“પ્રેમ કદાચ જિંદગીથી વિશેષ હશે, પણ જુગારથી વિશેષ નથી!
જુગારના અડ્ડા કે કેસિનોની દુનિયા જેણે જોઈ હશે એને ખ્યાલ હશે કે ઘણા લોકો જલસો કરવાની કે કમાય લેવાની કે પછી કિસ્મત અજમાવી લેવાની વૃતિએ એમાં પગ મૂકતા હોય છે, અમુક કલાકો કચકચાવીને લડી લીધા પછી બહાર નીકળતી વખતે એવું બનશે કે કોઈ ખિલખિલાટ મોજમાં સૂટકેશ ભરીને નીકળે તો બીજું કોઈ સૂટકેશ ખાલીખમ કરીને રોતલા મોઢે બહાર આવે. પણ એક ત્રીજા પ્રકારનો જુગારી એવો હોય છે, જે ગમે એ જલસાથી મલકાતો જ બહાર આવે, ભલે એ જીત્યો હોય કે હાર્યો હોય, અને એ જ સાચો જુગારી. પ્રેમનું પણ કંઈક એવું જ છે, સાચા પ્રેમીઓને ફરક ના પડવો જોઈએ, પ્રેમના અંતિમ પરિણામથી!
એક વિચારકે કહેલું કે તમે માર્ક કરજો કે તમારી જિંદગીમાં જેટલા સારા-નરસા પ્રસંગો બન્યા હોય એ અચાનક જ બન્યા હશે, નહિ કે આયોજનથી…અનુભવે સમજાય કે પ્રેમનું પણ એવું જ છે, એ કોઈ સમયના ટુકડામાં ગિરફ્તાર થયેલ અને આપણા હૃદયમાં વસી ગયેલ માણસનો ચહેરો નથી પણ કુદરતે કોઈક નક્કર ચોઘડિયે આપેલ સુંદર ક્ષણોની ભેટ છે, પણ કુદરતની ભેટ સારી કે નરસી નીવડશે તો એ તો કાળા માથાના માનવીને લલાટે લખાયેલા લેખ પર આધાર રાખે છે. જીત્યા તો ભવસાગર તરી ગયા અને હાર્યા તો બારેય વહાણ ગરકી ગયા દુઃખના દરિયામાં… અને એટલે જ કદાચ, પ્રેમ કોઈ જુગારથી વિશેષ નથી!
આ બધી ફિલોસોફી લાંબી ને નકામી લાગતી હોય તો પોતાના કે કોઈ અંગત મિત્રની જુવાનીનો ઇતિહાસ યાદ કરી જુઓ. તમે જેને કોલેજમાં કે ઇવન નવા જમાના પ્રમાણે ફેસબુક કે ઇન્સ્ટામાં બેશુમાર પ્રેમ કરતા હશો એ પાત્ર ક્યાંક બીજા સરનામે દિલની લાગણીઓનું રોકાણ કરીને બેઠું હશે, અને તમે દુઃખીના દાળિયા થઈ જશો. (બની શકે કે તમારા પ્રેમનો પ્રેમ પણ કોઈક બીજાના દિલનો શેરધારક હશે તો તમારી જેમ એ પણ દુઃખના ડુંગરા માથે લઈને જીવતું હશે!) પણ શાંત ચિત્તે ક્યાંક કોઈ તમને ય પ્રેમ કરતું હશે, જેની ચાહત તમારા દુઃખના ડુંગરાની પાછળ તમે ઢાંકી દીધી અને એ ચાહત કોઈક બીજાને ડુંગરા પાછળ ધકેલીને તમારી પાછળ ઘેલી હોય. મતલબ કે, પત્તાઓ પડ્યા પછી જ ખબર પડે કે આપણા હાથમાં આવેલી બાજી સારી છે કે દિલની તિજોરી લૂંટાય જાય એવી!
કદાચ કિસ્મત ભવસાગર તરાવી દેવા તલપાપડ હોય અને કોઈક હૃદયના બંધ તાળામાં તમારી લાગણીઓની ચાવી પરફેક્ટ બેસી ગઈ અને બે હ્ર્દયો એકાકાર થઈ ગયા પછી પણ એટલું સમજીને સજાગ તો રહેવું જ કે બાજી સારી હોવાનો મતલબ એ નથી કે તમે જીતી જવા સક્ષમ છો… કિસ્મત બડી કુત્તી ચીજ હૈ, કભી ભી પલટ શકતી હૈ…પ્રેમ નામના જુગારમાં ક્ષણે ક્ષણે એવી રોન નીકળવાની શક્યતાઓ રહેલી છે કે તમારા માથાના વાળ ઉભા થઇ જાય અને ભોડું ભીંતે ભીંતે ભટકાવી દેવાની અગમ્ય ઈચ્છાઓ થઈ આવે. કેમ કે આપણા સમાજમાં પ્રેમના સોફ્ટ જુગારમાં કિસ્મત કરતાંય મોટી રોન તો પપ્પાઓ, પરિવારો, જ્ઞાતિભેદ કે આર્થિક તફાવતો કાઢે છે. મનભેદ કે મતભેદને હરાવી શકો પણ જગતે ઘડેલા આવા ક્ષુલ્લક ભેદો સામે 156ની છાતીઓ ના રાખી શકતા પ્રેમીઓના ફેકસા અમથા ફાટી જતા હોય જ છે!
એટલે જ અનુભવી જુગારીની જેમ એકાદ બે વાર હારી ગયેલા અનુભવી પ્રેમીઓ પ્રેમીઓ પછીથી સમજી જતા હોય છે કે હાર્યા કે જીત્યા એ તો ઠીક મારા ભાઈ, પ્રેમનો આનંદ કાયમ રહેવો જોઈએ. આપણા પ્રેમનું ચોકઠું ભલે બીજે ફિટ થઈ ગયું હોય, આપણામાં ચોકઠું ફિટ કરવા મથતા પ્રેમ સાથે ભલે આપણે ફિટ ના થઇ શકીએ, પણ સારા વિચારોની જેમ જ સારા કે સાચ્ચા પ્રેમને દરેક દિશાઓમાંથી અને દરેક હ્ર્દયોમાંથી ગ્રહણ કરતા શીખવું. (ખોટા વચનો કે ખોટા પ્રપંચોમાંથી જાતને બાકાત રાખીને હો!) કેમ કે, આ બદનિયત અને અદેખાઈ, ઈર્ષા-જલનથી ત્રાહિમામ જગતમાં કોઈ તમને પ્રેમ કરે અને સર્વસ્વ અર્પણ કરે એ કંઈ કુદરતના ચમત્કારથી ઓછું નથી. કોઈને પ્રેમ કરવા માટે સાહસ અને હિંમત જોઈએ, પણ કોઈનો પ્રેમ મેળવવા માટે તો કિસ્મત, કિસ્મત અને ફક્ત કિસ્મત જ જોઈએ.
અને કિસ્મતનો સંપૂર્ણ આશીર્વાદ કોઈને હોતો નથી, પણ આંશિક તરફદારી તો કિસ્મત દરેક મનુષ્ય જીવની કરે જ છે. ફિલોસોફર માઇક પ્રિમાવિરા કહેતા એમ, “” તમે દરિયાકિનારે એકલા દાઢી વધારીને, દુઃખી-દુઃખી થઈને ફરતા હો, તો તમને પોતાની જાતને એકલા માનવાનો કોઈ અધિકાર જ નથી!”” છતાં, એક ફિલોસોફર પ્રેમનું જુગારીપણું સાબિત કરતા લખે છે કે- “”પ્રેમ એક એવી આગ છે, જે તમારા હૃદયને હૂંફ આપશે કે તમારું હૃદય બાળી નાંખશે એ નક્કી નથી હોતું…””
-હેપ્પી વેલેન્ટાઈન ડે…❤️
– Bhagirath Jogia
Leave a Reply