સેક્સ એજ્યુકેશન : અકારણ અભડાઈ ગયેલો એક શબ્દ…
એક ગ્રામીણ વિસ્તારની પંદર વર્ષની છોકરી પેટમાં દુઃખાવાની ફરિયાદ પોતાના પેરેન્ટ્સને કરે છે. પહેલા મેડિકલ સ્ટોર અને પછી સામાન્ય ડોકટર પાસેથી પેઇન કિલર લીધા પછી ત્રણ ચાર મહિના સુધી માસિક ના આવતા અને પેટનો ઉભાર પછી મમ્મીને ખબર પડે છે કે એની દીકરી તો ગર્ભવતી છે. ઉગ્ર ઠપકો આપવામાં અને પારિવારિક ટેન્શનમાં થોડા દિવસો ગુમાવ્યા પછી કોઈક અભણ સલાહકાર એને કોઈક બીજ ખાવાની સલાહ આપે છે, કોઈ વળી તજ, લવિંગ પુષ્કળ ખાઈને શરીરની ગરમીથી જ ગર્ભ પાડી દેવાની સલાહ આપે છે. બધા અખતરા પછી કોઈક દોઢડાહ્યો સમાજસેવક મેડિકલ સ્ટોરમાથી પોતે જ નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટની માફક અમુક દવાઓ દીકરીને ગળાવી દે છે. કુમળા શરીર પણ આવા ઘણા ઘાતક પ્રયોગોનું પરિણામ એ આવ્યું કે, ગર્ભ તો મરતા મર્યો પણ, દીકરી અમુક ઇન્ફેક્શનથી અધમૂઈ થઈ ગઈ. તો આ કિસ્સામાં જવાબદાર કોણ?
એક બીજી પચ્ચીસ વર્ષની પરિણીતા લગ્નના અમુક વર્ષે પણ ગર્ભવતી ના થઈ શકતા કુટુંબમાંથી મહેણા ટોણા શરૂ થઈ ગયા, અશિક્ષિત પરિવાર અને અઢળક સલાહકારોએ કોઈ તાંત્રિક બાવા પાસે જોશ જોવડાવ્યા અને ચુકાદો આપ્યો કે- બહેનને કંઇક ફલાણો દોષ નડે છે અને એનું નિવારણ ઢીંકણી વિધિથી જ થઈ શકે. લેભાગુ બાવાએ પતિ પત્નીને પોતાની અણઆવડતને જાદુઈ શબ્દોથી ઢાંકીને પોતાની વિધિઓનું ચુપચાપ પાલન કરવા પૂરતા ભોળવી દીધા. અને એક દિવસ છાપામાં સમાચાર આવ્યા કે-ફલાણા ઢોંગીએ ગર્ભાધાનની વિધિના બહાને પરિણીતાનું શારીરિક શોષણ કર્યું. તો આ હેવાનિયત પાછળ દોષી કોણ?
એક ત્રીસ વર્ષના ગ્રેજ્યુએટ યુવાનને લગ્નના ચાર વર્ષ પછી મનમાં કોઈક રીતે ઠસી જાય છે કે પોતે બાપ બનવા સક્ષમ નથી. હવે એ અભણ તો નથી પણ, છાપામાં અને ઈન્ટરનેટ પર જાહેરાતો જોઈને “મર્દાનગી” વધારવાની મોંઘીદાટ કેપસ્યુલો અને પાવડરોને રવાડે ચડીને અમુક હજાર રૂપિયા બગાડ્યા પછી ખિસ્સા ખાલી થઈ જતા એને મૂર્ખ બન્યાનો અહેસાસ થાય છે. તો આવી મૂર્ખામી પાછળનો સાચો ગુનેગાર કોણ?
સેક્સ એજ્યુકેશનની વાત નીકળે ત્યારે “સેક્સ” શબ્દ સાંભળીને જ ઘણા એનાથી કોરોનાના દર્દીની જેમ આઘા ભાગે છે. એમાંય સ્કૂલમાં સેક્સ એજ્યુકેશનની વાત આવે એટલે એ આભડછેટમાં પાછી ધર્મ અને સંસ્કૃતિના ફેક્ટરો ભળી જતા એ અતિશય જરૂરી એવો વિષય હજી સુધી અસ્પૃશ્ય જ રહ્યો છે. મોટાભાગના પેરેન્ટ્સને મગજમાં એવું જ ઠસી ગયું છે કે સેક્સ એજ્યુકેશન એટલે કે… મારા બાળકને સ્કૂલમાં સંભોગ વિશે જ ભણાવશે. એમાંથી એ ઊંધા રવાડે ચડશે તો? પણ હકીકતમાં સેક્સ એજ્યુકેશન “શારીરિક સમાગમ” સુધી જ સીમિત નથી. એ તો પુરુષ-સ્ત્રીના શારીરિક બંધારણ, તરુણવયમાં થતા હોર્મોનલ ફેરફારોથી શરૂ કરીને માસિકધર્મ અને પ્રેગ્નન્સી સુધીની બાયોલોજીકલ કેમિસ્ટ્રીની પાયાની ઓથેન્ટિક જાણકારી છે. કમનસીબે, એવાં જ્ઞાનના અભાવે અથવા અધકચરા જ્ઞાનથી ભાવુક થવાને કારણે ઉપર લખ્યા એવા કિસ્સાઓ આસપાસ બનતા રહે છે.
તરુણો/તરુણીઓને પોતાના જ શરીર અને એના ધર્મો વિશે પાક્કું નોલેજ ના હોય, ત્યારે આસપાસમાંથી સાંભળેલું કે ઈન્ટરનેટ પર વાચેલું અ-વૈજ્ઞાનિક જ્ઞાન એમને ઊંધા રવાડે ચડાવી શકે છે. કેમ કે, શરીરને કોઈ ગમે એટલું ઢાંકીને રાખે, પણ મન અને મગજ તો જુવાનીમાં ઉગેલા કેમિકલ લોચાઓ થકી આકર્ષણ કે કુતુહલ પામવાનું જ. એનો પ્રવાહ સદીઓથી કોઈ રોકી શક્યું નથી, પણ સાચા જ્ઞાન થકી એને નિયંત્રિત કરીને “સેક્સ” શબ્દને નોર્મલાઈઝ કરવો એ જ “સેક્સ એજ્યુકેશન”! અને એ બધા પાસે નથી જ હોતું, ઘણીવાર તો મોટાઓ પાસે પણ નથી હોતું. (મંગળવારની પૂર્તિમાં હાસ્યાસ્પદ લાગે એવા સવાલો વર્ષોથી પુછાય છે એ પણ સેક્સનું અજ્ઞાન જ છે ને!)
પણ સેક્સ આડે આવતો મોટામાં મોટો અવરોધ “શરમ” છે. સરકારી આરોગ્ય કેન્દ્રોમાં વગર પૂછયે કોન્ડમ લઈ જવાની છૂટ છે. પણ યુવાનો તો ઠીક મોટેરાઓ પણ એમાં શરમ અનુભવે છે. હવે તો મેડિકલ સ્ટોર્સમાં પણ કોન્ડમ સામાન્ય થઈ ગયા છે. છતાં, 2017માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ મુજબ ટીનએજ પ્રેગ્નન્સીના કેસો ભારતના 11.8 મિલિયન છે. અને વિશ્વના જે દેશોમાં ટીનએજ પ્રેગ્નન્સી ખતરનાક મુદ્દો બની રહી છે એમાં ટોપ ટેનમાં આપણું ભારત પણ છે. એમાં યોગ્ય સારવાર વગર અભણ સલાહકારોથી અધકચરી થઈ જતી કિશોરીઓ કેટલી હશે અને પ્રોપર ગાયનેકોલોજિસ્ટ પાસેથી સલામત સારવાર લેનારી કેટલી એ આપણા માટે ધારી લેવાનો વિષય છે.
આ સિવાય માસિક બાબતે અજ્ઞાન, પ્રજનન અંગોની સ્વચ્છતા બાબતે અજ્ઞાન અને સલામત સંભોગની જાણકારીનો પણ અભાવ. છાપાઓ ખોલીને જોઈએ તો પુરુષાતન વધારવા માટે જાતજાતની દવાઓ, જાપાનીઝ તેલ કે કોઈક પ્રાણીના હાડકાના પાવડરમાંથી બનેલી કુદરતી દવાઓના નામે ચાલતો ઢોંગી વેપલો ચોખ્ખો દેખાય આવે. (રાજકુમાર રાવ અભિનીત મેઇડ ઇન ચાઈના ફિલ્મ જુઓ.) પુરુષાતનનો આખો મામલો શારીરિક નહિ પણ માનસિક છે એ સમજવા સેક્સ એજ્યુકેશન જોઈએ. બાકી, રોજ કાજુ બદામ ખાતા પૈસાદારો ઘરે પારણા માટે તરસતા ના હોત અને કુપોષિત નશેડી પુરુષના ઘરે બાળકોનો ઢગલો ના હોત! બેશક, નપુંસકતાના અમુક ફિઝિયોલોજીકલ કારણો છે જ, પણ એનો ઈલાજ છાપાંની કોઈ જાહેરાત નથી, પણ નિષ્ણાંત ડોકટરના શરણે જવું એ જ સાચો ઈલાજ છે.
આપણા જ વર્તુળમાં પ્રવર્તતી અમુક ગેરમાન્યતાઓ ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરશો તો જણાશે કે સેક્સ એજ્યુકેશનના અભાવે આપણે સાવ “બીમાર” થઈ ગયા છીએ. કોઈને શિશ્નના કદ બાબતે લઘુતાગ્રંથિ છે, તો કોઈને બ્રેસ્ટની સાઈઝ બાબતે. કોઈ માને છે કે માસિક ધર્મમાં સમાગમ કરવાથી પ્રેગ્નન્સી ના રહે, તો કોઈ શેરીનો સેક્સ પંડિત કહે કે ફલાણી રીતે સમાગમ કરવાથી ગર્ભધારણ કરી શકાય છે. ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર વિયાગ્રાના નામે પુરુષો કયું કેમિકલ શરીરમાં નાંખી રહ્યા છે એની એમને પણ જાણ નથી હોતી. અને હસ્તમૈથુન વિશેની ગેરમાન્યતાઓ તો અઢળક. આવી અનેક સેક્સ્યુઅલ બિલીફ બાબતે તો સેક્સોલોજિસ્ટોએ પુસ્તકો લખી નાંખ્યા છે. કોન્ડમ કે અન્ય ગર્ભનિરોધકોનો સાચો ઉપયોગ તરુણોને આવડતું નથી. એને પરિણામે સેક્સ્યુલી ટ્રાન્સમિટેસ ડીસીઝ (STD)નું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે, અને ઉપર કહ્યું એમ ટીનએજ પ્રેગ્નન્સીનું પણ. ટીનએજ પ્રેગ્નન્સી એટલે કાચું ફળ ઝાડ પરથી તોડી લેવું. એવી માતા કે એની કૂખે જન્મનાર બાળક કાયમ કુપોષિત જ રહેવાનું. (એમાં પરણેલી અને કુંવારી બન્ને તરુણીઓ સમાવિષ્ટ ગણવી.) કુપોષિત બાળકોના આંકડા ભારત સરકારની ઓફિશિયલ સાઇટ પર જોઈ લેવા. અને સરકાર એ બાબતે ચિંતિત થઈને કેટલાય પગલાંઓ લઈ રહી છે એ પણ!
કશું જાણતા ના હોઈએ પણ એચઆઇવી (HIV) નામનો શબ્દ તો હવે બચ્ચે બચ્ચા જાણતા થઈ ગયા છે. એનો સીધો સંબંધ સેક્સ એજ્યુકેશન સાથે છે. છતાં આપણે એ શબ્દથી દૂર જ રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે સેક્સ બાબતે ગ્રંથિઓમાં જકડાયેલા રહીએ પણ એનું એજ્યુકેશન જરૂરી નથી લાગતું. હસ્તમૈથુન પછી પકડાયેલો તરુણ કે લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઈ ગયેલી અને શરમજનક પરિસ્થિતિમાં મુકાયેલી તરુણી આપણને મંજુર છે. પણ સેક્સ એજ્યુકેશન નહિ. સેક્સના પ્રોપર ગાયડન્સના અભાવે ડિપ્રેશનમાંથી આપઘાત તરફ દોરાય જતા યુવાનો માટે આપણને કશી ફરિયાદ નથી, પણ સેક્સ એજ્યુકેશન પ્રત્યે હજારો ફરિયાદો છે.
ખૈર,હવે આપણે બે વાત આપણા બંધ દિમાગને ખોલીને એમાં ઉપરથી ધરાર રેડવી પડશે. એક તો, નવી પેઢીને શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રાખવા માટે સેક્સ એજ્યુકેશન ફરજિયાત છે. અને બીજું, સેક્સ એજ્યુકેશન એ દૈહિક ધર્મની સમગ્ર સિસ્ટમનું નોલેજ છે, નહિ કે ફક્ત “સંભોગ”નું! આ બે વાત બાબતે સ્પષ્ટ થઈ જશું તો પછી એ વિષય પ્રત્યે આભડછેટ નહિ રહે એની ગેરેન્ટી! અને સૌથી મોટો ફાયદો એ કે પછી કોઈક શારીરિક માનસિક “સેક્સ્યુઅલ” તકલીફો બદલ નિષ્ણાંત ડોકટરના કન્સલટિંગ રૂમમાં જઈશું, નહિ કે, કોઈ ઢોંગી તાંત્રિકો કે છાપાઓના કટિંગ કે ઈન્ટરનેટની ફાલતુ જાહેરાતોના શરણે!
જોગીજ્ઞાન:
“ઓહ માય ગોડ 2” જેવી સેક્સ એજ્યુકેટર ફિલ્મો તો હાઈસ્કૂલ અને કોલેજના વિધાર્થીઓને ફરજીયાત બતાવવી જોઈએ, એને બદલે એડલ્ટ સર્ટિફિકેટ આપીને મૂળ મુદ્દો જ ફેરવી નાંખ્યો. પણ જમાનો ott અને ઈન્ટરનેટનો છે, એ બહુ મોટો ફાયદો છે!
– ડો.ભગીરથ જોગિયા
Leave a Reply