સાવધાન ઇન્ડિયા: પંજાબમાં ખાલિસ્તાનનું ભૂત ફરીથી ધૂણતું થઈ ગયું છે!
બે વરસ પહેલાં ખેડૂત આંદોલન એની ચરમસીમાએ હતું ત્યારે 26મી જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા કથિત ‘ખાલિસ્તાની’ તોફાનો દરેકને યાદ જ હશે. એમાં કોણ ઇનવોલ્વ હતું અને કોના ઈશારે ખેલ થયેલો એ તો ગૌણ બાબત છે, પણ મુખ્ય બાબત એ છે કે એ સમયગાળામાં દુબઇથી એક શીખ યુવાન ફેસબુકમાં ભારત વિરોધી નારાઓ લગાવતો અને અલગ ખાલિસ્તાનની માંગણીઓ કરતો.
ઓનલાઈન વધતા ગયેલા એના ફેન ફોલોઅર્સ ક્યારે ઓફલાઇન કટ્ટર સમર્થકો બની ગયા એ ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે ગયા મહિને પંજાબમાં બે આરોપીઓને છોડાવવા માટે એ યુવાન નામે “અમૃતપાલ સિંહ” એના હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કરીને ખુલ્લેઆમ ફિલ્મી સ્ટાઈલમાં આરોપીઓને છોડાવી ગયો. અને આ પહેલા પણ ત્યાં મોહલી અને પંજાબમાં આ જ રીતે ખાલિસ્તાની સમર્થક ગુનેગારોને છોડાવવા માટે હજારો લોકો બેધડક પોલીસ ઉપર હિંસા કરી ચુક્યા છે.આ મુદ્દે પંજાબ સરકાર કે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ વિશેની વાત કરતા પહેલા ખાલિસ્તાની ઇતિહાસ પર નજર ફેરવવી ફરજીયાત છે.
એક જમાનામાં શીખગુરુ ગોવિંદસિંહના અનુયાયીઓએ મુઘલો સામે એવી લડત આપી કે 17મી સદીમાં થાકેલા મુઘલોએ અંતે કપુરસિંહ નામના ગુરુને નવાબની પદવી આપીને સમાધાન કરવું પડ્યું. એ નવાબ કપુરસિંહે ત્યારબાદ “દળ ખાલસા” સ્થાપીને ‘રાજ કરેગા ખાલસા’નો નારો ઔર બુલંદ બનાવ્યો. ત્યારથી લઈને 1920માં જલિયાંવાલા હત્યાકાંડ સુધી કટ્ટર ખાલસા સમર્થકોને અંગ્રેજો સામે કોઈ જ વાંધો નહોતો. પણ આઝાદીની લડાઈ વખતે મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માંગણી કરી તો આ દળ ખાલસાએ અલગ “ખાલિસ્તાન”ની માંગણી કરી. પણ આઝાદી વખતે પંજાબના જ બે ભાગ થઈ ગયા એમાં અને પછીથી સરદાર પટેલની લોખંડી નેતાગીરી પછી એ માંગણી થોડી નબળી પડી.
1953માં વળી હિન્દીભાષી હરિયાણા અલગ રાજ્ય બન્યું, પંજાબી ભાષી એવા પંજાબની નદીઓ રાવી, સતલજ અને બિયાસના પણ ભાગલા પડ્યા. હવે આ કથિત અન્યાય સામે દળ ખાલસાની સાથે નવા ઉભા થયેલા અકાલી દળે પણ મોરચો માંડ્યો. મજબૂત કોંગ્રેસ સરકાર સામે સીધો કોઈ ખાલિસ્તાની સમર્થક અવાજ ઉઠાવી ના શક્યું પણ વિદેશોમાં ભારત વિરોધી એ ખેલ સતત સળગતો જ રહ્યો. 1966-67માં અચાનક જ ન્યુયોર્ક ટાઈમ્સમાં સમાચાર આવ્યા કે જગજીત સિંહ નામના ખાલિસ્તાન સમર્થકે બ્રિટનમાં ખાલિસ્તાનને અલગ દેશ જાહેર કરી દીધો છે. અને ભારતમાં એક સુનામી આવી ગઈ.
1971માં પાકિસ્તાને આ જગજીત સિંહને ત્યાં આમંત્રણ આપીને ખુલ્લેઆમ સહકાર આપી દીધો. ડ્રગ્સથી લઈને હથિયારો સુધીની ઘૂસણખોરી પછી જ બેકાબુ બનીને આ કટ્ટરવાદીઓને ફંડ પૂરું પાડતી થઈ. બીજીબાજુ સમયાંતરે પંજાબ આવીને પોતાનું જોર ઉભું કરી જતા જગજીત સિંહને એક મજબૂત લોકલ ચહેરો સાથીદાર તરીકે મળી ગયો. નામ એનું જર્નલસિંહ ભીંડરાવાલા…તત્કાલીન રાજકીય ખેલમાં ભીંડરાવાલાને પહેલા કોંગ્રેસી મુખ્યમંત્રી ઝૈલસિંહે સપોર્ટ કર્યો, કારણકે, વિપક્ષ તરીકે મજબૂત થતા જતા અકાલી દળને ઢીલું પાડવાનું હતું. પણ રોજેરોજની હિંસાઓ પછી લોખંડી ઇન્દિરા ગાંધીએ વોટબેંકની એક,બે અને સાડા ત્રણ કરીને ભીંડરાવાલાને જેલભેગા કર્યા. જેલમાંથી છૂટ્યા બાદ થયું એવું કે અકાલી દળ ઉલટું ભીંડરાવાલાને સપોર્ટ કરતું થયું. પછી તો કેવા તોફાનો થયા અને “ઓપરેશન બ્લુસ્ટાર”માં ભીંડરાવાલેની હત્યા પછી ઇન્દિરા ગાંધીની પણ હત્યા થઈ એ તો જગજાહેર ઇતિહાસનું એક કાળું પાનું છે.
પછી પણ વિદેશોમાં ભારત વિરોધી પ્રવૃત્તિ ધમધમાવી રહેલા જગજિત સિંહનો પાસપોર્ટ જ કોંગ્રેસ સરકારે રદ કર્યા. પણ વાજપેયી સરકારે માફી આપ્યા પછી જગજીત સિંહ ભારત આવ્યો અને ફરીથી કટ્ટર સમર્થકો ઉભા કર્યા. જો 2006-07 આસપાસ હ્ર્દયરોગથી મૃત્યુ ના થયું હોત તો પંજાબ ક્યાં પહોંચ્યું હોત એ રાજકીય વિશ્લેષકો માટે પણ એક કલ્પનાનો વિષય છે. ભારતમાં ભુલાઈ રહેલું ખાલિસ્તાન આંદોલન કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન કે અમેરિકા સહિતના દેશોમાં ધીમી આંચે સળગતું જ રહ્યું અને 2021માં આવેલા ખેડૂત બિલ વિરુદ્ધના આંદોલનની આડમાં અમૃતપાલ સિંહ જેવા ઉગ્રવાદીઓએ ક્યારે ભારતમાં સરેઆમ પગપેસારો કરી દીધો એ કોઈ સરકારને ગંધ પણ ના આવી.
પંજાબમાં નવી બનેલી આમ આદમી સરકાર અત્યાર સુધી દિલ્હી જેવા શહેરી રાજ્યમાં લોકપ્રિય હતી, પણ હવે પંજાબ જેવા ખતરનાક રાજ્યમાં એની ખાલિસ્તાનીઓ સામેની નિષ્ફળતા ઉઘાડી પડી ગઈ છે. વળી, જગતભરની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સહિતની મજબૂત સિસ્ટમ લઈને બેઠેલી કેન્દ્ર સરકાર પણ હજી સુધી તો કોઈ નક્કર પગલાં લઈ શકી નથી એ પણ નરી નજરે દેખાતી હકીકત છે. જોવાનું એ રહ્યું કે ઇન્દિરા ગાંધીનું અપડેટ વર્ઝન ગણાતા મજબૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ખાલિસ્તાનીઓ સામે કઈ રીતે લડત આપે છે! કેમ કે, આજે અમૃતપાલ સિંહ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે કે હિંદુ રાષ્ટ્રની માંગણીઓ થાય તો ખાલીસ્તાન અલગ બને એમાં ખોટું શું છે? અને એ પોતાને ભીંડરાવાલાના શિષ્ય જ ગણાવે છે. અને પંજાબ સરકાર એ હજારોની ભીડ સામે લાચાર થઈ ગઈ છે. પોલીસનો વાંક ના ગણીએ, પંજાબ પોલીસ તો એકસમયે પેરા મિલિટરી ફોર્સની કામગીરી કરતી એવી મજબૂત છે, પણ રાજકીય ઇશારાઓ સામે પોલીસ હંમેશા લાચાર જ રહેવાની!
બાકી એકબીજી સરકારો પર આરોપ નાખવાના ચક્કરમાં ને પંજાબ ફરીથી લોહી તરસ્યું ના બને એ બાબતે કેજરીવાલ-ભગવત માન પાસેથી કોઈ આશા રખાય એમ નથી. જો દેશ કોઈ પાસેથી અપેક્ષા રાખી શકે તો એ માત્ર ઇન્દિરા ગાંધી પછીના કોઈ મજબૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે!🙏
– Bhagirath Jogia
Leave a Reply