મહિલા પહેલવાનો અને કુસ્તી સંઘના અધ્યક્ષ કમ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને મામલે હંગામા કયું હૈ બાપ્પા?
2004માં આ સાંસદશ્રીનો 19 વર્ષનો દીકરો આત્મહત્યા કરીને ગુજરી ગયો. સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘તમે એક પપ્પા તરીકે જરાય સારા નથી. તમારા કૃત્યોને કારણે મને મારી જુવાન થઈ રહેલી બહેનની ચિંતા થાય છે…’ એ દીકરાની સ્યુસાઇડ પહેલા વાતો ચગેલી કે દીકરાની ગર્લફ્રેન્ડ સાથે સાંસદશ્રીએ છેડતી કે એવું કંઈક કરેલું. સગો દીકરો તો કદાચ બાપનો રાજકીય વિરોધી નહિ જ હોય ને! એક બાપનું કેરેકટર એટલું ખરાબ હશે કે 19 વર્ષના દીકરાએ આપઘાત કરવો પડ્યો? જો કે નોટ પરથી તો એમ સાબિત થાય જ છે!
એની વે, હવે મહિલા પહેલવાનોના મુદ્દે આવીએ. ઓગસ્ટ 2021માં એક મહિલા પહેલવાને વડાપ્રધાનને રૂબરૂ શોષણની ફરિયાદ કરી. સાહેબે એમને ન્યાયની ખાતરી આપીને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. ચાર છ મહિને કોઈ જ પગલાં ના લેવાતા વળી પાછી નાના મોટા મંત્રીઓને ફરિયાદો કરી. પણ રીઝલ્ટના નામે મીંડું! અંતે જાન્યુઆરી 2022માં ખેલમંત્રી અનુરાગ ઠાકુરે આ મહિલા પહેલવાનોને કમિટી બનાવીને ન્યાય અપાવવાનું વચન આપ્યું. આ વચનભંગ પછી છેક એપ્રિલ 2023માં આ ગરમ ખૂનના યુવાનોએ જંતર મંતર પર ધરણા શરૂ કર્યા. પણ કોઈ જ તંત્ર તરફથી કોઈ જ રિસ્પોન્સ નહિ. મીડિયા પણ એમને કવર કરવાનું અવગણી રહ્યું હતું. આવી સ્થિતિમાં પહેલવાનો જાય તો ક્યાં જાય?
અંતે, 28 મેના રોજ નવા સંસદભવનના ઉદ્ઘાટન વખતે આ લોકોએ નક્કી કર્યું કે સસંદની સામે જ અહિંસક ધરણા કરવા. પણ એ પહેલવાનોને ત્યાં સુધી પહોંચવા દેવામાં ના જ આવ્યા. પોલીસોએ એમને ઘસડી ઘસડીને માર્યા. લાઠીચાર્જ કર્યો, ગાડીમાં એવી રીતે બેસાડ્યા જાણે કોઈ રીઢા ગુનેગાર હોય. ઉલટું એમના પર જ કેસ ઠોકી દેવામાં આવ્યા. આ બધો ખેલ નવી સંસદથી માત્ર એક કિલોમીટર દૂર ચાલી રહ્યો હતો. બરાબર એ જ સમયે જ્યારે વડાપ્રધાન કહી રહી હતા કે,’ ભારત તો લોકશાહીની જનની છે…’
દિલ્હી પોલીસે થાકી હારીને ફરિયાદ દાખલ કરી એમાં મહિલા પહેલવાનોએ આપેલા સ્ટેટમેન્ટના બધા ભાગ લખતા મને તો શરમ આવે. પણ જાણવું હોય એણે ઇન્ડિયન એક્સપ્રેસનું 29 કે 30 તરીખનું ફ્રન્ટપેજ વાંચી લેવું. હું ટૂંકમાં કહીશ કે, ” અમારા શ્વાસ ચેક કરવાને બહાને પેટ અને સ્તન પર હાથ મુકતા…” હવે આ કામ તો કોચ-ફિઝિયોનું હોય, અધ્યક્ષનું ક્યાંથી થઈ ગયું? રવીન્દ્ર જાડેજાની ફિટનેસ જય શાહ ચેક કરે કે ટીમના કોચ કે ફિઝિયો? સાવ સાદો સવાલ છે. જવાબ પણ સાવ સરળ છે.
ભલે કદાચ સાંસદશ્રી નિર્દોષ હોય તો પણ એમની ધરપકડ થઈને પૂછપરછ તો થવી જ જોઈએ ને? આમ ખુલ્લેઆમ ફરીને સામી ચેલેન્જો આપવાની હિંમત એમને ક્યાંથી આવે છે? વળી, આ સાંસદ તો ખુલ્લેઆમ એક વિડીયોમાં કહેતા હતા કે- હમને એક આદમી કો ઠોક દિયા થા…કદાચ 2024માં સવર્ણ વોટબેંક ધ્યાનમાં રાખીને યુપીની 4 કે 6 લોકસભા સીટનું નુકશાન ના જાય એટલે? ભલે, વડાપ્રધાનની આ કાયમી સ્ટાઇલ હોય કે સજા દરેકને મળશે, પણ એ તમારા કહ્યે નહિ. એ ટાઈમ હું પોતે નક્કી કરીશ. પણ આ તો…
આ એ મહિલા પહેલવાનો છે જેણે મેડલો થકી દેશને ગૌરવ અપાવ્યું છે. જેને વડાપ્રધાન પણ દેશની દીકરી કહેતા થાકતા નહોતા. આજે હવે એ દીકરીઓને સાંભળનાર કોઈ નથી. વળી, આ કોઈ લેભાગુ મહિલાઓ નથી અને એમની કોઈ રાજકીય માંગ કે અન્ય કોઈ પદની કે પૈસાની ડિમાન્ડ નથી. પણ હવે લાગે છે કે અભિનવ બિન્દ્રા, નીરજ ચોપરા, 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમ અને બીજા ઘણા મોટા સેલિબ્રિટીઓએ પહેલવાનોને સાથ આપતી ટ્વીટ કે પોસ્ટ કરી છે તો દબાણમાં સરકારનું મન બદલાય પણ ખરું.
આ બધા જ મહિલા-પુરુષ પહેલવાનો હરિયાણવી જાટ ખેડૂતોના દીકરા દીકરીઓ છે. આપણી જેમ સુંવાળા નથી. અન્યાય સામે લડી મરવાનું જીગર એમની સાત પેઢીના વારસામાં છે. નરેશ-રાકેશ ટિકૈતની આગેવાનીમાં ખેડૂતો અને ખાપ પંચાયતો જો પહેલવાનોની સાથે રાજકીય આંદોલન પર ઉતરી આવે તો (અલ્ટીમેટમ તો આપી જ દીધું છે!) ફરીથી 2021નું ખેડૂત આંદોલન આપણે જોવું પડશે એવું પુરી શક્યતાઓ છે. હવે આશા રાખીએ કે સરકાર જલ્દીથી સમાધાન કરીને કથિત આરોપી બાહુબલી સાંસદની કમસેકમ ધરપકડ અને પૂછપરછ તો કરે!
ખૈર, આજે રાતે પહેલવાનો અને અમિત શાહની સિક્રેટ મુલાકાત થઈ છે. એમાં શું નક્કી થયું એ ટૂંકસમયમાં ખબર પડશે. કદાચ ફરીથી સમાધાન થાય અને આંદોલન મોકૂફ રહે, કદાચ સાંસદશ્રીની ધરપકડ થાય. જોઈએ આગે આગે હોતા હૈ ક્યા!
– Bhagirath Jogia
Leave a Reply