૨૮ વર્ષે બૂકર, ૮૨ વર્ષે નોબેલ
—————————–
(મારા સિનિયર અને સાહિત્યકાર મિત્ર કિરીટ દૂધાતે ગઈ રાત્રે જ એક ફેસબુક પોસ્ટમાં નોબલ પ્રાઇઝ વિનર અને આજીવન ટૂંકી વાર્તાઓ જ લખનાર 92 વર્ષીય કેનેડિયન લેખિકા એલિસ મુનરોના મૃત્યુના સમાચાર શેર કર્યા. મને યાદ આવ્યું કે એલિસ મુનરોને નોબલ પ્રાઇઝ મળ્યું હતું તે વખતે મેં તેમના વિશે મારી ટેક-ઓફ કોલમમાં એક લેખ લખ્યો હતો. સદભાગ્યે તે તરત જડી ગયો (થેન્ક્યુ, મારા બ્લોગ!) સાડાદસ વર્ષ જૂનો તે લેખ અહીં ફરીથી શેર કરું છું.)
—————————–
આ મહિનામાં (એટલે કે ઓક્ટોબર 2013માં) બે સરસ ઘટના બની. એલિસ મુનરો નામની લેખિકાને ૨૦૧૩નું નોબેલ પ્રાઇઝનું મળ્યું. એના પાંચ દિવસ પછી ઇલિનોર કેટન નામની બીજી લેખિકાને આ વર્ષનું મેન બૂકર પ્રાઇઝ ઘોષિત થયું. નોબેલ અને બૂકર-બન્ને વિશ્વનાં સૌથી હાઇ પ્રોફાઇલ અને તગડાં પારિતોષિકો. નોબલ પ્રાઇઝ ૧.૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૭૩ કરોડ રૂપિયાનું અને બૂકર પ્રાઇઝ પચાસ હજાર પાઉન્ડ એટલે કે આશરે ૪૯ લાખ રૂપિયાનું. એલિસ અને ઇલિનોર બન્ને ગદ્યસ્વામિનીઓ છે. એલિસ મુનરો નવલિકાકાર છે, જ્યારે ઇલિનોર કેટન નવલકથાઓ લખે છે. એલિસને તેમના સમગ્ર સર્જન માટે નોબેલ પ્રાઇઝ મળ્યું છે, જ્યારે ઇલિનોરને એમની બીજી નવલકથા ‘ધ લ્યુમિનરીઝ’ માટે બૂકર પ્રાઇઝ મળ્યું છે. એલિસ અને ઇલિનોર બન્નેનો જન્મ કેનેડામાં થયો છે. એલિસ કર્મે પણ પૂર્ણતઃ કેનેડિયન છે, જ્યારે ઇલિનોર છ વર્ષની થઈ ત્યારે એનો આખો પરિવાર ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયો. એલિસ મુનોર ૮૨ વર્ષનાં છે, જ્યારે ઇલિનોરની ઉંમર ફક્ત ૨૮ વર્ષ છે!
જીવનના અંતિમ બિંદુ તરફ આગળ વધી ગયેલી લેખિકા અને હજુ ઊગીને ઊભી થઈ રહેલી લેખિકા લગભગ એકસાથે વિશ્વસ્તરે પોંખાય તે સુંદર સ્થિતિ છે. ઊભરી રહેલી જેન્યુઇન ટેલેન્ટ કારકિર્દીનાં પ્રારંભિક વર્ષોમાં જ સન્માનિત થઈ જાય તે આદર્શ પરિસ્થિતિ છે જ. જો ઇલિનોર કેટનનો માંહ્યલો સાબૂત હશે તો પચાસ હજાર પાઉન્ડનું મસમોટું ઇનામ એના જીવનને ફક્ત સહેજ વધારે અનુકૂળ બનાવશે, તેની ક્રિએટિવિટીને કરપ્ટ નહીં કરે. સાહિત્યનું નોબેલ પ્રાઇઝ એ લાઇફટાઇમ એવોર્ડ હોય છે. સમગ્ર જીવન દરમિયાન કરેલાં સાહિત્યસર્જનની આ અંતિમ અને ઉચ્ચતમ સ્વીકૃતિ છે.
સામાન્યપણે સાહિત્યનું નોબેલ પારિતોષિક વિજેતા પસંદ કરનારી ટીમનો ઝુકાવ કવિ અને નવલકથાકાર તરફ વધારે હોય છે,પણ આ વખતે એક નવલિકાકારની પસંદગી થવાથી ટૂંકી વાર્તાનું સાહિત્ય સ્વરૂપ જાણે એકાએક હોટ એન્ડ હેપનિંગ બની ગયું છે. એલિસ મુનોરના ૧૪ વાર્તાસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમની કથાઓમાં મુખ્યત્વે ગ્રામ્ય વાતાવરણ હોય, માનવમનની ગૂંચવણો, માનવીય સંબંધો ને વાર્ધક્ય જેવાં તત્ત્વોની કમાલની વાતો હોય. વિવેચકોને તેમની નવલિકાઓમાં નવલકથાની કક્ષાનું સાહિત્યિક અને ઇમોનશનલ ઊંડાણ દેખાય છે (હવે આ પ્રકારની તુલના સામે ઘણાંને વાંધો પડી શકે એમ છે. નવલકથાની કક્ષા નવલિકાની કક્ષા કરતાં ઊંચી જ હોય એવું શા માટે આગોતરું સ્વીકારી લેવામાં આવ્યું છે? વગેરે).
‘માસ્ટર ઓફ કન્ટેમ્પરરી શોર્ટ સ્ટોરીઝ’ ગણાતાં એલિસની તુલના ઘણી વાર મહાન રશિયન લેખક ચેખોવ સાથે થાય છે. તેમણે આજીવન ફક્ત ટૂંકી વાર્તાઓ જ લખી છે. લખવાની શરૂઆત તેમણે એવું વિચારીને કરી હતી કે આગળ જતાં હું નવલકથા લખીશ. વર્ષોનાં વર્ષો સુધી ટૂંકી વાર્તાને તેઓ નવલકથા લખવા માટેની ‘નેટ પ્રેક્ટિસ’ તરીકે જોતાં રહ્યા. વળી, ઘર સંભાળવામાં અને ત્રણ બાળકોને મોટાં કરવાની પળોજણમાં લાંબી નવલકથાને બદલે ટૂંકી ટૂંકી વાર્તાઓ લખવાનું જ ફાવે તેમ હતું. એક સ્થિતિ એવી આવી કે તેમને જે કંઈ કહેવાનું હોય તે સઘળું નવલિકામાં કહેવાઈ જતું.
એલિસ મુનોર ઝપાટાબંધ લખનારાં લેખિકા નથી, ક્યારેય નહોતાં. પહેલો ડ્રાફ્ટ એ જ અંતિમ ડ્રાફ્ટ એવો આગ્રહ તો બિલકુલ નહીં. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, ‘હું વીસ વર્ષની ઉંમરથી નવલિકાઓ લખું છું. હું ત્યારથી જ લખવામાં ધીમી છું. લખવાનું કામ મને લગભગ હંમેશાં કઠિન લાગ્યું છે. મારું રૂટિન કંઈક આવું હોય છે. સવારે ઊઠીને કોફી પીને હું લખવા બેસી જાઉં. થોડી વાર પછી બ્રેકફાસ્ટ જેવું કરી પાછી લખવા માંડું. મારું નક્કર લખવાનું કામ સવારના ભાગમાં જ થતું હોય છે. સમજોને કે સવારે હું કુલ ત્રણેક કલાક લખતી હોઈશ. હું રોજેરોજ લખું છું.
અઠવાડિયાના સાતેય દિવસ. રોજ નોટબુકનાં અમુક પાનાં ભરવાં જ એવો મારો નિયમ છે. જો નક્કી કરેલાં પાનાં ન ભરાય તો મારું મન ઉચાટમાં રહે. ધારો કે કોઈ દિવસ ન લખી શકાય તો બીજા દિવસે ઓવર-ટાઇમ કરીને વધારે પાનાં લખી બધું સરભર કરી નાખું. ચાલવાના મામલામાં પણ એવું. રોજ ત્રણ માઈલ વોકિંગ કરવાનું જ. ક્યારેક ઓછું ચલાય તો બીજા દિવસે વધારે ચાલી નાખવાનું.’
શિસ્ત એ ઉત્તમ સર્જકોનો કોમન ગુણ છે. માત્ર ક્રિએટિવિટી, ક્રિએટિવિટીના જાપ કરતાં રહેવાથી ઊંચાઈઓ સર થતી નથી. એલિસ મુનોર રી-રાઇટિંગ પણ પુષ્કળ કરે. ક્યારેક માત્ર બે શબ્દો બદલવા હોય તોપણ છપાવા જઈ રહેલાં પુસ્તકને અટકાવીને પ્રૂફ પાછું મંગાવે. પરફેક્શનનો આવો આગ્રહ જરૂરી હોય છે શ્રેષ્ઠતાની સાધના માટે.
૨૮ વર્ષનાં ઇલિનોર કેટને બે વિક્રમ બનાવ્યા છે. એક તો, બૂકરના ૪૫ વર્ષના ઇતિહાસમાં આટલી નાની વયની વ્યક્તિને પહેલી વાર પારિતોષિક આપવામાં આવ્યું છે. બીજું, ‘ધ લ્યુમિનરીઝ’ બૂકર જીતનારી સૌથી તોતિંગ નવલકથા છે – પૂરાં ૮૩૨ પાનાં. માઇક્રોસોફ્ટ વર્ડમાં આખી નવલકથા લખી લીધા પછી ઇલિનોરે ‘ધ એન્ડ’ ટાઇપ કર્યું ત્યારે શબ્દસંખ્યા થઈ હતી બે લાખ ૭૦ હજાર શબ્દો, ફક્ત. ‘ધ લ્યુમિનરીઝ’ એક ક્રાઇમ થ્રિલર છે. ગયા સપ્તાહે જેની વાત કરી હતી એ અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટની લેટેસ્ટ નોવેલ ‘ધ સિગ્નેચર ઓફ ઓલ થિંગ્સ’ની માફક ‘ધ લ્યુમિનરીઝ’ના કથાનકનો સમયગાળો પણ ઓગણીસમી સદીનો છે. વાર્તા કંઈક એવી છે કે એક નગરમાં એકસાથે ત્રણ વિચિત્ર ઘટનાઓ બને છે. શહેરનો સૌથી ધનિક અને સૌથી’ડિઝાયરેબલ’ પુરુષ અચાનક ગાયબ થઈ જાય છે. આત્મહત્યાની કોશિશ કરી ચૂકેલી એક વેશ્યા ક્યાંકથી મૂર્છિત અવસ્થામાં જડી આવે છે અને જેના ઘરની જમીનમાં ખજાનો દટાયેલો છે તેવા એક શરાબીનું ખૂન થઈ જાય છે. દેખીતું છે કે આ કથામાં રહસ્ય,રોમાંચ, ષડયંત્ર અને રોમાન્સ જેવાં તત્ત્વો તો હોવાનાં જ, પણ ઇલિનોરે ખરી કમાલ નવલકથાના સ્વરૂપમાં કરી છે. તેણે જ્યોતિષશાસ્ત્રનો ‘સ્ટ્રક્ચરલ એન્કર’ તરીકે સરસ ઉપયોગ કર્યા છે. બાર રાશિ પ્રમાણે નવલકથાને બાર પ્રકરણોમાં વિભાજિત કરી દીધી છે. (મધુ રાયે દાયકાઓ પહેલાં ‘કિમ્બલ રેવન્સવૂડ’માં રાશિઓનો અફલાતૂન ઉપયોગ કર્યો હતો, યાદ છેને? એનઆરઆઈ નાયક યોગેશ પટેલ એક પછી એક બાર રાશિની કન્યાઓને મળે છે ને તે લયમાં નવલકથા આગળ વધે છે.) ઇલિનોરે ગ્રહો,નક્ષત્રો અને તારાની સ્થિતિને પણ કથારસનો મહત્ત્વનો હિસ્સો બનાવ્યાં છે. પાત્રોનાં વ્યક્તિત્વ તેમની સનસાઇન એટલે કે રાશિ પ્રમાણે ઉપસાવ્યાં છે. ‘ધ લ્યુમિનરીઝ’ને ભવિષ્યમાં ‘ધ ગ્રેટ ન્યૂઝીલેન્ડ નોવેલ’નો દરજ્જો મળે તેવી પૂરી શક્યતા છે.
એલિસ મુનોરે જીવનમાં જે સિદ્ધ કરવાનું હતું તે કરી લીધું છે, પણ ઇલિનોરનો સાહિત્યક ગ્રાફ હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાની મજા આવશે. આ મજા તો જ આવે જો એનું પુસ્તક વાંચ્યું હોય. મતલબ કે ‘ધ સિગ્નેચર ઓફ ઓલ ધ થિંગ્સ’નું રેપર ખોલીને હજુ વાંચવાની શરૂઆત કરીએ તે પહેલાં બીજાં એટલિસ્ટ બે પુસ્તકો ઓનલાઇન ઓર્ડર કરવાનો સમય પાછો આવી ગયો છે.
– શિશિર રામાવત
#AliceMunro
Leave a Reply