હાર્ટ એટેક : જાનકીનો નાથ પણ જાણી એ શક્યો નહિ!
છેલ્લાં મહિનામાં જ દસ બાર યુવાનોના એવા સમાચાર જોયા કે કોઈકને ગરબાની પ્રેક્ટિસ કરતા એટેક આવ્યો, કોઈકને ક્રિકેટ રમતા તો કોઈ વળી જીમમાં કસરત કરતા ઢળી પડ્યું. એક તો આઠમા ધોરણમાં ભણતી છોકરી જ કાળમુખા હૃદયને કારણે જિંદગી ખોઈ બેસી. એક્ચ્યુઅલી, યુવાનોમાં એટેક એ હવે એવી નોર્મલ ઘટના બની ગઈ છે કે સોશિયલ મીડિયાની પોસ્ટ સિવાય એ કોઈ ન્યુઝ જ નથી બનતા.
ઘણા સિનિયર ફિઝિશિયન કે કાર્ડિયોલોજીસ્ટ પાસે આ પ્રશ્નોના જવાબ મેળવવા કોશિશ કરી છે, પણ ભાગ્યે જ કોઈ કોન્ફિડન્સથી કોઈ સ્પેસિફિક તારણ પર આવી શક્યું છે. હા, ગુજરાતના એક ધુરંધરે કહેલું કે- પોતાના શરીરની કુદરતી રિધમ સાથે છેડછાડ ના કરવી બસ! આ એક લીટીમાં જો સમજી શકાય તો ડૉક્ટરેટ કરી શકાય એવડો મોટો અને ઊંડો વિષય છે આ.
કોવિડ પછી યુવાનોમાં હૃદયરોગના હુમલા ધડાધડ વધવા માંડ્યા એ પણ હકીકત છે. પણ એનું મૂળ કારણ હૃદયની નળીઓમાં લોહીનો ગંઠાવો (બ્લોકેજ) છે. ઘણા યુવાન મરણોના પોસ્ટમોર્ટમમાં આ કારણ સામે આવ્યું છે. નાદાન પ્રજા એને વેકસીનની સાઈડ ઇફેક્ટ સમજી બેઠી છે. પણ ભારતમાં મોટાભાગના લોકોને જે કોવિશિલ્ડ (બ્રિટનની એસ્ટ્રાજેનકાની ફોર્મ્યુલા ને ભારતનું ઉત્પાદન) અપાય છે એમાં તો એવી કોઈ આડઅસર જણાઈ નથી. ઇવન, બ્રિટનમાં પણ અમુક ન્યૂઝમાં આ અંગે સવાલો ઉભા થયા હતા, પણ પછી એને જાકારો અપાયો છે. એટલે રસી બાબતે કુશંકાઓ કરવી એ કોઈ બૌદ્ધિક તર્ક હોવો જ ન જોઈએ.
મૂળ પ્રોબ્લેમ બ્લોકેજ હોઈ શકે, પણ એ બાબતે ખોંખારો ખાઈને બોલવા કોઈ તૈયાર નથી. એનું કારણ એ છે કે આ શબ્દ વિશે આપણે કોવિડ પછી સભાનપણે જાણતા થયા. બાકી તો હાર્ટમાં આટલી ને તેટલી નળીઓ બ્લોક છે એવું આપણે ઘણા વડીલોના રિપોર્ટમાં જોયું કે સાંભળ્યું હતું જ! પણ પેલા ધુરંધર કાર્ડિયોલોજીસ્ટના વનલાઈનરની કડી આ બ્લોકેજ સાથે જોડતા આઈડિયા આવે કે આપણે સતત આપણા શરીરમાં છેડછાડ કરી રહ્યા છીએ.
સ્ટ્રેસ, જંકફૂડ ને ફાસ્ટ લાઇફસ્ટાઇલ વિશે બહુ વાતો થઈ ચૂકી છે. (એમાંથી મહદ અંશે સોશિયલ મીડિયામાં ઠોકાતાં ગપ્પા જ છે.) બાકી આજીવન ટેન્શનમાં ઉજાગરાઓ કરનારાઓ લાંબુ જીવતા ના હોત કે કેલરીઓ ગણી ગણીને દરરોજ વજન ચકાસનારાઓ જુવાનીમાં ઢળી પડતાં ના હોત. અડધી સદી સુધી બીડી સિગારેટ પીનારાઓ પોણી સદી જલસાથી જીવી જાય ને માંડ એક ટુકડો મીઠાઈ ભૂલથી ખવાય જતા ત્રણ ટંક ડાયેટિંગ કરનારાઓ જીમના ટ્રેડમિલ પર કોળિયો ના બની જતા હોત. અવશ્ય, આ બધા જ હ્ર્દય કે જનરલ ફિટનેસ માટે જોખમી પરિબળ છે. પણ એને કોઈ જ ડંકાની ચોટ પર એટેકનું કારણ ના જ ગણાવી શકે. મૂળ કારણ કદાચ છેડછાડ હોઈ શકે.
શરીરની રિધમ સાથે છેડછાડ એટલે, આપણી આખી જિંદગી સવારે દસ વાગ્યે ઉઠવામાં ગઈ હોય અને અચાનક દેકારો પડકારો કરતા વહેલા ઉઠીને દોડવા માંડવું એ. સોમથી શનિ દુકાને કે ઓફિસમાં બાર કલાક બેસી રહ્યા પછી રવિવારે તડકામાં ક્રિકેટ રમવા દોડવું એ. બાપ જન્મારે ક્યારેય સૂટકેસ પણ ઊંચકી ના હોય ને અચાનક જીમમાં ડમ્બેલ ઉંચકીને બાવડાં ફુલાવવા એ. મોબાઈલ આવ્યા પછી અચાનક જ આખી જિંદગીની વહેલા સુવાની ટેવ તડકે મૂકીને અડધી રાત સુધી ઓનલાઈન મંડ્યા રહેવું એ. સો કિલોનું શરીર સાઠ કિલોનું બનાવવું કે પચાસ કિલોનું હાડપિંજર એંશી કિલોએ પહોંચાડવું, એ પણ પ્રોફેશનલ ટ્રેનિંગ વગર.
શરીરની સ્થિતિસ્થાપકતા એવી લચીલી છે કે એને ધીમે ધીમે વાળો એમ વળે, પણ વધારે ઉતાવળે ખેંચાખેંચ કરો તો રબરબેન્ડની જેમ તૂટી જાય. કસરત કરીને બાવડેબાજ બનવું હોય તો પહેલાં ચાલીને, પછી દોડીને પછી હળવી કસરતો થકી બોડી ફિટ બનાવવી. પછી બાવડાં ફુલાવવા ને છેલ્લે શક્ય હોય તો એબ્સના રવાડે ચડવું. વહેલા ઉઠીંને દોડાદોડ કરવી હોય તો રાતે વહેલા નેટ બંધ કરીને સાત કલાક પરફેક્ટ ઊંઘ લેવાની ટેવ પાડવી. બાકી એટેક તો આવતા આવે પણ સવારે દોડ્યા પછી બપોર સુધીમાં અમથા થાકથી જ ઢળી પડાય એ નક્કી. અચાનક મોડર્ન બનીને મીઠાઈઓ બંધ કરો તો સુગર ડાઉન થઈને આંખે અંધારા આવે. પહેલા પ્રોટીનયુક્ત આહારથી ને ગુડ કોલેસ્ટ્રોલ ભરેલા સારા ખોરાકથી શરીરને શકિતશાળી બનાવો. પણ આપણી પાસે એવી ધીરજ કે પ્રોપર નોલેજ નથી. એમાં આધુનિકતાને રવાડે ચડવામાં સ્વર્ગસ્થ બની જવાનો ભય રહે છે.
ખૈર, ઉતાવળે કશુંક કરી નાંખવામાં જાતજાતના જોખમો છે. મસ્તીથી જીવવું ને સમજ્યા વગરના ઉદ્યમ કરવા કરતા આસપાસ જોતા ખ્યાલ આવશે કે પચાસ કિલોનું હાડપિંજર ને સો કિલોનું તાપદાન પણ જલસાથી સ્વસ્થ થઇને વરસો સુધી જીવી જ શકે છે. શરીર ટેવાયેલું હોય તો બાર કલાક તડકામાં મજૂરી પણ કરી શકે ને બાકી આખો દિવસ ફાંદ લઈને વરસો સુધી ઓફિસમાં બેસી પણ શકાય. મૂળ પોતાના શરીરની ક્ષમતા અને પાયાનું બંધારણ જાણી લેવું. ટૂંકમાં, દેશી ભાષામાં કહેવત છે એમ કરવું-
કરતાં હોય એ કિજીએ,
ઔર ના કિજીએ કાંઇ,
માથું ગરી જાય શેવાળમાં ને,
ટાંગા રહી જાય બાર!
અને, બધું જાણવા છતાં “હાર્ટ એટેક”નો એક નિયમ યાદ રાખવો કે, હાર્ટ એટેકનો કોઈ નિયમ જ નથી…
– Bhagirath Jogia
Leave a Reply