કુદરતી આફતો સામે માણસ ધારે તો ટોળામાંથી ટીમ અને ઝુંડમાંથી સમાજ બની શકે
2018માં કેરળમાં જે ભયાનક પુર આવેલું. આપણને મીડિયા થકી આછી પાતળી જાણકારીઓ મળ્યા કરતી. પણ આપણે ભાગ્યે જ દક્ષિણ ભારતની પરિસ્થિતિથી વાકેફ હોઈએ છીએ. જો કે એના કારણો રાજકીય છે અને અત્યારે આપણો મુદ્દો એ નથી.
તો કેરળના ભયાનક પુરનું કારણ એક તો અઠવાડિયાથી વરસતો સાંબેલાધાર વરસાદ અને બીજું ડેમમાંથી પાણીનું લીકેજ. આ બન્ને કિલર કોમ્બિનેશન થકી કેરળનો ઘણો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયેલો. લોકોના ઘર ડૂબી ગયા, જીવનભરની બચત કાગળની હોડીની જેમ નજર સામે તણાય ગઈ, લોકોએ પોતાના સ્વજનોને તરફડાટમાં મરતા જોયા, અને કોઈ જ મદદ કરી શકે એમ નહોતા.
પણ પહેલેથી આપણા દેશ માટે કહેવાય છે એમ, આફતોમાં પડોશી જ પહેલો સગો. ગરીબ યુવાનો , અરે આખા ને આખા પરિવારો મદદ માટે સ્વયંસેવક બનીને કમર કમર સુધીના પાણીમાં ઉતરી ગયા. પછી તો વેપારીઓએ અનાજ, કઠોળના ગોડાઉન ઠાલવી દીધા, નીચી જાતિ તરીકે અપમાનિત થતા માછીમારોએ પોતાની બોટો લોકોને બચાવવાના કામમાં જોડી દીધી. ટ્રકવાળાઓએ સામૂહિક સ્થળાંતરણમાં મહાફાળો આપ્યો. કેમ કે, પ્રશાસન આપણું હોય કે કેરળનું હોય ભયાનક આફ્તમાં એકલે હાથે પહોંચી જ ન વળે! એટલે જ ફિલ્મનું નામ “2018-એવરીવન ઇઝ એ હીરો!” છે.
તાજેતરમાં જ રિલીઝ થઈને 200 કરોડ કમાયેલી મલયાલમની આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે. સાઉથની ફિલ્મોની આ મજા છે. ફિલ્મ માત્ર 20 કરોડમાં બની ગઇ છે, એ પણ અદભુત ગ્રાફિક્સ અને જબરદસ્ત VFX સાથે! આપણે ત્યાં તો આવી ફિલ્મો બને તો 200 500 કરોડના બજેટ ઘસડી નાંખે. તો ય આવી હૃદય સોંસરવી ઉતરી જાય એવું સર્જન તો ભાગ્યે જ થાય!
ગુજરાતમાં વાવાઝોડું અને વરસાદ હજી માથે કાળની જેમ ભમી રહ્યું છે ત્યારે આ ફિલ્મ બમણી સંવેદના ઉભી કરે. ન કરે નારાયણ ને આફત મોટું સ્વરૂપ ધારણ કરે તો કાર્ટૂનની જેમ મનોરંજન કરતા મીડિયાની ચેનલો જોવાનું છોડી કે સોશિયલ મીડિયામાં જોક્સ કરવાને બદલે ફિલ્મમાં બતાવેલા કેરળના એ ગામ પાસેથી પ્રેરણા લેવી જોઈએ.
નો ડાઉટ, આપણે ગુજરાતીઓ દાન આપવામાં પહેલા નંબરે જ હોઈએ. આપણે તો બીજા રાજ્યમાં પણ દાનનો ખડકલો કરી દઈએ છીએ, તો પછી આપણા રાજ્યમાં….પણ મારા સહિતના ગુજરાતીઓ મેદાનમાં ઉતરી જવા બાબતે આળસુ અને “મારે શું” ની ગણતરી કરનારાઓ છે.
ખૈર, એકવાર હિન્દીમાં soni live પર ઉપલબ્ધ એવી 2018 ફિલ્મ જોઈ લો એટલે સંવેદનાના તાર ઝણહણી ઉઠશે અને હૃદય હતપ્રભ થઈ અંતે પ્રસન્ન થશે, એની ગેરેન્ટી!🙏
-Bhagirath Jogia
Leave a Reply