તન્હા હૈ, મગર અકેલે તો નહીં હૈ…
શહેરમાં રોજીરોટી કમાવા શરીર તોડીને દોડતો પુરુષ, સવારની વહેલી ટ્રેન પકડીને સાંજે મોડી ટ્રેનથી રિટર્ન આવતો પુરુષ, થાકતો હાંફતો, પરસેવે નીતરતો પથારીમાં પડે છે ત્યારે એને ભાન થાય છે કે જે જિંદગી જીવવા માટે ભણ્યા હતા, નોકરી માટે શહેર આવ્યા હતા, સૂર્ય ઉગમવા કે આથમવાનો ભેદ પરખયા વગર, ઉગતો ચંદ્રમા જોવાનું ભૂલીને ગદ્ધાવૈતરું કરતા રહ્યા હતા એમાંથી મળ્યું શું? બે ટંકની રોટી, ગુફા જેવું મકાન ને સાવ મામુલી બેન્ક બેલેન્સ બસ! અને ગુમાવ્યું કેટલું બધું?
ગામડેથી થોડુંક ભણેલી પણ સંવેદનશીલ એવી પરણીને શહેરમાં આવેલી સ્ત્રી, સવારે એલાર્મના ટકોરે ઉઠી જતી સ્ત્રી, પતિના કપડાં અસ્ત્રી કરવામાં અને બાળકોનું ટિફિન તૈયાર કરવામાં જેનો દિવસ પૂરો થઈ જવાનો છે, અને રાતે સુવાનો ટાઈમ ફિક્સ કરવા માટે કોઈ જ એલાર્મ નથી. જે સપનાઓ જોતી નવવધૂ શહેર આવી હતી કોઈકના ઈંટોના બનેલા મકાનને ઘર બનાવવા, એ ખુદ હવે પથ્થર થઈ ગઈ છે. દર રવિવારે શહેરની ઝાકમઝોળમાં ભેળપુરી ખાવા જેટલો જીવનનો વૈભવ મળી ગયો હતો બસ! અને સામે ગુમાવ્યું કેટલું બધું?
હવે તંગ દોરડા પર ફાસ્ટ ભાગતી જિંદગીમાં આજુબાજુના દ્રશ્યો જોઈને આનંદ કરવાનો અવસર નહોતો, અવસર હતો તો ય કદાચ ઉમળકો નહોતો. યુવાનીમાં જે લાગણીમાં વહીને કવિતાઓ લખી હતી, એ સાંભળનાર હવે કોઈ નહોતું. કોઈના ખભે માથું રાખીને રોઈ લેવું જોઈએ એવું સતત લાગ્યા કરતું, પણ આ સિમેન્ટ-કૉન્ક્રીટના શહેરમાં લોકોના ખભા સાવ તકલાદી અને જીવનના ભારથી ઝૂકી ગયેલા અને ખાસ તો બરડ બની ગયા હોવાની બીક સતત લાગતી. આપણી સંવેદના કોઈના માટે મજાક બની જવાનો ભય સાવ ખોટો નહોતો. એકલા જ આવ્યા મનવા ને એકલા જવાના એ જીવનની વાસ્તવિક ફિલસુફી હતી.
પણ, મળી રહેતું હોય છે કોઈક આપણા જેવા જ સંવેદનો અનુભવતું એકલતાથી પીડિત હૃદય, જ્યાં જેવા છીએ એવા દેખાવામાં કોઈ ડર નથી, જ્યાં ખભે માથું નાખીને રડી લેવામાં ઈમ્પ્રેશન ડાઉન થતી નથી. જેને આપણી ફાલતુ કવિતાઓ સંભળાવીને વાહ વાહી મેળવી શકાય છે. જેનો હાથ પકડવાથી એ પથ્થરનું શહેર વહેતી નદી જેવું તાજગીમય કે તાજા ફૂલોના બગીચા જેવું સુંગંધિત થઈ જાય છે. જેનો હાથ પકડવાથી જગતે આપેલા જખ્મોથી આપણા બરછટ હાથની બળતરા ઓછી થઈ જાય છે. પણ, અફસોસ…
શહેરને માથે એકલતાનો અભિશ્રાપ છે. કોઈ જ સુખ કાયમી નથી, કોઈ જ સંગાથ જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેવા જેટલો સદભાગી નથી. એક મુકામે એ હાથ છૂટી જવાનો છે, રસ્તાઓ ફંટાય જવાના છે. નદીના ભાગ્યમાં દુકાળથી સુકાઈ જવાનું છે, અને ફૂલોના ભાગ્યમાં મુરઝાઈને ખરી જવાનું છે. અંતે, ફરીથી તૂટી જવાનું છે. એ જ એકલતા, એ જ કાળું-અંધારિયું શહેર, એ જ અણગમતી નોકરી જે માત્ર થોડોક સમય જ સહનીય બની હતી, એ જ શ્રોતાની વગરની લખાયે જતી કવિતાઓ, એ જ કોઈ હમસફર કે હમદર્દ વગર પીવાતી કોફીના કડવા ઘૂંટ…બસ, એકલતાનું આ આ આખરી ઇનામ હતું કે ખુદની ધૂનમાં પાગલ થઈ જવું!
ખૈર, હવે એ તૂટેલા દિલના વેરવિખેર ટુકડાઓ ફરીથી જોડાઈ શકે એમ નથી, ફરી હવે આથમતા સૂરજ કે ઉગતા ચંદ્રમાને માણી લેવાનો ઉમળકો નથી, હવે અધવચ્ચે સફર છોડીને ચાલ્યા ગયેલા હમસફરના સંગાથ વગર આ સૂકી બંજર ઈંટોનું મકાન ક્યારેય ઘર બની શકે એમ નથી. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યું હી તમામ હોતી હૈ! બસ…❤️
– Bhagirath Jogia
june23
Leave a Reply