નહીં તો ક્યાંય નહીં મળશે વિસામાની જગા એને
જગતમાં કોઈને પોતાના ઘર ની ઠેસ ના વાગે..!!!
– બેફામ
વર્ષો પહેલા એક ધુરંધર અને આખી જિંદગી એકલા જીવેલા સિનિયર સર્જનને કહેલું કે ‘સાહેબ, આવડી મોટી ડીગ્રી હોવા છતાં તમે આ નાનકડી ટ્રસ્ટની હોસ્પિટલમાં શું કરો છો? જો મારી પાસે આવી ડીગ્રી હોય તો….’ અને ચશ્માં પર બાઝેલું આંસુઓનું ધુમ્મસ સાફ કરતા તેઓ બોલ્યા કે ‘માય ડિયર, મારે જો ઘર હોત તો આજે તમારા જેવડો મારો પૌત્ર હોત અને એની જિંદગી સેટ કરવા માટે મેં કરોડો રૂપિયા ભેગા કરી રાખ્યા હોત, પણ…’ આ “પણ” પછીની ખામોશીમાં આખી એક ભારેખમ આત્મકથા છુપાયેલી હતી!
ઘર એટલે સ્થૂળ અર્થમાં એક, બે કે પાંચ રૂમનું નાનું-મોટું દીવાલો ચણેલું બાંધકામ નહિ, પણ ઘર એટલે માણસના મનનો શાંતિ-મહેલ. દીવાલો, મોંઘા ફર્નિચર ને વૈભવી ઇન્ટિરિયર થકી ઘર બનતું હોત તો પૈસાદારો કાયમ ફાઈવસ્ટાર હોટેલમાં રહેતા હોત ને સુખી સુખી થઈ જતા હોત, પણ એવું હોતું નથી. વેકેશનમાં મોટી મોટી હોટેલમાં રોકાયા પછી ય માણસ થોડા દિવસોમાં થાકે છે ને અને પોતાના ઘર તરફ ભાગે છે. કારણ કે હોટેલમાં દીવાલો હતી, પણ ઘર તો ઘરે જ હતું… પણ કોઈક કમનસીબ ઘરથી થાકેલો માણસ ક્યાં ભાગે???
અનિલ કપૂરની અફલાતૂન ફિલ્મ ‘તેજાબ’માં એક ગીતની પંક્તિ હતી, “રાત આયી તો વો જિનકે ઘર થે, વો ઘર કો ગયે, સો ગયે…રાત આયી તો હમ જૈસે આવારા ફિર નિકલે રાહો મેં ઔર, ખો ગયે…” એકલતાના વિચાર વિસ્તાર જેવી આ પંકિતઓમાં ભાવ એ નથી કે નાયકનું કોઈ ઘર નથી. પણ મતલબ એ છે કે ઘરે જવાનું મન થાય એવો પ્રેમ કરનારું કોઈ નથી, ઘરે રાહ જોનારું કોઈ નથી. થોડીઘણી મહેનત કરીને મકાન ખરીદી લેવું સહેલું છે. પણ પરિવારના પ્રેમ થકી ઘર બનાવવું ઘણીવાર અઘરું ને અશક્ય બની જતું હોય છે…
કોર પોઇન્ટ અહીંયા ભૌતિક એકલતા કરતા માનસિક એકલતાનો છે. જરૂરી નથી કે દરેક એકલો માણસ દુઃખી જ હોય ને બેકલો માણસ સુખી જ હોય. માનસિકતાના વર્તુળમાં ઘૂમતા વિચારોના તરંગો પર આધારિત છે બધું. ક્યારેક દસ માણસના પરિવારમાં રહેતો માણસ એવો એકલો પડી જાય છે કે ઘરે જવાને બદલે એ કોઈક દોસ્તોની મહેફિલમાં અડધી રાત વિતાવી દેતો હોય છે, પતિ કે પત્ની વિશાળ બેડરૂમમાં એક જ બેડ પર બાજુ-બાજુમાં સુતા હોય ને ઘોર એકલા પડી ગયા હોય એમ પણ બને. કેમ કે શરીરની નજદીકીઓ મનની નજદીકીઓની ગેરેન્ટી નથી આપતી!
પરિવાર હોય કે કોઈ પ્રિયજન, પ્રેમની આગ માણસને હૂંફ આપે છે અને એજ પ્રેમની આગ ઘરને બાળી પણ નાંખે છે, આવું જ્હોન ક્રોફર્ડ લખી ગયેલા. ઘરની હૂંફ પામેલો પુરુષ મોટેભાગે શાંત, સૌમ્ય ને આધ્યાત્મિક હોય છે જ્યારે એકલો થાકેલો પુરુષ વ્યસની, તામસિકને ત્યાંથી થાકીને ધાર્મિકતા તરફ વળી જતો હોય છે. (આધ્યાત્મિકતા નહિ!) આધુનિક જિંદગીમાં તો હવે સ્ત્રીઓ પણ એકલતાથી થાકીને શરાબ-સિગારેટ તરફ વળતી જાય છે. ફરીથી, આ થાક ને આ એકલતા એટલે ફિઝિકલ ‘સિંગલ’ હોવું નહિ, પણ માનસિક સિંગલતા. કેમ કે, જિંદગીના સુખના સમીકરણોમાં એક ને એક બે નથી હોતા, કાયમ. ક્યારેક એક વત્તા એક બરાબર મોટું “શૂન્ય” બની જતું હોય છે!
ખૈર, એકવીસમી સદીમાં ઘરે કોઈક રાહ જોતું હોય ને ઘરે જઈને સ્વજનોને કંઈક સુખની, કંઈક દુઃખની વાત શેર કરવાની હોય તો એ સ્વર્ગ છે. બાકી તો કરોડપતિ સેલિબ્રિટીઓ પણ ઘરથી થાકીને આશ્રમોમાં કે જંગલોમાં આનંદની ખોજમાં ભાગી જતા હોય છે. કેમ કે, વૈભવી “મકાન” બંગલાઓ માણસને જલસો આપી શકે, પણ મોજ-આનંદ તો નસીબદારને “ઘર” હોય તો જ મળે. ઘરથી થાકવું મતલબ જીવનથી થાકવું. અને એ થાક ઉતારવો ઘણીવાર માણસના હાથમાં નથી હોતું. કેમ કે, મહેનત ને હોંશિયારીથી સફળ થઈ શકાતું હશે, પણ સુખી થવા માટે તો કિસ્મતની કૃપા જ જોઈએ!
આનંદ બક્ષીએ એક જૂની ફિલ્મ માટે લખેલ ગીતના શબ્દોને ગુલામ અલીએ સ્વર આપેલો એ પણ ઘરની મહત્તા સમજાવી દે છે. એકલતાથી થાકેલો નાયક કારમાં સિગારેટ પીતો, શરાબના નશાથી લથડીયા ખાતો ઘરે આવીને રેસ્ટોરન્ટમાંથી લાવેલું ફૂડ પાર્સલ ખોલે છે અને સાથે ગુલામ અલીનો વિષાદી સ્વર ગુંજી ઉઠે છે…
“મૈં ઈસ દુનિયા કો અકસર દેખ કર હૈરાન હોતા હું,
ના મુજસે બન શકા છોટા સા ઘર, દિન-રાત રોતાં હું!”
– Bhagirath Jogia
April 23
Leave a Reply