ધમાલ-એ-આદિપુરુષ : માથું ક્યારેય એટલું ના નમાવી દેવું કે, પાઘડી કોઈના પગમાં રગદોળાઈ જાય!
આ અર્થનો ઉર્દુ શેર એટલે યાદ આવ્યો કે આદિપુરુષના ડાયરેકટર ઓમ રાઉત જ્યારે ‘તાન્હાજી’ની અદભુત સફળતા માણી રહ્યા હતા ત્યારે એમને એક પત્રકારે એમને પૂછ્યું કે- તમે ,કટ્ટર જમણેરી લાગો છો ખરું?…તો ઓમ રાઉતે બિન્દાસ્ત હસીને કહ્યું કે- હા, હું છું જ. અને આવી જ ફિલ્મો બનાવવાનો છું. આ સ્ટેટમેન્ટને કોઈએ રાષ્ટ્રવાદના એંગલથી વધાવી લીધું, તો કોઈએ હિંદુત્વનો પ્રોપેગેંડા સમજીને વખોડયું.
અત્યારે જે મહત્તમ વખોડાઈ રહ્યા છે એ ફિલ્મ લેખક મનોજ મુન્તશિર ‘બાહુબલી’ની સફળતા પછી બોલિવૂડમાં એવો પગપેસારો કરી ગયા કે ગીત ના હોય તો ફિલ્મ, ફિલ્મ ના હોય તો ટીવી શો અને કંઈ જ ના હોય તો હિંદુત્વ તરફી વિવાદિત સ્ટેટમેન્ટ તો હોય જ. રાષ્ટ્રવાદ અને હિંદુત્વ કોઈ જ ખોટી ચીજ નથી. પણ જ્યારે વિવિધતા ધરાવતા આ દેશમાં સતત તમે એક પક્ષને કે ખાસ તો સત્તાધીશોને વ્હાલા થવા કળાનો ઉપયોગ કર્યા કરો ત્યારે મીડિયા ડાર્લિંગ બની શકાય, પણ કરોડો લોકોનો પ્રેમ અનાયાસે ઓછો થઈ જાય. એમાં થાય એવું કે તમારા ચાહકો પણ તમને અંદરખાનેથી વખોડતા જ હોય, બસ બોલવા માટે તકની રાહ જોઈને બેઠા હોય!
હવે વાત કરીએ ક્રિએટિવ ફ્રીડમની, તો આદિપુરુષના લેખનમાં ચાર પાંચ ડાયલોગ સિવાય કોઈ ખામી જમણેરી એંગલથી છે જ નહીં. રામની સૌમ્યતા અહીંયા આક્રમકતામાં બદલાઈ ગઈ છે, રાવણ વિદ્વાન, ક્રૂર અને મજબૂત બ્રાહ્મણને બદલે લુચ્ચા ‘ખીલજી’ જેવો ભાસે છે. ભગવો લહેરાવી દેવાની વાતો ફિલ્મમાં આવે છે. હનુમાન પ્રભાવશાળી વાનર યોદ્ધાને બદલે બાળસહજ પણ અમુક એંગલથી રમુજી લાગે છે. મૂળભૂત હનુમાનનું કેરેકટર રમુજી જ છે. પણ રામાનંદ સાગરે એમનું એમનું ગંભીર ચિત્રણ આપણી સમક્ષ મૂક્યું. ઇનસોર્ટ, મનોજ અને ઓમ રાઉતે પ્રચંડ હિંદુત્વને સિનેમાના પડદે રજૂ કરવાની કોશિશ કરી છે. પણ ‘એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો’ માફક મનોજભાઈના કહેવા મુજબ આજના યુવાનોની ભાષામાં એને રજુ કરવા જતાં ભેખડે ભરાઈ જવું પડ્યું. (આજના યુવાનોને સમજાય એવી ભાષામાં જ ફિલ્મ સ્વીકૃતિ પામતી હોય તો બાહુબલી જેવી ફિલ્મોમાં એમણે પોતે જ ભારેખમ હિન્દીનો ઉપયોગ કર્યો છે!)
અને ક્રિએટિવ લિબર્ટીમાં એવું છે કે રામાનંદ સાગરની ‘રામાયણ’ આપણને ગમતી હોય એટલે એ જ અંતિમ સત્ય ના હોય. ખુદ તુલસીદાસનું રામચરિત માનસ મૂળ વાલ્મિકીની રામાયણ કરતા ઘણું અલગ છે. અને વિદ્વાનોના મતાનુસાર ઘણું સૌમ્ય પણ છે. વળી, તુલસીદાસનું માનસ અવધિમાં હોવાથી એ ક્યારેય હિન્દી બેલ્ટ સિવાય ખાસ સ્વીકૃતિ ના પામ્યું. દક્ષિણભાષીઓનું અલગ રામાયણ છે, તો શ્રીલંકાના રામાયણમાં તો રામને બદલે રાવણ હીરો છે. કંબલ રામાયણમાં કેકૈયી વિલન નથી. ચીનમાં રામાયણનું અલગ સ્વરૂપ છે, તો થાઈલેન્ડમાં અલગ. ટૂંકમાં, બધા સર્જકોએ પોતપોતાની રીતે છૂટછાટ લીધી જ છે. હવે એ દ્રષ્ટિએ પણ મનોજ મુન્તશિરના લેખનમાં આપણને તકલીફ ના હોવી જોઈએ. પણ તકલીફ એ થઈ કે પાંચેક એવા લેટેસ્ટ યંગ જનરેશન આક્રમક સંવાદ જે ઈશ્વરોને મોઢે ના શોભે એમાં આખી ફિલ્મનું અચ્યુતમ કેશવમ્ એ તત્વોએ જ કરી નાંખ્યું, જેના માટે જ તો ફિલ્મની ટીમે આખું તાપદાન ઉભું કર્યું હતું. આ જ ઓડિયન્સ કે જેને રાજી રાખવા મનોજ મુન્તશિરે એક દસકાથી માથું ઝુકાવી દીધું હતું, એ જ હવે લેખકને મા-બહેનની ગાળો આપી રહ્યું છે.
વળી, મનોજ મુન્તશિર કંઈ શાહરુખની જેમ પ્રભાવશાળી કે દિલાવર પર્સનાલિટી નથી કે એની ફિલ્મને લોકો બેનિફિટ ડાઉટ આપે ને જેને શાહરુખ કે ફિલ્મો જ ન ગમતી હોય એ પણ શાહરુખની દિલદારી બાબતે અંદરખાને પ્રભાવિત જ હોય. એટલે, પવન જોઈને પડખું ફરી ગયેલા મનોજ મુન્તશિરને છેક ઉપર સુધી સાંઠગાંઠ અને માથે હાથ હોવા છતાં ગાળો ખાતા કોઈ અટકાવી ના શક્યું. ફિલ્મમાં અડધો ડઝન રાષ્ટ્રવાદી નેતાઓએ “શુભેચ્છાઓ” આપી હોવા છતાં એ લોકો હવે ખુલીને સપોર્ટમાં નથી આવતા. હા, અંદરખાને પતાવટની કોશિશો થઈ ગઈ હશે એટલે ફિલ્મ હજી સુધી બેન નથી થઈ. કે પ્રતિબંધની માંગણી કરતા તત્વોને પણ ખાસ સહકાર મળ્યો નથી.
આમાં અતિશય હાસ્યાસ્પદ વાત એ છે કે જે લોકો આખી જિંદગી અભિવ્યક્તિની આઝાદીની વાતો ટહુક્યા કરતા હતા એ જ હવે મનોજ મુન્તશિર અને આદિપુરુષને વખોડી રહ્યા છે. એમાં એમણે પોતાનો પર્સનલ સામાછેડાનો સ્કોર સેટલ કરવાનો છે. એમાંય કથિત રાષ્ટ્રવાદીઓ તરફથી ગાળો પડ્યા પછી આ તત્વો રાજીના રેડ થઈ ગયા. એટલે મનોજભાઈ જે કહે છે કે અમુક લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે એ વાત સાવ ખોટી નથી. ટૂંકમાં બાવાના બેઉં બગડ્યા!
ખૈર, બધા સરવાળા બાદબાકી કરતા જવાબ તો એ જ મળે છે કે જો સતત કોઈને પંપાળતા રહેવાથી કે પગમાં પડી રહેવાથી માથે લાત ખાવાનો વખત આવી શકે છે. નેચરલ થઈને બેબાક કળા વ્યક્ત કરવામાં જ કલાકારોનું માથું ઊંચું અને છાતી પહોળી રહે છે. પછી ક્યારેક પબ્લિક ગાળો આપે તો એનોય વસવસો ના હોય, અટ્ટહાસ્ય જ હોય! બાકી જો તમારે ચરણોમાં દંડવત કરવું હોય તો માલિકનો ટેસ્ટ ઓળખતા ફરજિયાત આવડવું જોઈએ!🙏
– Bhagirath Jogia
June 23
Leave a Reply