આયર્ન બીમ ડિફેન્સ સિસ્ટમઃ મિલિટરી ટેકનોલોજીના હેરતઅંગેજ ટ્રેન્ડ્ઝ
———————
દુનિયાભરમાં અત્યારે લગભગ એક હજાર જેટલી કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ અસ્ત્રશસ્ત્રો બનાવવામાં બિઝી છે. આવનારા સમયમાં મિલિટરીમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ઇન્ટરનેટ-ઓફ-થિંગ્સ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થવાનો છે.
———————
વાત-વિચાર- ગુજરાત સમાચાર – એડિટ પેજ
———————
નાના હતા ત્યારથી આપણે ‘સ્ટાર વોર્સ’ અને હોલિવુડની અન્ય કેટલીય સાયન્સ ફિક્શન ફિલ્મોમાં લેઝર બીમને વીંઝાતાં જોયાં છે. દુશ્મનો લેઝરના શેરડાથી સામસામી તલવારબાજી કરતા હોય, લેઝરનો ઝગમગતો સ્તંભ ક્યાંય દૂર ત્રાટકીને ટાર્ગેટનું ધનોતપનોત કાઢી નાખતો હોય એવાં દૃશ્યો આપણે સ્ક્રીન પર ખૂબ જોયાં છે. ન્યુઝ એ છે કે લેઝરનાં અસ્ત્રોશસ્ત્રોની કલ્પના ટૂંક સમયમાં વાસ્તવિકતામાં પલટાઈ જવાની છે. ઇઝરાયલે આયર્ન બીમ એન્ટિ-મિસાઈલ લેઝર સિસ્ટમ ઓલરેડી વિકસાવી નાખી છે, જે નજીકના ભવિષ્યમાં વ્યવહારમાં પણ મૂકાઈ જશે. આ એટલી શક્તિશાળી સિસ્ટમ છે કે મિલિટરીની દુનિયામાં તે ગેમ-ચેન્જર બની શકે.
ઇઝરાયલ અત્યારે તો દુશ્મનો તરફથી થતા હવાઈ હુમલાને ખાળવા માટે આયર્ન ડોમ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આયર્ન ડોમ સિસ્ટમનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ છે તે અત્યંત ખર્ચાળ છે. ધારો કે હમાસે ઇઝરાયલ પર એક રોકેટ છોડયું ને ઇઝરાઇલે સામું ઇન્ટરસેપ્ટર મિસાઇલ છોડીને તેને આકાશમાં જ તોડી પાડયું, તો આ એક ઇન્ટરસેપ્ટર મિસાઇલ છોડવાની ચેષ્ટા ઇઝરાયલને કેટલામાં પડી? આશરે ૫૦,૦૦૦થી ૧ લાખ ડોલર એટલે કે લગભગ ૪૨થી ૮૪ લાખ રૂપિયા, ફક્ત. ઇઝરાયલના હૈયા ટાઢક વળે એવી વાત એ છે કે એણે ધડાધડ છૂટતા અવકાશી ઓને ઘણા ઓછા ખર્ચે અધવચ્ચે જ આંતરી શકે એવી નવીનક્કોર આયર્ન બીમ એન્ટિ-મિસાઇલ લેઝર સિસ્ટમ વિકસાવીને ગયા વર્ષે તેનું સફળ પરીક્ષણ પણ કરી નાખ્યું છે. શું છે આ આયર્ન બીમ સિસ્ટમ?
દેખાવમાં તે કોઈ તોસ્તાનછાપ કેમેરાના વિરાટ લેન્સ જેવી છે. તે શક્તિશાળી શેરડો છોડીને આકાશ માર્ગે થઈ રહેલા હુમલાને ખાળી લે છે. આયન બીમની રેન્જ ૭થી ૧૦ કિલોમીટર સુધીની છે. આયર્ન બીમના લેઝરનો શેરડો પ્રતિ સેકન્ડ ૨૪ ગ્રામ ટીએનટી (ટ્રાઇનાઇટ્રોટોલ્યુન) એક્સપ્લોડ થતો હોય એટલી ઉર્જા પેદા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, દર સેકન્ડે દોઢ કિલો ડાયનેમાઇટનો વિસ્ફોટ થતો હોય એટલી એનર્જી આ આયર્ન બીમના શેરડામાંથી છૂટી પડે છે. દુશ્મનોએ મિસાઇલ, રોકેટ, ડ્રોન કે બીજું કોઈ પણ હવાઈ અ છોડયું હોય તો આ આયર્ન બીન તેને ટાર્ગેટ કરીને પ્રચંડ તાકાતથી તેના તરફ વછૂટે છે ને તેને હવામાં જ તોડી પાડે છે. આયર્ન બીમના લેઝર-શેરડાનું લક્ષ્યવેધન એટલું શાર્પ હોય છે કે દસ કિલોમીટર સુધીની રેન્જમાં એક રૂપિયા જેટલા સિક્કા પર પણ તે ફોકસ કરીને તેને ઉડાવી શકે છે!
આકાશમાંથી ત્રાટકી રહેલાં મિસાઇલ-રોકેટ-ડ્રોન ઇત્યાદિ પર આયર્ન બીમનો શેરડો ત્રાટકે એટલે તે દિશાહીન અને ‘ઘાયલ’ થઈને પોતાની અસર ગુમાવી ચૂકે છે. જોકે અમુક પ્રકારના ડ્રોન (જેમ કે, કામેકાઝી) અને રોકેટના કેસમાં આવું શક્ય બનતું નથી. તેના પર આયર્ન બીમનો લેઝર-શેરડો પડે એટલે તે ભલે લક્ષ્ય ચૂકી જાય, પણ તેની વિધ્વંસક શક્તિ યથાવત્ રહે. પરિણામે તે ‘એ’ને બદલે ‘બી’ જગ્યાએ ખાબકે તો ત્યાં પણ ખાનારાબી તો કરે જ. હા, એટલું ખરું કે ચાવીરૂપ અને સંવેદનશીલ જગ્યા બચી જાય.
આ જ કારણ છે કે ઇઝરાયલ એની વર્તમાન ડિફેન્સ સિસ્ટમને પૂરેપૂરી રદબાતલ કરીને તેની જગ્યાએ આયર્ન બીમ સિસ્ટમ બેસાડવા માગતું નથી. ઇરાદો એવો છે કે હાલની આયર્ન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ કાર્યરત રાખવી અને એમાં આયર્ન બીમ સિસ્ટમનો ઉમેરો કરવો. તેથી બનશે એવું કે આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમની ગળણીમાંથી જે મિસાઇલ કે રોકેટ છટકી ગયા હોય તેનું કામ આ નવી આયર્ન બીમ સિસ્ટમ તમામ કરી નાખશે. આયર્ન ડોમ સિસ્ટમની રેન્જ ૪થી ૭૦ કિલોમીટર છે, જ્યારે આયર્ન બીમ સિસ્ટમની રેન્જ ૭થી ૧૦ કિલોમીટર સુધીની છે. દુશ્મનો તરફથી આવી રહેલાં ટૂંકી રેન્જના રોકેટ અને મોર્ટાર બોમ્બને ઉડાવી દેવા માટે આ આયર્ન બીમ સિસ્ટમ બેસ્ટ છે. આયર્ન બીમના લેઝર-શેરડાના એક ‘શોટ’નો ખર્ચ ફક્ત બે હજાર ડોલરની આસપાસ થશે. ક્યાં આયર્ન ડોમ સિસ્ટમ દ્વારા વપરાતા એક ઇન્ટરસેપ્ટર મિસાઇલના પ૦ હજારથી ૧ લાખ ડોલર ને ક્યાં આયર્ન બીમ લેઝર-શેરડાના એક શોટના બે હજાર ડોલર! ભવિષ્યમાં આયર્ન બીમ અને તેના જેવી અન્ય લેઝર ડિફેન્સ સિસ્ટમ વધુને વધુ પ્રચલિત બનતી જશે એટલું તો નક્કી. એટલેસ્તો મિલિટરી ટેકનોલોજીની દુનિયામાં આયર્ન બીમ ડિફેન્સ સિસ્ટમ માટે ‘ગેમ-ચેન્જર’ શબ્દ વપરાયો છે.
0 0 0
વાત નીકળી જ છે તો સાથે સાથે એ પણ જોઈ લઈએ નજીકના ભવિષ્યમાં મિલિટરી ટેકનોલોજીમાં કેવા કેવા ટ્રેન્ડ્ઝ જોવા મળશે. દુનિયાભરમાં અત્યારે લગભગ એક હજાર જેટલી કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ ઓશો બનાવવામાં બિઝી છે. ઓશોનું બજાર આપણે કલ્પના ન કરી શકીએ એટલું વિરાટ અને શક્તિશાળી છે. એકલા અમેરિકાએ પોતાના લેટેસ્ટ બજેટમાં અધધધ ૧૩૦.૧ બિલિયન ડોલર ઓશોનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફાળવ્યા છે.
આવનારા સમયમાં મિલિટરીમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જવાનો. એક અંદાજ એવો છે કે ૨૦૨૫ સુધીમાં મિલિટરી રોબોટનું ગ્લોબલ માર્કેટ ૨૪.૨ બિલિયન ડોલરને સ્પર્શી જશે. દેખીતું છે કે રોબોટનો વપરાશ વધે એમ માનવ-સૈનિકોની જાનહાનિનું પ્રમાણ ઘટે. એવી કેટલીય બાબતો છે જે માણસ કરતાં રોબોટ વધારે સારી રીતે કરી શકે છે. જેમ કે માનવ-સૈનિકને ભૂખ લાગે, એને ઊંઘ આવે, તેને અમુક કલાક સૂવું પડે. યંત્રમાનવને આવી કશી જરૂરિયાત છે જ નહીં. એ ચોવીસે કલાક જાગી શકે છે અને સહેજ પણ થાક્યા વગર કામ કરતો રહી શકે છે. ઇન્ફર્મેશનને પ્રોસેસ કરવાની એની ઝડપ માણસ કરતાં અનેકગણી વધારે, કહોને કે, ઇન્સ્ટન્ટ છે.
યંત્ર-માનવ તો ઠીક, યંત્ર-શ્વાન પણ કામ કરતા થઈ ગયા છે. અમેરિકા-મેક્સિકો બોર્ડર પર રોબોટિક ડોગ્ઝ ઓલરેડી તૈનાત થઈ ગયા છે તે આખી સરહદ પર ફરતા રહીને ચોકીપહેરો કરતા રહે છે. (નેટફ્લિક્સના અફલાતૂન વેબ શો ‘બ્લેક મિરર’નો પેલા ખતરનાક રોબોટિક ડોગવાળો એપિસોડ યાદ આવે છે?) સ્પષ્ટ છે કે માણસની તુલનામાં આવા યંત્ર-માનવ અને યંત્ર-કૂતરા ઘણા વધારે ખતરનાક હોવાના. તેથી જ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રિયા જેવા ૩૦ દેશો આ પ્રકારના ઓટોનોમસ વેપન સિસ્ટમ્સનો વિરોધ કરે છે. જોકે આવા વિરોધને ગણકારે તે અમેરિકા નહીં.
નજીકના ભવિષ્યમાં એડવાન્સ્ડ હાઇપરસોનિક સિસ્ટમ્સ અમલમાં મૂકાઈ જવાની. અવાજ કરતાં (એટલે કે એક કલાકમાં ૭૬૧ કિલોમીટર કરતાં) કમસે કમ પાંચ ગણી વધારે ગતિને હાઇપરસોનિક સ્પીડ કહે છે. હાઇપરસોનિક મિસાઇલ એક તો, પ્રમાણમાં ઓછી ઊંચાઈએ ઊડી શકે છે અને બીજું, હાલની જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ છે તે એને પકડી શકતી નથી. હાઇપરસોનિક વેપન્સ સિસ્ટમ બનાવવા માટે અમેરિકા, ચીન અને રશિયા ત્રણેયે રેસ લગાવી છે. યુક્રેન-રશિયા વોર જો આગામી માર્ચ સુધી અટક્યું નહીં હોય તો સમજી લો કે સૌથી પહેલું હાઇપરસોનિક મિસાઈલ આ યુદ્ધ દરમિયાન જ વપરાવાનું છે.
જો આપણા મોબાઇલ અને કમ્પ્યુટર પર સાઇબર અટેકનો ભોગ બન્યા કરતા હોય તો વિચારો કે મિલિટરી સિસ્ટમ્સ પર સાઇબર અટેકનો ખતરો કેટલા ગણો વધારે હોવાની. આ જમાનામાં તો સાઇબર સિક્યોરિટી એટલે જ નેશનલ સિક્યોરિટી. સાઇબર અટેક્સ ક્રમશઃ યુદ્ધ જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. હેકર્સ અને સાઇબર આતંકવાદીઓ અન્ય દેશોની ઇલેક્ટ્રિક ગ્રિડ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સ પર અટેક કરે છે. એક અંદાજ એવો છે કે ૨૦૨૫ સુધીમાં સાઇબર હુમલાખોરો પાસે વેપનાઇઝ્ડ ઓપરેશનલ ટેકનોલોજી આવી ચૂકી હશે, કે જેના દ્વારા તેઓ ભયાનક હત્યાકાંડ કરી શકશે.
નજીકના ભવિષ્યમાં ‘ડિરેક્ટેડ એનર્જી વેપન્સ’ની બોલબાલા પણ વધશે. આ વેપન્સ ઇલેક્ટ્રિકલ અથવા કેમિકલ એનર્જીને કોન્સન્ટ્રેટેડ રેડિએટેડ એનર્જીમાં પરિવતત કરી નાખે છે. બીજાં ઓનો માર્ગ (પ્રોજેક્ટાઇલ) દૃશ્યમાન હોય છે, જ્યારે ડિરેક્ટેડ એનર્જી વેપન્સ મોટે ભાગે મૌન અને અદૃશ્ય હોવાનાં. જે દેખાય પણ નહીં ને અવાજ પણ ન કરે એવાં વેપન્સનો મુકાબલો કેવી રીતે કરવો!
ભાવિ મિલિટરી ટેકનોલોજીમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ઉપરાંત ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ એટલે, સાવ સાદા શબ્દોમાં કહીએ તો, એવી ટેકનોલોજી જેમાં જુદાં જુદાં ઉપકરણો એકબીજા સાથે ‘વાતો’ કરી શકતા હોય અને ડેટાની આપ-લે કરી શકતા હોય છે. ઉદાહરણ તરીકે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં તમારો મોબાઇલ ફોન, તમારા ઘરનાં એસી, સ્માર્ટ રેફ્રિજરેટર, સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ, જુદાં જુદાં રિમોટ કંટ્રોલ્સ વગેરે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે અને એકમેક સાથે કમ્યુનિકેટ કરી શકે છે. ભવિષ્યનાં સંહારક અસ્ત્રશસ્ત્રોમાં આ ટેકનોલોજી ખૂબ વપરાશે.
સાંભળવા-વાંચવામાં આ બધું રોમાંચક લાગે છે, પણ સચ્ચાઈ તો એ જ રહેવાની છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ વિનાશને ખાળવામાં જ નહીં, વિનાશ વેરવામાં પણ થવાનો છે. અહિંસા અને શાંતિને જાળવી રાખવા માટે સેંકડો-હજારો જીવોને પળવારમાં રહેંસી નાખતા સંહારક અસ્ત્રોશસ્ત્રો બનાવતાં રહેવું પડે છે તે કેટલી મોટી વક્રતા!
– શિશિર રામાવત
#vatvichar #gujaratsamachar #IronBeam #israelnews #israelarmy #militarytechnology #DefenseInnovation
Leave a Reply