દીકરો ભલે બાદશાહ હોય કે ફકીર હોય, માતા માટે તો કાયમ રાજકુમાર જ રહેવાનો!
વિશ્વ વિખ્યાત કલાકાર ચાર્લી ચેપ્લિનની માતા હન્નાહ ગરીબીમાં પાગલ થઈ ગયેલી. બન્ને બાળકો ચાર્લી અને સિડનીને ભૂખમરાથી બચાવવા શેલ્ટર હોમમાં મુકવા પડ્યા. અને માતા હન્નાહે જવું પડ્યું પાગલખાનામાં! વર્ષો પછી ચાર્લીના વિશાળ બંગલામાં ચાર્લી એને હાથ પકડીને લઈ આવ્યો ત્યારે એને એ વિશાળ બંગલામાં રસ જ નહોતો. એણે નિરસતાથી એ બંગલો જોઈ લીધો.(મનમાં તો દીકરા ચાર્લી માટે ગૌરવ હશે જ! પણ કદાચ ભૂતકાળની ત્રાસદીએ કદાચ મૌન ફરજિયાત કરી દીધું હશે!) અંતે, ચાર્લી, સિડની અને હન્નાહ વૈભવી ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ લેવા બેઠા. ટેબલ પર તો જાતજાતની વાનગીઓ હતી. પણ બ્રેડ જોઈને માતાનું કકળતું હૃદય ચિત્કારર્યું: ‘એ સમયે જો મને રોજ એક બ્રેડનો ટુકડો મળતો હોત તો હું પાગલખાનામાં ના ગઈ હોત અને મારા ચાર્લી-સિડની અનાથાશ્રમમાં ના સડતા હોત’!
વડાપ્રધાન મોદીની એક તસ્વીર જેમાં એ માતા હીરાબા સાથે ભોજન લઈ રહ્યા હતા, જોઈએ એટલીવાર ઉપરના પ્રસંગ સાથે સરખાવવાનું મન થાય, ભલે સંદર્ભ અલગ હોય! ક્યાં એક સંઘના સામાન્ય પ્રચારક, સાઇકલ કે સ્કૂટર પર ફરતા, તો ક્યારેક પગપાળા લાંબો પ્રવાસ કરતા નરેન્દ્રભાઈ અને ક્યાં જગતની સૌથી મોટી લોકશાહીના સર્વેસર્વા એવા વડાપ્રધાન. ફક્ત વડાપ્રધાન જ નહીં, “બ્રાન્ડ મોદી” તરીકે એમના ટીકાકારોએ પણ સ્વીકારવા જ પડે એવો પ્રભાવ! દીકરાની કિસ્મતનું ચક્કર આમ ચકરડી ફરી જશે એ તો હીરાબાને સપનામાં ય ખ્યાલ નહિ હોય!
વર્ષો પહેલા એ ગ્રામીણ રાજમાતાને કદાચ ખબર પણ નહીં હોય કે બાળ નરેન્દ્ર શું કરી રહ્યો છે, સંઘ શું છે, પ્રચારક શું છે, આટલા પ્રવાસો કરવાથી નરેન્દ્ર શું પામશે? 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનવાના હતા ત્યારે હીરાબાએ દીકરાને આશીર્વાદ આપતા કહેલું કે, ‘સાંભળ્યું છે કે તું કોઈ રાજા બનવાનો છો? જો દીકરા, લાંચ ક્યારેય ના લેતો હો!’ વધારે કોઈ આંતરિક માહિતી નથી પણ એટલો ખ્યાલ પામી શકાય એમ છે કે આજે ય ભલે મોદીની રાજનીતિનાં કરોડો લોકો કાયલ થઈ ગયા હોય, પણ હીરાબાને એટલો રસ નહિ જ હોય! રેફરન્સ મળી ગયો ને? ચાર્લી ચેપ્લિનનની ઉપર લખેલી કરુણ દાસ્તાન!
બહુ ઊંચાઈએ પહોંચ્યા પછી માણસ એકલો પડી જાય છે. આ આમ તો ચવાય ગયેલી શિખામણ, પણ “બ્રાન્ડ મોદી”ના સંદર્ભમાં હવે પરફેક્ટ ફિટ બેસે છે. હવે નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપનારું કોઈ નથી. શિખામણ આપનારું કોઈ નથી, માથે હાથ ફેરવીને યુદ્ધથી પણ ભયંકર એવા રાજકારણનો થાક ઉતારનારું કોઈ નથી. છે તો એકબાજુ કરોડો ચાહકો અને બીજીબાજુ અમુક હજાર ચમચાઓ, અને મોટા માથાના દુશ્મનો નફામાં. એક બે દાયકામાં ચાહકો પણ કદાચ મોદીને ભૂલી જશે, ચમચાઓ તો પોતાનું કામ નહીં નીકળે ત્યારે તરત મનમાં ગાળો આપતા થઈ થઈ જશે. આ જ તો દુનિયાનો રિવાજ છે.
પ્રભાશંકર પટણીની ભાષામાં કહીએ તો હવે નરેન્દ્ર મોદીને કોઈ “તું” કહેનારું ના રહ્યું. બહારથી મજબૂત લાગતા, પણ સંવેદનશીલ પુરુષોની આ પણ એક ભૂંસી ના શકાય એવી અંગત પીડાની રેખા છે!
-Bhagirath Jogia
Leave a Reply