“દુનિયા કબીર સિંહની અને આપણી : કબીર સિંહો મરતા નથી,પણ મરતા મરતા જીવ્યા કરતા હોય છે…
કબીર સિંહ ઉર્ફે શાહિદ કપૂર જ્યારે ‘જબ વી મેટ’માં ડાહ્યોડમરો હતો,ત્યારે તોફાની કરીનાએ એને પ્રેમનું સત્ય શીખવાડેલું કે ‘માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે કંઈ જ સારું-ખરાબ હોતું નથી.’ અને એક દાયકા પછી એ સત્યને કબીર સિંહે જીવી બતાવ્યું. અહીંયા હવે વાત ફિલ્મની કરવી નથી. એના રીવ્યુ તો ફેસબુકમાં હોલસેલ ભાવે પણ જુના હજી ફર્યા કરે છે. વાત કરવી છે પ્રેમ કરીને પછડાયા પછીની માનસિકતાની…
સામાન્ય માણસ કરતાં જીનિયસ માણસ, સંવેદનશીલ માણસ કે સ્ટ્રેઇટ ફોરવર્ડ માણસ એક બાબતે કમનસીબ હોય છે અને એ છે પ્રેમની નિષ્ફળતા પછી સામાન્ય રૂટિન જીવન જીવી શકવાની શક્તિ. આ જગતમાં આદિકાળથી લોકો પ્રેમ કરતા આવ્યા,અને પ્રેમમાં સફળ થયા છે એના કરતા નિષ્ફળ ગયા હોય એવા લોકો બહુમતીમાં છે. છતાં પણ આપણી દુનિયામાં ‘કબીર સિંહો’ ખાસ દેખાતા નથી. કારણ કે કબીર સિંહો અપવાદ છે.
કબીર સિંહો માટે સામાન્ય લોકોના અભિપ્રાય મોટેભાગે અંતિમવાદી જોવા મળ્યા છે. એક વર્ગ એને નપાવટ,છેલબટાઉ,સ્ત્રીઓનો શોષક અને બેફામ વ્યસની વ્યક્તિ તરીકે નફરત કરે છે અને બીજા વર્ગ માટે કબીર સિંહ એક ઉત્કૃષ્ટ પ્રેમી,નિર્દમ્ભ વ્યક્તિત્વ અને સીધી બાત નો બકવાસ ટાઈપ પ્રેમી તરીકે આદર્શ છે. અને આ બન્ને જ ઓપિનિયન સાચા પણ અધૂરા છે.
કબીર સિંહો જે કરતા આવ્યા છે એમાંની ઘણી કુટેવો આપણામાંથી જ કેટલાય લોકોમાં જોવા મળે છે. અને કાયદાકીય રીતે ગુનાહિત હોય એવી પ્રવૃત્તિ કબીર સિંહે કરી નથી. તો સામી દલીલમાં એમ કહી શકાય કે સામાન્ય સજ્જન સમાજને કલંક લગાડે એવી કેટલીય કુટેવો કબીર સિંહમાં ઠાંસી ઠાંસીને ભરી છે. અને આવા માણસો હજાર દરજ્જે સારા હોય તો પણ સામાજિક જીવન માટે તો સારા નથી જ. પણ બન્ને તરફની આવી દલીલોનો કોઈ અંત નથી. જેટલા માણસો એટલા અભિપ્રાયો. એટલે સારા-ખરાબનો ચુકાદો આપવાની વાત પર જ ચોકડી મુકવી પડે.
દુનિયાના ચુકાદાથી પર થઈને જીવે એ પ્રેમી. જેમ એને જગત ખરાબ કહીને ફિટકાર વરસાવે છે ત્યારે કોઈ ફરક નથી પડતો, એવી જ રીતે કોઈ વખાણનો વરસાદ કરે છે ત્યારે પણ એને કોઈ ફરક નથી પડતો. કારણ કે એને જગતના સર્ટિફિકેટની કોઈ પરવા જ નથી. એણે ગમગીનીની એક અલગ જ દુનિયા વસાવી લીધી છે. એ દુનિયામાં તબાહ થઈને જીવવું એને પોતાને પસંદ છે કે નથી એ વિચારવાની પણ એને ફુરસદ નથી. કદાચ આને જ પ્રેમની પરાકાષ્ઠા કહેતા હશે!
કબીર સિંહો એટેનશન સિક હોતા નથી. બાકી એ ખુદને બરબાદ કરીને જીવ્યા કરવાને બદલે જગતને બતાવી દેવાની ભાવનાથી ખોટેખોટા આપઘાતના પ્રયાસો કરતા હોત. વળી,પાછા એ ક્રિમિનલ હોતા નથી. એટલે પછડાટ ખાધા પછી એ ખૂન-બળાત્કાર જેવી ગુન્હાખોરી પર ચડી જતા નથી. પણ આ જ એમની ટ્રેજેડી છે. સારાઈ અને ખરાબી વચ્ચે એ ઝુલા ખાતા લટક્યા કરે છે, આ જ એની પીડા છે અને આ જ એમની નિયતિ…
યુવાનો માટે કબીર સિંહમાંથી શીખવા જેવું ઘણું છે. પણ નકલ ના કરતાં એ માનસિકતા સમજી લેવાની જરૂર છે. સૌથી મહત્વની શીખ એ કે કબીર સિંહો પોતે દુઃખી થાય એ એમની પોતાની ચોઇસ છે,પણ એને કારણે પોતાના સ્વજનો-મિત્રોને જે પીડા ભોગવવાની આવે એ અપલખણ છે. કબીર સિંહ હોય કે રોકસ્ટાર હોય, આ બન્નેનો મોટો પ્લસ પોઇન્ટ એ કે બને નેચરલ પઝેસિવ છે. કોઈના થકી ઉશ્કેરાયેલા કે ધરારથી એન્ગરી યંગમેન બનેલા નથી. ઉપરાંત, એમના અંગત જીવનની બરબાદી છતાં પ્રોફેશનલ લાઈફમાં એમનું બેસ્ટ પર્ફોર્મન્સ બહાર લાવી શકતા હતા. સાવ ફેંકાય ગયેલા કે દુનિયાએ લાત મારીને સાઈડમાં મૂકી દીધા હોય એવા વ્યક્તિત્વો એ નથી. અને મને જો કોઈ સદગુણ કબીર સિંહોમાં દેખાતો હોય તો એ છે કે ખુદ તબાહ થઈ ગયા પછી પણ એ જાણીબુઝીને, બદલાની ભાવનાથી સાઇકો બનીને દુનિયાને કોઈ નુકશાન પહોંચાડતા નથી કે નુકશાન પહોંચાડવા માંગતા પણ નથી. એમને આસપાસની દુનિયાથી હજારો ફરિયાદ હોવા છતાં પોતાના વર્તનથી કોઈને સીધી ચોટ ના લાગે એ બાબતે એ સજાગ જ રહે છે.
ખૈર,આ તો પ્રેમની વાતો છે અને એના પરિમાણો પણ હજારો છે. કોઈ એક દિશામાં દલીલો કે સમજણની વાતોથી પ્રેમની થિમને સમજી ના શકાય. પણ સો વાતની એક વાત એ કે કબીર સિંહને આદર્શ માનતા હો તો દુનિયામાં સ્વીકાર્ય બનવાનું સપનું ભૂલી જવું. આપણે આવા વ્યક્તિત્વો ફિલ્મોમાં જોઈને તાળીઓ પાડી શકીએ પણ એને દિલથી ભેટી ના શકીએ. એટલે જ પારદર્શક-નિર્દમ્ભ વ્યક્તિત્વોને વખાણતા હોવા છતાં હજી સુધી આપણને દારૂ પીતો તો ઠીક, પાણીપુરી ખાતો ડોકટર પણ સ્વીકાર્ય નથી. આપણો પ્રેમ અને એના પરિણામો આપણા માટે સર્વસ્વ હોઈ શકે,પણ બ્રાહય જગતને એના અલગ નિયમો છે અને એને આપણી અંગત દુનિયા સાથે ખાસ નિસબત નથી જ…
એક અગત્યની વાત એ કે દેવદાસો અને કબીર સિંહોને બરબાદી પોષાય છે. આપણને પોષાય કે નહીં એ આપણે નક્કી કરી લેવું…😉
– Bhagirath Jogia
Leave a Reply