બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીઓ માટે નરેન્દ્ર મોદી પાસેથી હસી કાઢવા જેવી, પણ શીખવા જેવી અમૂલ્ય ટિપ્સ ઉર્ફે માસ્ટર સ્ટ્રોક…😶
– અમુક અદેખા વિદ્યાર્થીમિત્રો જ તમારી પાસેથી જાણી લેવા તત્પર હશે કે તમે કેટલું વાંચ્યું છે? એમને હળવાશથી કહી દેવાનું કે અમે તો ભાઈ ફકીર વિદ્યાર્થી છીએ, પાસ થઈએ તો આગળ ભણીશું અથવા નપાસ થઈને હિમાલયમાં જતા રહીશું. પણ, પછી અંદરખાનેથી એવી મહેનત કરવી કે રિઝલ્ટ આવે ત્યારે એ લોકો હિમાલય ભેગા થઈ જાય અને આપણે હોઈએ ટોપર!😎
– તમે ગમે એટલા હોશિયાર હશો પણ અમુક વિષયમાં તો નબળા જ રહેવાના. ત્યારે તમારે અમુક જુગાડ જખ મારીને કરવા જ પડશે. એના માટે તમારે પરીક્ષાની સ્લીપ હાથમાં આવે ત્યારથી જ આગળ પાછળ નંબર આવ્યો હોય એવા સ્ટુડન્ટસની કુંડળી મેળવી લેવી ફરજિયાત છે. અમુક સીધા છોકરાવ તમને પ્રેમથી લખાવી દેશે, પણ અમુક વાયડાવ એમ નહિ માને. એમની પાછળ જાસૂસ છોડીને તમારે પ્રુફ ભેગા કરવા પડશે કે કોણ કઈ છોકરી ભેગો કલાસ બન્ક કરીને ફિલ્મ જોવા જાય છે કે કોણ બાપાથી છુપાઈને સિગારેટની ફૂંકણીઓ મારે છે? તો ય ના માને તો ક્લાસની બહાર ધોકા નાંખવાની તૈયારી પણ કરી જ રાખવી.😛
– પણ છોકરીઓ સાથે દાદાગીરી કે બ્લેકમેઇલની ટ્રિક ના અપનાવવી. કેમ કે, તમે ભલે દબંગ હો, પણ હોશિયાર વિદ્યાર્થી તરીકેની એક સોફ્ટ ઇમેજ તો બહાર જાળવી જ રાખવી. માટે એને પેપર હાથમાં આવતા પહેલા જ મોટી મોટી વાતોથી ઈમ્પ્રેસ કરી દેવી. જેમ કે, પાયથાગોરસ એકવાર મારા ઘરે આવેલા ત્યારે હું અને એ બન્ને પ્રમેયની દલીલો પર ઉતરી આવેલા. પણ તેઓ અંતે મારી પાસેથી સાચો પ્રમેય શીખીને, કાન પકડીને જ ગયા! ઈમ્પ્રેસ ના થાય એવી છોકરીઓને એના ભાઈ-બાપા સાથે આપણા બાપ-ભાઈના કેવા ઘર જેવા સંબંધ હતા કે અઠવાડિયુ મેલેરિયા ના થયો હોત તો તારી હેલ્પ લેવાની જરૂર ન પડે એવી દયામણી વાતોથી પટાવીને લખાવી લેવું.☺️
– પેપર હાથમાં આવે ત્યારે અમુક અઘરા સવાલોમાં ગપ્પા મારવાને બદલે સપ્લીમેન્ટરી કોરી જ રાખવી. આપણે કંઈ બોલીએ (લખીએ!) તો શિક્ષકો ભૂલ કાઢી શકે ને! એટિટ્યુડ એવો જ રાખવો કે- તમે સવાલ પૂછશો એમ અમે જવાબો આપવા નવરા નથી. અમારે જ્યારે લખવું હશે ત્યારે લખીશું, એ પણ મનફાવે એમ જ લખીશું. મુદ્દાસર જવાબો માંગીને કાગારોળ કરવી નહીં. તમે ફસાવશો એમ બંદા બકવાસ કરીને ફસાય એમાંના નથી હો! સવાલ તો અંતે માર્ક્સ લાવવાનો જ છે ને? એ આવી જશે બસ!😁
– છતાંય, પરીક્ષાની છેલ્લી મિનિટોથી લઈને રીઝલ્ટ આવે એ પહેલાં એ બધી રીતે દરેક મોરચે લડી તો લેવું જ. ઘરે પણ કહી રાખવું કે-અમુક ઈર્ષાળુ મિત્રો અને વાંકદેખા શિક્ષકોએ અમને નપાસ કરવા માટેની બધી શકિતઓ કામે લગાડી છે…એટલે શું કે કદાચ નપાસ થઈએ તો આપણા બાપુજી આપણે બદલે બીજાને લપેટમાં લઇ લે! પણ જો સારા માર્ક્સ આવી ગયા તો લોકો તો શું, આપણા બાપુજી પણ મોઢામાં આંગળા નાંખી જાય. કેમ કે, તમે ભલે અદકપાંસળી દેખાતા હો, પણ હોશિયાર ને ગંભીર વિદ્યાર્થી તો છો જ ને!😀
– હા, પણ એકવાત ખાસ યાદ રાખવી કે આવી નકામી સલાહો ખાલી બહારના લોકોને સંભળાવવા માટે હાથવગી રાખવી. બાકી તો આખું વરસ મહેનત કરીને ટોપર બનવા માટે ભૂલપ્રુફ તૈયારી જ કરવી. અન્યથા ખરેખર હિમાલય ભેગા થવાનો વારો આવે. અને આપણે તો બીજાને હિમાલય મોકલવાના છે. આપણે નથી જવાનું!😉
– Bhagirath Jogia
Leave a Reply