ગદર ફક્ત ફિલ્મ જ નથી હોતી, એક જીવતી કહાની પણ કોઈ ગદરથી કમ નથી હોતી!
1946માં અમૃતસરની એક કોડીલી શીખ કન્યા નામે હરભજન કૌરના લગ્ન લાહોરમાં રહેતા પંજાબી પરિવારમાં થયા. હજી તો હનીમૂન પિરિયડ પણ પૂરો થાય એ પહેલાં 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા. હરભજન કૌર એના પતિ સાથે લાહોર છોડીને અમૃતસર આવી રહેતી ત્યારે પાકિસ્તાનમાં હેવાનોએ ટ્રેનમાં હુમલો કર્યો, સરદારજીની હત્યા થઈ અને હરભજન કૌર પર અસંખ્ય અત્યાચારો પછી એને કરાચી લઈ જવામાં આવી. પણ માણસાઈ કોઈ એક ધર્મની મોહતાજ નથી હોતી.
હરભજન પાકિસ્તાનના કોઈ વેશ્યાલય પહોંચે એ પહેલાં અફઝલ ખાન નામના મુસ્લિમે કોઈક રીતે હરભજનને બચાવી, બન્ને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન કર્યા. મુસ્લિમ પદ્ધતિસર લગ્ન પછી એને શેહનાઝ બેગમ નામ અપાયું. આ લગ્નમાં વરસો વીતતા ગયા એમ હરભજન ઉર્ફે શહેનાઝ છ બાળકોની માતા બની. દરમિયાન અફઝલ ખાન સતત પત્નીને પોતાના પિયર સાથે મુલાકાતની કોશિશ કરતા રહ્યા. અંતે, 1962માં બન્ને દેશો વચ્ચેની રાજકીય લડાઈનો દોર થોડો ધીમો પડ્યો અને અફઝલ ખાન પત્ની સહિત પરિવારને લઈને પહોંચી ગયા સાસરિયે અમૃતસર. એ શીખ પરિવાર પોતાની દીકરીને દોઢ દાયકા પછી જોઈને ગદગદ તો થયો, પણ સાથે દીકરીનું ધર્મપરિવર્તન જોઈને આક્રોશિત પણ!
પરિવારે અફઝલ ખાનને કાઢી મુક્યો. હરભજન બાળકોને પોતાની પાસે રાખવા કરગરી, પણ અંતે બાળકો પણ પાકિસ્તાન ભેગા થઈ ગયા. આ બાજુ પતિ તેમજ બાળકોની યાદમાં દુઃખી હરભજનને ગુરુબચન સિંહ નામના પંજાબી કવિ સાથે પરણાવી દેવામાં આવી. બીજીબાજુ પાકિસ્તાનમાં અફઝલે પોતાના સાસરિયાઓ પર કેસ કર્યો. પણ કેસનું પરિણામ એની વિરુદ્ધમાં આવ્યું. મન મારીને જીવતી હરભજન નવા પતિના અગાઉના પુત્ર રોમી સિંહને ઉછેરતા ઉછેરતા સરહદપાર પોતાના બાળકોને યાદ કરતી રહી. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યું હી તમામ હોતી હૈ.
રોમી ભણીગણીને મોટો થયો, 1989માં અમેરિકા ગયો અને ત્યાંથી કેનેડા સેટ થઈ ગયો. પપ્પા અને નવી મમ્મી બન્નેને એણે કેનેડા તેડાવી લીધા. પણ કિસ્મતમાં જુના ઇશકની આહત હજી બાકી હશે તે ગુરુબચન સિંહનું કેનેડામાં મૃત્યુ થયું. અત્યાર સુધી દિલની વાત દબાવીને બેઠેલી હરભજન કૌરે સગા દીકરાથી ય વિશેષ એવા દત્તકપુત્ર રોમીને પોતાની વરસો જૂની દાસ્તાન કહી. દીકરો પણ હવે તો પાકટ વયે પહોંચી ગયેલો. એને પણ પત્ની અને બાળકો હતાં. સમાજમાં ઊંચી આબરૂ હતી. રોમીએ શરૂઆતમાં આઘાતથી મૌન સેવ્યા બાદ હરભજનને પણ થયું કે દીકરાને પોતાની દાસ્તાન કહીને એણે ભૂલ તો કરી જ છે. પણ હવે તો જો હુઆ વો દેખા જાયેગા.
પણ રોમી તો અસ્સલ સરદાર પુત્ર, મર્દાનગીનું ફાળિયું, એણે કેનેડાના પોતાના મિત્રોના પાકિસ્તાનમાં શક્યતમ છેડા અડાડી જોયા. પણ આશા ફળીભૂત ના થઇ. અંતે એક પાકિસ્તાન મિત્રની પહોંચથી પાકિસ્તાનના મોટા અખબારમાં રોમીએ જાહેરાત આપી. થોડો સમય કોઈ રિસ્પોન્સ ના મળ્યો, પણ અચાનક એક દિવસ ટેલિફોન ટહુકયો. રોમીને સામે છેડે કરાંચીથી હરભજનની દીકરી કૌશર હતી. મમ્મીને સરપ્રાઈઝ આપવાના હેતુથી રોમી-કૌશર બન્ને વગર રક્ષાબંધને ભાઈબહેનની જેમ જ આયોજનો અમલમાં મુકતા ગયા.
અને, હવે સાલ હતી, 2013ની. અને સરપ્રાઈઝ એ હતી કે રોમી અને હરભજન પાકિસ્તાનમાં કરાચી એરપોર્ટ પર હતા. મોટો દીકરો રિઝવાન એરપોર્ટ પર લેવા આવેલો. અને કરાંચીના ઘરે પહોંચતા 37 માણસોનું ફેમિલી હરભજન ઉર્ફે શહેનાઝ બેગમના ભવ્ય સ્વાગતમાં ખડેપગે હતું. હરભજન દાદી તો ઠીક, પરદાદી પણ બની ચુકી હતી. અને ખાન સાહેબ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. બધા એકબીજાને ગળે વળગીને અડધી સદી સુધી દિલમાં ધરબી દીધેલા આંસુઓની નદીઓ વહાવી દીધી. ટુરિસ્ટ વિઝાની એક્સપાયરી સુધી હરભજનની સાથે રોમી નામનો સિંહ પણ એ પરિવાર ઉર્ફે પોતાના દત્તક ભાઈઓ સાથે જ રહ્યો. આપણે પરિવાર મિલન ફક્ત ફિલ્મોમાં જોયા છે, પણ જરૂર બેકગ્રાઉન્ડમાં “હમ સાથ સાથ હૈ..”વાગતું હોવું જોઈએ, અલબત્ત હરખના આંસુઓ સાથે.
ત્યારબાદ તો રિઝવાન અને અન્ય પુત્રોએ હરભજનને વારંવાર પાકિસ્તાન તેડાવતી રહે. જમાનો વિડીયો કોલનો આવી ગયો હતો, શીખ અને મુસ્લિમ પરિવાર વખતોવખત કોલ પર સગા ભાઈઓની જેમ વાતો કરે. રોમી બે વાર પાકિસ્તાન જઈ આવ્યો, કૌશરને તો રોમીએ કેનેડા જ સેટ કરી દીધી, પોતાના ખાવિંદ સાથે! રિઝવાન પણ કેનેડા આવી ગયો અને બન્ને ભાઈઓ સાથે અમેરિકા કેનેડા બધું જ ફર્યા. સ્નેહની ગાંઠ એવી કે જાણે સંબંધો સ્વર્ગમાં બને છે એ આપણી ભારતીય કહેવત સાચી સાબિત કરતી હોય!
દાદીમાંથી ય પ્રમોશન પામી ગયેલા 94 વર્ષીય હરભજનકૌરને હવે કોઈ ફરક નથી પડતો કે- એનું નામ હરભજન હોય કે શેહનાઝ! એ ગર્વથી કહે છે કે કુદરતે મને બે પરિવાર આપ્યા છે. પછી એ છણકો કરીને પત્રકારોને કહે છે કે- હવે તમે મારો પીછો છોડો, મારે માથે 42 વ્યકિતના બે પરિવારની જવાબદારી છે. હું બહુ બિઝી બની ગઈ છું હવે…
ખૈર, આ દાસ્તાન એક પાકિસ્તાની મુસ્લિમ લેખકે પોતાના પુસ્તકમાં લખી પછી 2017 સુધીમાં એવી ચગી કે કરાંચી લિટરેચર ફેસ્ટિવલના આઠમા અધિવેશનમાં એક આખું સેશન દાસ્તાન-એ-હરભજન રખાયું હતું. અને ઓડિટોરિયમમાં તાળીઓ બુઠ્ઠી વાગતી હતી, કારણ કે દર્શકોની હથેળીઓ સતત આંસુઓ લૂછવાને કારણે ભીંજાયેલી હતી!❤️🙏❤️
– Bhagirath Jogia
Leave a Reply