રસ્તામાં એમને કંઈક થઈ જાય તો? મેં એમને પૂછ્યું ત્યારે ખબર પડી કે એમને ટોઈલેટ જવું હતું. એ પતાવ્યું ત્યારે એમને અને અમને નિરાંત થઈ.
તેમણે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ મેડિકલ કોન્ફરન્સમાં રજૂ કરેલુ કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગેનું પ્રેઝન્ટેશન દર્શાવતા ડો. ત્રિવેદી. આ પ્રેઝન્ટેશન માટે તેમને વર્લ્ડ કોન્ફરન્સમાં સ્ટેન્ડિંગ ઓવિયેશન મળેલુ : અમદાવાદ કિડની હોસ્પિટલમાં તેમની ચેમ્બરમાં ડો. ત્રિવેદી.
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૦૪-૦૨-૨૦૧૫ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply