આપણું મીડિયા : કલ ભી ઔર આજ ભી…
વાત એ સમયની છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા. એક સાંજે ધોધમાર વરસાદમાં ખ્યાતનામ પત્રકાર રાજદીપ સરદેસાઈને ભાજપના સિનિયર પ્રવક્તાએ છેલ્લી ઘડીએ શોમાં આવવાની ના પાડી દીધી. રાજદીપે ફોન કર્યો મોદીજીને. અને સાહેબ છેલ્લી ઘડીએ ટેક્સીમાં આવ્યા. એ જાણતા હોવા છતાં કે પોતે તો બારમો ખિલાડી છે.
પછી તો સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજદીપને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા. પ્રેમથી ઇન્ટરવ્યૂ આપ્યો, પણ કોઈક કારણોસર ટેપ બગડી ગઈ. કચવાતા મને રાજદીપે સાહેબને ફોન કર્યો તો સાહેબે દિલદારીથી કહ્યું કે અરે એમાં શું? ફરીથી આવી જાઓ. ફરીથી ઇન્ટરવ્યૂ આપીશ હું…
હવે આજે આટલા વર્ષે મીડિયા અને મોદી વચ્ચેનો જંગ જોતા લાગે કે આ એ જ નરેન્દ્ર મોદી છે? પણ કદાચ એમના કે બીજા નેતાઓના પાછલા અનુભવોએ સાહેબને જે સબક શીખવ્યો હોય એ (એ પરિણામ સારું હોય કે ખરાબ એના પર સોશિયલ મીડિયામાં પોતપોતાના મનભાવન પક્ષો પ્રમાણે પર્સનલ ઓપિનિયન હોય શકે. પણ હકીકત એ છે કે 1990 પછી ગ્લોબલાઇઝેશનના ઓછાયા હેઠળના મૂડીવાદે ભારતના મીડિયાને ટીવીની ફાલતુ કુસ્તી જેવો શો બનાવી દીધો. એમાંય પાછલા દસકામાં તો જે હતું એ પણ ગયું.
એકવાર અરણબ ગોસ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એવા ફાલતુ સવાલો ઊંચા અવાજે પૂછ્યા કે શરૂમાં સંયમ રાખીને બેસેલા સાહેબે અંતે પિત્તો ગુમાવીને કહી દીધું કે- તારો કોઈ છૂપો એજન્ડા હોય તો મને ચોખ્ખુ કહી દે… છતાં અરણબે પોતાની રાડો પાડવાની સ્ટાઇલ ના બદલી. રાજદીપ-બરખાએ તો ક્યા નેતાઓના ઈશારે કયા નેતાઓને પાડી દેવાના પ્રણ લીધા હતા એ પણ જાણકારોથી અજાણી વાત નથી. ગુજરાત રમખાણો વખતે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધારવામાં પણ નેશનલ મીડિયાનો ફાળો ઓછો નહોતો. એ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ સપાટી પર આવીને છલકાતો હતો.
અધૂરામાં પૂરું 2010માં મનમોહન સરકાર મીડિયા વિરુદ્ધ કોઈ કાયદો લાવવાની ફિરાકમાં હતી, જેમાં અમુક સરકાર વિરોધી કન્ટેન્ટ સામે અમુક પગલાં લઈ શકાય એમ હતા. ત્યારે જ મીડિયાના મોટા સંપાદકોએ BEA સંગઠન (બ્રોડકસ્ટર્સ એન્ડ એડિટર્સ એસોસીએશન) બનાવ્યું. અને એ સંગઠને મનમોહન-સોનિયા સહિતના નેતાઓ સામે રજુઆત કરીને એ કાયદો આવતા પહેલા જ રદ કરાવ્યો.
પણ પછી જે થયું એને રિએક્શન કહો, રિવેન્જ કહો કે રાઇવલરી કહો કે બહુ તટસ્થતાથી મૂડીવાદીઓનો ડોળો પડ્યો એમ કહો.પણ 2014માં મે મહિનામાં જ રિલાયન્સ ગ્રુપે ભારતનું બીજા નંબરનું નેટવર્ક ન્યુઝ 18 ગ્રૂપ ખરીદી લીધું. નવાઈની વાત એ હતી કે 28 મેં રિલાયન્સ આ ગ્રૂપ ખરીદે એ પહેલાં જ CEO એ 27મી મે એ રાજીનામું આપી દીધેલું. (NDTV સાથે બનેલા હાલના બનાવો જેવું જ કંઈક લાગે છે ને?)
આને એક ઘટના માનીને બીજાઓ તો ઠીક, ખુદ મીડિયા પણ ભૂલી ગયું. પણ કોને ખબર હતી કે આગામી વર્ષોમાં ઘણા પત્રકારોની નોકરી જવાની હતી, એન્કરોને સામે ચાલીને વિષયો અને પ્રવક્તાઓનું લિસ્ટ અને એજન્ડા પકડાવી દેશે કે પછી વિપક્ષના નેતાને ધરાર નીચો પાડવા દારૂડિયાઓની ધમાલ જેવા તોફાની કારસ્તાન મીડિયામાં બેઠેલો એન્કર કરશે કે કરાવશે? અને કોને ખબર હતી કે માત્ર પાંચ જ વર્ષના ગાળામાં મીડિયાનો મોટાભાગનો હિસ્સો ફક્ત ત્રણ ચાર બિઝનેસમેનના હાથમાં આવી જશે?
અંદર જે થયું હોય તે, પણ બહાર તો પરિણામ એ જ દેખાયું જાણે આપણે ટીવી પર હિન્દુ-મુસ્લિમનો જંગ જોવા માટે જ ન્યુઝ જોતા હોઈએ. એક કટ્ટર હિંદુ, એક કટ્ટર મૌલવી કે કોઈ મુસ્લિમ પ્રવક્તા, વચ્ચે બેઠેલો બેયને લડાવી મારતો એન્કર. કોરોના હોય તો તબલિઘી, આપણે ત્યાં દિવાળી હોય તો પાકિસ્તાનમાં હોળી, છેલ્લે કશું ના હોય તો વિપક્ષનું મોદી વિરોધી હોવું એ જાણે રાષ્ટ્રદ્રોહ હોય એમ મીડિયા પોતાના નાટકના શો ચલાવ્યે રાખે.
કોંગ્રેસ સહિતના ઇન્ડિયા ગઠબંધને હવે એવા 14 નામચીન એન્કરોનો બહિષ્કાર કર્યો છે ત્યારે ખબર નથી કે એ એન્કરો કે પત્રકારોની કેટલી ભૂલ? કારણ કે, એ લોકો તો ચિઠ્ઠીના ચાકર છે. માલિક પાસે નોકરી બચાવવા એ જ એજન્ડો પાર પાડવાનો છે. વળી, મજાની વાત એ છે કે એ જ ચેનલોના માલિકો સાથે કોંગ્રેસી મુખ્યમંત્રીઓના અંગત સંબંધો છે. (શરદ પવાર અને અદાણીના અંગત સંબંધો છે.) મૂળ તો માલિક હોય કે પત્રકાર કે એન્કર? પણ પૈસા બધાને વ્હાલા છે. એટલે જ તો રાહુલ ગાંધી સિવાય કોઈ કોંગ્રેસી નેતા કે અન્ય વિપક્ષી નેતા અદાણી મામલે અદબ વાળીને મોઢા પર આંગળી મૂકી ગયા છે.
એક ન્યુઝ ચેનલમાંથી નોકરી ગુમાવી બેઠેલા ઝાંબાઝ પત્રકાર, એડિટર અને એન્કર પુણ્ય પ્રસૂન વાજપેયીએ ગયા વર્ષે એક લેક્ચરમાં કહ્યું એમ, પહેલા અમારા પર નેતાઓના ફોન આવતા કે ફલાણી ખબર રજૂ ના કરો તો સારું. હવે નવી સરકારમાં એવા કોઈ ફોન નથી આવતા. છતાં પણ અગાઉ કરતા ન્યુઝ ચેનલોનું સ્તર સતત કથળતું જ ગયું. કારણ કે….(ફોન શું કામ નથી આવતા એ બધાએ પોતપોતાની રીતે ધારી લેવાનું છે.)
એન્કરોને ય ઘર પરિવાર હોય છે, એમને સચ્ચાઈ માટે નોકરીઓની કુરબાની આપવી ના પોષાય. હા, અશોક વાનખેડે જેવા “ટાઇગર” કોઈક જ હોય, જે કહી શકે કે મને ચેનલમાંથી કાઢ્યો તો મેં યુટ્યુબ પર એ જ ઈમાનદારીથી પત્રકારત્વ કર્યું. હજી આ પણ બંધ થઈ જશે તો હું બસ ડેપો અને રેલવે સ્ટેશને માઇક લઈને એકલો ઉભો રહી જઈશ!
ખૈર, પૈસા કમાવા બેઠા હોય એ વેપારીઓ કોઈ સરકારના સગા હોતા નથી. 2004માં વાજપેયીના “ઇન્ડિયા શાઇનિંગ” કેમ્પઈનમાં જેનો મહત્વનો રોલ હતો એ બિઝનેસમેન, મતગણતરી વખતે બપોરે ભાજપની હારનો અંદાજો આવી જતા તરત જ રિઝલ્ટ આવે એ પહેલાં જ સોનિયા ગાંધીના ઘરે પહોંચી ગયા હતા.
ટૂંકમાં, તમે જેને આજે ગોદી મીડિયા કહો છો એને જ ગઈકાલે બીજાઓ સ્યુડો-સેક્યુલર કે લ્યુટિયન મીડિયા કહેતા હતા!
– Bhagirath Jogia
Leave a Reply