પઠાણ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ નથી, છતાં શાહરુખ હિન્દુસ્તાનના દિલનો બાદશાહ છે!
‘પઠાણ ફિલ્મનું સાચું કલેક્શન કેટલું છે? ‘ કોઈએ ટ્વીટર પર શાહરુખ ખાનને પૂછ્યું. શાર્પ હ્યુમર અને હાજરજવાબી હુનરના માલિક શાહરૂખે જવાબ આપ્યો કે’ 5000 કરોડ પ્રેમ, 3000 કરોડ વખાણ અને 3250 કરોડ ઝપ્પીઓ…ગણતરી હજી બાકી છે. પણ તારો એકાઉન્ટન્ટ શું કહે છે?’ કારણ કે 729 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી પછી ય કોઈ ચમન ચોટલી વાયડાય કરતા સવાલો પૂછે તો એને ભોંઠા પાડીને હેઠે બેસાડી દેતા કિંગ ખાનને આવડે છે.
પઠાણ ફિલ્મની રિલીઝ વખતે વર્લ્ડકપની ફાઇનલમાં ઇન્ડિયા-પાકિસ્તાન ટકરાવાના હોય એવો દિલધડક ક્રેઝી પણ વેરીલો મેચ સિનેમારસિયાઓ અને બોયકોટપ્રેમીઓ વચ્ચે માનસિક એંગલથી ખેલાય રહ્યો હતો. બોયકોટિયાવ અને સિનેમાલવર્સ બન્ને સમજતા હતા કે કથળેલી ગુણવત્તાને કારણે ઢળતી સાંજના સૂરજની જેમ બૉલીવુડનો હવે પહેલા જેવો ચાર્મ રહ્યો નથી. ઇવન બાદશાહ ગણાતા શાહરુખની છેલ્લા દાયકામાં અડધો ડઝન ફિલ્મો ઓડિયન્સનો પ્રેમ મેળવવાને બદલે માર ખાઈ ચુકી છે. એમાંય હવે તો વરસાદના દેડકાની જેમ વાતાવરણ બદલાતું જોઈને બહાર આવેલા બોયકોટ કલ્ચર સામે જો પઠાણ માર ખાય તો શાહરુખની 30 વરસ લાંબી કારકિર્દીના ક્યારે પોટલાં પેક થઈ જશે એ તો શેરબજારના સટ્ટા જેવો વિષય થઈ ગયો હતો!
પઠાણ ફ્લોપ જાય એની માનસિક ખોટ (આર્થિક નહિ હો, શાહરૂખે તો એડવાન્સમાં જ કરોડો રૂપિયા ફી લઈ લીધેલી.) ફક્ત શાહરૂખને જ નહીં પણ આખા બોલિવુડને પડી શકે એમ હતી. કારણ કે છેલ્લા એક દાયકામાં એટલી ફિલ્મો માટે કથિત રાષ્ટ્રવાદીઓએ બહિષ્કારના ઝંડા સળગાવ્યા છે કે આ વાતાવરણ જો લાંબુ ચાલુ રહે તો પછી કોઈ સીધા સાદા પ્રોડ્યુસર કે કલાકારો નવી ફિલ્મ બનાવતા ય ડરે કેમ કે એક ડાયલોગ, એક ગીત કે પછી એકાદ કપડાના કલર પરથી પણ બોયકોટના ઝંડા સળગતા હોય તો પછી સંવેદનશીલ સર્જક બીજું કરી પણ શું શકે?
પઠાણની રિલીઝ પહેલાનું વાતાવરણ જુઓ તો દંભી દેશભક્તિના અનઓફિશિયલ ડીગ્રી લઈને ફરતા (દંભી જ દેશભક્તિ, બાકી તો ગાંધી ગૉડસે જેવી સત્યનો અરીસો બતાવતી ફિલ્મ માટે પ્રચાર કેમ ના કર્યો?) આખા દેશના રાષ્ટ્રવાદી નેતાઓ અને એમના ભક્તો શાહરુખ પર તૂટી પડ્યા હતા. અરે, જે સાધુઓએ સંસારની માયા મૂકી દીધી હતી એ ય પાછા બિકીનોનો કલર જોઈને વિરોધ કરતા હતા. હવે તો મેચની છેલ્લી ઓવરો જ બાકી હતી. સિનેમાપ્રેમીઓ અને બળતરાખોર બોયકોટિયાવ વચ્ચે સામસામાં જંગમાં કોણ ભવ્ય ભવ્ય વિજય મેળવશે અને કોણ બે પગ વચ્ચે માથું કરીને રોઈ લેશે? પણ ફિલ્મમાં હીરોની એન્ટ્રી થાય એમ આ જંગમાં પણ એક હીરોની એન્ટ્રી થઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેતાઓને હુકમ કરી દીધો કે આ ફિલ્મ વિશે કોઈએ જ કોઈ નેગેટિવ કોમેન્ટ કરવાની નથી. કેમ કે શાહરુખનો વિરોધ કરો તો ભારતની વિશ્વમાં નેગેટિવ ઇમેજ ઉભી થાય જ. વિશ્વગુરૂ બનવા નીકળ્યા હોઈએ ત્યારે આવી ફાલતુ વાતોમાં ધમાચકડી મચાવતો દેશ દુનિયાના બીજા દેશો પાસે નબળો જ લાગે! દુરંદેશી પ્રતિભા ધરાવતા મોદીસાહેબ તો ઇમેજ કોન્સિયસ હોવાથી આવી શક્યતાઓ સમજતા જ હોય, પણ મોદીના ખભે ચડીને ખુરશી મેળવેલા બીજા નેતાઓ ના સમજતા હોય, અને નકલી રાષ્ટ્રવાદના રવાડે ચડેલા અન્ધભક્તોની તો આવી વાતો સમજવા જેટલી બુદ્ધિ મત્તા જ નથી.
બીજી તરફ શાહરુખ પણ ‘પઠાણ’ની જેમ જ મક્કમ રહ્યો. માફી માંગીને ગલ્લા તલ્લા કરવાની વાત તો દૂર રહી, કલકત્તાના એક શો માં પઠાણ ફિલ્મના ડાયલોગ થકી જ ઇશારામાં કહી દીધું કે અભી મૈં ઝિંદા હું….જાણે નક્કી જ કરી લીધું કે ઝુકેગા નહિ સાલા.. પછી તો ટીમને ય કદાચ અંદરખાને કહી દીધું હશે કે કોઈએ કોઈ ચોખવટ કરવાની નથી. જે તકલીફ થશે એ હું મારા માથે લઈ લઈશ. કદાચ એટલે જ “બ્રહ્માસ્ત્ર” વખતે રણબીર-અયાને આડકતરી રીતે લાળા ચાવેલા, પણ આદિત્ય ચોપરા, દીપિકા પછીથી પઠાણ વખતે ચૂપ જ રહ્યા. શાહરુખ જ વન મેન શોની જેમ મજબૂત પહાડ માફક ઉભો રહ્યો.
પછી તો પ્રજાએ જ પઠાણને માથે બેસાડીને વધાવી લીધી. પહેલા વિકેન્ડમાં તો તમામ સાંજ-રાતના શો હાઉસફૂલ પણ બીજા વિકેન્ડમાં પણ અમુક અમુક શો હાઉસફૂલ! છેલ્લા ઘણા વર્ષોમાં જોયું છે કે બોલિવુડની ગમે એવી હીટ ફિલ્મ હોય બીજા-ત્રીજા વિકેન્ડમાં તો હાંફી જ જાય. પણ પઠાણમાં આવું ના થયું. કારણ કે આ વખતે શાહરુખનો હાથ સાચા હિન્દુસ્તાનીઓએ પકડી રાખ્યો હતો. અને ફિલ્મ પહોંચી ગઈ એક એવા શિખરે જ્યાં હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં કોઈ પહોંચી શક્યું નહોતું.
ખૈર, વાત આપણા દેશની પણ કરી જ લઈએ. બોયકોટિયાવ ભક્તો અને નાના નાના નેતાઓ ગમે એટલા આપણને હિંદુ-મુસ્લિમના નામે ભડકાવે પણ આપણા લોહીમાં હજી ગાંધી, સરદાર, નહેરૂ અને ભગતસિંહ જીવે છે. એટલે જ આપણા ડીએનએમાં મૂળભૂત રીતે જ સર્વધર્મ સમભાવની લાગણીઓ અખંડ છે.
કદાચ એટલે એવરેજ એક્શન ફિલ્મ પઠાણને આપણે 729 કરોડના શિખર પર બેસાડી દીધી. “કુછ તો બાત હૈ કી હસ્તિ નહિ મીટતી હમારી!”❤️🙏
🇮🇳 I LOVE MY INDIA 🇮🇳
-Bhagirath Jogia See less
Leave a Reply