ફિર મિલના હુઆ તો મિલેંગે ખ્વાબો મેં,
જૈસે સૂખે ગુલાબ મિલતે હૈ કિતાબો મેં!
સપનામાં એ ચહેરો ક્યારેય કરચલીમય નથી જોવા મળતો, મખમલી પ્રેમનો એક સુવર્ણકાળ રાખમાં ભળી ગયો હોવા છતાં વાળોની સફેદી મહેંદીથી રંગવાની મોહતાજ નથી હોતી અને વીતેલા વરસોનો ભાર એના પેટ અને નિતંબ પર ચરબી જમાવી શકતો નથી કે હૃદયમાં સળગેલી આગ આપણા જુના રેશમી લહેરાતા વાળની લટ કપાળ પરથી અદ્રશ્ય કરી શકતી નથી…
અસંખ્ય વાતો જે હજી એકબીજાને કહેવાની બાકી હતી એ હવે વાસ્તવિકતામાં પૂર્ણ થાય એવું કોઈ શમણું નથી, દિલ લગોલગ આવી ગયા હતા, શરીર લગોલગ ક્યારેય આવી શકે એવી નિર્દોષ વાસનાઓ કિસ્મતને મન પાપ હશે! પણ સપનાઓનાં સ્વર્ગની તો દુનિયા અલગ જ છે, અહીં તો બન્ને હાંફતા અને છતાંય ના થાકતા શરીરો એકબીજાની ચપોચપ સંગાથે ગોઠવાયેલા એવા સુંદર લાગે છે જાણે કામદેવે સ્વહસ્તે સર્જયું હોય એવું રેતીનું કોઈ રમણીય રેખા-શિલ્પ!!!
ખરા મિલનમાં તો દુનિયા દુશ્મન હતી. પણ સપનું તો આપણું પોતીકું હોય છે. એ સ્વર્ગમાં ડર નથી હોતો…દુનિયાની દખલગીરીનો, બદનામીનો, ફરી ફરીથી જુદા થઈ જવાનો ડર, અને ખાસ તો જગતની અદાલતમાં હારી જવાનો ડર, કારણ કે સપનાના સ્વર્ગમાં આરોપી પણ આપણે અને વકીલ કે જજ પણ આપણે!
જે ડરથી બે પ્રેમી પંખીડાઓ પોતાનો માળો બનાવવાનું સુંદર સપનાનું બલિદાન આપીને વર્ષોથી ઝુરી મરતાં હતા, વર્ષોના વિરહના ઇનામરૂપે મળેલી ફિક્કાચહેરાની જુલસીઓ, માથેથી હપ્તે હપ્તે ખરી ગયેલા વાળ….આમ છતાં,હજી એ રૂબરૂ મળે તો પણ સરપ્રાઈઝ શબ્દ નબળો લાગે એવો આનંદ આવી જાય. વળી, આ તો પાછું સપનાનું સ્વર્ગ છે!
સપનામાં અમે રોજ મળીએ છીએ, ખૂબ ખુશ છીએ. એ હજી પોતાના હાથથી જમાડે છે, માથે હાથ ફેરવીને હૂંફ આપે છે. છાતીના વાળ સાથે રમતી એ કહે છે કે મારા ગયા પછી પણ તું મર્દ જ રહ્યો છે. હજી સાવ તૂટ્યો નથી તું!!! હજી અમે હાથમાં લઈને કલાકો સુધી ફર્યા કરીએ છીએ, મખમલી ગરમ રજાઈ નીચે સૂતેલા બે પંખીઓએ હવે ઉઠવાની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે, સ્વર્ગમાં સમયના બંધન નથી હોતા.
ખૈર,સવારે તો આંખો અને મગજ પોતાનો ધર્મ નિભાવી જ દે છે. આંખો ખુલી જાય છે અને મગજની ચેતનાઓ પણ જાગી ઉઠે છે! એની વે, માણસોની દુનિયામાં અમે હાર્યા, પણ સ્વર્ગની દુનિયામાં જીત્યા! કારણ કે, સપનાની દુનિયામાં એક જ બાદશાહ છે-અમે પોતે!❤️
– Bhagirath Jogia
Leave a Reply