Sun-Temple-Baanner

ડમ્બફોનઃ મોબાઇલના બંધાણથી છૂટવાનો સ્માર્ટ ઇલાજ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ડમ્બફોનઃ મોબાઇલના બંધાણથી છૂટવાનો સ્માર્ટ ઇલાજ


ડમ્બફોનઃ મોબાઇલના બંધાણથી છૂટવાનો સ્માર્ટ ઇલાજ

—————————–

તમે વિચારો કે તમારા ફોન પર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એમેઝોન જેવી મોબાઇલ એપ્લિકેશન્સ અને ઓટીટી હોય જ નહીં તો કેવી નિરાંત થઈ જાય! એક મોટા વર્ગને લાગે છે તેઓ મોબાઇલ પર હોય છે ત્યારે એમના પર જે સતત ચોકીપહેરો થતો હોય છે તે બિલકુલ ચલાવી શકાય તેમ નથી. એમને ડેટા પ્રાઇવસીની ચિંતા છે. તેમને હવે ડમ્બફોન એકાએક આકર્ષક લાવવા માંડયા છે.

——————————
વાત-વિચાર 0 એડિટ પેજ 0 ગુજરાત સમાચાર
——————————

કહે છેને કે ફેશન વર્તુળાકારે ગતિ કરતી હોય છે. ડમ્બફોનની ‘ફેશન’ પાછી ફરી છે. આ ફેશન જોકે હંમેશ માટે ટકી રહેવી જોઈએ. ડમ્બફોન એટલે શું? આપણે હાલ જે એન્ડ્રોઇડ કે એપલનો મોબાઇલ ફોન વાપરીએ છીએ તે સ્માર્ટફોન છે. ડમ્બફોન એટલે એના કરતાં વિપરીત તાસીર ધરાવતા સીધોસાદો, જૂના જમાનાનો ફોન. સ્માર્ટ એટલે હોશિયાર, ચતુર અને ડમ્બ એટલે બાઘ્ઘો, ડોબો. પેલો કાળો નોકિયા ફોન યાદ છે, જેના બટન ઉપસેલા રહેતાં હતાં? બસ, એ ડમ્બફોન છે. આજે આપણા સ્માર્ટફોન ફોર-જી યા તો ફાઇવ-જી ટેકનોલોજી વડે સુસજ્જ છે, તેમાં વોટ્સએપ-ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-એક્સ જેવાં સોશિયલ મીડિયા ટ્વેન્ટીફોર બાય સેવન ધમધમતાં રહે છે, થોડી થોડી વારે મોબાઇલની સ્ક્રીન પર ટિંગ ટિંગ કરતાં નોટિફિકેશન રણકતાં રહે છે. ડમ્બફોનમાં આ કશું જ હોતું નથી. ડમ્ફફોન વડે તમે માત્ર કૉલ કરી શકો, કૉલ રિસીવ કરી શકો, એસએમએસ કરી શકો, એલાર્મ મૂકી શકો અને બહુ બહુ તો એમાં સ્ટોર થયેલાં થોડાંક ગીતો સાંભળી શકો, બસ.

ડમ્બફોનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ આ છેઃ તેમાં સોશિયલ મીડિયા નથી. વોટ્સએપ સુધ્ધાં નહીં. તેથી વારે વારે તમારો હાથ આપોઆપ, વોલન્ટરીલી, મોબાઇલ તરફ ખેંચાઈ જતો હતો હોય છે તે આ ડમ્બફોન તરફ નહીં ખેંચાય. છીંક આવે એટલે છીંક ખાવી જ પડે એમ મોબાઇલમાં નોટિફિકેશન આવે એટલે ચેક કરવું જ પડે – અરે, નોટિફિકેશન ન આવે તો પણ થોડી થોડી સેકન્ડે મોબાઇલ પર નજર ફેરવવી પડે – એવી તો દયનીય આપણી હાલત થઈ ગઈ છે. આપણને મોબાઇલની ગુલામીમાંથી છોડાવવા માટે આ ડમ્બફોન પાછો પ્રગટયો છે. મોંઘોદાટ એપલનો સ્માર્ટફોન નહીં, પણ સીધોસાદો ડમ્બફોન હવે ‘કૂલ’ ગણાવા લાગ્યો છે.

ડમ્બફોનના ઘણા પર્યાવવાચી શબ્દો છે – બોરિંગ ફોન, ફિચરલેસ ફોન, ફ્લિપફોન વગેરે. મજા જુઓ. ડમ્બફોનનો ટ્રેન્ડ ગયા વર્ષે અમેરિકામાં ટિકટોક પર શરૃ થયો હતો. ‘હેશટેગ બ્રિંગ બેક ફ્લિપફોન’ એકાએક ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ડમ્બફોનના ફાયદા વિશે એટલી બધી વાતો થવા લાગી કે નોકિયાએ એનો ડમ્ફફોન નવેસરથી લોન્ચ કર્યો ને ગયા એપ્રિલ સુધીમાં એનું વેચાણ બમણું થઈ ગયું. કોઈ કહેશે કે આ નોકિયાવાળાઓએ જ ડમ્બફોનનો ટ્રેન્ડ શરૃ કરાવ્યો હશે! જોકે એપલ અને સેમસંગ જેવી કંપનીઓએ ગભરાઈ જવાની જરૃર નથી. આજે પણ સ્માર્ટફોન જ વધારે વેચાય છે, ડમ્બફોનની માર્કેટ હજુ બહુ જ નાની છે.

થોડા સમય પહેલાં એક સર્વે થયો હતો, જેમાં જનરેશન-ઝેડ એટલે કે જેન-ઝી, ૧૯૯૭થી ૨૦૧૨ દરમિયાન જન્મેલી પેઢી – કે જેની ઉંમર હાલ ૧૨થી ૨૭ વર્ષની વચ્ચે છે – એમને મોબાઇલ બિહેવિયર વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. તારણો આશ્ચર્યજનક હતાં. પાંચમાંથી ત્રણ પ્રતિભાગીએ કહ્યું કે અમને હવે ચોવીસે કલાક ‘કનેક્ટેડ’ રહેવું ગમતું નથી, અમે સ્માર્ટફોનથી થતા ગેરફાયદા વિશે સભાન છીએ અને અમારે અમારું મોબાઇલ બિહેવિયર સુધારવાની જરૃર છે. યંગસ્ટર્સને હવે ઓફલાઇન રહેવું, ડિજિટલી મિનિમલિસ્ટિક રહેવું આકર્ષક લાગવા માંડયું છે. તેમને લાગે છે અમે મોબાઇલ પર હોઈએ ત્યારે અમારા પર સતત ચોકીપહેરો થતો હોય છે. અમે શું જોઈએ છીએ, શું લાઇક કરીએ છીએ, શેના પર કમેન્ટ કરીએ છીએ તે બધાની સતત નોંધ લેવાતી હોય છે. એડવર્ટાઇઝર્સ અમારી પસંદ-નાપસંદ પકડી લઈને તે મુજબ અમારા પર એડ્સનો મારો કરતા રહે છે. અમારો ડેટા પ્રાઇવેટ રહી શકતો નથી. વિજ્ઞાાપનદાતાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, સરકાર, સ્કેમ કરનારા કૌભાંડીઓ કે બીજું કોઈ પણ અમને સતત ‘શિકાર’ તરીકે જુએ છે તે અમને પસંદ નથી… અને તેથી જ અમને હવે સ્માર્ટફોનને બદલે ડમ્બફોન વધારે ગમવા માંડયો છે.

આ કેટલી સારી અને સાચી વાત છે. માત્ર જનરેશન-ઝી જ શા માટે, આ ખેવના તો આપણા સૌ કોઈની હોવી જોઈએ. એક અહેવાલ મુજબ, વીસથી ત્રીસ વર્ષના લોકોને ડેટા પ્રાઇવસીની સૌથી વધારે ચિંતા હોય છે. મેન્ટલ હેલ્થની સમસ્યાઓ વિશે પણ તેઓ સંભવતઃ સૌથી વધારે સભાન છે. નવા નવા શબ્દપ્રયોગો બનતા રહે છે અને પોપ્યુલર કલ્ચરમાં પ્રસરતા રહે છે. એક શબ્દપ્રયોગ છે, નીઓ-લુડાઇટ્સ. લુડાઇટ્સ એટલે એવો લોકો જેમને ટેકનોલોજી પ્રત્યે ખાસ કંઈ પ્રેમ નથી. અતિ આધુનિક નવી પેઢીનો એક વર્ગ હવે ખુદને ગર્વથી નીઓ-લુડાઇટ્સ કહેવડાવે છે. નીઓ એટલે ન્યુ, નવો. પ્રાઇવસી અને સિક્યોરિટી તેમના માટે બહુ મહ્ત્ત્વની છે. તેઓ મોબાઇલ સ્ક્રીન પર બનતા બનાવટી કે છીછરાં કનેક્શનમાં નહીં, પણ અસલી માનવીય સંબંધો બનાવવામાં માને છે. તેમને પર્યાવરણની ચિંતા છે. તેઓ એન્ટિ-કન્ઝ્યુમરિઝમમાં માને છે ને ઉપભોક્તાવાદના વિરોધી છે. કેટલી અદભુત વાત!

તકલીફ આ છેઃ સ્માર્ટફોને આપણી આદત એટલી બગાડી નાખી છે કે એના વગરની દુનિયાની કલ્પના આપણને ધૂ્રજાવી દે છે. આપણા સ્માર્ટફોનમાં દુનિયાભરની એપ્લિકેશન્સ સળવળ સળવળ થતી રહે છે. આપણે સોફા પર લાંબા થઈને આપણા ફોન પર ન્યુઝ જોઈએ છીએ, મેચ જોઈએ છીએ, નેટફ્લિક્સ ઇત્યાદિ પર ફિલ્મો ને વેબ શોઝ જોઈએ છીએ. શોપિંગ, ખાણીપીણીના ઓર્ડર, બેન્કના કામકાજ, બસ-ટ્રેન-પ્લેન-ફિલ્મોના બુકિંગ આપણે મોબાઇલ ફોન પર પતાવી દઈએ છીએ. વાહન લઈને બહાર નીકળીએ છીએ ત્યારે આપણે ફોન પર ગૂગલ મેપ ઓન કરી દઈએ છીએ અને બેકગ્રાઉન્ડમાં અરિજિત સિંહનાં ગીતો ચાલુ કરી દઈએ છીએ. કેટલાય લોકો ઓફિસના અડધોઅડધ કામ ફોન પર નિપટાવી નાખે છે. જૂના જમાનામાં આપણે જેમ્સ બોન્ડની ફિલ્મોમાં હેરતઅંગેજ ઉપકરણો જોઈને અચંબિત થઈ જતા હતા. આજે આપણા સૌના હાથમાં એ જેમ્સ બોન્ડ ટાઇપના અતિ સ્માર્ટ ફોન આવી ગયા છે.

આ સઘળું આમ તો બહુ રુપાળું, સુવિધાભર્યું અને લાભપ્રદ લાગે છે, પરંતુ હવે આપણે જાણી ચૂક્યા છીએ કે સ્માર્ટ ફોનના લાભની સામે જે ગેરલાભ થાય છે તે અતિ ગંભીર અને બિહામણાં છે. સ્માર્ટફોન આપણા હાથમાં આવ્યો તે વાતને આજે સત્તર વર્ષ થઈ ગયાં. સમજોને કે એક આખી પેઢીને ખબર જ નથી કે સ્માર્ટફોન સિવાયની દુનિયા કેવી હોય… પણ આટલા સમયગાળામાં આપણને સ્માર્ટફોનના અપલખણ સમજાઈ ગયાં છે. દર બીજી મિનિટે આપણને ફોન ચેક કર્યા વગર ચાલતું નથી. આપણી એકાગ્રશક્તિનો તો ખુડદો બોલી ગયો છે. આપણી ઊંઘની વાટ લાગી ગઈ છે. આપણું અટેન્શન સ્પાન સાવ ઘટી ગયું છે. માત્ર ટીનેજર્સ કે યગસ્ટર્સને દોષ દેવા જેવા નથી, એમનાં મમ્મી-ડેડીઓ અને દાદા-દાદીઓની પણ આ જ હાલત છે.

કોઈ પણ વસ્તુની અતિ થાય છે ત્યારે પ્રતિઘાત જન્મે જ છે. સ્માર્ટફોનના બંધાણને કારણે ડિજિટલ ડિટોક્સિફિકેશન શબ્દપ્રયોગ ચલણમાં આવ્યો. જેમ આપણે આપણા શરીરનું શુદ્ધીકરણ કરવા માટે ઉપવાસ-એકટાણા કરીએ છીએ એ રીતે મનનું શુદ્ધીકરણ કરવા માટે ધ્યાન-મેડિટેશન ઉપરાંત દિવસની થોડી કલાકો યા તો થોડા દિવસો ડિજિટલ ઉપકરણોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

માનો કે આપણે ડમ્બફોન તરફ વળવાનો નિર્ણય લઈ લઈએ, પણ આપણી સાથે સંકળાયેલા માણસો અને આખી સિસ્ટમ સ્માર્ટફોન પર જ ઓપરેટ કરતી હોય તો શું કરવું? જેમ કે, ઘણી ઓફિસમાં બોસ કે કલીગ્સ વચ્ચે સૂચનાઓનું આદાનપ્રદાન વોટ્સએપ પર થાય છે. સ્કૂલોમાં હોમવર્ક, વાલીઓને સૂચના વગેરે વોટ્સએપ પર અપાય છે. બેન્ક જેવી આવશ્યક સંસ્થાઓની સૂચનાઓ આપણને સ્માર્ટફોન પર મળે છે. આનો પણ તોડ નીકળ્યો છે. કેટલાક ડમ્બફોનમાં ટુ-જી કે થ્રી-જી કનેક્ટિવિટી અપાય છે. આના થકી તમે સાદું વેબ બ્રાઉઝિંગ કરી શકો છો, ફેસબુક કે યુટયુબ પર લટાર મારી શકો છો. આમ છતાંય એને ડમ્બફોન જ કહેવાય છે, કેમ કે એમાં એન્ડ્રોઇડ કે આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ નથી જ હોતી. તમે એમાં એપ્સ ડાઉનલોડ કરી શકતા નથી. એનો પ્રોસેસિંગ પાવર અને મેમરી ઓછાં હોય છે. મોટા ભાગના ડમ્બફોનમાં કીપેડ હોય છે. ટચ સ્ક્રીન હોય તોય સાવ સાદી હોય, તેમાં સ્માર્ટફોન જેવી મલ્ટિટચ કેપેસિટી ન હોય.

તમે વિચારો કે તમારા ફોન પર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ, યુટયુબ, એમેઝોન જેવી મોબાઇલ એપ્લિકેશન્સ અને ઓટીટી હોય જ નહીં તો કેવી નિરાંત થઈ જાય! વચગાળાનો રસ્તો એવો હોઈ શકે કે તમારી પાસે બે ફોન હોય, મુખ્ય વપરાશ માટે ડમ્બફોન હોય, અને કબાટના ખાનામાં એક સ્માર્ટફોન પણ પડયો હોય. એને કબાટમાં જ રાખવાનો. ડમ્બફોન અને સ્માર્ટફોન બન્ને સાથે ઊંચકીને ફર્યા કરીશું તો અર્થ નહીં સરે. સો વાતની એક વાત આ જ છેઃ મોબાઇલના વ્યસનથી બચવા માટે ડમ્બફોનની ‘ફેશન’ અપનાવવા જેવી છે!

– શિશિર રામાવત

#dumpphone #vaatvichar #GujaratiSamachar

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.