ધી કેરળ સ્ટોરી : સંવેદન સિસ્ટમને હલબલાવી નાંખે, પણ તર્ક અને તથ્ય થોડો વિચારવાયું ઉભો કરે અને કટ્ટર ધાર્મિકતાના થોડા કાલ્પનિક રંગો ઉમેરીને આંશિક સત્યને ઉજાગર કરતી ફિલ્મ:
2017માં કેરળનો એક લવ જેહાદનો ભારતભરમાં બહુચર્ચિત “હાદિયા કેસ” યાદ છે? આ કેસ એવો લોકજીભે ચગ્યો કે મામલો વાજતેગાજતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. અને ગુજરાત ઇલેક્શનમાં ય ઠીકઠાક ઉપડ્યો. અખિલા નામની એક હિન્દુ ડોકટર યુવતીએ એક મુસ્લિમ યુવાન સાથે જ લવમેરેજ કરી લીધા. અખિલાના પેરેન્ટ્સે આરોપ મૂક્યો કે એમની દીકરીનું બ્રેઇન વોશ કરીને એને ઇસ્લામ કબૂલ કરાવાયો છે, અખિલા એટલે જ આ હાદિયા! કેરળ પોલીસે કહ્યું કે- આ છોકરીને ધર્મપરિવર્તન પછી યમન, સિરિયા કે અફઘાનિસ્તાન લઈ જવાનો ISIS નો પ્લાન હતો. તપાસ પછીથી NIA ને સોપાઈ, એમાં પણ તારણ એ જ નીકળ્યું. પણ અચાનક અખિલાએ મીડિયા સામે અને કોર્ટમાં કહ્યું કે- મને શાંતિથી મારા પતિ સાથે રહેવા દો. મેં મારી ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યો છે… અને કોર્ટે “આમાં કોઈ બળજબરી નથી..” એમ કહીને મામલો અભરાઈએ ચડાવી દીધો.
પણ યાદ રહે બધા મામલા આવા સરળ કે રાજકીય રંગોવાળા નથી હોતા. અમુક કમનસીબ કેરલિયન યુવક- યુવતીઓ આ લવ જેહાદની ઝપટમાં આવી ગઈ છે એ કડવી હકીકત છે. ફિલ્મ ભલે એકતરફી રંગ આપતી હોય અને ભારતના તમામ મુસ્લિમોનો એક જ એજન્ડા હોય એવો નેગેટિવિટીનો ઘેરો અંધારો રંગ આપતી હોય, ભલે ડાયરેકટર સુદીપ્તો સેને કોર્ટમાં લાળા ચાવતા કહેવું પડ્યું હોય કે, 32000 યુવતીઓનું ધર્મપરિવર્તન થયું એ તો 2010માં કેરળના મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ આપેલો આંકડો છે. હકીકતમાં તો ઓમાન ચાંડીએ કહ્યું હતું કે- ટોટલ 2800 થી 3200 હિંદુ-ખ્રિસ્તી યુવતીઓનું ધર્મપરિવર્તન કરાયું છે. પણ એમાં ક્યાંય આતંકવાદી સંગઠન ISIS નો ઉલ્લેખ સુદ્ધા નહોતો!
પણ મામલો આટલેથી ય અટકેલો સમજીને રાજી ના થવું. 2006માં કેરળની કટ્ટર મુસ્લિમ પાર્ટી PFI-પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (જેના તાજેતરમાં મોદી સરકારે સપાટા ફેરવી દીધેલ એ.) ની શંકાસ્પદ ગતિવિધિ પર તત્કાલીન કમ્યુનિસ્ટ મુખ્યમંત્રી અચ્યુતનંદને સતત નજર રખાવી. અને 2010 સુધીમાં તો સાબિત થઈ ગયું કે આ પાર્ટીના સંબંધો તાલિબાનો અને અન્ય આતંકી સાથે છે. એનું સિરિયા અને અફઘાનિસ્તાનથી ફન્ડિંગ જ એટલા માટે થાય છે જેથી હિન્દુ યુવક-યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવીને એમને ISIS ભેગા કરી શકાય. પણ કશા પગલાં નક્કર પગલાં એ પહેલાં 2011માં કેરળમાં કોંગ્રેસ સરકાર આવી ગઈ. નવા કોંગ્રેસી મુખ્યમંત્રી ઓમાન ચાંડી આ મામલે એકદમ મર્દ નીકળ્યા. એમણે PFI ની ઓફિસ પર રેડ પાડી તો એમાંથી દેશવિરોધી ગતિવિધિઓના પુરાવા નીકળ્યા. અને લગભગ એક ડઝન સભ્યોની ધરપકડ થઈ.
ફિલ્મમાં બતાવ્યો છે એ મામલો પણ આ ઓમાન ચાંડીની સરકારે જ કેરળ કોર્ટમાં સોલ્વ કરાવેલો જે ફીલ્મથી થોડો વિપરીત છે. પણ સ્પોઇલર એલર્ટ જેવી કોઈ તાલાવેલી નહિ હોવાથી ફરી ક્યારેક લખાશે. પણ ટૂંકમાં કહી દઈએ કે શહેનશાહ અને સિરાઝુદ્દીન નામના બે યુવકોની ધરપકડ એટલા માટે થયેલી કે એમણે “ઇમોશનલ અત્યાચાર” થકી એક હિન્દુ અને એક ખ્રિસ્તી યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવેલુ. પણ અગેઇન એમાં કોઈ દેખીતી “બળજબરી” નહોતી એટલે કેસ મજબૂત ના બને. સો ફરીથી જૈસે થે!
હવે, ફિલ્મની વાર્તાની ધારે ધારે થોડાક વાસ્તવવાદી વિચાર કરીએ. એજ્યુકેટેડ યુવાનો અને ખાસ તો યુવતીઓ એવી કેવી મૂર્ખ કે એમણે કોઈના બહેકાવમાં આવીને પોતાનો સાત પેઢી જૂનો ધર્મ છોડી દેવો પડે? એ ય સામેના વિધર્મી પાત્ર વિશે બધું જાણતા હોવા છતાં! હા, અમુક કિસ્સાઓમાં લગ્ન પછી વાણી વર્તન ફરતા હકીકત સામે આવે ત્યારે, સીધા તો ઉપર લખ્યું એમ દરેક મુસ્લિમ કંઈ આતંકવાદી હોતો નથી કે યુવતીઓને આતંકવાદી સંગઠનમાં સપડાવી દે! તો હવે તો કાયદો કે સરકાર તત્પર છે જ આવા મામલે ન્યાય અપાવવા માટે. છતાં આવા કિસ્સાઓ સામે કેમ નથી આવતા? ઉપર લખ્યું એ “હાદિયા” હોય કે ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપીના અમુક કિસ્સાઓમાં મામલો મેદાને ચડે પછી યુવતીઓએ જ કબલ્યુ છે કે- અમારી સાથે કોઈ બળજબરી થઈ નથી. તો પછી સત્ય શું છે? એ તો કોઈ સમાજશાસ્ત્રી કે એક્ટિવિસ્ટનો વિષય છે!
2019માં ભારત સરકારે આંકડો આપ્યો કે કેરળમાંથી 105 યુવક-યુવતીઓ ધર્મપરિવર્તન કરીને આતંકવાદી સંગઠનમાં ભળી ગયા છે. પછી 2020માં એ આંકડામાં સુધારો કરીને USA કન્ટ્રી રિપોર્ટે કહ્યું કે- કેરળમાંથી 66 યુવાનો ISIS ભેગા થઈ ગયા છે, એમાંથી ત્રીસ ટકા યુવતીઓ છે. તમે ફિલ્મને સ્વીકારો કે ના સ્વીકારો, ભલે એકતરફી લાગે. છતાંય આ આંકડાને તો સ્વીકારવો જ પડે. અને એય ના સ્વીકારો તો હાઇકોર્ટનો ઉપર “સ્પોઈલર”ની બીકે અધુરો રાખ્યો એ બે યુવતીનો કિસ્સો તો જખ મારીને સ્વીકારવો જ પડે.
ફિલ્મ બેન કરવાની યાચિકા સુપ્રીમ કોર્ટમાં થઈ ત્યારે જજ સાહેબે બરોબરની યથાર્થવાદી કોમેન્ટ કરી કે- 32000ને બદલે એક કેસ થયો હોય તો પણ ફિલ્મ નિર્માતાને હક્ક છે ફિલ્મ બનાવવાનો….તો સામે છેડે ફિલ્મની પ્રોડક્શન કંપનીને પણ ખખડાવી નાખતા કહ્યું કે- કલ્પનાના રંગોને બદલે થોડા તથ્યો ઉપર પર પીંછી ફેરવવાનું રાખો! (અને હા, ફિલ્મના ડિસ્કલેઇમરમાં “સત્ય ઘટનાઓ પર આધારિત કાલ્પનિક કથા” પર નજર ફેરવવી ફરજીયાત છે!)
ખૈર, હિંદુઓ માટે ફિલ્મમાં મસ્ત આડકતરો મેસેજ છે કે આસપાસના દરેક મુસ્લિમોને નફરત કરવાને બદલે આપણા શિવ, કૃષ્ણ અને રામના સાંનિધ્યમાં જીવતા શીખો. આપણે એ સનાતની છીએ જેમણે ભગવાનને પ્રેમ કરવાનો છે, એમના ડરથી કે નર્ક જવાના ફફડાટથી પ્રાર્થના કરવાની નથી. પોતાની સંસ્કૃતિઓ વિશે પૂરતું જ્ઞાન હશે તો બીજાના ધર્મોથી ઝટ દઈને ઈમ્પ્રેસ નહિ થાઓ, અને સમજ્યા વગરની નફરત તો સાવ નહિ જ કરો!🙏
– Bhagirath Jogia
may 23
Leave a Reply