તમારે માણસોને પાક્કા પાયે ઓળખવા છે?
તમારે માણસોને પાક્કા પાયે ઓળખવા છે? તો એમને એટલું જ પૂછો કે ‘ઠંડી કેમ છે?’ પછી જે જવાબ મળે એમાં માણસને ઓળખવાનું દૂરબીન છુપાયેલું છે. કેટલાક સામાન્ય ઉદાહરણો જે તાત્કાલિક યાદ આવ્યાં અહીંયા દોસ્તોની સેવામાં પેશ છે, તમને યાદ આવે તો બીજા તમે જણાવજો તો વધારે માણસોને ઓળખી શકાય.😁
1. આપણને તો ભાઈ બિલકુલ ઠંડી ના લાગે હો. ભાયડો ક્યારેય સ્વેટર પહેરે જ નહિ ને….
આવા લોકો એક નંબરના નાટકબાજ હોય છે.કોકનો માર ખાય તો ય કહે કે અનુભવ તો જીવનમાં બધો હોવો જ જોઈએ. એ ભૂખે મરે તો ય કહે કે આપણે તો ભાઈ ધાર્મિકને ઉપવાસમાં બહુ માનીએ. મૂળ એ વર્ગ સ્વીકારી નથી શકતો કે આપણા ખિસ્સા ખાલી થઈ ગયા છે એટલે બધાને કહેતા ફરતા હોય છે કે પૈસાથી કોઈ સુખી થતું નથી, હૈં ભાઈ! ફેસબુકમાં ય તમને કહે કે આ તો તમે છો તો ટ્રોલીયાઓને સહન કરો છો, હું હોવ તો ઘરે જઈને મારું. અલ્યા બહાદુર, તું પહેલા કંઈક લખ તો ખરો?🤣
2. તોડી નાખે એવી ટાયઢ છે હો. આપણે તો ઘરની બહાર નીકળવાની ય હિંમત ના કરીએ….
આવા લોકો ભારે સંવેદનશીલ હોય છે, પણ એ એમનો પોઝિટિવ કરતા મોટો નેગેટિવ ગુણ છે. મૂળભૂત હિંમત વગરની આ કેટેગરીને કોઈ ફેસબુકમાં ગાળો આપે તો ય ફેસબુક બંધ કરીને ભાગી જાય. પણ તેઓ સજ્જન હોવાથી એમના ઘરે એમને કોઈ મારવા આવતું નથી એ પ્લસ પોઇન્ટ. હા, થોડાક હોશિયાર હોય અને એમને કોઈક વિષય પર લખવાની હિંમત ના થતી હોય તો આપણને પંપ મારે કે તમે કેમ ફલાણા વિષય પર લખતા નથી? કોઈ આપણને ટ્રોલ કરતું હોય તો ય કહે કે ભાઈ, તમારા જેવા ખાનદાન માણસોએ આવી લપોથી દૂર રહેવું જોઈએ. હવે એમને કહેવું ય કેમ કે તમે ખાનદાન છો, પણ અમે નથી ને!🙄
3. હવે ક્યાં પહેલા જેવી ટાયઢ પડે જ છે ભાઈ!!!
આવુ બોલનાર મહાદંભી હોય છે. એમને ધ્યાનથી જોશો તો બે સ્વેટર અને બે ટોપાથી ખાલી હોઠ સિવાયનું આખું શરીર ઢાંકીને પછી જુના જમાનામાં કેવી ઠંડી પડતી એના ગુણગાન ગાતા હોય છે. આવા લોકો ભૂતકાળમાં જ રચેલાપચેલા હોય છે. આવા લોકો ફેસબુકમાં હાઈએસ્ટ જોવા મળશે. એને તમે પૂછો કે ફેસબુકમાં કોને વાંચવા ગમે? તો કહેશે કે હવે તો ક્યાં વાંચવાલાયક લેખકો જ રહ્યા છે? લેખક તો અમારા જમાનામાં હતા. ઇ માયલું હવે કઈ રયુ જ નથી હવે. હૈ ભાઇલા, જગતમાં ઘણું રયુ જ છે. પણ તારી ડામચિયા વીંટાળેલા ડાચા ની જેમ જ મગજ પણ ભૂતકાળના ભૂંસાના વજનથી દટાઈ ગયું છે.😉
(આ પોસ્ટ ફક્ત અને ફક્ત મનોરંજનના હેતથી લખેલી છે. ફેસબુકમાં રહેલા કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે આ લખાણનો કોઈ વાસ્તવિક સબંધ નથી.😛)
– Bhagirath Jogia
Leave a Reply