“જોશીમઠ” કહે છે કે કુદરતને કાપીને વિકાસ કરવા જશો તો એ માણસને તબાહ કરશે!
એક સ્વર્ગસમા શહેરની સુંદર પરિકલ્પના કેવી હોય? ધારો કે 6000 ફૂટની ઊંચાઈએ પહાડો પર વસેલું એક શહેર છે. એની એકબાજુએ ઋષિગંગા નદી વહે છે અને બીજીબાજુએ ધૌલીગંગા નદીનો તોફાની પ્રવાહ સીધો હિમાલયમાંથી ઉતરીને શહેરને સ્પર્શી રહ્યો છે. સીધા ઢોળાવવાળા એ પહાડો પર નાનકડા મકાનો બાંધીને 15-20 હજાર પહાડી લોકો વસી રહ્યા છે. કહેવાય છે કે ભગવાન બદ્રીનાથ શિયાળામાં અહીં આવીને વસે છે, અને બદ્રીનાથ ધામનું એ પ્રવેશદ્વાર છે. હિમાલય બાપ અને મૈયા ગંગાનું સાંનિધ્ય કોને કહેવાય એની અસ્સલ ઝાંખી આ શહેર કરાવે છે. પણ આજે એ શહેર નામે “જોશીમઠ” તબાહ થઈ જવાની અણીએ જીવી રહ્યું છે.
છેલ્લા અઠવાડિયામાં આ શહેરના 650 ઘરોમાં અચાનક તિરાડો પડવા માંડી, જમીનમાં એક સ્કૂટર જતી રહે એટલી પહોળી ક્રેક ધડાધડ પડી ગઈ. અને આ પહેલીવારની ઘટના નથી. ગયા વર્ષે આ શહેરમાં એક ડેમ તૂટી ગયો અને ભયાનક જાનહાની થઈ ગઈ. 2015માં લગભગ 250 ઘરોમાં તિરાડો પડી ગયેલી અને લોકોએ નાસભાગ કરી મુકેલી. આજે તિરાડવાળા 650 ઘરો (જે સરકારી આંકડો છે.) સહિત 1500 જેટલા ઘરો ખાલી કરાવાય રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે આ સ્વર્ગસમું શહેર આજે નહિ તો કાલે સ્વર્ગભેગુ થઈ જવાનું એ તો નક્કી જ છે. અને એના કારણોમાં કુદરતનો કહેર નથી, પણ માણસજાતનો સ્વાર્થી કાળોકેર છે.
1976માં સરકારે ઋષિકેશ-બદ્રીનાથ રોડ બનાવવો શરૂ કર્યો ત્યારે એ રોડ જોશીમઠમાંથી પસાર કરવાને બદલે નીચે મારવાડી ગામ બાયપાસ કરવો એવો પ્રોજેકટ પાસ થયો. પણ જોશીમઠના રહેવાસીઓએ રોજગાર જતા રહેવાના ભયથી ઉગ્ર આંદોલન કર્યું. સરકારે જે મિશ્રા કમિટી બેસાડી એનો રિપોર્ટ આવ્યો કે રોજગારીનો પ્રશ્ન તો પછીનો છે, પહેલા તો આ સ્થળ કોઈ બાંધકામ સહન કરી શકે એમ જ નથી. મૂળભૂત રીતે ભૂસ્ખલનો-હિમનદીઓમાંથી ઉતપન્ન થયેલી પોલી જમીનો પર ઉભુ થયેલ જોશીમઠ હાલમાં પોલા ગઢવાલી પહાડો પર ટકેલું છે, જો એ પહાડોમાં મોટી છેડછાડ કરવામાં આવે તો આખું શહેર ધસી પડીને ગંગામાં સમાધિ લઈ શકે એવી ભયાનક શક્યતાઓ છે. અને સરકારે એ પ્રોજેકટ મુલતવી રાખ્યો. પછી તો સરકારો આવી અને સરકારો ગઈ, દરેક સરકારે પોતાની મહત્વાકાંક્ષાઓ અને કમાણીનો વિકાસ કરવા કોઈ જ એક્સપોર્ટ ઓપિનિયનની સાડીબાર રાખી નહિ.
પણ આજે એ જોશીમઠ પાસેથી 250 કિમીનો ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પસાર થાય છે. ઉત્તરાખંડના પાણીમાંથી વીજળી ઉભી કરવાના હેતુસર 520 મેગાવોટના મહાકાય ‘તપોવન પ્રોજેકટ’ માટે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને જોશીમઠ નજીક 12 કિમી લાંબી સુરંગ બનાવી છે, જેના માટે જમીનની અંદર ડાયનેમાઈટ બ્લાસ્ટ કરવા પડે, એનો આંચકો સીધો જ પહાડોને લાગે અને એ માર પોલા પહાડ તેમજ એની ઉપર આડેધડ બંધાયેલી ઇમારતોને લાગે જ. વળી, રોડ પહોળા કરવા પહાડો તોડાય કે બ્લાસ્ટ કરાય સરવાળે તો જમીનની અંદરનું ભૂ-દબાણ વધતા પહાડી જમીન અને એની વસ્તી ક્યારેક તો માર ખાવાની જ છે. વારંવાર પુરની તબાહી તો ફક્ત એક ટ્રેલર જ છે.
વાત ખાલી જોશીમઠની નથી. ઉત્તરાખંડના મોટાભાગના યાત્રાધામો કે હિલ સ્ટેશનોની આ જ હાલત છે. સરકારી ચોપડે નોંધાયેલી હોટેલો જ ફક્ત 6500 છે. એ સિવાય અસંખ્ય ગેરકાયદેસર આશ્રમો ને ગેસ્ટ હાઉસ તો ખરા જ. હાલમાં તો ચારધામને કવર કરી લેતો હાઇવે જ 850 કિમીનો બની રહ્યો છે, જે હવે મોટી દુર્ઘટનાનો અણસાર આવતા તંત્રએ મુલતવી રાખ્યો છે. જિયોટેક્નિકલ અભ્યાસુઓ તો કહી જ રહ્યા છે કે જોશીમઠ કરતા ય ખરાબ હાલત નૈનિતાલ, કસૌલ અને અલકનંદા, ઔલી (જે ભારતનું સ્વિત્ઝર્લેન્ડ કહેવાય છે.) જેવા વિસ્તારોની થઈ શકે છે. આનું એક નાનકડું રૌદ્ર રૂપ કેદારનાથમાં જોઈ આપણે જોઈ લીધું છે.
પણ 21મી સદીનો વિરોધાભાસ એ છે કે કુદરતના ભોગે પણ અમુક વિકાસ કર્યા વિના છૂટકો નથી. ઉત્તરાખંડની 1 કરોડની વસ્તીમાંથી લગભગ 20 લાખ રોજગારીઓ પ્રવાસન ઉધોગમાંથી પુરી પડે છે. એમાં ચા-નાસ્તાની લારીઓથી લઈને હોટેલો-ગેસ્ટહાઉસ પણ આવી ગયા ને પ્રવાસીઓને પોતાના ઘરમાં જ ઉતારો આપતા મકાન માલિકો પણ આવી ગયા. અધિકારીઓ અને નેતાઓને હપ્તો આપી દો એટલે પછી આડેધડ બાંધકામ કરવાની છૂટ મળી જાય. અને સરકાર પણ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સાવ રોકી શકે નહીં. કેમ કે, ચીનની 350 કિમી લાંબી બોર્ડર ઉત્તરાખંડની અડોઅડ છે. મિલિટરી ટ્રાન્સપોર્ટ તો પહોળા હાઇવે વગર કઈ રીતે થાય! બન્ને બાજુ બેલેન્સિંગ કર્યા વિના છૂટકો જ નથી કોઈ.
ટૂંકમાં, આમાં કુદરત હોય કે માણસ કોઈ જ સાવ ખોટા નથી. જોવાનું એ છે કે આ ભયાનક સંઘર્ષમાંથી અંતિમ વિજય કોનો થાય છે. જગતની ઉત્પતિથી આજ સુધીનો ઇતિહાસ તો કહે છે કે અંતિમ પરાજય માણસનો જ થાય છે!🙏
– Bhagirath Jogia
Leave a Reply