સુખી થવા માટે પૈસા જરૂરી નથી એ બતાવવા પણ પૈસાદાર થવું પડે!
સવાર સવારમાં એક જબ્બર પૈસાદાર મિત્ર સાઇકલના પૈડાં મારતા મળ્યા, અડધી બ્રેક અને પોણા પગ ઢસડીને સાઇકલ ઉભી રાખતા કહે કે ‘ભાઈ, સાઇકલ પર જ ફરવું છે હવે. ફિટનેસ રહે જોરદાર. તમે પણ લઈ લ્યો. પછી જુઓ શરીરમાં સ્ફૂર્તિ લાગે એ…’ એમના ઉત્સાહને ઠંડો પાડતા અમે કહ્યું કે, ‘તમે સાઇકલ લઈને નીકળો તો લોકો અચંબાથી જુએ અને અમે નીકળીએ તો દાંત કાઢીને ગોટો વળી જાય…’
બંગલાના પાર્કિંગમાં મોંઘીદાટ કાર કવર ઢાંકીને મૂકી રાખતા હોય એવા લોકો ફિટનેસ મેળવવા સાઇકલ લઈને નીકળે તો ગામ કહે કે, સાહેબની સાદગી તો જુઓ. જરાય પૈસાનું અભિમાન નથી હો. પણ જો આપણા જેવા કાયમ લ્યુના લઈને રખડતા હોય અને પછી કોઈની વાદે ચડીને સાયકલ પર ફરવા માંડે તો ગામ કહે કે મોંઘવારીમાં ગોટો વળી ગયો લાગે છે બિચારો. ગરીબ માણહ માટે આ જમાનામાં જીવવું બવ અઘરું છે બાપલિયા!
અમુક ગોળમટોળ શરીરના માલિકો પાછા જબરી પ્રોપર્ટીના માલિક પણ હોય ત્યારે અમુક હજાર ખર્ચીને જીમમાં જાય, કહે કે, કેલરી બાળવી જરૂરી છે ભાઈ. અલ્યા, નથી બાળવી કેલરી. કડકાઈમાં અહીંયા અમારા લોહી બળી ગયા એ ક્યાં ઓછા છે! સાલાઓ, પાછા ચાલવા નીકળે ત્યારે ભારે માયલા ટીશર્ટ-ચડ્ડી અને બ્રાન્ડેડ શૂઝ ખાસ શોપિંગ કર્યું હોય, અને ગરીબો લોહી બાળીને ફરજીયાત ચાલવા નીકળે ત્યારે ડટ્ટી નીકળી ગયેલા ચંપલના તળિયા સહિત પગના તળિયા પણ છોલાય જતા હોય! ત્યારે ઓલા જીમવાળાને કહેવું જોઈએ કે અમારે ફિટનેસ અને શરીર જ મેળમાં છે, બાકી કશાનો મેળ નથી બાપા!
એક ભાઈએ તો મોટો બધો બંગલો બંધાવ્યો તો ખાસ બાલ્કનીમાં લાલ ચમકતા નળિયાં નંખાવ્યા. કોઈએ કારણ પૂછ્યું તો કહે કે, આમાં મને મારા ગામડાનું ઘર યાદ આવે છે. એટલે ખાસ ઈ યાદગીરી માટે જ નંખાવ્યા….હવે એ ભૂલી ગયા હોય છે કે તૂટેલા છાપરાંમાંથી વરસાદનું પાણી ડાયરેકટ કપાળે પડતું એ ભૂખ ભાંગવા જ તો આપણે શહેર ભેગા થયા હતા. એમાં બે પાંદડે થઈ ગયા, બાકી જો સુખ શાંતિથી જ જીવવું હોત તો થોડીક મહેનત ગામમાં જ કરીને નવા છજિયા નખાવી દેવા હતા ને!
અમુક અદેખા ને લોહી બળી ગયેલા કડકાઓ પાછા કોઈક પૈસાદાર વિશે કહેતા હોય કે, ફલાણા પાહે આટલા પૈસા છે, પણ એને સુખ નથી હો. રાતે નીંદર ના આવે તો ઈ પૈસાને શું ધોઈ પીવા!!! પણ એ જ કડકાઓ પાછા મોડી રાતે છુપાતા છુપાતા ઘરે પહોંચે ત્યારે પાછલી વંડી ઠેકીને જતા હોય. ક્યાંક કોઈ લેણિયાત પકડીને ઝભ્ભા ફાડી નાંખે તો બીજે દિવસે પહેરવું શું! પછી થાય એવું કે ઓલો પૈસાજીવી તો એકાદ ગોળી ખાઈને ગોદડું ઓઢી જાય અને આ કડકાજીવી કોઈની બીકથી ગોદડું ઓઢી જાય!
લગ્ન પ્રસંગની સીઝનમાં અમુક ઓબ્ઝર્વેશન ખાસ કરવા જોઈએ. કેટલાક આંટા ખાઈ ગયેલા માણસો કોઈક સારા માણસના લગ્નમાં જમવા જાય ત્યારે બપોરે આખા કુટુંબને ઉપવાસ કરાવે ને રાતે ચાર ડઝન જાંબુ ખાઈને ચાંદલાના નામે મીંડું બતાવે. પાછા ફિલોસોફી પણ કરતા જાય કે ‘લેના દેના ગંડુ કા કામ, મહોબ્બત બડી ચીજ હૈ!’ જ્યારે પૈસાદારો ઘણા પ્રસંગે ગયા વિના જ વજનદાર કવરમાં ચાંદલો મોકલાવી દેતા હોય છે. સરવાળે થાય એવું કે આગલા પ્રસંગોમાં ઓલો મહોબ્બત વાળો કડકાઓ કંકોત્રીની રાહ જોતા રહી જાય અને વજનદાર કવરવાળાઓને ઘર બેઠા રૂબરૂ આમંત્રણ મળી જાય!
એક પૈસાદાર ડાયાબિટીસના શેર ધરાવતા જાડિયા સજ્જને બાજુમાં ઉભેલા અને ત્રીજું આઈસ્ક્રીમ ખાતા લુખ્ખડને કટાક્ષ કરતા કહ્યું કે, મારે એક્ચ્યુલી સુગરની પ્રોબ્લેમ છે એટલે હું તો ગમે એ પ્રસંગમાં જાઉં તો જસ્ટ થોડાક દાળભાત જ ખાઉં છું હો…પેલા કડકાદાસે સામું મોઢું તોડી લેતા કહ્યું કે, સુગરનો પ્રોબ્લેમ તો મારે પણ છે જ. ઘણીવાર તડકામાં મજૂરી કરતા આંખે અંધારા ખાઈને ભોંયભેગો થાઉં ત્યારે ખાંડનો બૂકડો કોઈક મોઢાના ભરાવે ત્યારે ભાન આવે. આ ત્રણ ચાર આઈસ્ક્રીમ આજે દબાવીએ તો બે દિવસ તો કમસેકમ નિરાંત!
આવા તો અઢળક ઓબ્ઝર્વેશન આસપાસમાંથી મળશે, જગતમાં ગરીબ-પૈસાદાર વચ્ચેના તફાવતો પર રડવા બેસીએ તો દુ:ખીના દાળિયા થઈ જવાય. એના કરતાં હસી કાઢો. ભીખુદાન ગઢવી કહે છે કે એમ, ‘શ્રીમંતો કહેતા હોય કે શું કરીએ તો ભૂખ લાગે, જ્યારે ગરીબો કહે કે ભૂખ લાગે પણ શું કરીએ!’
-Bhagirath Jogia
Leave a Reply