જગતના નાથને “માનવ” કલ્પીને એમાંથી દુઃખ સહન કરવાની પ્રેરણા લઈએ!
સવા સો વરસની કૃષ્ણની જિંદગી. પણ એક જ જિંદગીના કેટલા વિવિધ રંગો? પેલા પ્રખ્યાત શે’રની જેમ- શમા હર રંગ મેં જળતી હૈ સુબહ હોને તક! મહામાનવોની ટ્રેજેડી કહો કે વિજય કહો, જે કહો એ પણ કરુંણતા અને વિજય બન્નેમાં એક જ લઘુત્તમ સામાન્ય અવયવ છે, અને એ છે કે- એના બહારી વિરાટ સ્વરૂપને બધા જ જાણે છે, વખાણે છે અને વધાવે છે. પણ આંતરિક પીડા? આંતરિક પીડા કોઈ સમજતું નથી, અથવા તો કહીએ કે મહામાનવો કે જગતના ઈશ્વરો સમજી ગયા હોય છે કે, તુમ હસોગે તો દુનિયા હસેગી. પણ રડવાનું એકલા જ છે!
કૃષ્ણની જિંદગી ફક્ત બાળ કનૈયાના તોફાનો પૂરતી સીમિત રહી નથી, રહી શકી નથી. જન્માષ્ટમીના ગુલાલોની ખુબસુરત ઉજવણીની પાછળ એક માનવ તરીકે જગતના નાથના હૃદયના વલોપાત એક માણસ તરીકે આપણે સમજવા જેવા છે. એમણે ચમત્કારો કર્યા? એમણે બીજાના અન્યાયમાં ગાંઠના ગોપીચંદન કરીને ન્યાય માટે મહાભારતો આદર્યા. કોઇના ગાઈડ બન્યા તો કોઈના ગુરુ. તો વળી અનેકો માટે કોઈ સ્વાર્થ વગર માત્ર ધર્મની સ્થાપના માટે જીવન કુરબાન કરી દીધું. અને એ “ગુણ” જ છે કે આજે કૃષ્ણનો કેટલામો જન્મદિવસ હશે એ કોઈ વિદ્વાનને પણ યાદ હોય તો હોય! ગૂગલ પણ અમુક હજાર વર્ષ કહીને હાથ અધ્ધર કરી દે છે. પણ એક્ઝેટ આંકડો? નો આઈડિયા. છતાં પણ જાણે ગઈકાલે જ વિદાય લીધેલા સ્વજનની માફક આપણે એને યાદ કરતા રહીએ છીએ. આ છે કૃષ્ણનું લાર્જર ધેન લાઇફ સ્વરૂપ!
પણ એ વિરાટ ઈશ્વરના હૃદયમાં પણ કોઈક વેદના છુપાયેલી હશે એ આપણે કલ્પના કરી શકતા નથી. પૂજ્ય મોરારીબાપુએ એક કથામાં કૃષ્ણના જીવનના અંતિમ વર્ષોની વેદના ભાવપૂર્ણ રજૂ કરેલી. ધન્ય હો એ સંતને. કેમ કે મોરારીબાપુ જ કહે છે કે-‘ જેની પાસે જગત તકલીફો લઈને જતું હોય છે એને તકલીફ પડે ત્યારે એ જગત પાસે જઈ શકતા નથી…’ બાપુના વિધાનથી એક કદમ આગળ વિચારવાની ગુસ્તાખી કરીએ તો કહેવાય કે-મહાપુરુષો પોતે જ પોતાની તકલીફ લઈને કોઈ પાસે જવા માંગતા નથી, સ્વેચ્છાએ. કેમ કે, એ જાણતા હોય છે કે—
એક બાળકનો જન્મ જેલમાં થાય છે, એને ખબર નથી કે એના મા બાપ કોણ છે? એનું સાચું વતન કયું છે? 21મી સદીના બાળકોની જેમ જન્મતાવેંત જ મોબાઈલમાં ફોટો લેવા પપ્પા-મમ્મીઓ ત્યારે હાજર નહોતા. પાલક મા-બાપ સાથે રહેવાનું છે. સદનસીબે, પાલક માતા અને જન્મદાત્રી વચ્ચેની ભેદરેખા ભૂંસાય જાય એવો પ્રેમ યશોદામૈયા તરફથી મળી રહે છે. બીજા દોસ્તો સાથે બાળક બનીને રહેવાનું છે, રમવાનું છે, સાથે તોફાનો કરવાના છે. પણ મનમાં કંઈક હિસાબ કિતાબનો ભાર લઈને મોઢું હસતું રાખવાનું છે.
કાળી નાગને એકલા હાથે નાથવાનો છે, કંસને ઘૂંટણિયે ટેકવીને માતા દેવકી પર થયેલ અત્યાચારોનો લોહિયાળ બદલો લેવાનો છે, મથુરાની પ્રજાને સુખી કરવાની છે. દસ વર્ષે પાલક માતા અને ગામના દોસ્તો, ગોપીઓ, રાધા બધાની માયા-મમતાને પાછળ છોડીને મથુરા જવાનું છે. વૃંદાવન છૂટી ગયું, પણ એની યાદગીરીઓ જીવનભર ન છૂટી. મથુરાના મહેલમાં માતા દેવકી જ્યારે સોનાની થાળમાં બત્રીસ જાતના પકવાનો સોનાના થાળમાં પીરસીને હેતથી જમાડવા પ્રયત્ન કરે છે ત્યારે કનૈયો એ થાળીને હાથથી હડસેલી દે છે અને કહે છે કે—મારી થાળીમાં ગોરસ ના પીરસતા, ક્યારેય. એ મને મારી મા અને વ્રજની યાદ અપાવે છે…
આજીવન તો મથુરાના રાજા બનીને રહેવાનું પણ કિસ્મતમાં નથી લખાયું. કેમ કે ઈશ્વરોની નિયતી અને ખાસ તો કૃષ્ણ જેવા સદીઓના નાયકોની નિયતીમાં ખાધું, પીધું અને રાજ કીધું જેવી સીધી લિટીની જિંદગી લખાયેલી નથી હોતી. અને કદાચ એટલે જ એ ઈશ્વરો બની જતા હશે? અને આપણે સામાન્ય માનવપ્રાણીઓ માત્ર? રાજા થઈને ય સાંદિપની રિષિના આશ્રમમાં ચુસ્ત શિક્ષણ લેવાનું છે. એ શિક્ષણ પછીય પાછું મથુરા તો ભાગ્યમાં નથી. નવી ચેલેન્જ ઉપાડી લેવાની છે. સોનાની દ્વારિકા નગરી સ્વંય ઉભી કરવાની ચેલેન્જ!
મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બની જાય, પણ અર્જુન બધી વાતો માની લેતો નથી. ગીતા સાંભળ્યા પછીય એનું ઘમંડ ઓછું નથી થતું. એ ઠેકઠેકાણે કૃષ્ણ પ્રત્યે ફરિયાદો કર્યા કરે છે. યુદ્ધ દરમિયાન અર્જુન એક તીર મારે ને કર્ણનો રથ દૂર ફેંકાય જાય તો કૃષ્ણ કર્ણને શાબાશી આપે. જ્યારે કર્ણ સામું તીર મારે ને અર્જુનનો રથ માંડ બે ડગલાં પાછો પડે. પણ, એને કૃષ્ણ શાબાશી નથી આપતા. ત્યારે ય ક્રોધિત થઈને એ કૃષ્ણ પ્રત્યે પક્ષપાત કર્યાની ફરિયાદ કરે છે. શાંતચિત્તે કૃષ્ણ ચોખવટ કરતા કહે છે કે—વાત તો સાચી છે. એના તીર કરતા તારા ધનુષમાં તાકાત વધારે છે. પણ હકીકત એ છે કે તારા રથ પર મેં હનુમાનજીને બેસાડ્યા છે. તો પણ તું બે ડગલાં પાછળ ફેંકાઈ ગયો. જો એ ના હોત તો??? પણ આવો ઠપકો ય મીઠાશથી આપ્યો, ગુસ્સામાં નહિ. ગુસ્સો દબાવીને, નાદાન સમજીને, હસતાં મોઢે કોઈને ઠપકો આપવો એ ય એક ગુણ છે.
વળી, શિશુપાલ હોય કે દુર્યોધન હોય, બધાને ધારે તો એક ચપટી વગાડતા સાફ કરી નાંખે. છતાંય શિશુપાલની સો ગાળો સહન કરે પછી કોઈ ઉપાય જ ના રહેતા સુદર્શન ચક્ર ફેરવીને વધ કરે. દુર્યોધનના ઘમંડ અને તોછડાઈથી વાકેફ હોવા છતાં સમાધાન થકી યુદ્ધ રોકવાની પુરી કોશિશ કરે. યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પછી કુંતી, દ્રૌપદી કે ગાંધારી જાતજાતના આક્ષેપો મૂકે, શ્રાપ આપે. ઇવન, દ્રૌપદી તો ત્યાં સુધી કહી દે કે, ‘ આ બધું તમે તમારા (સ્વાર્થ) માટે કર્યું છે. લ્યો બોલો…કાળા માથાનો માનવી હોય તો મગજ ફરી જાય. પણ જગતના નાથને ખબર છે કે એનું માથું ફરશે તો એ ઠીક નહિ. એટલે ફરી હસતા મોઢે પીડા ગળી ગયા સિવાય છૂટકો જ નહિ!
જો કે ક્ષણિક ગુસ્સામાં જે કોઈ કડવા વેણ બોલી ગયા એમાંના બધા જ પાછા કૃષ્ણને અનહદ પ્રેમ કરે છે, એય ઈશ્વર સમજીને જ.એમનો પડ્યો બોલ ઝીલવા પણ તૈયાર છે. પણ ખુદના પોતાનાઓ? જે દ્વારિકા કૃષ્ણે પોતે રચી, એમાં પોતાના જ સગાઓને વસાવ્યા. જ્ઞાતિભાઈઓને વસાવ્યા એ જ બધા કૃષ્ણના કાબુમાં ન રહ્યા. જગતનો નાથ પણ બરબાદી જેવી યાદવાસ્થળીને રોકી શક્યા નહી. અંતે તો ઉદ્ધવ, નારદ અને સુદામા જ મળવા આવ્યા. સુદામા દોસ્તનું દુઃખ સમજી ગયા, હકથી પૂછ્યું પણ ખરું. પણ કૃષ્ણ હસીને મૌન જ, બસ. મોરારી બાપુના જ શબ્દોમાં—સો વર્ષના એ બુઝુર્ગ ચહેરાનું વેદનામય મંદ હાસ્ય પણ કેવું મધુરું!
ખૈર, કદાચ આ જ જીવનભરના પડકારો કે ગમગનીઓ કે ખૂટી ગયેલી ઝીઝીવિષાઓનું અંતિમ પરિણામ એ કે- એક સામાન્ય પારધીનાં સામાન્ય તીરથી આ ઈશ્વરે પોતાનું મૃત્યુ સ્વીકારી લીધું. એય હસતે મોઢે! બાકી એવા બાણોની શી વિસાત કે??? પણ, કદાચ અંતરાત્માએ જ અવાજ કર્યો હશે કે- બહુ થયું હવે કાન્હા, હવે લીલાઓ સંકેલી લેવાનો સમય આવી ગયો છે… ભલે હજી તોફાન બાકી છે, મજધાર બાકી છે!
જોગીજ્ઞાન:
આજે યુવાનો ક્ષુલ્લક બાબતોમાં “ડિપ્રેશન”માં આવીને દવાઓને રવાડે ચડી જાય છે કે જીવન ટૂંકાવી દે છે એ નાજુક નરમ યુવાનોને એટલું જ કહેવાનું કે- કૃષ્ણ જેવા ચમત્કાર ભલે તમે કરી શકો, પણ કૃષ્ણની જેમ જિંદગીની ગમગીનીઓ પચાવતા શીખી જાઓ તો જીવતરનો ભવસાગર જરૂર તરી જશો!
– ડો.ભગીરથ જોગિયા
Leave a Reply