અંકિત, એન્ડી અને 75 હાર્ડ : ખેલ શરીરનો નહીં, મનોબળનો છે
—————
વાત-વિચાર 0 ગુજરાત સમાચાર 0 એડિટ પેજ
—————
આ ગાંઘી જયંતિએ એકાએક એક નામ આગની જ્વાળાની જેમ ભારતમાં ફેલાઈ ગયું. અંકિત બૈયનપુરિયા. ગયા રવિવારે નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેઇનના ભાગરૂપે અંકિત સાથે પ્રતીકાત્મક સફાઈ કરી, એનો વિડીયો બનાવ્યો, જે ખૂબ વાઇરલ થયો. બીજા દિવસે દેશભરના અખબારોમાં પણ બન્નેની તસવીરો છપાઈ ને અંકિત રાતોરાત ‘સ્ટાર’ બની ગયો. જે લોકો એને ઓળખતા નહોતા એના મનમાં સવાલ સળવળ્યો: મોદી જેને આટલું બધું મહત્ત્વ આપી રહ્યા છે આ ગ્રામીણ જુવાનિયો છે કોણ? ઘણાએ ગૂગલ કર્યું ને એમને તરત સમજાઈ ગયું કે અંકિત એક ફિટનેસ ઇન્ફ્લ્યુએન્સર છે, જે સોશિયલ મિડીયા પર પાંચ મિલિયન કરતાંય વધારે ફોલોઅર્સ ધરાવે છે.
૨૯ વર્ષનો અંકિત દેસી કુસ્તીબાજ છે, હરિયાણાના સોનીપતમાં પોતાનાં શ્રમિક માતા-પિતા સાથે રહે છે. ‘૭૫ હાર્ડ’ નામની લગાતાર અઢી મહિના સુધી ચાલતી કઠિન ફિટનેસ એક્ટિવિટીને કારણે અંકિતને ગજબનાક લોકપ્રિયતા મળી છે. એણે આ ચેલેન્જને લગતા ટચૂકડા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવાના શરુ કર્યા ને માત્ર ૨૮ દિવસમાં એના ફોલોઅર્સની સંખ્યા ૨.૫ મિલિયન જેટલી વધી ગઈ! સોશિયલ મિડીયાને કારણે અંકિત એટલી હદે પોપ્યુલર બની ચૂક્યો છે કે વચ્ચે એ મુંબઈ આવ્યો ત્યારે એરપોર્ટથી લઈને મુંબઈની સડકો સુધી લોકો સતત એની સાથે હાથ મિલાવી રહ્યા હતા, એની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. જાણે કોઈ સેલિબ્રિટી ફિલ્મસ્ટાર જોઈ લો!
શું છે આ ‘૭૫ હાર્ડ’ નામની ચેલેન્જ? અંકિતને જેના પરથી આ પ્રેરણા મળી એ એન્ડી ફ્રિસેલા નામના અમેરિકન મહાશય કોણ છે? એન્ડી ફ્રિસેલાએ ઇન્ટ્રોડયુસ કરેલી અને દુનિયાભરમાં ખૂબ જાણીતી બનેલી આ ‘૭૫ હાર્ડ’ ચેલેન્જના ફક્ત પાંચ નિયમો છે. જુઓ:
(૧) ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ ઉપાડનાર વ્યક્તિએ લાગલગાટ ૭૫ દિવસ સુધી દિવસમાં બે વખત કસરત કરવાની છે. એક વાર ઇન્ડોર એટલે કે ઘરમાં કે જિમમાં અને બીજી વાર આઉટડોર એટલે કે ખુલ્લા મેદાનમાં, પાર્કમાં, રસ્તા પર, જ્યાં અનુકૂળ હોય ત્યાં. જિમમાં થઈ શકતી કંઈકેટલીય કસરતો ઘરમાં પણ થઈ જ શકે છે. સૂર્ય નમસ્કાર, યોગાસન, દોરડા કૂદવા વગેરે પણ ઇનડોર એક્સરસાઇઝના પ્રકાર થયા. ઝડપથી ચાલવું, દોડવું, સાઇક્લિંગ વગેરે આઉટડોર એક્સરસાઇઝ થઈ. કસરતની બન્ને સેશન કમસે કમ પોણી-પોણી કલાક ચાલવી જોઈએ. આમ, દિવસનો કુલ દોઢ કલાક કસરત.
(૨) તમારે આખા દિવસમાં ફરજિયાતપણે ચાર લીટર પાણી પીવાનું છે.
(૩) તમારે સાત્વિક અને સંતુલિત ભોજન લેવાનું છે. અમુક જ પ્રકારનું ડાયટિંગ કરવું પડે એવું નહીં, પણ તમે જે પણ ખાતા હો તેમાં સંયમ વર્તવાનો છે. તમે મહેનત કરીને જેટલી કેલરી બાળતા હો તેના કરતાં ઓછી કેલરી પેટમાં જવી જોઈએ. નો જન્ક ફૂડ. આચરકૂચર કશું જ ખાવાનું નથી. આખું વીક સંયમ રાખ્યો એટલે રવિવારે એક ટંક જે મનમાં આવે તે ઝાપટવામાં કશો વાંધો નથી – આવું બિલકુલ વિચારવાનું નથી. નો ચીટ મીલ. આ ૭૫ દિવસ (અને રાત) દરમિયાન દારૂને હાથ પણ લગાડવાનો નથી.
(૪) રોજ એક્સરસાઇઝ કર્યા પછી એક સેલ્ફી લેવાની, કે જેથી તમારા શરીરમાં ક્રમશ: કેવા ફેરફાર થઈ રહ્યા છે તેની પાક્કી નોંધ રહે.
(૫) આ અઢી મહિના દરમિયાન તમારે રોજેરોજ અચૂકપણે મનગમતા પુસ્તકનાં ઓછામાં ઓછા દસ પાનાં વાંચવાનાં છે. પુસ્તક નોન-ફિક્શન હોવું જોઇએ.
બસ, આ પાંચ નિયમો ચુસ્તપણે પાડવાના છે. એક પણ નિયમનો ભંગ થાય તો ફરી એકડે એકથી શરૂ કરવાનું! યેસ, એક પણ નિયમ તૂટયો એટલે ફરી ડે-વનથી નવી શરૂઆત. મજાની વાત એ છે કે આ ચેલેન્જ શરૂ કરતી વખતે તમે એકદમ ચુસ્તદુરસ્ત જ હો તે જરૂરી નથી. એ પણ આવશ્યક નથી કે તમે ઉર્જાથી ફાટ ફાટ થતા જુવાનિયા જ હો. તમારું વજન ૧૦૦ કિલો કરતાંય વધારે હોય કે પછી તમે છેલ્લાં દસ વર્ષથી કસરતના નામે ફક્ત ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ કર્યું હોય તો પણ તમે ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ ઉપાડવા માટે ક્વોલિફાઇડ છો. હા, શરૂઆત કરતાં પહેલાં એક વાર ડૉક્ટરને મળીને એમની પરમિશન લઈ લેવાની. તમાર ભોજનનું રૂટિન શું હશે તે પણ સમજી લેવાનું. ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ ભલે પાનો ચડાવી દે તેવી લાગતી હોય, પણ અમુક લોકો માટે આ પડકાર ઉપાડવો સલાહભર્યો ન હોય, એવું બને.
પહેલી નજરે આ શારીરિક ક્ષમતાને પડકારતી એક્ટિવિટી લાગે. એવું નથી. આ પ્રવૃત્તિ હકીકતમાં તમારા મનોબળની આકરી કસોટી કરે છે. આ ચેલેન્જ બૉડી બનાવવા માટેની નથી, પણ તમારામાં શિસ્ત અને સાતત્યના અત્યંત મહત્ત્વના ગુણને તીવ્રતાથી વિકસાવવા માટે છે. અફ કોર્સ, તમે અઢી મહિના સુધી એક પણ દિવસ પાડયા વગર રોજ દોઢ કલાક કસરત કરશો એટલે તમારું વજન ઉતરશે જ અને શરીર ઘાટીલું-મજબૂત પણ બનશે, પરંતુ ‘૭૫ હાર્ડ’ ચેલેન્જનું મુખ્ય લક્ષ્ય આ નથી. શરીર સુધરવું એ તો બોનસ થયું. ‘૭૫ હાર્ડ’ ચેલેન્જનું મુખ્ય લક્ષ્ય તમારા ઢીલા પડી ગયેલા જુસ્સાને ચાબુક મારીને જગાડવાનું છે, તમને માનસિક રીતે મજબૂત બનાવવાનું છે, તમારામાં જબરદસ્ત શિસ્ત અને કમિટમેન્ટની ભાવનાનું સિંચન કરવાનું છે.
એન્ડી ફ્રિસેલાની ખુદની કહાણી જાણવા જેવી છે. હજુ માંડ વીસ વર્ષના થાય તે પહેલાં એમણે એક દોસ્તાર સાથે નાના પાયે વિટામિન સપ્લિમન્ટ્સ વેચવાનો બિઝનેસ શરુ કરી દીધેલો. મહેનત દિવસ-રાત કરવાની, પણ કમાણીના નામે મોટું મીંડું. તોય એન્ડીને કામ કરવામાં મોજ પડતી, કેમ કે તેમને રોજ કંઈક ને કંઈક નવું શીખવા મળતું હતું. બાવીસેક વર્ષની ઉંમરે એમની સાથે એક દર્દનાક ઘટના બની ગઈ. થયું એવું કે એક દિવસ તેઓ પોતાની મેક્સિકન ફ્રેન્ડ સાથે રસ્તા પર જઈ રહ્યા હતા. પાછળથી કોઈ મવાલીએ ફ્રેન્ડને ઉદ્દેશીને રંગભેદી ટીખળ કરવા માંડી. એન્ડીનો પિત્તો ગયો. એમણે પેલા મવાલીને પડકાર્યો. બન્ને વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. વાત એટલી વધી ગઈ કે મવાલીએ એકાએક ખિસ્સામાંથી છરો કાઢીને એન્ડીના ચહેરા પર ભોંકી દીધો. એન્ડીને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એમનો આખો ચહેરો ખરાબ થઈ ચૂક્યો હતો. ૧૬૦ ટાંકા આવ્યા. ચહેરાની એક બાજુ નર્વ્ઝને એટલી હદે નુક્સાન થઈ ચૂક્યું હતું કે આજે ૩૯ વર્ષની ઉંમરે પણ એન્ડી પોતાના ચહેરાના એ હિસ્સા પર કશી સંવેદના અનુભવી શકતા નથી.
પેલી દુર્ઘટના પછી તેઓ તીવ્ર ડિપ્રેશનમાં સરી પડયા હતા. આ ગાળો ખાસ્સો લાંબો ચાલ્યો. દરમિયાન એક બીજી ઘટના બની. એક વખત એન્ડી શોપિંગ મોલમાં ખરીદી કરી રહ્યા હતા. અચાનક તેમણે એક યુવતી જોઈ, જેનો આખો ચહેરો દાઝી જવાને કારણે તદ્દન વિકૃત થઈ ચૂક્યો હતો. એન્ડીને જોઈને યુવતી બોલી ઉઠી: ‘અરેરે… તારા મોઢાને આ શું થઈ ગયું?’ એન્ડી એને તાકી રહ્યા. જે વ્યક્તિનો ખુદનો ચહેરો કુરુપ થઈ ચૂક્યો છે એ મને જોઈને આવું બોલે છે? થોડી વાર બન્ને ચુપ રહ્યાં ને પછી એક સાથે ખડખડાટ હસી પડયાં. બન્ને બરાબર સમજતાં હતાં કે સામેની વ્યક્તિ કેવી ભયાનક યાતનામાંથી પસાર થઈ ચૂકી છે.
‘એ અજાણી યુવતી સાથે થયેલી દસ મિનિટની મુલાકાતે મારી જિંદગી પલટી નાખી,’ એન્ડી કહે છે, ‘જાણે આંખના પલકારામાં મારો આખો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. મને થયું કે જીવનમાં ભલે ગમે તેટલી મોટી દુર્ઘટના થઈ ગઈ હોય, પણ તેને યાદ કરીને હસી શકાય છે. મારો ચહેરા પર ભલે છરાનો ઘા થયો, એ કંઈ એટલી મોટી વાત નથી કે આખી જિંદગી હું એનો ભાર લઈને ફર્યા કરું. જીવનમાં અપ્રિય ઘટનાઓ તો બનતી રહેવાની. ખરી મજા તેમાંથી બહાર આવી જવામાં છે…’
એન્ડીએ પછી તો બિઝનેસમેન તરીકે ઘણું કાઠંુ કાઢ્યું. આજની તારીખે તેઓ ફિટનેસના ક્ષેત્રમાં એકાધિક કંપનીઓ ધરાવે છે, જેનું ટોટલ રેવન્યુ ૧૦૦ મિલિયન ડોલર કરતાંય વધારે છે. તેમનું પોડકાસ્ટ વિશ્વમાં ટોપ-ફિફ્ટીમાં સ્થાન પામ્યું છે. તેઓ બેસ્ટસેલિંગ લેખક પણ છે. દુનિયાભરના ગણ્યા ગણાય નહીં એટલા લોકોએ એમના પરથી પ્રેરણા લઈને ‘૭૫ હાર્ડ’ ચેલેન્જ દ્વારા પોતાના જીવનમાં પરિવર્તન આણ્યું છે.
અત્યારે ગ્રીક દેવતા જેવું શરીર સૌષ્ઠવ ધરાવતા એન્ડી ફ્રિસેલા એક સમયે મિની સાઇઝના હાથી જેવા દેખાતા હતા તેવી કલ્પના કરી શકો છો? એમના દિમાગમાં ‘૭૫ હાર્ડ’નો આઇડિયા કેવી રીતે આવ્યો? કઈ રીતે તે આઇડિયા વાયા આપણા દેસી પહેલવાન અંકિત બૈયનપુરિયા થઈને પ્રાઇમ મિનિસ્ટર મોદી સુધી પહોંચી ગયો? આવતા શનિવારે વાત પૂરી કરીશું.
– શિશિર રામાવત
#vatvichar #gujaratsamachar #ankitbaiyanpuria #andyfrisella #75hardprogram
Leave a Reply