હાર્ટ એટેકનો એક જ નિયમ છે કે, કોઈ ખાસ નિયમ જ નથી.
જ્યારે કોઈ જુવાન માણસ હાર્ટ એટેકમાં ગુજરી જાય ત્યારે આપણે અમુક જૂની પુરાણી ફિલોસોફીઓ શરૂ કરી દઈએ છીએ-જુઓને જુવાનિયાઓ સ્ટ્રેસ કેટલો લે છે, વ્યસનો કેટલા વધી ગયા છે, આહાર વિહારમાં કોઈ જ કન્ટ્રોલ જ નથી, જીવન બેઠાડું થઈ ગયા છે, નવી પેઢીના શરીર જ તકલાદી થઈ ગયા છે વગેરે વગેરે…
પણ ધ્યાનથી એક એક કેસ ઓબ્ઝર્વ કરશો તો સમજાશે કે આમાંથી એક પણ ફિલોસોફી હૃદયના રહસ્યોને માપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. આપણા દેશમાં હજારો લોકો આજીવન એવા સ્ટ્રેસમાં જીવતા હોય છે કે રાતોની ઊંઘ હરામ થઈ જાય. છતાં બધાને એટેક નથી આવતા. કેલેરી ગણી ગણીને ખાનારા સુંવાળા બટાકાઓ ફટ દઈને ફાટી જાય છે અને બેફામ-બેહિસાબ ખાનારાઓ 100 કિલોનું વજન લઈને બિન્દાસ્ત ફરતા હોય છે, ડોસા થાય ત્યાં સુધી. પાતળી કમર અને ચરબીવિહીન શરીરના ધારકો સુસ્મિતા સેન કે સૌરવ ગાંગુલીઓ પણ અચાનક હૃદયના મામલે માર ખાય જતા હોય છે.
બેઠાડુ જીવન હોવું ના જોઈએ એ સાચું, શરીર કસરતી હોવું જોઈએ એ સાચું, મીઠાઈઓ ને તૈલી ખોરાક લિમિટેડ હોવા જોઈએ એ પણ સાચું, બહુ જગત આખાની ચિંતાઓ માથે લઈને ના ફરવું એ પણ એટલું જ સાચું…પણ આ બધી સાવચેતીઓ હૃદયને સલામત રાખવાની ખાતરી નથી આપતી. વ્યસનીઓ ને ઉજાગરાથી પીડાતા બધા રાતના રાજાઓ હાર્ટ એટેકથી ગુજરી નથી જતા! એ તો કોઈક છાપે ચડી ગયેલો સ્વ.હ્ર્દયરોગી આપણી નજરમાં આવે છે ત્યારે આપણને નવી નવી ફિલોસોફીઓ સુજે છે અને તર્કબુદ્ધિ નવાઈ પામીને સુન્ન થઈ જાય એવા આંચકાઓ પણ લાગે છે.
ઉલટું એક નિષ્ણાંત હાર્ટ સ્પેશિયાલિસ્ટે કહેલું કે- હાર્ટને સ્વસ્થ રાખવાનો સીધો નિયમ એ છે કે, શરીરના કુદરતી બંધારણ અને દિનચર્યામાં બહુ ખેંચતાણપૂર્વકના ફેરફારો ના કરવા. આખી જિંદગી બપોર સુધી સુતા રહેતા હો અને અચાનક પરોઢિયે ઉઠીને દોડયા કરો તો એ જોખમી છે. જિંદગીમાં શેકેલો પાપડ પણ ભાંગ્યો ના હોય અને અચાનક જીમમાં જઈને ઢંગધડા વગર વજનો ઊંચકીને બાવડા ફુલાવવા માંડો તો એ હૃદય પર બહારથી હુમલો છે. દેખાદેખીમાં બોડી બનાવવા હદ બહારના પ્રોટીન લેવા એ હાર્ટ એટેકને આમંત્રણ આપવા જેવો નાનકડો આપઘાત છે. શરીર પાતળું રાખવા આડેધડ ડાયેટિંગ કર્યા કરો તો વિટામિન, પ્રોટીન અને કુદરતી ચરબી ઓછી થતા ધરમ કરતા ધાડ પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
બી નેચરલ, વજન વધારો કે ઘટાડો બધું ધીરજથી પ્રોપર ટ્રેનિંગ સાથે. મીઠાઈઓ પ્રત્યે ધરારથી સુગ રાખીને તરફડવા કરતા આપણા અસ્સલ ઘી-દૂધમાંથી ગુડ કોલેસ્ટ્રોલ લઈને શરીર ને મગજ બેય સ્વસ્થ રાખો. લિમિટેડ સ્વીટ ખાવાથી તો શરીર ખુશનુમા રહે છે, એવું ખુદ વિજ્ઞાન કહે છે. બાવડાઓ રાતોરાત ફુલાવવા કરતા ચાલવા-દોડવા કે ઉઠબેસ જેવી હળવી કસરતોથી ધીમે રહીને આગળ વધો. બિનજરૂરી સ્ટ્રેસ ના રાખવો, એ તો હૃદયરોગ સિવાય પણ લાભદાયક છે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે, સ્ટ્રેસ દૂર કરવાના કે શરીર સ્વસ્થ રાખવાના સ્ટ્રેસમાં જ મગજ અને હૃદય ફાટી પડે છે. એટલે લાંબી લપ કરવા કરતા મસ્તીમાં જીવવા જેવો કોઈ સલામત રસ્તો જ નથી.
બાકી તો હાર્ટ એટેકના જેટલા કેસ જોશો એટલા પોતે જ કન્ફ્યુઝ થતા જશો. કોઈને કહેશો કે એ બેઠાડુ જીવનથી ગુજરી ગયો તો કોઈને મરતા જોઈને લાગશે કે આ તો જીમમાં જવાથી ગુજરી ગયો. કોઈ જાડીયો જણાતા ભોગ બન્યો એમ લાગશે તો કોઈ કુપોષિત હોવાથી ફાટી પડ્યો હોવાનું જણાશે. કોઈ બેફામ ખાઈને સુઈ જવાથી હાર્ટ એટેકમાં સપડાયાનો ભ્રમ થશે તો કોઈ ઉજાગરાના કારણે જતો રહ્યો એમ! ડોક્ટરો જાડા માણસને ચાલવાની સલાહ આપશે અને પાતળા માણસોને આરામ કરવાની, બસ!
ખૈર, જેટલા માથાઓ એટલી વાતો…બાકી તો બધે મોરચે સાવચેતીઓ રાખીને દર છ મહિને ફૂલ બોડી ચેકઅપ કરાવનારાઓ પણ એટેકમાં ગુજરી જાય ત્યારે જ ખબર પડશે કે આ તો આમ હતું, એટલે આમ થયું. ખરેખર તો હૃદય પોતે જ એક કુદરતનું અતાગ રહસ્ય છે જેના કોયડાઓ ખુદ હાર્ટ સ્પેશિલિસ્ટ્સ પણ નથી ઉકેલી શકતા! આપણા લેખક કાંતિ ભટ્ટ કહેતા એમ-જગતભરના દુઃખોથી હૃદય ફાટી પડ્યું હોય ને કાર્ડિયોગ્રામ નોર્મલ આવે એ એક જ ચમત્કાર જ છે!🙏🌱♥️❤️
~ Bhagirath Jogia
Leave a Reply