અશ્મિ
ફાર્ધસ ડે ગઈ કાલે જ ગયો. આ નિમિત્તે એક સરસ શોર્ટ ફિલ્મ જોઈ. એનું ટાઇટલ છે, ‘અશ્મિ’. અનુજ ટાંકે ડિરેક્ટ કરી છે. કશ્યપ વ્યાસે લખી છે. ધર્મેન્દ્ર ગોહિલ અને પ્રતીક રાઠોડે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. ધર્મેન્દ્ર મધ્યવયસ્ક પિતા બન્યા છે, અને પ્રતીક એમનો યુવાન પુત્ર. ફિલ્મમાં એક ત્રીજું પાત્ર પણ છે, જે ક્યારેય સ્ક્રીન પર આવતું નથી પણ એની હાજરી સતત વર્તાતી રહે છે. એ છે આધેડ પુરુષની પત્ની. એના મૃત્યુને એકાદ વર્ષ થઈ ગયું છે, પણ પુરુષ હજુય એના મૃત્યુની ક્ષણ પર ઊભો છે. એ થીજી ગયો છે. સપાટી પર તો બાપનું જીવન સામાન્ય લાગે છે, પણ દીકરો બરાબર જાણે છે કે…
હા, પુરુષે ચોક્કસપણે મૂવ ઓન કરવું જોઈએ. અહીં ‘મૂવ ઓન’ કરવું એટલે શું? વિધુર માણસ બીજાં લગ્ન કરે તો જ એણે મૂવ ઓન કર્યું કહેવાય? કે પછી, પત્ની હવે નથી એ સત્યનો સ્વીકાર માત્ર કરી લે તો પણ એ મૂવ ઓન થઈ જતો હોય છે? પીડા હંમેશા વ્યક્તિગત રહી શકતી નથી. માણસની વેદનાની વાંછટ એના સ્વજનોને પણ ભીંજવતી હોય છે. અહીં પિતાની પીડા પુત્રને અને એની પર્સનલ લાઇફને કેવી રીતે પ્રભાવિત કરે છે? પપ્પા પોતાની જિંદગીનો લય પાછો મેળવે તે માટે દીકરો શું કરે છે? આ સવાલના જવાબ તમારે વીસેક મિનિટની આ ફિલ્મ જોઈને મેળવી લેવાના છે.
ફિલ્મમાં આમ જોવા જાઓ તો ઘટનાઓ ખાસ બનતી નથી, પણ તોય એ વર્બોઝ (અતિ વાચાળ) લાગતી નથી. અહીં સાયલન્સનો સરસ ઉપયોગ થયો છે. માત્ર સંવાદોના સહારે આગળ વધતી ફિલ્મ જોવામાંય સરસ લાગે એની પાછળ સિનેમેટોગ્રાફર અને એડિટરનો મોટો હાથ હોવાનો. (એડિટરઃ પ્રયાગરાજ ચોક્સી, સિનેમેટોગ્રાફરઃ હિરેન ચૌધરી.) ઉદયપુર બોર્ડર નજીક ફૂલવારી કી નાલ નામની ફોરેસ્ટ સેન્કચ્યુઅરીમાં, રૂપકડી સાબરમતીના કાંઠે ફિલ્મ શૂટ થઈ છે.
દીકરાના રોલમાં પ્રતીક રાઠોડ ધ્યાન ખેંચે છે. ધર્મેન્દ્ર ગોહિલ જેવા સોલિડ એક્ટરને ટક્કર આપવા માટે સામે મજબૂત આર્ટિસ્ટ જ જોઈએ. ફિલ્મ જોતી વખતે આપણને ધર્મેન્દ્ર ગોહિલના કેરેક્ટરના બન્ને ખભા પકડીને કહેવાનું મન થાય કે દોસ્ત, તું કેટલો નસીબદાર છે એ તો જો! તને આટલી પ્રેમાળ પત્ની મળી હતી અને તારો પુત્ર પણ આટલો સમજદાર ને પરિપક્વ છે, તોય તું શાનો દુખી થયા કરે છે, ભલા મા’ણા!
શોર્ટ ફિલ્મ એક સરસ ફોર્મેટ છે, ઊભરતા – અને ઇવન એસ્ટાબ્લિશ્ડ – કલાકારોની સ્કિલ્સની ધાર ઉતારવા માટે. ‘અશ્મિ’ એક સાદી અને સરળ શોર્ટ ફિલ્મ છે. અહીં વાત નવી નથી, પણ તેમાંથી પસાર થવાનો અનુભવ સંતોષકારક પૂરવાર થાય છે. શેમારુ પર તે સ્ટ્રીમ થઈ છે. નીચે આખેઆખી ફિલ્મ શેર કરી છે. ક્લિક કરો ને જોવા માંડો.
– શિશિર રામાવત
Leave a Reply