આપણા દેશમાં ભણતર કે માર્કશીટનું મહત્વ સ્વીકાર્યા વગર છૂટકો નથી!
અમે સ્કૂલમાં ભણતા ત્યારે ધીરુભાઈ અંબાણીનો સિતારો ટોચ પર હતો. રિલાયન્સનો મોબાઈલ ભારતના મિડલકલાસ ખિસ્સામાં ફરતો થઈ ગયેલો, ત્યારે ડફોળ વિધાર્થીઓ ક્લાસના હોશિયાર વિદ્યાર્થીઓની મજાક ઉડાવતા કે-જુઓ, ધીરુભાઈ તો ક્યાં ખાસ ભણ્યા છે? તો ય ક્યાં ના ક્યાં પહોંચી ગયા. વળી, બિલ ગેટ્સનું પેલું મેસેજમાં આવતું ફેમસ કવોટ પણ સંભળાવતા કે- હું ક્યારેય ક્લાસમાં પહેલા નંબરે આવ્યો નથી, પણ પહેલા નંબરે આવનાર વિદ્યાર્થીઓ આજે મારે ત્યાં નોકરી કરે છે….આવી અનેક સૂફીયાણી વાતો કરીને ઓછા માર્ક્સ લાવનાર કે ફેઈલ થનારાઓ રાજી રહેતા.
કાળક્રમે થયું એવું કે એ નબળા વિદ્યાર્થીઓમાંથી અમુક બિઝનેસ કે અન્ય કોઈ રીતે ડોકટર-એન્જિનિયરને ક્યાંય પછાડી દે એવા સફળ થયા, એકાદ રમતગમતમાં મેદાન મારી ગયો. પણ બહુમતી નબળા વિધાર્થીઓને સામાન્ય નોકરીના પણ ફાંફા પડી ગયા. જ્યારે હોશિયાર વિદ્યાર્થીઓ ભલે અંબાણી કે બિલ ગેટ્સ ના થઇ શક્યા, પણ પોતપોતાની ક્ષમતા પ્રમાણે નોકરીઓ કરીને કમાયને સ્વમાનથી જીવતા તો શીખ્યા જ! અને 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં સરકારી આંકડા પ્રમાણે જો તમે મહિને 25 હજાર કમાતા હો તો દેશની ટોપ 10 વસ્તીમાં સ્થાન પામો છો. તો જરા વિચારીએ કે બાકીના 90 ટકા શું કરતા હશે?
આપણે ત્યાં વગર લાયકાતે પૈસા કમાયેલા લોકો કે મોટિવેશનલ સ્પીકરોમાં એક ફેશન થઈ ગઈ છે કે-મોરારીબાપુ નાપાસ થયેલા, સચિન તેંડુલકર નાપાસ થયેલો, ફલાણા સેલિબ્રિટી ભણવામાં ઠોઠ હતા અને ઢીંકણા હીરો માંડ માંડ પાસ થયેલા. લોકો આવી વાતોમાં જોરશોરથી તાળીઓ પાડતા હોય, અને પાડવી પણ જોઈએ. કેમ કે, આ સેલિબ્રિટીઓ જે ઊંચાઈએ પહોંચ્યા ત્યાં પહોંચવું ખાવાના ખેલ નથી. પણ, અંદરખાનેથી બનતું એવું હોય છે કે નબળા વિદ્યાર્થીઓ પોતાની નબળાઈઓમાંથી શીખવાના બદલે અમથા પોરસાતા હોય છે. મોરારીબાપુની જેમ ઉત્તમ વક્તા હો કે તેંડુલકર કે ઝુકરબર્ગની જેમ નાનપણમાં પોતાનું જ ટેલેન્ટ પારખીને, સાબિત કરીને ભણતરને લાત મારતા હો એ અલગ વાત છે. પણ ડફોળ હોવું એ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિફિકેશન હોય એમ ખુદની જ પીઠ થાબડતા રહેવું એ મૂર્ખામી છે.
બાપુજીનું બેન્ક બેલેન્સ વજનદાર ના હોય અને અન્ય કોઈ રમતગમત કે કળાના ક્ષેત્રે ચમત્કારિક ટેલેન્ટ ના હોય તો 21મી સદીમાં કોઈ પણ ભોગે એકાદ ડિગ્રી લઈ જ લેવી. ડોકટર કે એન્જીનીયર જ બની જવું જરૂરી નથી, પણ એટલીસ્ટ કોઈક વ્યવસાયલક્ષી કોર્સ કે ગ્રેજ્યુએશન કરી જ લેવું. હવે તો જમાનો એ છે કે ઇન્ડિયન આઇડોલના ચેમ્પિયન બનો કે આઇપીએલના સેલિબ્રિટી બનો, પણ કોઈક કારણોસર લાંબી રેસના ઘોડા નહિ બની શકો તો જગત બે મિનિટ તાળીઓ પાડીને પછી કોઈ બીજા માટે તાળીઓ પાડશે અને તમે આ જાલિમ જમાનામાં શોધ્યા નહિ જડો. યાદ કરો તો સો બસ્સો એવા એક્ટર, ક્રિકેટર કે સિંગર કે ઇવન લેખકો ને વક્તાઓ પણ યાદ આવશે, જેમના ક્યારેક આપણે બધા ચાહકો હતા, પણ હવે એ ક્યાં છે ને શું કરે છે એ પણ યાદ નથી!
અમુક દોઢડાહ્યા કહેતા હશે કે પાનના ગલ્લાવાળા આટલા કમાય ને ચાની હોટેલોમાંથી કરોડપતિ બનાય. સાચી વાત છે આ. ઘણા યુવાનો કહેવાતા સાવ નાના કામ કરીને સફળ થયા છે. પણ આમાં નવી પેઢીની તકલીફ એ છે કે, થોડા સુંવાળા યુવાનો કે મોટા મોટા સપના જોનાર કિશોરો આવા નાના પાયેથી શરૂઆત કરી જ નથી શકતા. શરૂ કરે તો ક્યાંય પહોંચે ને! પાન અને ચ્હા બનાવીને વેચવી પણ કળા અને મહેનત માંગી લેતું કામ છે. આખા શહેરમાં દસ જ ગલ્લા એમાં પ્રખ્યાત હશે, બીજા તો રવડી જ ખાતા હશે. એટલે એવી ફાલતુની ફિલોસોફીમાં તો બિલકુલ ધ્યાન ના આપવું.
ભણતર કે ડિગ્રીનું મહત્વ જ ના હોત તો ખુદ ધીરુભાઈ એમના બન્ને બાળકોને બિઝનેસ મેનેજમેન્ટની ટોપ ડિગ્રી સુધી ભણાવત જ નહીં. જે અંગૂઠાછાપ સેલિબ્રિટી નેતાઓના આપણે દાખલા આપતા હોઈએ છીએ તેમના સંતાનો પોતે વિદેશ કે દેશની સારામાં સારી યુનિવર્સિટીમાં ભણતા હોય છે. કારણ કે, જે વ્યવહારુ દુનિયાની હકીકત આપણા લેખકો-વિચારકો આપણને સમજાવતા નથી એવી હકીકતો ખુદ અંગૂઠાછાપ સેલિબ્રિટીઓ તો અંદરખાને સમજતા જ હોય છે. સેલિબ્રિટીઓની વાત જવા દો, સામાન્ય ઓછું ભણેલો શ્રીમંત વર્ગ પણ પોતાના કક્કા બારખડી ભણતા બાળકો માટે ઊંચા ગજાની સ્કૂલોમાં (ઘણીવાર તો ગજાબહાર) ડોનેશન માટે લાઈનો લગાવે છે. એ જ બતાવે છે કે ભણતર વગર કાયમ ગણતર આવે જ એ ફરજીયાત નથી. મોટેભાગે પડતર જ આવશે!
ખૈર, સાર એટલો કે દરેક વિધાર્થીએ 90-95 ટકા લાવવા એવા દબાણમાં જિંદગી બગાડવાની નથી, રસ વગરના વિષયોમાં લાંબુ ભણીને ડિપ્રેશનને કંકોત્રી લખવાની નથી, શક્યતમ પોતાના રસના ક્ષેત્રમાં જ આગળ વધવાનું ઝનૂન રાખવાનું છે. પણ, ભવિષ્યની સલામતી માટે એક સરળ રસ્તો પણ હાથવગો રાખવાનો છે. અને એ સરળ રસ્તા માટે સરળમાં સરળ ઓપ્શન છે-એકાદ નાની મોટી ડિગ્રી!
– Bhagirath Jogia
Leave a Reply