ગાંધી-ગૉડસે: એક યુદ્ધ- વોટ્સએપના મફતિયા મેસેજરૂપી તોપગોળા સામે ઇતિહાસના વાસ્તવિક ચોસલાઓમાં મઢેલી એક સુંદર ફિલ્મ…
નાનપણમાં અમે શીખેલા કે ગાંધી કોઈ વ્યક્તિ નથી, એ તો એક વિચાર છે જે ક્યારેય મરતો નથી. કમનસીબે થયું એવું કે ક્યાંક ગાંધીની સમાંતર તો ક્યાંક એની સામે ગૉડસે પણ વ્યકિત મટીને વિચાર સ્વરૂપે વિસ્તરતો ગયો. હિન્દુસ્તાનના દરેક તરુણના કુમળા-ઝનૂની માનસમાં ગૉડસે બહુ હળવેકથી પણ ઊંડાણથી યુવાન થતો ગયો. એ ગૉડસે પણ ગાંધીની જેમ ક્યારેય મર્યો નહિ, ભલે એ ગાંધીની જેમ વિશાળ ફલક પર જીવ્યો નહિ! આપણા મનઘડત ઇતિહાસનું એક ભૂંસી ના શકાય એવું કલંક એટલે ગૉડસે…
બહુ ગુસ્સો આવતો મનમાં, હાથની મુઠ્ઠીઓ વળી જતી, જ્યારે સાંભળતા કે ગાંધીએ આપણા દુશ્મન પાકિસ્તાનને 55 કરોડ અપાવી દીધા, જ્યારે સાંભળતા કે સરદારને અન્યાય કરીને નહેરુને વડાપ્રધાન બનાવવા પાછળ ગાંધી જવાબદાર હતા. બહુ આતંકિત થઈ જતું યુવાન હૃદય જ્યારે ક્યાંક વાંચતા કે ભગતસિંહની ફાંસી ગાંધીજીએ ધરાર ના રોકાવી…ગાંધીએ આમ કર્યું હતું ને ગાંધીએ તેમ…ગાંધી હિંદુ વિરોધી હતા, ગાંધી ખાલી જગ્યા, ગાંધી ખાલી જગ્યા, ગાંધી ફલાણું, ગાંધી ઢીંકણું….
પણ વર્ષો વીતી ગયા સાચો ઇતિહાસ જાણતા, વાંચતા અને સમજતા…દેર આયે લેકિન દુરસ્ત આયે, એટલું સદભાગ્ય… પણ હજી ભારતના બહુમતી લોકોને એ સદભાગ્ય નથી મળ્યું કે એના કુમળા, ભોળા, મૂર્ખ કે ખલ દિમાગમાં સાચો વાસ્તવિક ઇતિહાસ પચી શકે…કારણ કે,ઇતિહાસના પુસ્તકો કરતા ફેસબુકની પગારદાર પોસ્ટ અને વોટ્સએપના મફતિયા મેસેજ કે બે-બે રૂપિયાની ટ્વીટર યુવાનોના મગજને વહેલી સ્પર્શતી હતી. એટલે એ દયાપાત્ર યુવાનો ક્યારેય જાણી ના શક્યા કે…
પાકિસ્તાનને 55 કરોડ આપવા જ પડે, બાકી ઇન્ટરનેશનલ કોર્ટમાં એ મામલે ભારત હારી જાય. કેમ કે, એ કોઈ ખૈરાત નહોતી પણ કાયદેસરના ભાગલા હતા. છતાં ગાંધીજીએ એ માટે ઉપવાસ નહોતા કર્યા… પ્રથમ વડાપ્રધાન નહેરુ બન્યા, કારણ કે અંગ્રેજોની ગુડબુકમાં નહેરુ હતા, સરદાર નહિ. છતાં ગાંધીજી તો પછી ઇચ્છતા કે તત્કાલીન કોંગ્રેસનું વિસર્જન થઈ જાય અને એક પક્ષ નહેરુના તથા બીજો પક્ષ સરદારનો એમ જે ચૂંટણી જીતે એ દેશનો વડાપ્રધાન બને… ભગતસિંહની ફાંસી રોકવા ગાંધીજીએ વાઈસરોયને પત્ર લખેલો તેમજ સુભાષબાબુ-ગાંધીજી મતભેદો ભૂલીને સાથે એક પ્રચંડ રેલી કાઢવાના હતા, પણ કમબખ્ત અંગ્રેજોએ આમ થવા ના દીધું…વગેરે વગેરે… વગેરે વગેરે…
છતાં રાજનૈતિક ફાયદાઓ માટે ઉભી થયેલી ગોડસેની વિચારધારાનો બરાડો મોટો થવા લાગ્યો અને ગાંધીનું બોખું સ્મિત મંદ પડતું રહ્યું. છતાં એ આપણો વહેમ છે અથવા ટૂંકાગાળાનો ઉન્માદ…કેમ કે, દરેક ગૉડસેઓ મનમાં સ્વીકારે છે કે સમગ્ર ભારતમાં કોઈ એક અવાજ સદીઓ સુધી બુલંદ રહેશે તો એ આપણો નહિ પણ ગાંધીનો પડઘો જ હશે. દરેક ગૉડસેઓ ચૂપ થઈ જાય છે જ્યારે એમને પુછાય છે કે તમે અત્યાચારો વિરુદ્ધ રામ, કૃષ્ણ, પ્રતાપ કે શિવાજીની જેમ લડવા માંગતા હતા તો અંગ્રેજો સામે એક પથ્થર પણ ના ઉપાડ્યો???
પણ ભોંઠા પડીને ય ગોડસેની નફ્ફટ વિચારધારાઓ ભોંઠી પડવા નથી માંગતી… એમને હિંદુરાષ્ટ્રનું ઝનૂન તો પાળવું છે, પણ હિન્દુસ્તાન અને હિંદુ ધર્મની મહાનતા-વિવિધતા-એકતામાં ઊંડા નથી ઉતરવું. એમને 80-20ની રાજનીતિ હાહાકાર તો મચાવવો છે, ફક્ત હાહાકાર જ મચાવવો છે. બાકી ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે દેશના અસંખ્ય પ્રશ્નોના ઉકેલ લાવવાની કોઈ ચિંતા કે મહત્વાકાંક્ષાઓ નથી. પરિણામે લઘુમતીઓ સામે લડી લેવા સિવાયના અગણિત પ્રશ્નો કે સમસ્યાઓ સામે એમણે મનમાં શરમાયને, ભોંઠા પડીને, અદબ વાળીને મોઢા પર આંગળીઓ મૂકી જવી પડે છે…
છતાંય, આપણે ગોડસેને સાંભળવા પડે છે. કારણ કે, સ્વસ્થ લોકશાહીમાં દરેક અસહમતી સાથે સંવાદ કરવો એ ગાંધીની જ આપણા ભારતને ભેટ હતી. બાકી ગોડસેઓ એ જ દિવસે ટીચાય ગયા હોત, જ્યારે ગાંધી સામે પહેલીવાર અવાજ ઉંચો કર્યો હતો!
ફરીથી, ગાંધીના વિચારો અમર છે, તો ગોડસેઓ પણ મરવાના નથી. ભલે એ ગાંધીની જેમ જીવવાના નથી, એ અવાજ વામણો અને છીછરો હોવા છતાં એમનો બનાવટી આક્રંદ અને સિલેકટિવ ધર્મઝનૂન પ્રચંડ જ લાગવાનું નથી….છતાં, આ ભવ્ય ભારતના ભાતભાત કે લોગના હૃદયમાં ગાંધી જ જીવવાના છે, ગૉડસે નહિ!!!
– Bhagirath Jogia
Leave a Reply