ભારતના રાજકારણમાં ગુનેગારોનું રાજ ચાલે છે…
યુપી ઇલેક્શન વખતે એક નેતાને એક પત્રકારે સવાલ કર્યો કે તમે તમારી પાર્ટીમાંથી આટલા ક્રિમિનલ ઉમેદવારોને ટિકિટ આપી છે, એના વિશે શું કહેશો? નેતાશ્રી બોલ્યા કે- ચાલો હું તમને ટિકિટ અપાવું, પણ તકલીફ તમને જ થશે, ક્યાં તો તમે ગભરાઈને ભાગી જશો અથવા તો તમારી નજર સામે હરીફ ઉમેદવાર બોગસ વોટિંગ કરાવશે અને તમને જોતા રહી જશો!
તાજેતરમાં અતિક અહેમદ નામના ડોન કમ રાજકારણીની હત્યા થઈ એમાં મીડિયા અને ભોળી જનતાને હિન્દુ-મુસ્લિમ રમવાની મજા મજા આવી ગઈ. ત્યાં જ હવે ભાજપના સાંસદ પર લાગેલો મહિલા પહેલવાનોના શોષણનો આરોપ ધીમે રહીને ચગતો જાય છે. અને બન્નેની વચોવચ બિહારના એક ગુંડા કમ રાજકારણી આનંદ મોહન જે એક આઈએએસ અધિકારીની હત્યાના આરોપસર જેલમાં ગયા છે, એનો બિહારની સરકારે કરેલો છુટકારો મેદાનમાં આવી ગયો છે. પણ યુપી બિહાર કે દક્ષિણમાં માફિયા કમ રાજકારણનો ઇતિહાસ જૂનો છે.
એક જમાનામાં રાજકારણીઓ પોતાના અમુક કામનો ખેલ પાર પડાવવા ગુંડાઓ પાળતા, ઇવન સરકારો જે કામ ખુલ્લેઆમ ના કરી શકે એની સોપારી ગુંડાઓને આપી દેતી. એ 70-80ના દાયકામાં ભારતમાં ભાજપ હજી જૂનું જનસંઘ જ હતું. અને રાષ્ટ્રીય લેવલે બે ચાર સીટોમાં રમતું હતું. ત્યારે યુપી-બિહારમાં કોંગ્રેસનું જોર હળવેકથી ઓછું થતું હતું હતું અને સમાજવાદીઓ ફાવતા જતા હતા. પણ 90ના દસક પછી ભાજપ એ જ કેટેગરીમાં એન્ટર થઈ ગયું. ત્યારે કહેવાતું કે અતિક અહેમદ કે આનંદ મોહન જેવા ગુંડાઓ સરકારો માટે ઇલેક્શન જીતાડવાના કામ કરતા. એમાં ધાકધમકીથી લઈને આખેઆખા બુથ પર કબજો કરવા જેવા ઘણા ના કરવાના કામો આવી ગયા.
પછી તો ગુંડાઓ સમજી ગયા કે આપણે કોઈની નીચે રહીને કામ કરવા કરતા પોતે જ રાજકારણમાં ઝંપલાવી દેવું. આમ ચાંદબાબા, શાહબુદ્દીન, અતિક અને અત્યારે શોષણના આરોપમાં ઘેરાયેલા બ્રિજભૂષણ સિંહ જેવા અસંખ્ય નેતાઓ સક્રિય રાજકારણમાં કૂદી પડ્યા. ખાટલે મોટી ખોડ એ હતી, અને આજે પણ છે કે આવા ક્રિમિનલ પાછા જીતી જાય પણ ખરા. એની જીતવાની ક્ષમતા કોઈ સીધા સાદા ઉમેદવાર કરતા ઘણી વધારે હોય. કેમ કે, એવા ગુંડાઓ ધન સંપત્તિ કમાયા પછી ગરીબોના મસીહા પણ બની શકતા હોય અને મિડલકલાસ કે ધનવાન લોકોના અમુક કામો પણ કરી શકતા હોય. એમની ગુંડાગરદી એક હદ પછી સામાન્ય માણસને નડતી ના હોય. મોટા કોન્ટ્રાકટ પડાવવા, જમીનોના કબ્જા કરવા, મોટી સોપારીઓ લેવી વગેરે ગેરકાયદેસર ગુનાખોરીની પ્રવૃત્તિમાં સામાન્ય માણસને કશું સ્પર્શતું હોય નહીં, ઉલટું ધર્માદા કરીને આ જ તત્વો લોકો સાથે ઇમોશનલ કનેક્ટ થઈ જતા હોય. એટલે સરવાળે, કોઈ પણ પાર્ટી આવા તત્વોને ટિકિટ આપી જ દે.
2014માં આપણા વડાપ્રધાન આખું લિસ્ટ લઈને પ્રચાર કરતા કે-જુઓ ફલાણી પાર્ટીમાં આટલા ગુનેગારો છે ને ઢીંકણી પાર્ટીમાં આટલા નેતાઓ ક્રિમિનલ છે. આખો દેશ રાજીનો રેડ થઈ ગયો, પણ 2019ની ચૂંટણી આવતા સુધીમાં ખુદ એમણે જ અમુક ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને વિધાનસભા કે લોકસભામાં બેસાડવા પડયા. એમાંના એક નેતા એટલે બ્રિજભૂષણ સિંહ, જેના પર 34 જેટલા ગંભીર ગુનાઓના કેસ છે. કહે છે કે આનું એક કારણ જ્ઞાતિ ફેક્ટર છે. આ દેશમાં મુસ્લિમ માફિયા હોય તો એને સેક્યુલર પાર્ટીઓ છાવરે, હિન્દુ માફિયા હોય તો એને રાષ્ટ્રવાદી પાર્ટી છાવરે. નીતીશ કુમાર એક આનંદ મોહનને છોડી મૂકે એમાં ભાજપે પણ ચૂપ રહેવું પડે. કારણ કે, મોટી જ્ઞાતિના વોટનો સવાલ છે. યુપીમાં વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી બ્રાહ્મણ સમાજમાંથી અમુક વિરોધનો સામનો યોગી સરકારે કરવો પડેલો. વિકાસ દુબે પાંચ દસ વરસ જીવી ગયો હોત તો ચોક્કસ કોઈક પાર્ટીમાંથી ઇલેક્શન લડીને જીતી ગયો હોત!
આવા ક્રિમિનલો આપણા પ્રતિનિધિ બને એ જ ભારતની કરુણ હકીકત છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે, ભારતના 363 ધારાસભ્યો- સાંસદો ગંભીર ગુનાઓમાં સલવાયેલા છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે 296 ધારાસભ્યો અને 67 સાંસદો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. એમાંથી 80 બીજેપી અને 45 કોંગ્રેસના નેતાઓ છે.
ખૈર, બાબાસાહેબ આંબેડકર કહેતા એમ- કોઈ પણ દેશનું બંધારણ કેવું છે એ મહત્વનું નથી. પણ એને અમલમાં મુકનારા નેતાઓ કેવા છે એ મહત્વનું છે. જનતાએ નક્કી કરવાનું હોય છે કે એણે બંધારણ અને લોકશાહીની જીવનદોરી કેવા નેતાઓના હાથમાં સોંપવી છે!
– Bhagirath Jogia
Leave a Reply