દાઢી ઊગે તે પહેલાં ગાડી ખરીદી લેવાની કળા
———————————–
લોકોમાં લાલચવૃત્તિ ભરપૂર છે. એમને ઘરે બેઠાં બેઠાં પૈસા કમાવા છે. પેસિવ ઇન્કમ જનરેટ કરવી છે. ગૃહિણીઓ બપોરે નવરાશના સમયમાં પૈસા કમાવવાના નુસખા શોધતી હોય છે. ભારતની અડધાઅડધ વસતિની ઉંમર ૨૫ વર્ષ કરતાં ઓછી છે, જે બિનઅનુભવી છે. લેભાગુઓ માટે આ યંગસ્ટર્સ સૌથી સોફ્ટ અને સેફ ટાર્ગેટ છે.
————————-
વાત-વિચાર – એડિટ પેજ – ગુજરાત સમાચાર
————————-
સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા – આ બન્ને માટે ‘લેજન્ડ’ શબ્દ વપરાય છે. લેજન્ડ શબ્દ હવે સાવ સસ્તો થઈ ગયો છે. એટલી હદે કે ક્યારેક તો નિકૃષ્ટ વ્યક્તિ માટે મજાકમાં લેજન્ડ વિશેષણ રૂપે વપરાય છે. અલબત્ત, તથ્યના સ્તરે કહેવું જોઈએ કે સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા બન્ને યુટયુબની દુનિયાનાં અતિ સફળ નામો છે. સંદીપ મહેશ્વરીની યુટ્યુબ ચેનલ અધધધ બે કરોડ ૮૩ લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે, જ્યારે વિવેક બિન્દ્રા બે કરોડ ૧૪ લાખ. બન્ને મોટિવેશન સ્પીકર છે. વિવેક બિન્દ્રા બિઝનેસ કોચ અને બિઝનેસ કન્સલ્ટન્ટ પણ છે. બન્નેના વીડિયો જોઈને હજારો લોકો, ખાસ કરીને યંગસ્ટર્સ, ઘણું શીખ્યા છે. તાજેતરમાં એક એવી ઘટના બની ગઈ કે ડિજિટલ દુનિયાના આ બન્ને મહારથીઓ સામસામા આવી ગયા. જે ‘૫૦૦ કરોડના કૌભાંડ’નો વિવાદ ફાટી નીકળ્યો છે તેને કારણે વિવેક બિન્દ્રાની પ્રતિષ્ઠા ખાસ્સી એવી ખરડાઈ છે. ખરડાવી પણ જોઈએ.
વિવેક બિન્દ્રા અગાઉ ઇંગ્લિશમાં વીડિયો બનાવીને યુટયુબ પર મૂકતા હતા, પણ અંગ્રેજી કરતાં હિન્દી ઓડિયન્સ ઘણું મોટું હોવાથી તેઓ પાચ-છ વર્ષથી હિન્દીમાં વીડિયો બનાવવા લાગ્યા. બિઝનેસ કેવી રીતે વિકસાવવો, લીડરશિપ ક્વોલિટી કેવી રીતે વિકસાવવી વગેરે તેમના વીડિયોનો કેન્દ્રિય મુદ્દા હોય છે. તેઓ ઘણી ઇવેન્ટ્સ પણ ઓર્ગેનાઇઝ કરતા જેમાં એન્ત્રોપ્રિન્યોર બનવા માગતા લોકો ટિકિટના પૈસા ખર્ચીને જબરદસ્ત ભીડ કરતા. પોતાનું એક વિરાટ ઓડિયન્સ ઊભું થઈ ચૂક્યું છે તેવી પ્રતીતિ થઈ એટલે વિવેક બિન્દ્રા બિઝનેસને લગતો કોર્સ તૈયાર કરીને તેને વેચવાની શરૂઆત કરી. એમબીએ પ્રકારના આ કોર્સમાં આમ જોવા જાઓ તો નવું કશું નથી. પ્રોડક્ટ ડિઝાઇન, સેલ્સ, માર્કેટિંગ વગેરેને લગતી થિયરીઓ અને ટિપ્સ, કે જે ઓલરેડી અનેક પુસ્તકોમાં ને વીડિયોમાં કહેવાઈ ચૂકી છે, તેને જ સરળ બનાવીને આ કોર્સમાં સામેલ કરવામાં આવી છે.
અહીં સુધી કશું ખોટું નહોતું. ખોટું થઈ ગયું ઓ કોર્સના ટાર્ગેટ ઓડિયન્સને પસંદ કરવામાં. એમનું ટાર્ગેટ ઓડિયન્સ ખરેખર તો નાના બિઝનેસમેન હોવા જોઈતા હતા, કે જે આ કોન્સેપ્ટ્સને વ્યવહારમાં મૂકીને પોતાનો બિઝનેસ વિકસાવી શકે. તેને બદલે વિવેક બિન્દ્રાએ બારમું ધોરણ પાસ કરેલા અથવા હજુ કોલેજમાં ભણી રહેલા ટીનેજરો ને જુવાનિયાને ટાર્ગેટ કર્યા. કોર્સ બે-ચાર હજારનો હોત તોય ખાસ વાંધો નહોતો, પણ વિવેક બિન્દ્રાના કોર્સ ૩૫ હજારથી એક લાખ રૂપિયા સુધીના છે. વિવેક બિન્દ્રા ખુદ પોતાના સેમિનારોમાં અને કંઈકેટલાય વીડિયોમાં આવીને ભારે જોરશોરથી કહેતા હોય છે કે, તમને સરખી દાઢી ઊગશે તેની પહેલાં તમારી પાસે ગાડી આવી જશે! હું ખુદ તમને ગેરંટી આપું છું કે મારો કોર્સ કર્યા પછી તમે મહિને દસ લાખ રૂપિયા કમાવા લાગશો. ધારો કે હું તમે મહિને દસ લાખ કમાવા માટે સક્ષમ ન કરી શક્યો તો તમારા બધા પૈસા પાછા!
આટલો સફળ માણસ જ્યારે આટલા આત્મવિશ્વાસથી દાવો કરતો હોય ત્યારે એની વાતોમાં આવી જવું સહેલું છે. ખાસ કરીને ૧૮થી ૨૫ વર્ષના જુવાનિયાઓ માટે. વિવેક બિન્દ્રાના ઓનલાઇન કોર્સ ધડાધડ વેચાવા લાગ્યા. કેટલાય ગરીબ માબાપોએ ઉછીઉધારા કરીને પણ પોતાના સંતાનને ૩૫થી ૫૦ હજારના કોર્સ ખરીદી આપ્યા. અરે, રોજ કમાઈને રોજનું ખાતા રીક્ષાવાળાઓ અને રેંકડીવાળાઓએ પણ જેમ તેમ પૈસા ભેગા કરીને આ કોર્સ ખરીદ્યો.
પછી શું થયું? શું એમને જે કોર્સ મટીરિયલ મળ્યું તે વાંચીને અને જે વીડિયો જોવા મોકલ્યા તે જોઈને છોકરાઓ મહિને લાખો કમાવા લાગ્યા? ના. છોકરાઓને ધીમે ધીમે સમજાવા માંડયું કે આ કોર્સ તેમને કશા કામનો નથી. એમણે પૈસા પાછા માગ્યા. શું વિવેક બિન્દ્રાએ ગેરંટી આપી હતી તે પ્રમાણે તેમને તરત રિફન્ડ મળી ગયું? ના. તેમને કહેવામાં આવ્યુંઃ તમે આ કોર્સ બીજા લોકોને વેચો. આ વેચાણમાંથી તમને ૩૦-૪૦ ટકા જેટલું કમિશન આપવામાં આવશે. આ રીતે તમે તમારા કોર્સના પૈસા રીકવર કરી લેજો! આનો સાદો અર્થ આ હતોઃ તમને આ કોર્સ નક્કામો લાગે છે, પણ તોય મારે એ યેનકેન પ્રકારેણ તે બીજાને ચીપકાવી દેવાનો છે! અરે, વિવેક બિન્દ્રાની ઓફિસમાંથી અમુક લોકોને એવું કહેવામાં સુધ્ધાં આવતું કે તમે કોઈને અપ્રોચ કરો ત્યારે બિન્દાસ કહેવાનું કે આ કોર્સ કરીને હું પોતે મહિને પાંચ લાખ કમાઈ રહ્યો છું. તમે આવો દાવો કરશો તો જ સામેનો માણસ કોર્સ ખરીદશે!
આ જ કૌભાંડ છે. છોકરાઓ ગયા હતા બિઝનેસ શીખવા. તેમને બનાવી દેવામાં આવ્યા સેલ્સમેન. તેમને આઇબીસી (ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કન્સલ્ટન્ટ) જેવું રૂપાળું નામ આવવામાં આવ્યું. ભારતમાં આવા એક લાખ કરતાંય વધારે આઇબીસી છે. સંદીપ મહેશ્વરીના શોમાં આ કોર્સથી દાઝેલા બે છોકરાઓએ પોતાની આપવીતી કહી. સંદીપ મહેશ્વરીએ વીડિયો બનાવીને અપલોડ કર્યો અને તે સાથે જ યુટયુબ પર વિસ્ફોટ થઈ ગયો. મજા જુઓ. સંદીપ મહેશ્વરીએ પોતાના વીડિયોમાં વિવેક બિન્દ્રાનું, એમની કંપનીનું કે કોઈનું પણ નામ સુધ્ધાં લીધું નહોતું, પણ કહે છેને કે ચોર કી દાઢી મેં તિનકા. વિવેક બિન્દ્રા ઘાંઘા થઈને સંદીપ મહેશ્વરી પર દબાણ કરવા માંડયુ કે પેલો વીડિયો હટાવી નાખો, જો નહીં હટાવો તો જોવા જેવી થશે! વિવેક બિન્દ્રા સામેથી કૂદી પડયા હોય પછી સંદીપ મહેશ્વરી શા માટે પાછળ રહે? એમણે બિન્ધાસ્તપણે આ કૌભાંડની ચર્ચા કરતા બીજા એક-બે વીડિયો બનાવી નાખ્યા ને ‘સ્ટોપ વિવેક બિન્દ્રા’ નામનું હેશટેગ પણ ટ્રેન્ડ કરાવી નાખ્યું.
વિવેક બિન્દ્રા હવે ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયા છે. તેઆ કહેવા માંડયા છે કે બીજાઓને કોર્સ વેચવાની સેલ્સમેનગીરી તો મારી ટીમમાંથી કોઈએ મારી જાણ બહાર શરૂ કરાવી દીધી હતી, ને મારા ધ્યાનમાં આ આવતાં ગયા મે મહિનાથી જ અમે આ બંધ કરાવી દીધું છે! વિવેક બિન્દ્રા અત્યારે વાંકમાં છે એટલે તેઓ હવે શાંતિ જાળવશે અને સંદીપ મહેશ્વરીના વીડિયોઝને રિએક્ટ નહીં કરે, પણ એમના કોર્સની સચ્ચાઈ બહાર આવી ગઈ છે, વિવેક બિન્દ્રાની બ્રાન્ડને જે નુક્સાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે.
વિવેક બિન્દ્રા પોતાના નામની આગળ ‘ડોક્ટર’ લગાડે છે, અને આ ત્રણ લાખ રૂપિયામાં શ્રીલંકાની કોઈ યુનિર્વસિટીમાંથી ખરીદેલી ફર્જી ડિગ્રી છે તે વાતેય અત્યારે ખૂબ હાઇલાઇટ થઈ રહી છે. તેઓ ખુદ દસ દિવસમાં ભોળા જુવાનિયાઓને એમબીએની ડિગ્રી આપે છે તે વાત કેટલી હાસ્યાસ્પદ છે. વિવેક બિન્દ્રાએ અગાઉ બિઝનેસ અને ભગવદગીતાને સાંકળીને વીડિયો સિરીઝ બનાવી હતી તેની વિરુદ્ધ આક્રોશ ઓલરેડી વ્યક્ત થઈ ચૂક્યો છે. ભગવદગીતાના પાયામાં જ નિષ્કામ કર્મની વાત છે, જ્યારે આ મહાશય કૃષ્ણ અને ગીતાને ટાંકીને બિઝનેસમાં નફો કેવી રીતે વધારવો તેનું મહાજ્ઞાાન પીરસે છે!
કુશાગ્ર બુદ્ધિમત્તા ધરાવતા હોશિયાર અને મહત્ત્વાકાંક્ષી માણસનું કેન્દ્ર જ્યારે સત્ય ન હોય, તે કોઈ જુદા જ કેન્દ્ર પરથી ઓપરેટ કરતો હોય ત્યારે આવો અનર્થ થઈ જતો હોય છે.
* * *
લોકોમાં લાલચવૃત્તિ ભરપૂર છે. એમને ઘરે બેઠાં બેઠાં પૈસા કમાવા છે. પેસિવ ઇન્કમ જનરેટ કરવી છે. ગૃહિણીઓ પાસે બપોરે નવરાશ હોય છે અને આ ફ્રી સમયમાં તેઓ પણ પૈસા કમાવવાના નુસખા શોધતી હોય છે. ભારતની અડધાઅડધ વસતિની ઉંમર ૨૫ વર્ષ કરતાં ઓછી છે. તેમનાં સપનાં મોટાં છે, પણ અનુભવ નથી. તેમને ફટાફટ પૈસાદાર બની જવું છે, મોંઘી ગાડીઓમાં ફરવું છે. તેઓ આલતુફાલતુ કોર્સ ખરીદી લે છે. કોર્સ ખરીદી લીધા પછી તેનાથી કશો ફાયદો ન થાય તો પણ એમનામાં પોતાની જાત વિશે, પોતાની ક્ષમતા વિશે એટલી બધી શંકા હોય છે કે તેઓ માની લે છે કે ના ના, કોર્સ તો સારો જ હશે, નક્કી મારામાં જ કંઈ ખામી છે! તેઓ બાપડા સામા સવાલ કરતા નથી. નથી તેમની પાસે કાયદાની જાણકારી હોતી. તેથી આ વર્ગ લેભાગુઓ માટે સૌથી સેફ ટાર્ગેટ છે. તેઓ યુવાનોને સ્કિલ્સને બદલે સપનાં વેચે છે. વિવેક બિન્દ્રા લેભાગુ નથી, એ ખરેખર હોશિયાર માણસ છે અને એમના વીડિયો જોઈને ઘણા લોકો ઘણું શીખ્યા છે, પણ એમનાથી આ કોર્સના મામલામાં કાચું કપાઈ ગયું છે એ તો નક્કી.
ઓનલાઇન સર્ફિંગ કરતી વખતે કે વો્ટ્સએપ પર ફ્રી સેમિનાર અથવા એક-દોઢ કલાકના ફ્રી વેબિનારનું આમંત્રણ મળે તો તરત સતર્ક બની જવું. આ ફ્રી વેબિનારનો આશય જ દોઢ કલાકને અંતે લોકોને કોઈક કોર્સ વેચવાનો હોય છે.
અદભુત વાક્છટા ધરાવતો સ્પીકર તમને કહેશે કે જો તમે એક, બે કે ચોવીસ કલાકની અંદર કોર્સ ખરીદી લેશો તો અઢાર હજારનો કોર્સ તમને ફક્ત પાંચ હજારમાં મળી જશે. લોકો આ એક-દોઢ કલાકમાં એટલા બ્રેઇનવોશ થઈ ગયા હોય કે ફટ ફટ કરતાં પાંચ હજારનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી નાખે છે.
ચેતજો!
– શિશિર રામાવત
#sandeepmaheshwari #vivekbindra #vaatvichar #gujaratsamachar
Leave a Reply