‘સમંદર’માં સૌથી મોટો રોલ કોનો છે, ખબર છે? ‘સિગારેટ પીવું અને મદિરાપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ એ મતલબના લખાણનો! આ લીટી મારી બેટી સ્ક્રીનના બોટમ-રાઇટ કોર્નરમાંથી ખસવાનું નામ લેતી નથી! અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છે – ડ્રિન્કિંગ લાઇક અ ફિશ. અહીં માછીમારીના ધંધામાં પડેલાં પાત્રો માછલીની જેમ દારૂમાં દિવસરાત તર્યાં જ કરે છે. દેસી-વિદેસી દારૂનું એકધારું પાન – એ આ પાત્રોની મુખ્ય એક્ટિવિટી છે. એમ તો દારૂમાંથી ટાઇમ મળે ત્યારે વચ્ચે વચ્ચે થોડીઘણી દાણચોરી, માછીમારી, ચૂંટણીબાજી ને મારામારી પણ કરી લે છે!
જોક અસાઇડ, આ ફિલ્મની લાંબા સમયથી પ્રતીક્ષા હતી. ડિરેક્ટર વિશાલ વડા વાલાની આગલી ફિલ્મ ‘સૈયર મોરી રે’માં ગમી જાય એવું ઘણું બધું હતું. એમાંય પેલો રાતના સમયે નાયક નાયિકાને ગામની ગલીમાં ચાલતા-ચાલતા પ્રપોઝ કરે છે તે જબરો અનયુઅલ ડ્રોન શોટ તો મારો ઓલ-ટાઇમ-ફેવરિટ છે. ‘સમંદર’માં તગડા કલાકારોનો કાફલો છે એ એક મહત્ત્વનું આકર્ષણ હતું. વત્તા કેદાર ઉપાધ્યાય – ભાર્ગવ પુરોહિતનું સંગીત. ‘માર હલેસા’ ગીતે તો એ મહિનાઓ પહેલાં રિલીઝ થયેલું હતું ત્યારે જ મોજ કરાવી દીધી હતી, અને ત્યાર બાદ આવ્યું બી પ્રાકે ગાયેલું આ અફલાતૂન ગીત – ‘તું મારો દરિયો’. પહેલી વાર સાંભળતાંની સાથે જ આ કમ્પોઝિશન ચિત્ત પર ચોંટી ગયું છે. આ ગીત 2024નું ‘સોંગ ઓફ ધ યર’ બનીને ઉભરે તો જરાય નવાઈ નહીં પામવાની. ઇન શોર્ટ, ‘સમંદર’ની રાહ જોવાનાં અનેક વેલિડ કારણો હતાં.
તો શું આ પ્રતીક્ષા લેખે લાગી? જવાબ છે, હા અને ના.
ફિલ્મ જોતી વખતે તમને રાઇટર-ડિરેક્ટરની એમ્બિશન સમજાય છે, તેઓ ક્યાં પહોંચવા ધારે છે તે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, પણ ફિલ્મ ધાર્યો લક્ષ્યવેધ કરી શકતી નથી. અલબત્ત, તમે એ પણ જોઈ શકો છો કે તીર ભલે ટાર્ગેટની બિલકુલ વચ્ચોવચ્ચ બુલ્સ આઇ પર લાગ્યું નથી, પણ તીર ટાર્ગેટથી દસ માઇલ દૂર ફેંકાઈને પડ્યું છે, સાવ એવુંય નથી.
ફિલ્મની લંબાઈ વધારે હોય કે ઓછી, તે ફીલ થવી ન જોઈએ. ‘સમંદર’ની લંબાઈ ફીલ થતી રહે છે. ખાસ કરીને ફર્સ્ટ હાફમાં. સંવાદો સરસ છે, પણ સ્ટોરી અને સ્ક્રીનપ્લે બન્ને પર ઘણી વધારે જહેમત લેવાની જરૂર હતી. ફિલ્મમાં બનતી ઘટનાઓનાં કાર્ય-કારણો – કૉઝ એન્ડ ઇફેક્ટ – તગડાં હોવાં જોઈએ, કન્વિન્સિંગ હોવા જોઈએ. જો તે કાચાં રહી જાય તો વાર્તાપ્રવાહ એની તીવ્રતા ગુમાવી બેસે. ‘સમંદર’માં આવું સતત બન્યા કરે છે.
આમ છતાંય ફિલ્મ ડૂબતી નથી, તે તર્યા કરે છે અને એનું કારણ છે દમદાર પર્ફોર્મન્સીસ. મયૂર ચૌહાણ ઉર્ફ માઇકલ (ઉર્ફ ગુજરાતી સિનેમાના નવાઝુદ્દીન સિદ્દીકી) અને જેમને કોઈ પણ ક્ષણે હિન્દીવાળા (કે ઇવન સાઉથવાળા) કિડનેપ કરીને ઉપાડી જવાના છે એવા ઘર્મેન્દ્ર ગોહિલ તથા ચેતન ધાનાણી – આ ત્રણના મજબૂત ખભા પર ફિલ્મ ઊભી છે. ફિલ્મને ટકાવી રાખતો ચોથો મજબૂત ખભો એટલે, અફ કોર્સ, કેદાર-ભાર્ગવનાં ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક. મયૂર સોનેજી એક ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે. રોલ સાવ નાનો હોય તોય સરસ છાપ કેવી રીત છોડાય તે કલ્પના ગાગડેકર પાસેથી શીખવા જેવું છે. રીવા રાચ્છ – કેટલો સાહજિક અભિનય કરે છે આ જામનગરી કન્યા. મારા માટે તો જોકે આ ફિલ્મનો સરપ્રાઇઝ પેકેજ હતો, નાનો સલમાન બનતો ધૈર્ય ઠક્કર. મસ્ત સ્વેગ છે, પરફેક્ટ એટિટ્યુડ પકડ્યો છે. ધૈર્ય પુખ્ત વયના ફુલફ્લેજેડ હીરો બનવા માટે બિલકુલ રેડી છે.
બધાની વાત કરી, પણ ફિલ્મના બીજા લીડ એક્ટર જગજિતસિંહ વાઢેરની વાત કેમ ન થઈ? મને બરાબર યાદ છે, ‘વિઠ્ઠલ તીડી’ વેબ શો જોઈ રહ્યો હતો ત્યારે મેં ચાલુ એપિસોડે સ્ક્રીન પૉઝ કરીને ડિરેક્ટર અભિષેક જૈનને ફોન કરીને પૂછેલુઃ વિઠ્ઠલનો ફ્રેન્ડ બને છે એ એક્ટર જબરો છે. કોણ છે એ? અભિષેકે પોરસાઇને કહેલુઃ એનું નામ જગજિતસિંહ વાઢેર છે, ભાવનગરનો છોકરો છે, ખૂબ ટેલેન્ટેડ છે. કદાચ અપેક્ષા ઘણી વધારે હતી એટલા માટે કે ખબર નહીં કેમ, પણ ‘સમંદર’ જોતી વખતે સતત એવું લાગતું રહ્યું કે જગજિતસિંહ આ ઓથર-બેક્ડ રોલમાં પૂરેપૂરા સમરસ થયા નથી. એ ઘણું વધારે કરી શક્યા હોત, ઝીણું કાંતી શક્યા હોત. ખેર, જગજિતસિંહ વાઢેર એક એવો બોમ્બ છે, જે ગમે ત્યારે ફાટશે.
ફિલ્મની સિનેમેટોગ્રાફી સરસ છે, પણ નબળાં ફાઇટિંગ સીન્સ એક ગંભીર માઇનસ પોઇન્ટ છે. જ્યારે મસાલેદાર વાનગીઓનો થાળ પીરસવાનો જ ઇરાદો હોય ત્યારે ફાઇટ સિક્વન્સીસમાં જ મીઠું-મરચું નાખતાં ભૂલી જઈએ તે કેમ ચાલે?
તો શું ‘સમંદર’ ઓડિયન્સને તબલાતોડ એન્ટરટેઇન્મેન્ટની મોદી ગેરેંટી આપે છે? ના.
એટલે શું ‘સમંદર’ને એક મિસ્ડ ઓપર્ચ્યુનિટી ગણીને ભૂલી જવાનું? ના, એમ પણ નહીં.
આ એક મિકસ્ડ બેગ છે. ગુજરાતી ફિલ્મ સિનમાના સંદર્ભમાં ‘સમંદરે’ કશુંક જૂદું કરવાનો પ્રયાસ કર્યો છે એ તો નક્કી.
– શિશિર રામાવત
#samandar #samandarmovie
Leave a Reply