બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીની જીવન ગાથા : બાબાગીરી કા હૈ જમાના!
પાંચ માણસના એ પરિવારને બે ટંકના ભોજનના પણ ફાંફા. પિતાજી રામકૃપાલ ગર્ગ ખેતમજૂરીની સાથે સત્યનારાયણની કથાઓ કરે, મા સરોજ ગર્ગ ગામમાં દૂધ વેચે. જે કંઈ દક્ષિણા મળે એમાંથી પાંચ પેટની રોટી પકવવાની. બાળ ધીરેન્દ્ર પપ્પા પાસેથી સત્યનારાયણની કથા વાંચતા તો શીખી ગયો, પણ એનો જીવ કાયમ ચોંટેલો રહેતો સાવ બાળપણમાં જોયેલાં દાદાના પ્રભાવમાં. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના નાનકડા ગામ “ગઢા”ને પાદરે એક સ્મશાન અને એક એની લગોલગ એક શિવમંદિર. દાદાએ વળી ત્યાં બાલાજી હનુમાનની મૂર્તિ સ્થાપિત કરીને નાનકડો દરબાર ભરવાનું શરૂ કર્યું. અને સાવ નિર્લેપભાવે લોકો એમના દરબારમાં “જોવડાવવા” આવતા થયા.
દાદા પાસે બેસીને બાળ ધીરેન્દ્રએ નાનપણમાં આ બધું ઓબ્ઝર્વેશન કુમળા માનસમાં ભરી રાખ્યું હશે કે સત્યનારાયણની કથાઓમાંથી હરણફાળ ભરીને એકાએક એ દોઢ બે વરસ સુધી ગાયબ થઈ ગયા. જ્યારે આવ્યા ત્યારે મોટા મોટા ટોળા તો ઠીક મોટા ઊંચા ગજાના માણસોની પહોંચ પણ લેતા આવ્યા. બરોબર દાદાની જ જગ્યાએ યુવાન ધીરેન્દ્રએ દરબાર ઉભો કરી દીધો. પરંપરાગત ગર્ગ સરનેમ હટાવીને નામ રાખ્યું “ધીરેન્દ્ર શાસ્ત્રી.” દરબારનું એ સ્થળ ટુંકસમયમાં બાગેશ્વર ધામ તરીકે પ્રચલિત થઈ ગયું અને ધીરેન્દ્ર શાસ્ત્રી કહેવાયા-“બાગેશ્વર ધામ સરકાર….”
શરૂઆતમાં ગામલોકો પોતપોતાની અંગત, સામાજિક તકલીફો અને બીમારીઓ લઈને બાબા પાસે આવતા, બાબા એમના નામ ને સમસ્યાઓ એડવાન્સમાં જ કહીને ભક્તોને દંડવત કરતા ભીંજવી મૂકે. પણ મોટાપાયે પ્રચારપ્રસાર મળતો નહોતો એ બાબાને અંદરખાને ખુચ્યા કરતું. ભૂતને પીપળા મળી રહે એમ એક દિવસ લોકલ પત્રકારોની એક ટીમ આવી. બાબાએ એમને ચેલેન્જ આપી કે આ શિવ મંદિરમાં એક પણ બલ્બ તમે સળગાવી નહિ શકો. તરત ફૂટી જશે. પત્રકારો વિજ્ઞાન નહિ ભણ્યા હોય તે હાઈ વોલેટેજના પ્લગની કમાલ સમજી ના શક્યા. જેટલા બલ્બ સળગાવ્યા એ તરત ધડાકા થઈ ગયા. અને આજુબાજુના જિલ્લાઓમાં બાગેશ્વર બાબાની જય હો જય હો થઈ ગઈ…
પછી એકવાર નેશનલ ન્યૂઝના એક પત્રકારને બાબાએ ટીવીની સામે દંડવત કરાવ્યા. ચેલેન્જ આપી કે તમે લઈને આવો કોઈ એક માણસને. ગમે ત્યાંથી. એની સમસ્યાઓ મારી પાસે આ પરચી છે એમાં વિગતે લખી છે. પત્રકાર બિચારો સ્ટિંગ ઓપરેશનની આશાએ ક્યાંકથી કોઈ બહેનને પકડી લાવ્યો, પણ બહેન સ્ટેજ પર પહોંચે ત્યાં સુધીમાં તો બહેનનો ઇતિહાસ બાબાએ પરચીમાંથી કાઢ્યો. દરબારમાં હાજર લાખો લોકો સહિત પત્રકાર પણ બેશુદ્ધ! હવે આ ચમત્કાર ગણવો? જાદુ ગણવો? કે ધીરેન્દ્ર શાસ્ત્રી ખુદ કહે છે એમ બાલાજી ભગવાનની કૃપા?
આવા ચમત્કાર એટલે મનોવિજ્ઞાનની એક બ્રાન્ચ એવી: મેન્ટલિઝમ. એને તમે મેન્ટલ મેજીક, મેન્ટલ મેથ્સ કે મેન્ટલ સાયન્સ પણ કહી શકો. કોઈ માણસ તમારા મનની વાત જાણી જાય એ તો સમજ્યા. પણ તમે મનમાં જે આંકડો, જે નામ, જે ગીત ધારીને બેઠા હો એ પણ સમજી શકે? અરે તમારો ફોન નંબર કે મોબાઈલનો પાસવર્ડ પણ પકડી શકે? હા, પકડી શકે. એને જ “મેન્ટલિઝમ” કહેવાય છે. માણસની બોડી લેંગ્વેજની આપણે ઘણી વાતો કર્યાં કરીએ, પણ સ્નાયુઓની લેંગ્વેજ? આંખોના પલકારાની લેંગ્વેજ? ખેંચાયેલા ભવા કે મંદ મુસ્કાનની લેંગ્વેજ? આ બધું ડિટેઇલમાં ભણો કદાચ થોડું મેન્ટલિઝમ શીખી શકાય.
શીખીને એની વરસો સુધી સાધના કરવી પડે. આજે ભારતભરમાં વિખ્યાત જાદુગર સુહાની શાહ (કે જેણે આ બાગેશ્વર બાબાની પોલખોલ કરી હતી!) કહે છે કે પોતે નાનપણથી જ મેન્ટલિઝમ બાબતે અતિશય ક્રેઝી હતી. એવું જ ભારતનું એક નામ એટલે કરણ સિંહ. વૈશ્વિક લેવલે આવું એક જાદૂગરનું નામ એટલે જેમ્સ રેનડી. જેની ચેલેન્જ તો કોઈ સ્વીકાર કરવાની હવે હિંમત પણ નથી કરતું. પણ ફરક હતો એટલો કે આ બધાય પોતાની કળાનો ઉપયોગ લોકોના “મનોરંજન” માટે કરે છે જ્યારે આપણે ત્યાંના બાવા, મુલ્લા અને પાદરીઓ લોકોને અંધશ્રદ્ધાના રવાડે ચડાવીને પોતે માલામાલ થવાના બિઝનેસ કરે છે, એ પણ કરોડોના!
પણ અમુક મજબૂત મગજો ક્યારેય કોઈ કળા કે ગણિતમાં ફસાય નહિ. જેમ કે, 1 થી 9 નંબરમાંથી કોઈ એક નંબર ધારવા કહે તો બહુમતી લોકો 3 કે 7 પર પસંદ ઉતારે. કાળો, સફેદ કે લાલ રંગમાંથી ચોઇસ મળે તો મોટાભાગે ચોઇસ લાલ કે સફેદ હોય. મતલબ કે ચોઇસ અગાઉથી જ લિમિટેડ કરીને પોતાનો સાયકોલોજીકલ પાવર સામેવાળા માણસ પર પ્રભાવિત કરીને એને ધીમે ધીમે પોતાની ચોઇસ તરફ ખેંચવાનો. અને એ એ જ “ઓબ્જેક્ટ” પસંદ કરશે જે તમે એના માટે નક્કી કરી જ રાખ્યું હશે! અને તમારી જયજયકાર થઈ જશે. પણ આ કળા લાગે એટલી સહેલી નથી. સૂર્યકુમાર યાદવ સિક્સ મારે ત્યારે એ સિક્સ સાવ સહેલી લાગે, આપણે મેદાનમાં ઉતરીએ તો દડો બેટે અડે પણ નહીં, એના જેવું! ટૂંકમાં, વર્ષોની સાધના જોઈએ.
પણ કોઈ માથા ભારે મજબૂત મગજનો માણસ આવી જાય તો એને આવા બાબાઓ અવગણી દેતા હોય છે. હમણાં થોડાક મહિના પહેલા નાગપુરમાં ધીરેન્દ્ર બાબા દરબાર લઈને ગયેલા. ત્યાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે એમને સાવ સામાન્ય ચેલેન્જ આપીને 21 લાખનું ઇનામ જાહેર કર્યું. બાબા અત્યાર સુધી જે ચમત્કાર બતાવતા હતા એની સામે તો આ કાંઈ નહોતું. પણ બાબાએ ચૂપચાપ નાગપુરનો દરબાર સમાપ્ત થયેલ જાહેર કર્યો. પછી તો કથિત હિંદુવાદી સંગઠનોએ શ્યામ માનવને ધમકીઓ પણ આપી. આ શ્યામ માનવ એટલે એમના ચેલા જે નરેન્દ્ર દાભોલકરની થોડા જ વરસો પહેલા આવા જ મામલે કટ્ટરવાદીઓએ હત્યા કરેલી. આ શ્યામ માનવે ભારતમાં પહેલવહેલી વખત વિદેશી મિશનરીઓને આવા ચમત્કારીક ગોરખધંધાઓ બદલ જેલભેગા કરેલા. અને અન્ય ધર્મો વખતે કેમ નથી બોલતા એ દલીલો જ એમણે જડમૂળમાંથી કાઢી નાખી.
થોડા જ સમય પહેલા મલયાલમમાં સુપરસ્ટાર ફહાદ ફાઝિલની અફલાતૂન ફિલ્મ “ટ્રાન્સ” આવેલી. રસિયાઓએ તો જોઈ જ લીધી હશે. ના જોઈ તો અવશ્ય જોઈ લેજો. ખ્રિસ્તી મિશનરીઓની અંધશ્રદ્ધાના રોકડીયા બિઝનેસની કથા મુસ્લિમ ડાયરેક્ટર અનવર રશીદે બનાવી છે. એટલે ફલાણા ધર્મની ફિલ્મો કેમ નથી બનતી જેવી ફાલતુ દલીલો મગજમાંથી નીકળી જશે. ખાસ, તો આ ફિલ્મ જોયા પછી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની મોડ્સ ઓપરેન્ડી સમજી જશો એની ગેરેન્ટી!
હવે તો આ 26 વર્ષના યુવાન બાબા કરોડોમાં રમે છે. નેતાઓ એમની આગળ પાછળ નતમસ્તક ફરે છે. એમના પર જમીનો પચાવી પાડવાના આક્ષેપો લાગે છે. પણ પીડિતો નામ ના આપવાની શરતે કહે છે કે ફલાણા અધિકારી અને ઢીંકણા નેતા બાબાને પગે લાગી જતા હોય તો અમારી ફરિયાદ કોણ સાંભળશે?
ખૈર, આ બધા ગોરખધંધા તો હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈઓ બધા જ ધર્મોમાં બધા હળીમળીને આચરે છે. જોવાનું આપણે છે કે આપણે આપણા ઈશ્વર, અલ્લાહ, વાહેગુરુ કે જીસસને અંતરમનથી પામવા છે કે કોઈ વચેટિયાના મોહતાજ બનીને બુદ્ધિનું દેવાળિયું ફૂંકવું છે?🙏
-Bhagirath jogia
Leave a Reply