આધ્યાત્મિકતા વિના યેનકેન પ્રકારે પણ જગતમાં માણસનો છૂટકો જ નથી!
આપણે ત્યાં કથિત બૌદ્ધિકો અને રેશનલિસ્ટસ વારંવાર કકળાટ કાઢતા હોય કે આ રામકથા, આ ભાગવત ને ફલાણા ઉત્સવ ને ઢીંકણા સત્સંગથી સમાજને શું ફાયદો થાય? પૈસાનો નકરો બગાડ જ ને! ઢોંગ છે બધો ઢોંગ….હવે આ પ્રજાતિની વેદના કદાચ એમની માન્યતા મુજબ સાચી હશે તો પણ વ્યક્ત કરવાની રીત સદંતર ખોટી જ છે.
ગોવાના પ્રવાસે જતા પહેલા ગુગલિંગ કરતો હતો કે આ બધું પાર્ટી ને ડ્રગ્સ ને છોકરીઓ વગેરે ત્યાં આવી ક્યાંથી ગયું? દરિયા તો ભારતમાં બહુ છે. શરાબ અને શબાબ રેડ કાર્પેટ પર રેલમછેલ થાય એવી દુનિયા તો હવે ભારતમાં પણ છે જ. પણ ગોવા માટે ભારતીયો તો ઠીક વિદેશીઓ પણ પાગલ…
પછી ખાંખાખોળા કરતા મગજમાં ઉતર્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ, અમેરિકા સહિતના નાગરિકોએ બોધપાઠ લીધો કે મૌત કા એક દિન તો મુય્યઈન હૈ, તો ભલે ને કાલ આવતું હોય તો આજ આવે. પણ આપણે આનંદ કરી લ્યો. પછી તો ભારતમાં અંગ્રેજો અને ગોવામાં પોર્ટુગીઝનું રાજ આવ્યું. અને…ગોવાને કાંઠે કાંઠે શરાબ, ડ્રગ્સ, અને સુંદરીઓની રીતસરના જલવા પથરાયા.
સ્વિત્ઝરલેન્ડ હોય જે સિમલા હોય, ન્યુયોર્ક હોય કે નારેશ્વર હોય, હજારો માણસો શું કામ ઉપડતા હોય છે? જવાબ એક જ મળશે: આનંદ, મોજ અને જલસો. પણ આ ગરીબ દેશમાં દરેક માણસ ભારતના મોંઘા મોંઘા હિલસ્ટેશનોમાં પરિવારને લઈને આનંદ કરી શકે? સ્વિત્ઝર્લેન્ડ તો હજી ઘણા ઉપર મિડકલાસ માટે પણ સપનું જ રહ્યું છે. તો પછી બીજા કરોડો લોકોને ધરાર બૌદ્ધિક અને વીઆઈપી સાબિત કરવા એવા ઉદાહરણો આપવાના કે? પછી અંગ્રેજીનાં મોટા મોટા થોથાઓ પકડાવીને એમને જ્ઞાનના ને ફિલોસોફીના ફરજીયાત બાટલા ને ઇન્જેક્શન જ ઠોકવાના? પ્રેક્ટિકલી પોસીબલ જ નથી ને? બસ તો, એ શ્રધ્ધાળુઓને ઉતારી પાડવાની નેગેટિવ ક્રિયા તો નકરી વાયડાય છે જ!
મોરારીબાપુની રામકથા હોય કે રમેશ ઓઝા અને બીજા અનેક કલાકારોનું કોઇને કોઈ સત્સંગ હોય, એમાં હજારો માણસો નિરાંતે બેસીને, જમીને, પંખા કે કુલરની ઠંડી હવા ખાતા ખાતા અઠવાડિયુ નિર્દોષ આનંદ કરે તો એમાં કયું પાપ છે? અસંખ્ય ગરીબો ભરપેટ જમીને મજ્જાનો આનંદ કરે. કથાકારને મનોમન આશીર્વાદ આપે અને યજમાનને પણ! અમુક કથાઓ તો હરિદ્વાર કે ઋષીકેશ જેવી દિવ્ય જગ્યાએ આયોજિત થતી હોય તો એમાં તો લોઅર મિડલ ક્લાસને સાવ જલસા. પોતાના ખર્ચે જાય તો પણ થોડાક જ રૂપિયામાં અઠવાડિયું એવો શાંતિમય આનંદ થાય કે મોંઘા મોંઘા હિલસ્ટેશનો ભુલાય જાય!
મૂળ તો આપણા ભારતની હજારો તકલીફમાંથી ને ઘડી શાંતિ જ મેળવવી છે ને? કાયમી ઉકેલ તો કોઈ નથી. તો પછી લાંબી લપ કર્યા વગર જેને પોષાય તે બધા ભલે વિદેશોમાં રખડતા ને ગોવામાં દારૂ પીને અલૌકિક દુનિયામાં ખોવાય જતા. તો ગરીબો ને મિડલકલાસ “હરેરામ હરેકૃષ્ણ” ગાતા ગાતા જ અલૌકિક દુનિયામાં લુપ્ત થઈ જાય…બન્નેને રસ્તા જુદા હશે, મંઝિલ તો એક છે ને! મનનું સુખ, કોઈક બંધનમાંથી, કોઈ જિંદગીભર કપાળે લખાયને આવેલા કમનસીબમાંથી બેઘડી છૂટ્યાનું સુખ! ને આ તો સીધી સરખામણી કરીએ એટલે, બાકી ઘણાએ જોયું જ હશે કે અડધી દુનિયા ફરીને આવ્યા હોય એવા સધ્ધર માણસો પાછા કથા-સત્સંગોમાં પણ બેસ્તા હોય.!
આ દેશમાં એવા દાનવીર યજમાનો છે જે હજારો લોકોને દિવસો સુધી આગતાસ્વાગતા કરીને એમને આનંદ કરાવીને પોતાના ભાગનું પુણ્ય ભેગું કરી લેવા સમર્થ છે. તો એ એમનો દોષ ગણી લેવો એ તો વિચિત્રવીર્યોના દિમાગની બળતરામય ઉપજ છે, માત્ર!
હૈ બૌદ્ધિકો, રેશનલિસ્ટનો અર્થ આમ તો વાસ્તવવાદી થાય. અર્થાત જે પરિસ્થિતિ નજર સામે હોય એને જોતા શીખવું. નહિ કે, એમનો વાસ્તવ ખોટો અને અમારો જ સાચો એવી માથાકૂટ કરવી. કારણ કે, વાસ્તવિકતા એ જ છે કે દરેક માણસ અંતે તો પોતપોતાની રીતે આનંદ પામીને યથાશક્તિ નિર્દોષ “મૌજ” તરફ જવા જ મથતો હોય છે…જીવો અને જીવવા દો. કેમ કે, માનવજીવનનું મૃત્યુ સિવાયનું કોઈ અંતિમ સત્ય હોય તો એ છે આનંદ માટેનો ક્રેઝ. એ પછી કોઈ ફિલ્મ માટે સજેલો ટીવીસેટ હોય કે, કોઈ સરસ પુસ્તકનો સેટ, એ પછી કથાનો કૈફ હોય કે મદિરાનો મેખ!
ખૈર, ભારત તો ઉત્સવોનો અને મેળાવડાઓનો જ દેશ છે. અહીંયા તો ગામ ફાળો કરીને લગ્ન કરી આપે તો મોટા મોટા ધાર્મિક આયોજનો કરવા સમર્થ ભામાશાઓ તો ભારતવાસીઓ ભક્તિમાં ડૂબકી મરાવડાવીને શકિત સુધી પહોંચાડવા ખજાનાઓ ઉઘાડા રાખીને જ બેઠા છે!🙏
– Bhagirath Jogia
april 23
Leave a Reply