રક્ષાબંધન : “બહેન”નું હોવું એટલે શું?
રક્ષાબંધનનો તહેવાર છે, સવારના ઉગતા સૂર્યએ આખું શહેર નવા કપડામાં સજીધજીને તૈયાર છે. બ્રાહ્મણો એના યજમાનોને પવિત્ર શ્લોકો બોલીને રાખડીઓ બાંધી રહ્યા છે. પણ, એક દસ વર્ષની બાળકી ઉદાસ ચહેરે એની મમ્મીને કહે છે- મા, મારે પણ રાખડી બાંધવી. ચહેરા પરની રોનક ખોઈ ચુકેલી એ મા કહે છે કે-તું કોને રાખડી બાંધીશ? આજે જો તારો ભાઈ હોત તો…
– ના મા, મારે ભાઈ નથી તો શું થયું? હું તને રાખડી બાંધીશ.
– અરે પાગલ, મને નહિ, ભાઈને જ રાખડી જ બંધાય. ચાલ હવે નહાઈ લે, અને તૈયાર થઈ જા.
– હું શું કામ તૈયાર થાઉં? મારે ભાઈ જ નથી તો મારે શેની રક્ષાબંધન?
માતા ગુસ્સામાં એક થપ્પડ વળગાડીને કહે છે-એ બધું તારા પાપે, તું તારા બાપને ખાઈ ગઈ, ભાઈને ખોઈ નાંખ્યો. ખબર નહિ કયા તારા કયા કર્મના ફળ આપણે ભોગવવા પડ્યા!!! મા એક ડૂસકું છોડીને રસોડામાં જતી રહે છે અને દીકરી બોર બોર જેવડા આંસુઓ ટપકાવતી ન્હાવા જતી રહે છે.
ન્હાઈ ધોઈને તૈયાર થઈને એ ઘરને આંગણે ઉભી રહે છે, ફિક્કો પડી ગયેલો ચહેરો, રડી રડીને સૂઝી ગયેલી આંખો અને, હાથમાં એક લાલ દોરો… આવતા જતા લોકોને જોઈને એને આશા બંધાય છે કે કોઈક યુવાન એની સામું જોશે અને એને ભાઈ માનીને પોતે રાખડી બાંધી દેશે. પણ લોકો પોતપોતાની મસ્તીમાં ગુલતાન છે, કોઈ એની તરફ નજર સુદ્ધા નથી ફેરવતું.
અચાનક એક યુવાન આ રડમસ છોકરીને જોઈને ચાલતો અટકી જાય છે, નજીક આવીને પૂછે છે કે-બેટા? શું થયું? છોકરી કંઈ જવાબ આપતી નથી. પણ હાથનો લાલ દોરો ઊંચો કરીને યુવાન તરફ ધરી દે છે. હસીને એ યુવાને પોતાનો જમણો હાથ લંબાવી દીધો. બાળકીએ હરખાઈને એને રાખડી બાંધી દીધી. યુવાને ખિસ્સામાંથી બે રૂપિયા કાઢીને આપ્યા, પણ છોકરીએ ખિજાઈને કહ્યું કે મને આ ના જોઈએ, મને તો “પૈસા” જોઈએ. યુવક કહે-અરે આ તો “રૂપિયા” છે, પૈસા કરતા ઘણા વધારે…પણ છોકરી અડગ રહીને પગ પછાડતી કહે છે કે-ના, ના ના, મને તો પૈસા જ જોઈએ છે…અને યુવકે થાકીને, ચાર આના આપ્યા અને છોકરીને માથે હાથ ફેરવીને ચાલતો થયો…
*
લખનૌના એક વિશાળ મકાનની સુસજ્જ ઓરડામાં ઘનશ્યામ બેઠો છે. પોતાના ભૂતકાળની વાતો યાદ કરીને એકલતામાં એની ઉદાસી વધારે ઘેરી થતી જાય છે. પોતે કમાવા માટે શહેર જતો રહ્યો, પરિવારની ખબર પૂછવાનું ભાન પણ ના રહ્યું. પોતે બાપ, મા અને નાનકડી બેન પ્રત્યે સાવ ઉદાસીન રહ્યો. એમાં જ પરિવાર ખોવાય ગયો. બધા ક્યાં જતા રહ્યા એ ખબર પણ નથી. આજે રક્ષાબંધનનો તહેવાર છે. આજે એની લાડકી બહેન અને પરિવાર સાથે હોત તો??? એની નજર જમણા હાથ પર આજે જ કોઈ અજાણી કન્યાએ બાંધેલા લાલ દોરા પર ગઈ. અને રાખડી પર હાથ પસરાવતો એ સૂઈ ગયો.
પછી તો બીજી રક્ષાબંધન આવે છે. ઘનશ્યામને મા બાપ અને લાડકી બહેનની સાથે એ અજાણ છોકરી પણ આવે છે. એ ગાડી પકડીને ફટાફટ પેલા ગામમાં પહોંચે છે, એ છોકરી પાસે રાખડી બંધાવવા, પણ ઘરને તાળું છે. આસપાસમાં પૂછપરછ કરતા ખબર પડી કે એ મા દીકરી હવે અહીં નથી રહેતા. ક્યાં રહે છે તો એની કશી ખબર નથી…
*****
પાંચ વર્ષનો સમય પસાર થઈ ગયો. હવે ઘનશ્યામ લગ્નની ઉંમરનો થઈ ગયો હતો, એ પોતાની એકલતાની જિંદગીમાં અનુકૂળ થઈ ગયો હતો, બસ, ક્યારેક મા બાપ અને નાની બહેનને યાદ કરી લેતો… એક દિવસ એક મિત્ર આવીને એને ખ છે કે-મેં તારા માટે એક કન્યા જોઈ છે. અહીંયા લખનૌમાં જ. બહુ રૂપાળી છે, સંસ્કારી પણ. બસ એની પાસેથી કોઈ લેણદેણની અપેક્ષા ના રાખતો. કેમ કે, એને બાપ નથી, મા દીકરી એકલા જ રહે છે.
ઘનશ્યામ એના મિત્ર સાથે ગાડીમાં બેસીને ઉપડ્યો કન્યા જોવા, ગાડી એક નાનકડા અંધારિયા મકાન પાસે આવીને ઉભી રહી. ઘનશ્યામ બારણે ટકોરા મારીને રાહ જોઇને ઉભો રહ્યો. થોડીવારે અંદરથી અકાળે વૃદ્ધ થઈ ગયેલી એક સ્ત્રી બહાર આવી. ફાનસ સળગાવીને એણે ઘનશ્યામને જોયો. જોતા જ ‘બેટા, ઘનશ્યામ…’ ચિત્કારીને ચક્કર ખાઈને પડી ગઈ. એની પાછળ એક યુવાન કન્યા માથે ઓઢીને આવી. માને બેભાન જોઈને એણે ઘૂંઘટ હટાવી લીધો. એની નજર પણ ઘનશ્યામ પર પડી અને બોલી—ભૈયા…ભૈયા…
*****
હવે વાચકો આખી વાર્તા સમજી જ ગયા હશે કે ઘનશ્યામ કોણ? એ અજાણી કન્યા કોણ??? આજે તો રક્ષાબંધનનો તહેવાર નથી. છતાં મા ઘરમાંથી એક પાટલો લઈ આવી. એના પર આસન પાથર્યું. મા અને બહેન અને દીકરો ઘનશ્યામ ભેટીને રડે છે. પાટલા પર બેસેલા ઘનશ્યામને મા દદડતા આંસુએ માથે હાથ ફેરવી રહી છે, બહેને એને ચાંદલો કર્યો. મોઢામાં સાકરનો ટુકડો મુક્યો અને પછી ભાઈના જમણા હાથે રાખડી બાંધી. ઘનશ્યામે ફરીથી બે રૂપિયા બહેનના હાથમાં મુક્યા અને ભાઈ-બહેન અને માના બન્ને આંસુમિશ્રિત હાસ્યથી એ અંધારિયો ઓરડો રોશનીથી ઝળહળી ઉઠ્યો…
*****
વીસમી સદીમાં, ભારત આઝાદ થયું એ પહેલાં, પ્રેમચંદની શ્રેણીના હિન્દી સાહિત્યકાર વિશ્વંભર નાથ શર્મા ‘કૌશિક’એ લખેલી આ વાર્તા સ્થળકાળને બાદ કરતાં આજેય લાગણીની દ્રષ્ટિએ એટલી જ હૃદયસ્પર્શી લાગે છે. કેમ કે, ભાઈ-બહેનના પવિત્ર સંબંધો ઇતિહાસ કે ભૂગોળના કાળખંડને અતિક્રમીને સદાય તરોતાજા જ રહેવાના! શિશુપાલ સામે સુદર્શન ચક્ર ફેરવવામાં કૃષ્ણની કપાય ગયેલી, લોહી નીતરતી આંગળી પર દ્રૌપદી પોતાની સાડીનો પલ્લું ફાડીને બાંધે, એ જ ક્ષણે કૃષ્ણ દ્રૌપદીની રક્ષા કરવાનું મનમાં જ પ્રણ લઈ લે, અને વસ્ત્રાહરણ વખતે દ્રૌપદીના ચીર પૂરીને એ વચન નિભાવે પણ ખરું. રાણી કર્ણાવતી પોતાના રાજ્યમાં બાજ બહાદુરની ચડાઈ વખતે હુમાયુને રાખડી મોકલે અને વીરપસલીમાં પોતાના રાજ્યનું રક્ષણ માંગે. હુમાયુ પણ એ રાખીનું બંધન નિભાવે. આપણા પુરાણો અને ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે.
બહેન “હોવી” એ એક કુદરતે માતા પિતાને નિમિત્ત બનાવીને પુરુષોને આપેલી વૈભવી ભેટ છે. બહેન એક ખુશકિસ્મત ભાઈને રાજી રાજી થઈને મળેલી જવાબદારી છે, એવી જવાબદારી જે નિભાવવાનો ભાર ન હોય, પણ ઉમળકો હોય! સાંસારિક ગતિવિધિઓની મજબૂરીઓમાં એ જવાબદારી કદાચ ભાર લાગે તો પણ કહેવાય કે-કુછ ભાર અચ્છે હોતે હૈ. 21મી સદીમાં તો ઘણી બહેનો આર્થિક રીતે કે માનસિક રીતે પગભર હોય છતાં જવાબદાર ભાઈઓને મન એ “બહેન” લાડકી કે નાદાન જ રહેવાની.
બહેન નાનકડી હોય ત્યારે એને ઢીંગલીની જેમ સાચવવાનો વૈભવ હોય, એ મોટી થાય ત્યારે એ મોડી આવે તો ભાઈના હૃદયમાં ચિંતાના શેરડા પડે. એ પરણાવવા જેવડી થાય ત્યારે એના ભવિષ્યની ચિંતાઓમાં ભાઈના મજબૂત ખભાઓ થોડા ઝૂકે, અને કપાળે ચિંતાની કરચલીઓ ભરજુવાનીમાં શૂળની જેમ ખૂંચે પણ ખરી. છતાં, એ કોઈ અફસોસાજનક ચિંતાઓ નથી હોતી. એ ઉંચાટો પાછળ વર્ષો સુધી ઉજવાય ગયેલી રક્ષાબંધનના પ્રેમનો મજબૂત તાંતણાઓ હોય છે. એટલે જ જગતથી તૂટી ગયેલો પુરુષ અરીસામાં પોતાના ફિક્કા પડી ગયેલા ચહેરાને જોતો હોય છે, ત્યારે જમણા કાંડા પર બંધાયેલી રેશમની એક દોર કોઈ અદ્રશ્ય શકિતની જેમ મનને શાતા અર્પે છે.
બહેન જો પોતાના કરતા મોટી હોય તો (મોટી ભલે ના હોય પણ સમજુ હોય તો પણ) એ બીજી મા સમાન છે, ગામમાં ઊંચો કોલર રાખીને ફરતા હો, ઘરમાં મા-બાપને ભલે ના ગાંઠતા હો, પણ બહેનની સામે ખોટા ઉપરછલ્લા વડચકા ભરીને પછીયે ગલુડિયાની જેમ નીચી મૂંડી કરીને બેસી જવું પડે. એ ભાઈના વ્યસનો બંધ કરાવી શકે, ક્યારેક દુનિયાદારી ય શીખવે, ભલેને પછી આપણે પોતાની જાતને વ્યવહારના ગુરુ માનતા હોઈએ! ગુંડા મવાલીઓ કે દાઉદ ઇબ્રાહિમો પણ બહેનની મીઠી દાદાગીરી કે જોહુકમી સામે ઢીલાઢફ થઈ જતા હોય છે. પપ્પા-મમ્મીઓ આપણને વઢીને થાકે ત્યારે ઘરના સેનાપતિનો ટેમ્પરરી મોરચો બહેનો સંભાળી લેતી હોય છે. અલબત્ત, એ પરણીને સાસરે ના જાય ત્યાં સુધી!
બહેન સાથે નાનપણમાં રમકડાંઓથી શરૂ થયેલો ઝઘડો મોટપણમાં મિલકતના વિવાદો સુધી પહોંચે તો પણ મનની લાગણીઓમાં ઓટ ના આવે. વરસોનાં અબોલા પછી હૃદયમાં જામેલા કડવાશના પડ કોઈ મધુર ક્ષણે ઉખડી જાય ને નીચેથી ઊર્મિઓનો ઘૂઘવતો સાગર નીકળે, એમ પણ બને! કેમ કે, એ દરિયો તો ક્યારેય સુકાયો જ નથી હોતો, બસ કોઈક અડચણરૂપ પોંપડીને ખોતરીને ફેંકી દેવાની વાત માત્ર જ હતી!
લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ:
“બહેન” એટલે દીકરી જન્મતા પહેલા બાપ બનવાની “જવાબદારી અને લાગણી”ની નેટ પ્રેક્ટિસ માટે ઇશ્વરે આપેલી સોનેરી તક!
– ડો.ભગીરથ જોગિયા
August 23
Leave a Reply