હમેં ઔર જીને કી ચાહત ના હોતી, અગર “પુસ્તકો” ન હોતે!!!
આ એ જમાનાની વાત છે જ્યારે સ્કૂલમાં ચાલુ કલાસે કંટાળો આવે ત્યારે ટાઈમપાસ કરવા ફેસબુકની નોટિફિકેશન કે વોટ્સએપની બ્લ્યુ ટિક જોઈને પિરિયડ પૂરો કરવાની સગવડો નહોતી. કોલેજમાં આવ્યા વિકેન્ડમાં કોફીશોપ અને મલ્ટીપ્લેક્ષ ખાસ પોષાતા નહિ. એટલે સમય સામે ક્રાંતિ કરવા માટે પુસ્તકો સિવાય કોઈ સહારો જ નહોતો. અને અમને એ ગઠબંધન કોઠે પડી ગયું હતું, માનો કે વ્યસન થઈ ગયું હતું.
પુસ્તકો વસાવવા મોંઘા પડતા એટલે શક્ય હોય ત્યાં સુધી સ્વામી વિવેકાનંદની નેનો કે માઇક્રો નકલ કરીને વાંચીને તરત જ યાદ કરી લેવું બહેતર લાગતું. યાદ ના રહે એ બધું ડાયરીઓમ ટપકાવી લેવું. પછી તો થયું એવું કે કોલેજ પુરી થતા સુધીમાં એ ટપકાવેલો સ્ટોક જ આઠ ફુલસ્કેપ બુક જેટલો થઈ ગયો. જિંદગીમાં ક્યારેય અમરેલી પણ જોયું ભલે ના હોય, પણ અમેરિકા ને આફ્રિકા પણ અમે પુસ્તકોમાંથી જ ફરી લીધેલું. એટલે જ, લેખકો અમને દેવદૂત લાગતા અને પુસ્તકો લાગતા દેવની દીધેલ કોઈ ગિફ્ટ જેવા
એ જમાનામાં અમે નસીબદાર હતા કે લાઈબ્રેરીમાં જઈને મફતમાં કોઈ કન્યાના હાથમાં રહેલું પુસ્તક જોઈને એ પુસ્તકની કે લેખકોની વાતોથી વાયા દોસ્તી થઈને પ્રેમ સુધીની સફર કરી શકતા. ત્યારે લેખકોની પંચાત કરીને ઓનલાઈન ટ્રોલિંગમાં પોતાની લીટીઓ મોટી કરવાના મિથ્યા પ્રયત્નો થતા નહોતા, ઇન્ફેકટ આવડતા જ નહોતા. મોટા મોટા લેખકોને ઈમ્પ્રેસ કરવા અમો મોટા મોટા પત્રો લખતા. ટેલેન્ટ સાબિત કરવાની એ એક જ સહેલી અને નિર્દોષ પણ અસરકારક રીત હતી. એ જ પુરુષત્વનું ચરમસીમાએ પહોંચેલ પરાક્રમ હતું!
અમે બક્ષી, કાંતિ ભટ્ટ, ગુણવંત શાહને એવા વાંચ્યા કે બક્ષીનું તો ભૂત સપનામાં આવતું, અને કાંતિ ભટ્ટની પીડા તો હજી લખાણમાં ટપકી પડે છે. અમે પન્નાલાલ પટેલ પાછળ પાગલ થયેલા અને જય વસાવડાની આંગળી પકડીને વિશ્વની લટારે નીકળી પડતા. અમે દિલીપ રાણપુરાની જેમ દુઃખીના દાળિયા થવા નીકળેલા અને તારક મહેતાની જેમ ‘હતું શુ અને ગયું શું?’ કરતા પાછા આવ્યા. અમે નર્મદની જેમ બંડ પોકારવા નીકળેલા, મેઘાણીની અદાઓથી બહારવટે ચડી ગયેલા અને અંતે બાકી રહ્યું તો “દર્શક”ની જેમ ઝેર તો પીધા જાણી જાણી!
અમે મધુરાયના કેશવની જેમ સપના જોતા કે હું એક મહાન લેખક થઈશ, પેલી છોકરી જે અત્યારે ભાવ નથી આપતી એ પછી ઓટોગ્રાફ માંગશે અને હું નહિ આપું! અમે ગુણવંતરાય આચાર્યની સાથે દરિયો પણ ખેડેલો અને રમણલાલ સોનીને પંથે શેરલોક હોમ્સ પણ બનેલા! અમે જલન માતરીની રસ્તે ઇશ્વરો સામે લડેલા, ને પછી મરીઝની જેમ થાકીને ખુદાની શરણમાં પહોંચી ગયેલા. અમે આને વાંચ્યા, અમે તેને વાંચ્યા….કે પછી સ્વીકાર કરી લીધો કે “અમર થાકીને હજી હમણાં જ સૂતો છે!”
ખૈર, આજે તો હવે સ્કૂલમાં ચાર ચોપડી સરખી વાંચી ના હોય એવી ચમન ચોટલીઓ વોટ્સએપ યુનિવર્સિટીમાં પીએચડી કરીને વિદ્વાનોને ભણાવવા નીકળી પડે છે. એમાં કમનસીબ વિદ્વાનો છે કે ચમન ચોટલીઓ એ તો રામ જાણે! છ મહિના પહેલા કોઈકની નકલ કરીને વાંચતા શીખ્યા હોય એવા ચમનો હવે સજ્જ વાચકો કે લેખકો સાથે સહમત-અસહમત રમતા શીખી ગયા છે. કારણ કે, લેખકો હવે “ઇઝી એવેલેબલ” છે!
ખૈર, હવે તો સ્કૂલની ચોપડીઓ વચ્ચે નવલકથાઓ વાંચવાનો ગોલ્ડન ચાન્સ પણ નથી મળતો. એને બદલે પાંચ પાનાંઓ વાંચ્યા પછી રખેને, ફેસબુકમાં કંઈક નવું આવ્યું હશે એવી ચાહતમાં ટેરવાઓ ટચસ્ક્રીન પર ફરતા રહે છે!
– Bhagirath Jogia
Leave a Reply