જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ,
બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું.
– મરીઝ
સત્ય ક્યારે બોલવું? કોની સામે બોલવું? કેટલું બોલવું? વગેરે વગેરે હજાર થિયરીઓ જગતના ડાહ્યા માણસો આપતા હોય છે. જેમાંથી લોકો પોતપોતાની અનુકૂળતા અને લાભાલાભ પ્રમાણે પોતાની એક બે થિયરીઓ પસંદ કરી લેતા હોય છે. જો કે સત્ય બોલવાના કે અવાજ ઉઠાવવાના કોઈ નિયમ ના હોવો જોઈએ, ના જ હોઈ શકે. પણ બધા આદર્શોને બાજુએ મૂકીને દુન્યવી રીતભાત જુઓ અને સમજવાની કોશિશ કરો કે કોનું “સત્ય” દૂર સુધી પોતાની સુગંધ રેલાવતું હોય છે? કોનું સત્ય આ દુનિયા સ્વીકારતી હોય છે?
જવાબ મળશે કે જે માણસે જગતના ચોકમાં પોતાની પ્રતિભાની “સચ્ચાઈ” સાબિત કરી હશે એનું સત્ય લોકોના હૃદય સુધી પહોંચશે. નાના પાટેકરની બહુ ગમતી ફિલ્મ “યશવંત”માં એક ડાયલોગ કંઈક એ અર્થનો આવે છે કે ” ટેબલની સામસામે બેસીને આંખમાં આંખ નાંખીને વાત કરવાની લાયકાત કેળવો તો લોકો સાંભળશે.” અહીંયા પણ પોતાની આગવી પ્રતિભા નિખરીને જગતની સામે ખભેથી ખભા મિલાવ્યા પછી “સત્ય” માટે અવાજ ઉઠાવવાની વાત છે. કારણ કે “પ્રતિભાની સચ્ચાઈ”માં પહેલા પ્રતિભા આવે છે અને પછી સચ્ચાઈ!
પ્રિય કવિ-વક્તા ડો.કુમાર વિશ્વાસે કોરોનાકાળમાં કોરોના અને મંદીમાં હાથ જોડી ગયેલી જનતા માટે અવાજ ઉઠાવ્યો. પોતાનું એક સેવાભાવી ટ્રસ્ટ શરૂ કરીને અમુક મિત્રોની આર્થિક મદદ લઈને જનતા માટે સેવાકાર્ય શરૂ કર્યા. એક મંત્રીએ કહ્યું કે, વાહ કુમારભાઈ, આપણે આ સેવાકાર્ય કરવા જેવું હતું. પણ કુમારે પોતાના અસ્સલ અંદાજમાં ચોપડાવી દીધું કે, ‘ શટ અપ, આ મારે નહિ તમારે કરવા જેવું હતું.’ પછી તો નિયમિત રીતે કુમાર સરકારનો ઉધડો લેતી ટ્વીટ કરે કે ઇન્ટરરવ્યુ આપે. કુમાર ટ્રોલ થયા બરોબરના. કોઈએ હિંદુ વિરોધી કીધા તો કોઈએ દેશદ્રોહી. વળી કોઈ ટ્રોલીયાઓ જ્ઞાન આપી ગયા કે અમેરિકા જઈને જોઈ આવો, ઇટાલી વિશે કેમ બોલતા નથી?
આવી ધમાચકડી પછી જ્યારે યુપીની ચૂંટણી આવી ત્યારે યોગી સરકારે લખનૌમાં અટલજીની જન્મ-જયંતિએ એક શાનદાર સમારંભ ગોઠવ્યો. જેમાં બધાના આશ્વર્ય વચ્ચે યોગીજીએ મુખ્ય અતિથિ તરીકે ડો. કુમાર વિશ્વાસનું લેક્ચર ગોઠવ્યું. બીજા મંત્રીઓના ડોળા ચકળવકળ થઈ ગયેલા. આવી જ રીતે બીજા એક સમારંભમાં ગોડસેવાદીઓને બરોબરના ફટકાર્યા અને થોડા સમય પછી કુમારજી બેઠા હતા (આમ તો પ્રવચન આપવા ઉભા હતા.) નાગપુરમાં! અને સામે કોણ બેઠું હતું? તો પહેલી લાઈનમાં નીતિન ગડકરી અને અશોક સિંઘલ!
નવાઈ લાગે એવી વાત છે ને? છે જ. હવે કુમાર વિશ્વાસને ચમચાગીરીનું કેબલ આપે. કોઈ દેશદ્રોહી કહે કે કોઈક ડાહ્યો વળી બેલેન્સવાદી કહે તો એનાથી એક ‘સેલિબ્રિટી’ને શુંફરક પડે? આવી જ “પ્રતિભાની સચ્ચાઈ” બ્રાન્ડ આપણા એક ગુજરાતી લેખક-વક્તાને મેં કહેલું કે તમેં ગુજરાતના ડો.કુમાર વિશ્વાસ છો. જો કે એમણે પ્રેમથી એ લેબલ સ્વીકારેલું નહિ એ અલગ વાત છે! આવી પ્રતિભાઓ જ્યારે સત્તા કે સમાજ કે અન્ય કોઈ પણ જાહેર જીવનના વિષયોની વિરુદ્ધ કડવું સત્ય બોલે ત્યારે મોઢા તો એ સાંભળનારાઓના પણ દિવેલ પીધેલ જેવા થઈ જતા હશે. પણ એ પ્રતિભા જ એવડી વિરાટ હોય તો મતભેદ ભૂલીને દુનિયા અવકારે જ, ભલે ને તમારું સત્ય એમને પચે કે પછી અપોચો થઈ જાય!
લોકશાહીમાં બધાને “સત્ય” બોલવાની છૂટ જ હોય છે. પણ જો તમે તમારી આગવી,, નિર્ભિક ને ઈમાનદાર પ્રતિભા કેળવી ના શક્યા હો તો તમારા અવાજમાં ભલે વજન હશે પણ જાહેર જનતા તો શું, ફેસબુકમાં લખેલી પાંચ લાંબી ક્રાંતિકારી પોસ્ટને લાઈક કરવાની તસ્દી પણ નહિ લે. કેમ કે, એવી સત્યવાદી ક્રાંતિકારી વિચારકોને સાંભળનાર કોઈ નથી. એ એવી કરુણા છે કે બાત તો નિકલી હૈ, લેકિન દૂર તક નહિ જાયેગી…
ધારો કે હાલના ટ્રેન્ડ મુજબ દેશભક્તિનો એક ફેક મેસેજ તમારો દોસ્ત મોકલે અને બીજો એ જ પ્રકારનો મેસેજ કોઈ ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યકિત મોકલે તો તમને સ્વભાવિક જ એ હોદ્દેદારના મેસેજ પર ભરોસો આવે. (પછી ક્રોસ ચેક કરીને ફેક મેસેજને જાકારો આપી શકો તો એ અલગ વાત છે.) પછી ભલે ને એ હોદ્દેદાર પણ ડીગ્રી ધારણ કર્યા સિવાય બીજા વિષયોમાં ડફોળ હોય! આ તો જનરલ ઉદાહરણ છે. પ્રતિભા ને આગવી પર્સનાલિટી ખીલવ્યા વિના સત્ય બોલો તો પણ લોકોના કાને અથડાતું નથી.
ગાંધીજી આઝાદીની લડતમાં લોકો પાસે દાન આપવા માટે હાથ ફેલાવતા ને ગરીબીમાં ગરીબ માણસો એ જમાનામાં 5-5 રૂપિયા આપી જતા. શેઠિયાઓ તો થેલી ભરીને નોટો ઠાલવી જતા. કોઈ એમની પાસે હિસાબ માંગતું. જ્યારે આજે નેતાઓ જનતા થકી ફંડફળો કરે ત્યારે થોડા જ મહિનામાં લોકો સમજી જાય કે અરે ભાઈ આ તો ચુનો લાગી ગયો! કેમ કે ગાંધીમાં પ્રતિભાની સચ્ચાઈ હતી, જ્યારે નેતાઓમાં ફક્ત પ્રતિભા જ હોય છે.
દરેક યુવાનોએ એક વાત સમજી લેવી જોઈએ કે તમે લોકશાહી દેશમાં જીવો છો. તમારે દેશની, સમાજની તમામ સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવાનો જ હોય. પણ એના માટે પહેલા પોતે કંઈક બનો, લાયકાત કેળવો, પાંચ માણસમાં પુછાવ એવો ઓરા ઉભો કરો. પ્રતિભાવાન માણસ તરીકે જગત સામે આંખમાં આંખ નાંખીને ઉભા રહો. તો પછી તમે બોલો, લખો એનો પડઘો અમુક માણસો સુધી પડો. હા, એવા પ્રતિભાઓ જ્યારે ઊંઘી દિશામાં મોઢું ખોલે નાગરિકો મુરખા બની જતા હોય છે.
લાંબી પિંજણ કરવાનો અર્થ એ નથી કાઢવાનો કે હવે ચૂપ થઈને બેસી રહેવું. જરૂર હોય ત્યાં બોલવાનું જ. ક્રાંતિ યુવાનીમાં મગજમાંથી ફૂટે નહિ તો એ યુવાની ને ઘડપણ એક જ સમજવા! પણ કહેવાનો અર્થ એ છે કે આજે આપણે જે સત્ય બોલીએ છીએ એ બરોબર જ છે. પણ હજી ભવિષ્યમાં આપણો અવાજ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે શું કરવું એ વિચારબીજ તો મનમાં રોપી જ રાખવા! જરૂરી નથી કે તમે જે તે ફિલ્ડના ઉચ્ચતમ ઓફિસર કે મોટા નેતા કે મોટા લેખક થઈ જાઓ. સામાન્ય ડોકટર, શિક્ષક કે પ્રોફેસર પણ આ દેશમાં સન્માનિત પદ પર હોવાનું ગણાય છે.
એવું ય નથી માની લેવાનું કે જેટલા નાના માણસો બોલે એ બધું ખોટું ને જેટલા મોટા માણસો બોલે છે એ બધા હરિશ્ચંદ્નના અવતાર છે. ઘણીવાર તો સ્ટેજ પર બોલનારા વક્તા કરતા ફેસબુકમાં પાંચ લાઈક મળતી હોય એવા વ્યકિતનું સત્ય વધારે ધારદાર હોય છે. પણ ફરીથી અહીંયા ફરક એ જ છે કે એક પાસે પ્રતિભા છે.
‘મૈં સચ કહુંગી ઔર હાર જાંઉગી,
વો જૂઠ બોલગા ઔર લાજવાબ કર દેગા’
પરવીન શાકિરની આ પંકિત ભલે પ્રેમના અર્થમાં હોય, પણ ઊંડા ઉતરશો તો તરત સ્પાર્ક થશે કે આ તો સમાજના તમામ એંગલથી સાચી જ છે! ઘણા સાચું બોલીને હારી જતા હોય છે, અને અમુક સત્યવાદીઓ હળાહળ ખોટું બોલીને પણ રાજા થઈ જાય છે. કારણ? એકમાત્ર પ્રતિભા. કેમ કે ઉપર કહ્યું એમ સચ્ચાઈ પછી આવે છે ને પ્રતિભા પહેલા! પ્રતિભા નેતાઓમાં હોય છે, બિઝનેસમેનમાં હોય છે, અમુક કવિ લેખકોમાં પણ હોય છે. પણ એનામાં સચ્ચાઈ હોતી નથી. છતાં લોકો તો એમનું સત્ય સ્વીકારી જ લે છે ને!
– Bhagirath Jogia
Leave a Reply