‘સ્પર્શ’ કેવી રીતે બની?
—————————–
“મેડમ, આ તમારા નસીરુદ્દીન શાહ નામનો જે એક્ટર છે એનું કાંઈક કરો! પાંચ દિવસથી એ પડછાયાની જેમ મારી પાછળ-પાછળ ફર્યા કરે છે! ઓફિસમાં, ક્લાસમાં, એસેમ્બલી હૉલમાં, રમતના મેદાન પર, કેન્ટીનમાં… મને તો હવે બાથરૂમ જતાંય ડર લાગે છે!”
———————————
સિનેમા એક્સપ્રેસ # ચિત્રલોક # ગુજરાત સમાચાર
———————————
આ જકાલ ‘શ્રીકાંત’ ફિલ્મમાં રાજકુમાર રાવે કરેલા અભિનયના ચારે તરફ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ બાયોપિકમાં રાજકુમારે અંધ બિઝનેસમેન શ્રીકાંત બોલ્લાની ભૂમિકા ભજવી છે. ચક્ષુહીન કિરદારોની વાત આવે ત્યારે આવે ત્યારે આપણા ચિત્તમાં આ બે યાદગાર પર્ફોર્મન્સીસ ઝબક્યાં વગર રહેતાં નથી. એક, ‘સ્પર્શ’ (1980) ફિલ્મમાં નસીરુદ્દીન શાહનો અભિનય અને બીજું, ‘સેન્ટ ઓફ અ વુમન’ (1993)માં અલ પચીનોનો અભિનય. આજે આપણે ‘સ્પર્શ’ ફિલ્મના મેકિંગની વાત કરવી છે.
‘ચશ્મે બદ્દુર’ અને ‘કથા’ જેવી ફિલ્મો અફલાતૂન આપવનાર સઈ પરાંજપેએ ફિલ્મી કરીઅરની શરૂઆત જ ‘સ્પર્શ’થી કરી હતી. સઈએ મૂળ તો દિલ્હી દૂરદર્શન માટે બ્લાઇન્ડ રિલીફ અસોસિયેશન (બીઆરએ) નામની અંધ બાળકો માટેની સંસ્થાની પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. તેના પરથી પછી ‘રૈના બીતી જાએ’ નામની એક કલાકની ટેલીફિલ્મ બનાવી, જેમાં આ જ સંસ્થાના બેકગ્રાઉન્ડમાં એક અંધ પુરૂષની લવસ્ટોરી કહેવાઈ હતી. આ ટેલિફિલ્મ એટલી બધી વખણાઈ કે તેનું ચાર-પાંચ વાર રિપીટ ટેલિકાસ્ટ કરવું પડયું હતું. સઈ પરાંજપેને જોકે પૂરો સંતોષ નહોતો થયો. એમને સતત થયા કરતું હતું કે એક કલાકમાં અંધ વિદ્યાર્થીઓનો આનંદ, એમની નાની નાની ખુશીઓ, એમનો સંઘર્ષ, સિદ્ધિઓ… આ બધું બહેલાવીને બતાવી શકાયું નથી. સઈએ મનોમન વિચારી લીધું: ક્યારેક હું આ જ વિષય પર એક ફુલલેન્થ ફિચર ફિલ્મ બનાવીશ અને તેમાં બધું વ્યવસ્થિત રીતે દેખાડીશ!
પછી હંમેશા બનતું હોય છે તેમ, જિંદગી રૂટિન કામકાજમાં એટલી ગૂંચવાઈ ગઈ કે ફિલ્મ બનાવવાનો આઇડિયા અભેરાઈ પર ચડી ગયો. થોડા મહિનાઓ પછી બે ઘટનાઓ બની. સઈને એકવાર એમની એક બહેનપણી મળી ગઈ. વાતવાતમાં એ કહે: ‘આજકાલ હું એક અંધશાળામાં ખૂબ સમય વીતાવું છું. અંધ બાળકો માટે બ્રેઇલમાં વાર્તાની ચોપડીઓ જ નથી એટલે હું એમને વાર્તાઓ કહી સંભળાવું છું. વાર્તાઓ સાંભળીને છોકરાવ એવા રાજી થાય છેને કે ન પૂછો વાત.’
૧૯૭૦ના દાયકા સુધી અંધ બ્રેઇલ લિપિમાં ખરેખર બાળવાર્તાની ચોપડીઓ છપાતી નહોતી. થોડા દિવસો પછી સઇ પરાંજપેને એક પાર્ટીમાં લાલ અડવાણી નામના એક બ્યુરોક્રેટ મળ્યાં. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં તેઓ અન્ડરસેક્રેટરી હતા અને ખુદ ચક્ષુહીન હતા. એમની પાસે વાતોનો અદભુત ખજાનો હતો. જબરા કોન્ફિડન્ટ, ખૂબ મજાકિયા. એ કહે: ‘સઈ, હું વાતવાતમાં જોક મારું છું એટલે એવું ન સમજી લેતા કે અંધજનોને કંઈ પ્રોબ્લમ હોતા જ નથી. દષ્ટિહીન હોવું પીડાદાયી છે જ, પણ એનાથી ટેવાઈ જવું પડે છે. એક્ચ્યુઅલી, સામાન્ય જનતામાં અંધજનોની સમસ્યાઓ વિશે ખાસ કંઈ જાણકારી જ નથી. સઈ, તમે આ વિષય પર એક હાઇક્લાસ ફિલ્મ કેમ બનાવતા નથી?
ઉપરાછાપરી બનેલી આ બે ઘટનાઓને કારણે સઈને ફરી ધક્કો લાગ્યો. નક્કી આ કુદરતનો સંકેત હોવો જોઈએ! સઈએ મનના માળિયામાંથી પેલી ફિલ્મનો આઇડિયા નીચે ઉતાર્યો ને માંડયાં સ્ક્રિપ્ટ લખવા. આ ફિલ્મ એટલે જ ‘સ્પર્શ’.
————————————–
…તો ‘સ્પર્શ’માં સંજીવકુમાર અને તનુજા હોત!
————————————–
‘સ્પર્શ’નું ઓરિજિનલ કાસ્ટિંગ હતું, સંજીવકુમાર અને તનુજા. તનુજા તો ફિલ્મની સ્ટોરી સાંભળીને પુલકિત થઈ ગયાં હતાં. એ ખુદ સઈ પરાંજપેને પોતાની કારમાં બેસાડીને અને ખુદ ડ્રાઇવ કરીને સંજીવકુમારની ઘરે લઈ ગયાં હતાં. કશાક કારણસર સંજીવકુમાર આ ફિલ્મ ન કરી શક્યા. હવે? સઈ મિત્રો સાથે આ ફિલ્મ વિશે વાતચીત કરતા ત્યારે હંમેશા એક નામ ઊપસી આવતું – નસીરુદ્દીન શાહ. બધાની એક જ સલાહ હતી કે આ રોલ તું નસીરને આપ, એ સરસ કરશે. નસીર હજુ ઇન્ડસ્ટ્રીમાં પ્રમાણમાં નવા હતા. એમની ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’ જેવી આર્ટ ફિલ્મો જોકે આવી ચૂકી હતી. નસીરે ‘સ્પર્શ’ માટે તરત હા પાડી દીધી. એક ઊભરતો અભિનેતા આવો ઓથર-બેક્ડ રોલને કેવી રીતે ના પાડી શકે? હવે સમસ્યા એ થઈ કે નસીર સાથે તનુજાની જોડી જામે એમ નહોતી. એનો અર્થ એ કે હવે હિરોઈન પણ બીજી લેવી પડશે!
સઈ પરાંજપેના મનમાં સ્મિતા પાટીલનો વિચાર આવ્યો. રંગભૂમિને કારણે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં. સઈએ સ્મિતા પાટીલને ‘સ્પર્શ’ની સ્ટોરી સંભળાવી. સ્મિતાએ ના તો ન પાડી, પણ ખાસ ઉત્સાહ પણ ન દેખાડયો. સઈએ વિચાર્યું: શું હું સ્મિતાની ફ્રેન્ડ છું એટલે એ મને ના નહીં પાડી શકતી હોય? સઈએ પછી સ્મિતાનો સંપર્ક કર્યો જ નહીં. એ શબાના આઝમીને મળ્યાં. શબાના તો ‘સ્પર્શ’નું નરેશન સાંભળીને ઝૂમી ઉઠયાં… ને બસ, આ રીતે ‘સ્પર્શ’નું કાસ્ટિંગ લૉક થઈ ગયું – નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી. બન્નેની ઉંમર એ વખતે હતી ૨૯ વર્ષ. શબાના કરતાં નસીર બે મહિના મોટા, અને એ બન્ને કરતાં સઈ પરાંજપે બાર વર્ષ સિનિયર.
————————————–
મેડમ, તમારા હીરોનું કંઈક કરો!
————————————–
શેડયુલ ઘડાયું. શૂટિંગ સમય નજીક આવી રહ્યો હતો. નસીરે એક વાતે સ્પષ્ટ હતા: હિન્દી ફિલ્મોમાં એક્ટરો આંધળા માણસની જે ટિપિકલ એક્ટિંગ કરે છે એવી હું તો હું નહીં જ કરૃં! ફિલ્મોમાં અંધજનનો અભિનય એટલે નજર એક જગ્યાએ નજર ચોંટાડીને શૂન્યમાં તાક્યા કરવું, હાથ લાંબા કરીને ફાંફા મારતા હોય એવી ચેષ્ટા કરે, દીવાલ સાથે અથડાવું રહેવું, વગેરે. ‘સ્પર્શ’માં નસીરનું પાત્ર સઈ પરાંજપેએ દિલ્હીના બ્લાઇન્ડ રિલીફ અસોસિયેશન (બીઆરએ)ના પ્રિન્સિપાલ અજય મિત્તલને ધ્યાનમાં રાખીને મળ્યું હતું. નસીરે વિનંતી કરી: સઈ, મારે મારી તૈયારીના ભાગરૂપે થોડા દિવસ બીઆરએમાં ગાળવા છે. હું અજય મિત્તલનું જેટલું વધારે અવલોકન કરીશ એટલી વધારે સારી રીતે મારૃં કિરદાર નિભાવી શકીશ.
સઈ પરાંજપેએ મિત્તલસરને વાત કરી. મિત્તલસર તરત સહમત થઈ ગયા: કશો વાંધો નથી. તમતમારે મોકલી આપો તમારા હીરોને આપણી સંસ્થામાં.
નસીરુદ્દીન શાહ તે વખતે ‘આક્રોશ’નું શૂટિંગ કરી રહ્યા હતા. જેવું આ શૂટિંગ પૂરૃં થયું કે એના બીજા જ દિવસે તેઓ દિલ્હી માટે રવાના થઈ ગયા, પોતાની સેકન્ડ-હેન્ડ કારમાં, મુંબઈથી સેલ્ફ-ડ્રાઇવ કરીને! એમનો મોટા ભાગનો દિવસ હવે અંધજનો માટેની સંસ્થામાં પસાર થવા લાગ્યો.
આખરે સઈ પરાંજપે શૂટિંગ માટે દિલ્હી પહોંચ્યાં ત્યારે તરત અજય મિત્તલ એમને મળવા દોડી આવ્યા. કહે: ‘સઈ મેડમ, તમારા હીરોનું કાંઈક કરો! પાંચ દિવસથી એ પડછાયાની જેમ મારી પાછળ-પાછળ ફર્યા કરે છે! ઓફિસમાં, ક્લાસમાં, એસેમ્બલી હૉલમાં, રમતના મેદાન પર, કેન્ટીનમાં… મને તો હવે બાથરૂમ જતાંય ડર લાગે છે!’
ભારતના એક પ્રથમકક્ષ અભિનેતાનું આ હોમવર્ક હતું!
પછી શું થયું? આવતા શુક્રવારે વાત.
– શિશિર રામાવત
#sparshmovie #NaseeruddinShah #SaiParanjpye #cinemaexpre #Chitralok #GujaratiSamachar
Leave a Reply