અતિક અહેમદ: મવાલીમાંથી વાયા માફિયા થઈને માનનીય બનવા સુધીના કાળા કરતૂતોની કથા…
70ના દાયકામાં અલ્હાબાદમાં એક રાજકીય ડોન “ચાંદબાબા”નો કાળો કેર, ત્યારે હજી પ્રયાગરાજ નામકરણ થયું નહોતું. ચાંદબાબા વિશે કહેવાતું કે ભલે એ રાજકારણી હોય પણ અલ્હાબાદમાં એ સમયે એનાથી મોટો ડોન કોઈ નહોતો. વાતો એવી ય થતી કે જે જમીન પર બાબા પગ મૂકી દે એ જમીન અનાયાસે જ એના નામે થઈ જતી. યુપી બિહારનો એ જમાનો હતો બચ્ચનની ફિલ્મોનો, અન્યાય સામે લડીને, કાળા ધંધાઓ કરીને, ગુંડાઓ બનીને યુવાનો ‘હીરો’ હોવાનો વહેમ રાખતા.
આવો જ એક ગરીબ ઘોડાગાડીવાળાનો 17 વર્ષનો છોકરો મવાલીવેડાએ ચડ્યો. એક દિવસ એ છોકરાએ કોઈનું ખૂન કરી નાખ્યું અને વીસ વર્ષની ઉંમરે તો એ પોતાની ટોળકી સહિત અલ્હાબાદમાં પોતાના વિસ્તારનો ડોન થઈ ગયો. એકવાર પોલીસ એને ઘરેથી ઊંચકી ગઈ તો કોઈ રાજકીય બાપે ફોન કરીને છોડાવી લીધો. આ છોકરાનો પોલીસ અને રાજકારણીઓએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો, અને પોતાના ફાયદા માટે એ છોકરાને પણ ઉપર ઊંચક્યો. કેમ કે, બાબાનું માથું ભાંગે એવા કોઈ ડોનની ત્યારે રાજકારણીઓને જરૂર હતી. ત્યાં સુધી કે 1989માં પેલા મોટા ડોન ચાંદબાબાની સામે અપક્ષ ઉમેદવાર તરીકે આ યુવાન ડોન ચૂંટણી લડ્યો અને ધારાસભ્ય બની ગયો. આ યુવાન ડોન એટલે ‘અતિક અહેમદ’! સનસનાટી મચાવી દે એવી વાત એ હતી કે હજી તો ઇલેલશનનું રિઝલ્ટ આવે એ પહેલાં જ ચાંદબાબાનું ભરબપોરે ખૂન થઈ ગયું.
પછી તો અતિક સમાજવાદી પાર્ટીમાં જોડાયો, એમાંથી જ 2004માં સાંસદ બનીને દિલ્હી સુધી પણ પહોંચ્યો. પણ રાજનીતિના સફેદ કપડા એના કાળા કામો ઢાંકવાના પડદા માત્ર જ બની રહ્યા. પોતે સાંસદ બન્યા પછી એણે એના ભાઈ અશરફને ચૂંટણી લડવા ઉભો રાખ્યો. (અશરફ પણ લખણમાં મોટાભાઈ અતિક જેવો જ.) બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજુ પાલ સામે અશરફ હારી ગયો અને બન્ને ભાઈઓએ રાજુ પાલનું ખૂન કરી નાખ્યું. પણ તત્કાલીન સમાજવાદી સરકાર અતિકને છાવરતી રહી. અને અતિક પણ મીડિયા કે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ચૂપ કરવા થોડા દિવસ જેલમાં રહી આવતો, મહેમાનની જેમ!
પણ 2007માં માયાવતીની સ્પષ્ટ બહુમતીની સરકાર આવી અને અતિકના ખરાબ દિવસો શરૂ થયા. એક પેટાચૂંટણી એ હાર્યો અને રાજુ પાલ મર્ડર કેસમાં અંદર ગયો. એ દિવસથી 2018 સુધી એ જેલમાં જ બંધ હતો. એની લગભગ 100 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી. અને અલગ અલગ 188 કેસ ઠોકવામાં આવ્યા. કોઈને યાદ હોય તો યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની માફિયાઓની ઠોકો પદ્ધતિ જોઈને લોકો માયાવતીનું એ કડક શાસન બહુ યાદ કરતા. પણ જેલમાં રહીને અતિક પોતાના ગેરકાયદેસર કામને અંજામ આપ્યા કરતો, એ આખી પોલ તો છેક 2018માં ખુલી…
2018માં મોહિત જૈસવાલ નામના વેપારીને અમુક ગુંડાઓ અપહરણ કરીને જેલમાં લઈ આવ્યા. હા, જેલમાં જ. જેલમાં એની મારપીટ કરીને, કોરા પેપર ઉપર હસ્તાક્ષર કરાવીને એની 42 કરોડની પ્રોપર્ટી નામફેર કરાવી લીધી. કહેવાય છે કે યુપીની એ જેલમાં એ રાતે અતિક અહેમદ કૈદ હતો, અને એણે જ એ કારસ્તાન કરેલું. પછી તો કોર્ટે પોલીસનો ઉધડો લીધો અને 2019માં અતિક અહેમદને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. પણ જે કેસમાં એ અંદર થયેલો એ રાજુ પાલ મર્ડરકેસના સાક્ષી ઉમેશ પાલનું તાજેતરમાં ખૂન ભરબજારે ફિલ્મી સ્ટાઈલમાં ખૂન થયું એ પણ ફક્ત પિસ્તોલ કે રાઇફલ નહિ. પણ બોમ્બગોળાઓ ફેકીને. ત્યારે મીડિયા અને યોગી સરકારને ખ્યાલ આવ્યો કે અતિકનો આતંક હજી મરી પરવાર્યો નથી.
“મિટ્ટી મેં મિલા દેગે…” સ્ટેટમેન્ટ વાયરલ થયા પછી અતિકની લગભગ 1700 કરોડની પ્રોપર્ટી પર બુલડોઝર ફરી વળ્યું. આજે ગાડી પલટશે, કાલે પલટશે એની જનતામાં બેતાબીથી રાહ તો જોવાતી જ હતી. પણ ત્યાં તો પહાડ ખોદતાં ઉંદર નીકળે એમ ફરીથી કોઈ ‘અતિક’ બનવાના રસ્તે નીકળી પડેલા લબરમુછીયા ટપોરીઓએ ગોળી મારીને એની હત્યા મીડિયા અને પોલીસની હાજરીમાં જ કરી! ખૈર, માનનીય સાંસદમાંથી સ્વર્ગીય બની ગયેલા ‘અતિક’ની કહાની આમ પુરી થઈ!
– Bhagirath Jogia
Leave a Reply