નવી ટેવ પાડવા માટે 21 નહીં, કમસે કમ 75 દિવસ જોઈએ
————————–
વાત-વિચાર # ગુજરાત સમાચાર # એડિટ પેજ
————————–
‘રામ રામ ભાઈ સરેયા ને…’
અંકિત બૈયનપુરીયાના પ્રત્યેક વિડીયોની શરૂઆત આ રીતે થાય. આ હરિયાણવી વાક્યનો અર્થ છે: ભાઈ, સૌને રામ રામ! ખુદ નરેન્દ્ર મોદીએ પોતાના સ્વચ્છતા અભિયાનના પ્રમોશન માટે જેને સામેથી આમંત્રણ આપ્યું ને જેની સાથે વિડીયો બનાવ્યો એવા ફિટનેસ ઇન્ફ્લુએન્સર અંકિત બૈયનપુરિયા વિશે આપણે ગયા શનિવાર વાત માંડી હતી. આ ગ્રામીણ યુવાને ઍન્ડી ફ્રિસેલા નામના અમેરિકન એન્ત્રોપ્રિન્યોરે ઇન્ટ્રોડયુસ કરેલી ‘૭૫ હાર્ડ’ નામની મેન્ટલ-ફિઝિકલ ચેલેન્જને ભારતમાં ફેમસ કરી નાખી છે.
આગળ વધતાં પહેલાં ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ શું છે તે વિશે પુન: ટૂંકમાં જોઈ લઈએ. આ પડકારમાં સળંગ ૭૫ દિવસ આ પાંચ પ્રવૃત્તિઓ કરવાની હોય છે: (૧) રોજ બે વખત પોણી-પોણી કલાક કસરત કરવી – એક વાર ઇન્ડોર, એક વાર આઉટડોર, (૨) રોજ ચાર લીટર પાણી પીવું, (૩) રોજ સંયમિત અને સાત્ત્વિક ખોરાક લેવો – કશું જ આચરકૂચર નહીં, ચીટ ફૂડ નહીં, દારૂ તો જરાય નહીં, (૪) રોજ ખુદની એક સેલ્ફી લેવી અને (૫) રોજ કોઈ આધ્યાત્મિક, પ્રેરણાદાયી કે અન્ય કોઈ નોન-ફિક્શન પુસ્તકનાં દસ પાનાં વાંચવા. આ પાંચમાંથી એક પણ નિયમ તૂટે તો પાછું એકડે એકથી શરૂ કરવું.
‘૭૫ હાર્ડ’ ચેલેન્જ શારીરિક કરતાં માનસિક વધારે છે. અહીં તમારા મનોબળ, શિસ્તભાવના અને કમિટમેન્ટની પરીક્ષા થાય છે. જો તમે પૂરેપૂરી પ્રામાણિકતાથી ૭૫ દિવસ ચાલતી આ ચેલેન્જ સફળતાપૂર્વક પૂરી કરી લો તો, સેંકડો-હજારો લોકોનો અનુભવ કહે છે તેમ, તમે તમારી જાતમાં એવું જબરદસ્ત પરિવર્તન જોઈ શકશો કે બીજાઓ તો ઠીક, તમે ખુદ નવાઈ પામી જશો. મૂળ તો આ આપણા વ્યક્તિત્વના બેસ્ટ વર્ઝનની ઝપાટાભેર નિકટ જવાની પ્રક્રિયા છે. આપણે કેટલીય વાર સાંભળ્યું છે કે આપણે નવી પ્રવૃત્તિનું એકધારા ૨૧ દિવસ પુનરાવર્તન કરીએ તો એની ટેવ પડી જાય છે. નવી પ્રવૃત્તિ એટલે ઉદાહરણ તરીકે સિગારેટ ન પીધી, રોજ કસરત કરવી, સવારે છ વાગે ઉઠી જવું વગેરે. શું નવી અને ટેવ પાડવા માટે ૨૧ દિવસ ખરેખર પૂરતા છે? જવાબ છે: ના, જરાય નહીં. આ ૨૧ દિવસવાળી થિયરી ખોટી છે એવો અનુભવ આપણને સૌને થયો છે. વર્ષો જૂની ઘરેડને, જડ થઈ ગયેલી વૃત્તિને, સખ્ખત થઈ ચૂકેલી માનસિક સરકિટને તોડવા માટે અને નવી સરકિટ બનાવવા માટે ૨૧ દિવસ બહુ જ ઓછા છે. એન્ડી ફ્રિસેલાએ ૭૫ દિવસનો આંકડો બરાબર પકડયો છે. જો લાગલગાટ અઢી મહિના સુધી જબરદસ્ત શિસ્ત અને નિા સાથે એક્ટિવિટી થાય તો જ જૂનું માનસિક માળખું તૂટે ને એની જગ્યાએ નવી આદતની ટકાઉ ઇમારત બને.
૨૯ વર્ષના અંકિતે તેર વર્ષની ઉંમરથી કસરતબાજી શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં એ મડ રેસ્લિંગ એટલે કે માટીમાં ખેલાતા દંગલમાં ભાગ લેતો. એક પ્રોફેશનલ કુસ્તીબાજ તરીકે એણે સ્પર્ધાઓમાં ભાગ લીઘો છે. કુસ્તીબાજ તરીકેની અની કરીઅરમાં પહેલું વિઘ્ન આવ્યું ૨૦૧૮માં. એને ત્યારે સ્લિપ ડિસ્ક નામે ઓળખાતી કમરની ગંભીર બીમારી થઈ ગઈ હતી. ઠીકઠાક રિકવરી થઈ ગઈ એટલે અંકિતે પાછું કુસ્તી ખેલવાનું શરૂ કરી દીધું. બે વર્ષ પછી પાછી ઈન્જરી થઈ. આ વખતે ઘૂંટણમાં. ફરી થોડો બ્રેક. નવેમ્બર ૨૦૨૨માં ત્રીજી સિરીયસ ઇન્જરી થઈ. આ વખતે અંકિતનો ડાબો ખભો ડિસલોકેટ થઈ ગયો. ફરી કુસ્તી બંધ ને ફિઝિયોથેરપીનાં સેશન્સ ચાલુ. રિકવરી આવી ખરી, પણ એટલી નહીં કે ફરી કુસ્તી થઈ શકે. એટલે અંકિતે પોતાની રીતે એક્સરસાઇઝ કરવા માંડી. બસ, આ જ અરસામાં એણે સોશિયલ મિડીયા પર એન્ડી ફ્રિસેલાનો ૭૫-ડે હાર્ડ ચેલેન્જ વિશેના વિડીયો જોયા. એને થયું કે આ તો હું અહીં હરિયાણામાં પણ કરી શકું છું. અંકિતે નક્કી કર્યું કે હું આ ચેલેન્જ પણ ઉપાડીશ અને ૭૫ દિવસ દરમિયાન રોજ નાના નાના વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતો રહીશ.
અંકિત ‘૭૫ હાર્ડ’ ચેલેન્જની પહેલાં પણ હરિયાણવી ભાષામાં નાના નાના કોમેડી વિડીયો બનાવતો જ હતો. તે વખતે યુટયુબ પર એના લગભગ પાંચ હજાર સબસ્ક્રાઇબર હતા. આ વર્ષે ૨૮ જૂને એણે ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ શરુ કરી, જે ૧૧ સપ્ટેમ્બરે પૂરી થઈ. એણે પહેલા દિવસથી જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની દિનચર્યાના ટચુકડા વિડીયો શેર કરવા માંડયા. જાણે બોમ્બ ફૂટયો હોય તેમ અંકિતના ‘૭૫ હાર્ડ’વાળા વિડીયો ફૂટયા ને દેશભરમાં જબરદસ્ત વાઇરલ થયા. એક મહિનામાં ૨૭ લાખ નવા લોકો એને ફોલો કરવા લાગ્યા. ભારતમાં સંભવત: કોઈ સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સરે આટલી ઝડપથી આટલી ગજબનાક પ્રગતિ કરી નથી. અંકિતના વિડીયો જોઈને કેટલાય ઉત્સાહીઓને પ્રેરણા મળી ને તેમણે પણ ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ ઉપાડીને પોતપોતાના એક્સરસાઇઝવાળા વિડીયો શેર કરવા લાગ્યા.
અદભુત શરીર સૌષ્ઠવ ધરાવતો અંકિત છેલ્લાં એક-બે વર્ષથી સંપૂર્ણપણે શાકાહારી બની ચૂક્યો છે. અગાઉ એ ઈંડા ખાતો, પણ ક્યારેક ક્યારેક જ. અંકિતનું બોડી નેચરલ છે. કોઈ હોર્મોેન્સનાં ઇંજેક્શનો નહીં, કોઈ શોર્ટ કટ નહીં. અંકિતને આ બધું પોસાય પણ નહીં. એનાં ગરીબ માતાપિતાએ દહાડિયા મજૂરી કરીને ત્રણ સંતાનોને મોટાં કર્યાં છે. રોજ કમાઈને રોજ ખાવાનું. અંકિતના પિતા આજની તારીખેય શ્રમિકનું જીવન જીવે છે. પિતાને મહેનત-મજૂરી કરતા અંકિતે નાનપણથી જોયા છે. પિતાના સંઘર્ષની વાત કરતાં કરતાં અંકિતની આંખો આજેય છલકાઈ આવે છે. બે છેડા ભેગા કરવા માટે અંકિતે નાની ઉંમરથી જ કમાવાનું શરૂ કરી દીધું હતું. અનાજની વજનદાર ગુણીઓ ઊંચકવી, લગ્નપ્રસંગોમાં રસોડામાં પલાંઠી વાળીને શાકભાજી-ફળો છોલવાં, હલવાઈની દુકાને કામ કરવું, ઝોમેટોના ડિલિવરી બોય બનીને રોજની બાર-બાર કલાક સુધી બાઇક પર ફર્યા કરવું… ઝોમેટોવાળી નોકરી તો એણે થોડા મહિનાઓ પહેલાં જ છોડી.
‘૭૫ હાર્ડ’ ચેલેન્જ દરમિયાન અંકિત સવારે એલાર્મ વગર પાંચ વાગે ઉઠી જતો. બ્રેકફાસ્ટમાં આગલી રાત્રે પલાળેલાં ૩થી ૪ અંજીર, ૧૦થી ૧૪ સૂકી દ્રાક્ષ, ૧૦થી ૧૨ કાજુ અને ચાર અખરોટ. સાથે કાં તો એક કેળું હોય અથવા એક સફરજન. પછી ઘરના ગમાણમાં ગાય-ભેંસની કંપનીમાં ઇન્ડોર કસરત. તે પછી જાતે પ્રોટીન શેક બનાવવાનું. અંકિતે એને નામ આપ્યું છે – બદામ રગડા. એ દેસી સ્ટાઇલનો પથ્થરનું ખરલ લે, એમાં સાયબંદી અથવા ગુરબંદી પ્રકારની બદામ નાખે, એમાં ખસખસ, તરબૂચનાં બી, કાલી મિર્ચ, મરી, એલચી, વરીયાળી, ગુલાબની પાંદડી વગેરે ઉમેરીને ખૂબ કૂટે. આ રીતે જે રગડો બને એને ગાળી લઈને પીએ. આ બદામ રગડા બનાવવાની વિધિનો વિડીયો યુટયુબ જોજો. મોજ પડશે.
પછી બપોરના ભોજનમાં ઘઉંના લોટની જાડ્ડી, ઘીના વાટકામાં બે કલાક સુધી ઝબોળી રાખેલી બેથી ત્રણ રોટલી. એની સાથે જો ઘરમાં શાક બન્યું હોય તો શાક, નહીં તો ચટણી. ઉપરાંત થોડું સલાડ અને એક કિલો દહીં. અંકિતને ઘરે જ ગાય-ભેંસ છે એટલે એને દૂધ-દહીં-ઘી ચોખ્ખાં મળે છે. દિવસ દરમિયાન એકાદ-બે ફ્ટ ખાવાના અથવા મોસંબીનો જ્યુસ પીવાનો. સાંજે આઉટડોર વર્કઆઉટ કર્યા પછી પ્રોટીન પાઉડરનું એક સ્કૂપ. રાતનું ભોજન બપોર જેવું જ – ઘીથી લથબથ બે-ત્રણ રોટલી, શાક અથવા ચટણી અને સલાડ. રાત્રે સૂતાં પહેલાં એક લીટર દૂધ ગટગટાવી જવાનું. અંકિત તો પ્રોફેશનલ પહેલવાન છે અને જબરદસ્ત કસરત કરે છે એટલે એને આટલાં ઘી-દૂધ પચી જાય. આપણા જેવા સુંવાળા લોકોએ અંકિતનો ડાયેટ પ્લાન ફોલો કરવાનું વિચારવાનું પણ નહીં! અંકિતે ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ પૂરી થયા પછી પણ રાતે વજ્રાસનમાં બેસીને ગીતા વાંચવાનો ક્રમ તોડયો નથી.
અંકિતમાં ગામઠી ડહાપણ છે. એના વ્યક્તિત્ત્વમાં એટલી નિર્દોષતા અને સરળતા છે કે સામેની વ્યક્તિને તરત એના માટે લગાવ થઈ જાય. અંકિત સોશિયલ મિડીયા દ્વારા લાખો લોકોને આટલી તીવ્રતાથી અપીલ કરી શક્યો છે એનું કારણ એનું નિર્દંભ-નિર્ભેળ વ્યક્તિત્ત્વ છે. ખભાની સારવાર પછી એ હજુય રિકવરી પિરીયડમાં છે. સોશિયલ મિડીયાનો સ્ટાર તો એ આકસ્મિકપણે બની ગયો છે, બાકી એને તો કુસ્તીબાજ તરીકે ‘કમ-બેક’ કરીને આ જ ક્ષેત્રમાં કરીઅર વિકસાવવી છે.
ઓલ ધ બેસ્ટ, અંકિત.
#ankitbaiyanpuria #75hardprogram #fitnessmotivation #vatvichar #gujaratsamachar
Leave a Reply